અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/રાજેન્દ્ર શાહ/બોલીએ ના કંઈ
Revision as of 09:19, 24 June 2021 by HardikSoni (talk | contribs) (Created page with "<poem> બોલીએ ના કંઈ, આપણું હૃદય ખોલીએ ના કંઈ, વૅણને ર્હેવું ચૂપ; નૅણ ભરી...")
બોલીએ ના કંઈ,
આપણું હૃદય ખોલીએ ના કંઈ, વૅણને ર્હેવું ચૂપ;
નૅણ ભરીને જોઈ લે, વીરા!
વ્હૅણનાં પાણી ઝીલનારું તે સાગર છે વા કૂપ!
વનવેરાને મારગ વિજન,
સીમ જ્યાં સૂની ગુંજતી કેવળ આપણું ગાયું ગાન;
ગામને આરે હોય બહુ જન,
લખનો મેળો મળીઓ રે ત્યાં કોણને કોની તાન?
માનમાં જવું એકલ વીરા!
તારલિયો અંધાર કે ઓઢી રણનો દારુણ ધૂપ!
આપણી વ્યથા,
અવરને મન રસની કથા, ઇતર ના કંઈ તથા.
જીરવી એને જાણીએ વીરા!
પ્રાણમાં જલન હોય ને તોયે ધારીએ શીતલ રૂપ!
(સંકલિત કવિતા, પૃ. ૨૧૪)