અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/રાજેન્દ્ર શાહ/આપણા દુઃખનું કેટલું જોર?

Revision as of 09:07, 24 June 2021 by HardikSoni (talk | contribs) (Created page with "<poem> {{space}}ભાઈ રે, આપણા દુઃખનું કેટલું જોર? નાની એવી જાતક વાતનો મચવીએ નહ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)

         ભાઈ રે, આપણા દુઃખનું કેટલું જોર?
નાની એવી જાતક વાતનો મચવીએ નહિ શોર!

ભારનું વાહન કોણ બની રહે? નહીં અલૂણનું કામ,
આપણ તો બડભાગી, ખમીરનું આજ ગવાય રે ગાન;
         સજલ મેઘની શાલપે સોહે રંગધનુષની કોર. ભાઈ રે.

જલભરી દૃગ સાગર પેખે, હસતી કમળફૂલ,
કોકડું છે પણ રેશમનું, એનું ઝીણું વણાય દુકૂલ;
નિબિડ રાતનાં કાજળ પાછળ પ્રગટે અરુણ ભોર. ભાઈ રે.

આપણે ના કંઈ રંક, ભર્યો ભર્યો માંહ્યલો કોશ અપાર;
આવવા દો જેને આવવું, આપણ મૂલવશું નિરધાર;
આભ ઝરે ભલે આગ, હસી હસી ફૂલ ઝરે ગુલમ્હોર. ભાઈ રે.

(સંકલિત કવિતા, ૧૯૮૩, પૃ. ૭૮૦-૭૯)