અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/હરીન્દ્ર દવે/બાપુનો જન્મદિન
Revision as of 08:22, 28 June 2021 by HardikSoni (talk | contribs) (Created page with "<poem> આજ બાપુનો જનમદિન જ્યારથી સરકાર પાળે છે રજા ત્યારથી કેમેય ભુલાત...")
આજ બાપુનો જનમદિન
જ્યારથી સરકાર પાળે છે રજા
ત્યારથી કેમેય ભુલાતો નથી.
વાંચશું થોડા ગીતાના શ્લોક?
‘વૉઇસ ઑફ ઇન્ડિયા’ જોવા જવું છે,
ક્યાં સમય રહેશે?
ને ઉપવાસ?
ના રે એમ દૂભવ્યે જીવ
બાપુ તે કદી રાજી રહે?
રાજઘાટ જશું?
ચલો, સુંદર જગા છે,
ટહેલશું થોડું,
અને બે ફૂલ બાપુની સમાધિ પર મૂકી
કર્તવ્યનિષ્ઠા તો બતાવીશું.
ક્યાં બિચારાએ સહન થોડું કર્યું,
બે ફૂલનો તો હક્ક અદા કરવો ઘટે.
પ્રાર્થનાના તો ન શબ્દો યાદ,
પણ બાપુ સદા કહેતા હતા
કે હૃદય જો પ્રાર્થતું હોયે તો સાચી પ્રાર્થના.
આ રજાનો દિન,
હશે આકાશવાણી પર વધારે કાર્યક્રમ:
વ્યાખ્યાન કોઈ રાજનેતાનું —
જવા દો,
ગ્રામ પર મૂકો નવી રેકૉર્ડ.
આજ બાપુનો જનમદિન
ને રજા,
કેટલો જલદી દિવસ વીતી ગયો,
જેમ બાપુનું જીવન.