મંગલમ્/કોડિયું

Revision as of 15:46, 27 January 2025 by Meghdhanu (talk | contribs)
કોડિયું

કોડિયું નાનું ભલેને હું,
રહેતું સદાયે ઝગમગતું… કોડિયું૦

સૂરજ પાસેથી શીખ સૌને મળે છે,
પથદર્શક બનનારે બળવું પડે છે,
સાક્ષાત્ સંદેશો સૂરજનો છું. કોડિયું૦

જગ આખું બગડ્યું છે કોણ એ સુધારે,
સૌને છે કામ ખૂબ એવું વિચારે,
તિમિર દૂર કરું હું નિરાશાનું. કોડિયું૦

સામટું આવે ભલે જગનું અંધારું,
તોયે હૈયામાં હું હિંમત ના હારું,
સ્પર્શે ના લાઘવનું અંધારું. કોડિયું૦

મારાથી થાય શું એ કદી ના વિચારું,
શક્તિ મારી બધી કામે લગાડું,
સંતાન આખરે તો સૂર્ય તણું હું. કોડિયું૦