અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/નિનુ મઝુમદાર/પળો વીતેલ
Revision as of 10:56, 24 June 2021 by HardikSoni (talk | contribs) (Created page with "<poem> પળો વીતેલ જીવનની કરું છું યાદ ગુલશનમાં, ઠહર આંસુ! બહારા’વી છે મુ...")
પળો વીતેલ જીવનની કરું છું યાદ ગુલશનમાં,
ઠહર આંસુ! બહારા’વી છે મુદ્દત બાદ ગુલશનમાં.
નિહાળી હું શકું અહીંથી હજીયે આશિયાનાને,
તું શાને પીંજરું રાખે, અરે સય્યાદ ગુલશનમાં!
અમારી જિન્દગીમાં એ બહારા’વી નહીં પાછી,
ગુલો હર સાલ, બસ! કરતાં રહ્યાં ફરિયાદ ગુલશનમાં.
ઘડીભર વીજળી! થોડી વધુ દે રોશની મુજને,
હતી કઈ ડાળ મારી તે કરું છું યાદ ગુલશનમાં.
સવારે છે ચમન ભીનો કે ભીની છે નજર મારી?
પડ્યો શું રાતભર મોસમ વિના વરસાદ ગુલશનમાં?
બહારોમાં મળ્યો ના કોઈને પૂરો સમય રોવા,
દઉં છું એટલે હું પાનખરને દાદ ગુલશનમાં.
‘નિરંજન’ની વફાદારી વિશે, બસ! એટલું કહેજો,
હતો આબાદ ગુલશનમાં, હતો બરબાદ ગુલશનમાં.