અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/અમૃત `ઘાયલ'/કચ્છનું પાણી
Revision as of 10:49, 24 June 2021 by HardikSoni (talk | contribs) (Created page with "<poem> ભાંભરું તોયે ભીંજવે ભાવે, વણબોલાવ્યું દોડતું આવે. હોય ભલે ના આંખ...")
ભાંભરું તોયે ભીંજવે ભાવે,
વણબોલાવ્યું દોડતું આવે.
હોય ભલે ના આંખની ઓળખ,
તાણ કરીને જાય એ તાણી.
વાહ રે ‘ઘાયલ’ કચ્છનું પાણી!
જાય હિલોળા હરખે લેતું,
હેતની તાળી હેતથી દેતું.
હેત હરખની અસલી વાતું,
અસલી વાતું જાય ન નાણી.
વાહ રે ‘ઘાયલ’ કચ્છનું પાણી!
આગવી બોલી બોલતું જાયે,
પંખી જેમ કલ્લોલતું જાયે,
ગુંજતું જાયે ફૂલનું ગાણું,
વેરતું જાયે રંગની વાણી.
વાહ રે ‘ઘાયલ’ કચ્છનું પાણી!
સ્નેહનું પાણી શૂરનું પાણી,
પોતના પ્રચંડ પૂરનું પાણી.
હસતું રમતું રણમાં દીઠું,
સત અને સિન્દૂરનું પાણી.
વાહ રે ‘ઘાયલ’ કચ્છનું પાણી!
(અગ્નિ, ૧૯૮૨, પૃ. ૨૬)