< સમગ્રમાંથી સઘન-વિવેચનશ્રેણી – અનંતરાય રાવળ
સમગ્રમાંથી સઘન-વિવેચનશ્રેણી – અનંતરાય રાવળ/શામળ ‘વાણિયાનો કવિ’
ચાલુ જમાનામાં ટૂંકી વાર્તા આપણા સાહિત્યનું એક મહત્ત્વનું અંગ બની ગઈ છે. ત્રૈમાસિકોમાંથી દૈનિકો સુધીનાં સામયિક પત્રો પોતાના અન્નદાતા ગ્રાહકોને સંતુષ્ટ રાખવા તેને પોતાનું એક આકર્ષણ બનાવી રહ્યા છે. ઊગતા લેખકો પણ વાર્તાને પોતાની કલમબાજીની કસરતનો અખાડો બનાવતા હોય છે, તથા પ્રતિવર્ષ અનેક વાર્તાસંગ્રહો પ્રગટ થતા જાય છે એ હકીકત વાર્તાની લોકપ્રિયતાની નિશાની છે.
વાર્તાની લોકપ્રિયતા કંઈ સાંપ્રતકાળની નવાઈ નથી. વાર્તા માટેની માણસની જિજ્ઞાસ તો માનવસ્વભાવનું અનાદિકાળથી ચાલ્યું આવતું લક્ષણ છે. ‘વારતા કહો’નું ધ્રુવપદ ઉચ્ચારી દાદાજી કે દાદીમા કનેથી નિતનિત એક વારતા કરાવતાં ને ઉત્કંઠ એકાગ્રતાથી તે સાંભળતાં બાળકોનાં આચરણમાં માનવીની આ વાર્તાલાલસાનું જ દર્શન કરી શકાય. માનવીની આવી સ્થાયી વાસના અણસંતોષાયેલી તો કેમ રહે? જમાને જમાને હરેક દેશમાં તેનું પોતાનું વાર્તાસાહિત્ય આથી રચાતું જ આવ્યું છે. ઇલિયડ અને ઓડેસીમાંની ગ્રીક કથાઓ, બાઇબલમાંની જેનેસિઝ અને સુબોધક દૃષ્ટાન્તકથાઓ, ઈસપની નીતિકથાઓ, કેલ્ટિક પરિકથાઓ, સ્કેન્ડિનેવિયાનુ ‘બયોવુલ્ફ’, બોકેશિયાનું ‘દકેમેરૉન’, ચોસરની ‘કેન્ટબરી વાર્તાઓ’ અને ઈટલીની વાર્તાઓ (નોવેલા) એ બધી યુરોપીય વાર્તાઓનો જથ્થો જો વિપુલ જણાય છે, તો આપણું ભારતીય વાર્તાસાહિત્ય પણ થોડું નથી. બ્રાહ્મણો ને ઉપનિષદોમાંની આખ્યાયિકાઓ, રામાયણ-મહાભારત તથા પુરાણોમાંનાં ઉપાખ્યાનો, બૌદ્ધ જાતકકથાઓ, સુબંધુની ‘વાસવદત્તા’, બાણની ‘કાદંબરી’ અને દંડીનું ‘દશાકુમારચરિત’, ‘હિતોપદેશ’ અને ‘પંચતંત્ર’માંની નીતિ-વ્યવહાર-બોધક પ્રાણીવાર્તાઓ, ‘કથાસરિત્સાગર’ અને ‘બૃહત્કથા’માંની વાર્તાઓ, તથા પ્રાકૃત અને અપભ્રંશ કાળમાં રચાયેલો ને આમજનતામાં તરતો રહેલો લોકકથાઓનો વિશાળ જથ્થો-આ સર્વનો કુલ સરવાળો ઓછો નહિ થાય. શામળના પુરોગામીઓની તેમ જ શામળની પોતાની કેટલીક વાર્તાઓનાં મૂળ આવી સામગ્રીમાં છે.
પણ આજની આ વાર્તાનું કલાસ્વરૂપ આપણું નથી. પશ્ચિમની વાર્તાકલાનું છે. આપણી સ્વદેશી વાર્તાશૈલી તો લોકવાર્તાઓની તથા શામળ અને તેના સંખ્યાબંધ પુરોગામીઓની વાર્તાઓની જ ગણાય. એવું વાર્તાસાહિત્ય આપણે ત્યાં ઓછું નથી. વિક્રમચરિત્ર, સદયવત્સચરિત્ર, નંદબત્રીસી, સિંહાસનબત્રીસી, સૂડાબહોતેરી, વૈતાલપચ્ચીસી, ઢોલામારૂ, હંસાવલી, રસમંજરી, પ્રેમાવતી, કામાવતી જેવી અનેક લોકકથાઓ સાથે તેમની ઘણી અસર વ્યક્ત કરતી તથા એનાં કણોમાંથી જેનો દેહ બંધાયેલો છે એવી શામળની પદ્યવાર્તાઓને તેમ જ ભાટચારણોની દંતકથાઓ, વીરગાથાઓ અને લોકવાર્તાઓને ભેળવીએ તો આપણું જૂનું ગુજરાતી વાર્તાસાહિત્ય કેટલું બધું ખીલ્યું હતું એ સમજાઈ જાય છે.
આટલા વિપુલ પ્રમાણમાં વાર્તાઓ પ્રાચીન અને મધ્યકાલીન સમયમાં રચાયાં કરી તે, તેને સારો લોકસત્કાર મળતો રહ્યો હશે એની સાબિતી ગણાય. અને કેમ ન મળે? ગામેગામ શાળાની કંઈક વ્યવસ્થિત યોજના છતાં આજની ઘડીયે આપણે ત્યાંની નિરક્ષરતાનું પ્રમાણ આપણને ચોંકાવે છે, તો એ સમયમાં બહોળો જનસમુદાય નિરક્ષર કે અલ્પશિક્ષિત હશે એ અનુમાન ખોટું નથી. એવો બહોળો ગ્રામીણ જનસમુદાય ધર્મશિક્ષણ અને નીતિબોધ માટે પુરાણીઓ, આખ્યાનો કહેનારા કથાકરો અને માણભટ્ટો પાસે જતો, તેમ મનોરંજન અને લોકાચારના જ્ઞાન માટે વાર્તાકરોનું શરણ શોધતો હશે. કથાકારો પુરાણાંતર્ગત કથાઓને ગુજરાતીમાં રજૂ કરી શ્રોતાઓને ધર્માભિમુખ કરતા. પણ માણસ આખરે માણસ છે. દૂરદૂરના ભૂતકાળની પોતાનાથી જાણે જુદી દુનિયાના નિવાસી અને પોતાના કરતાં બધી રીતે અતિકાય ને મહાન લાગતા પુરાણકથાઓમાંના મહાવીરો અને પુણ્યશ્લોક પુરુષોનાં પરાક્રમોનું એકશ્રુતિ ગાન બધો વખત સાંભળવાનું તેને રુચે નહિ. એને પોતાના જેવી જ માનવી એષણાઓ ને નબળાઈઓવાળાં ને પોતાની જ સંસારી દુનિયા પર વસતાં માનવીઓની કથાની જિજ્ઞાસા જાગે એ સમજી શકાય છે. વળી માણસ રોટી પર જ જીવતો નથી એ બાઇબલવાક્ય જેમ એક પક્ષે સાચું છે, તેમ બીજે પક્ષે એ પણ એટલી જ સાચી હકીકત છે કે માણસ બધો વખત ધર્મ પર પણ જીવી શકતો નથી. સંસારી લોકોને જ્ઞાન, ભક્તિ, નીતિ ને વૈરાગ્યની ધૂંસરી સાથે જોડાયેલી ન હોય તેવી સંસારી રસની વાતો માત્ર મનોરંજન માટે સાંભળવાનુંય મન તો થાય. એકધારા શુષ્ક જીવનમાં ખૂટતાં અદ્ભુતરસિકતા (Romance) અને સાહસનાં તત્વોને વાર્તાના કલ્પનાપ્રદેશમાં પૂરેપૂરાં વિલસતાં જોવાની અને એ રીતે શુષ્ક અને સાહસશૂન્ય જીવનની ઊણપ પૂરી, કલ્પનાજન્ય આનંદ માણવાની વૃત્તિ પણ માણસમાં હોય જ. આથી ભક્તિ-ઉપદેશ અને આખ્યાનની સાથે વાર્તાનું ઝરણ પણ આપણા પ્રાચીન સાહિત્યમાં લાંબા કાળ સુધી સમાન્તરે વહ્યા કરેલું જણાય છે. વળી એ જમાનામાં ઓછાં આજની માફક નાટક, સિનેમા, હોટેલ, રેસ્ટોરાં, ક્લબ વગેરે રંજનનાં સ્થાનો ને સાધનો હતાં કે લોકો જીવનસંગ્રામનો થાક ઉતારવા બે ઘડી આરામ ને આનંદ ત્યાં શોધે? એટલે કેટલેક અંશે માણભટ્ટોની કથાઓ અને મોટે ભાગે આવી વાર્તાઓ જ રંજનનું એકમાત્ર સાધન ત્યારે બની ગઈ હશે એમ માનીએ તો તેમાં શું ખોટું છે? વાર્તા સાંભળવાની લહેજત અત્યારના સિનેમા જેવી જ મીઠી તે જમાનાના લોકોને લાગી નહિ હોય? ઊજળી દૂધ જેવી રાતે રખીદાસની ડેલીએ કે ચોરે ઢોલિયો ઢાળીને બેઠેલા શામલ ભટને મોઢેથી રાતોની રાતો સુધી રોજ રોજ ચલ્યા કરે એવી રસપૂર્ણ વાર્તાઓ સાંભળવા એકઠી થતી સિંહુજની ગ્રામવસ્તી થોડી હશે?
આવી પરિસ્થિતિમાં લગભગ અઢીસો વર્ષ ઉપર શામળ જન્મે છે અને પોતાના પુરોગામી જૈન અને જૈનેતર કવિઓની વાર્તાઓને તેમ જ ઘણી પ્રચલિત લોકવાર્તાઓને સુધારી મઠારી નવું સ્વરૂપ આપી પોતાની એવી વિશિષ્ટ રીતે કવે છે કે એ સૌ પુરોગામીઓને તે થોડા જ સમયમાં ઝંખવી ઢાંકી દે છે. વાયકા પ્રમાણે જુના ગુજરાતનો વાર્તાસમ્રાટ બનવા નિર્માયેલો એ જુવાન પ્રથમ તો તે વખતમાં બ્રાહ્મણોને માટે આર્થિક દૃષ્ટિએ કસદાર મનાતા પુરાણીના ધંધા માટે નાનાભટ પાસે તાલીમ લઈ પુરાણી તરીકે ઝુકાવે છે. ઉત્સાહથી શરૂઆત કરે છે પણ તેને સફળતા મળતી નથી. ઠેરઠેર ગામેગામ તે કથા કરે છે પણ પ્રેમાનંદના જેવા તેની જીભમાં જાદુ આવતો નથી, લોકો આકર્ષાતા નથી ને જરાક આકર્ષાવા માંડે છે ત્યાં તેના ધંધાભાઈ પુરાણીઓની ઈર્ષ્યાજન્ય ખટપટ તેને પરેશાન કરી નાખે છે. બીજી બાજુ, પુરાણોમાં એક વખત કહેવાઈ ગયેલી કથાઓને ગુજરાતીમાં કહ્યા કરવાનું પણ તેને રુચતું નથી અને ઊંડે ઊંડેથી અંતરાત્મા પણ તેને ‘કહ્યું કથે તે શાનો કવિ’ એમ ટોણા માર્યા કરે છે. સમકાલીનો તથા પ્રેમાનંદ જેવા નજીકના જ પુરોગામીઓના ચીલાને ગાડરની માફક અનુસરવા કરતાં નવે જ માર્ગે પ્રસ્થાન કરવાની અભિલાષા પણ અંતરમાં ઉછાળા માર્યા કરે છે. પણ એ નવો માર્ગ કયો લેવો? નાનપણમાં સાંભળેલી વીર વિક્રમની વાતો તેને સાંભરી આવે છે. એ વાર્તાઓનું જે આકર્ષણ વર્ષો સુધી તેણે હૈયામાં સંચી રાખ્યું છે, તે જોર કરે છે. પુરાણી મટી વાર્તાકવિ બનવાનો તે નિશ્ચય કરે છે. એ નિશ્ચયનો અમલ કરતાં પ્રથમ પ્રયત્ને જ તેને પ્રતીતિ થઈ જાય છે કે આખ્યાન ને કથામાં પોતાની પાસે જે ખૂટતું લાગતું હતું તે એની મેળે વાર્તામાં આવી જાય છે. પછી તો શ્રોતાઓને એની વાર્તાઓની લગની લાગે છે ને તેથી પ્રોત્સાહિત બની વેંગણપુરનો એ શ્રીગોડ બ્રાહ્મણ વધારે ને વધારે વાર્તાઓ લખતો જાય છે. જેમજેમ લખતો જાય છે તેમતેમ વાર્તાલેખનમાં તેને વધુ ને વધુ ફાવટ ને મજા આવતાં જાય છે. લોકોને વાર્તાઓ ગમે છે એ જાણતાં તેમની રગ ચતુરાઈથી પારખી લઈને વાર્તાને જ પોતાની વિશિષ્ટતા એ બનાવી દે છે. ‘પદ્માવતી’, ‘સિંહાસનબત્રીસી’, ‘વૈતાળપચ્ચીસી’, ‘સૂડાબોંતેરી’, ‘મદનમોહના’, ‘નંદબત્રીસી’, ‘વિનેચટ’, ‘સુંદર કામદાર’, એવીએવી વાર્તાઓ તો તે આપે છે એટલું જ નહિ, પણ ‘ઉદ્યમકર્મસંવાદ’ જેવી કૃતિઓમાં પણ વાર્તાઓ આપ્યા વિના પછી તો તેને જાણે ચેન પડતું નથી. વાર્તા માટે ‘શિવપુરાણ’માં પણ તેને જોઈતો અવકાશ મળી જાય છે. થોડા જ વખતમાં અમદાવાદથી સિંહુજ સુધી અને સિંહુજથી સમસ્ત ગુજરાતમાં શામળભટ વાર્તાકાર તરીકે પંકાઈ જાય છે.
એની વાર્તાઓ શ્રોતાવર્ગ આગળ કહી સંભળાવવાની વાતો છે એટલું યાદ રાખીએ તો વિધવિધ કોટિના વાચકો વડે ફુરસદને વખતે વંચાવા સર્જાયેલી આજની નવલિકાના કરતાં તેનું કલાસ્વરૂપ અને ઘડતર કેમ જુદા પ્રકારનું છે તે સમજાઈ જશે. દરેક સાહિત્યકાર તેના જમાનાનું અને પરિસ્થિતિનું સંતાન હોય છે. સાંભળનાર વર્ગની રુચિ, મનોભૂમિકા તથા વાર્તાકાર પાસેથી તેણે રાખેલી અપેક્ષાએ જ આપણી આ જૂની પદ્યવાર્તાનું સ્વરૂપ ઘડ્યું છે. કહેવાની અને સાંભળવાની વાર્તામાં શ્રોતાજનોની આંખને નહિ પણ એમના કાનને કામ કરવાનું છે, તેથી સીધા કથન(direct narration)નો આશ્રય લેવામાં આવે તેમ જ વાર્તાનો ઉપાડ અર્વાચીન નવલિકાની માફક અધવચમાંથી કે ફાવે ત્યાંથી નહિ પણ પ્રથમ બીજથી જ સીધેસીધો કરવામાં આવે, તે જરૂરનું બને છે. વળી, આખ્યાનકાવ્યોથી ટેવાઈ ગયેલા લોકોને વાર્તા, દેવકથાને બદલે માનવકથા વર્ણવાઈ હોય તેટલા જ ફેરવાળું પણ બાકી તો આખ્યાન જ લાગે તેવી નેમ પણ શામળ જેવા વાર્તાકારની વાર્તાશૈલીની રહી હોય એમ લાગે છે. આથી શારદા, ગણપતિ, બટુકનાથ, બહુચરમાત, દશરથનંદન, શ્રી ગુરુ, આદિમાંથી જે પદ્યમાં બેસી જાય તેમને સંભારી તેમની પાસે ‘રૂડી મત્ય’ તથા ‘કરુણા’ માગીને એવું મંગળાચરણ કર્યા બાદ જ શામળ પોતાની વાર્તાનો આરંભ કરે છે. અન્તમાં પણ આખ્યાનકવિની માફક પોતાને વિશે, પોતાના આશ્રયદાતા રખીદાસને વિષે અને ગ્રંથ રચાયાની સાલ તથા મિતિ વિશે ઉલ્લેખ કરી એ ગ્રંથસમાપ્તિ કરે છે. વાર્તાના વિસ્તાર પરત્વે એટલું કહેવાનું કે એ વાર્તાઓનો શ્રોતાવર્ગ કંઈ આજના દોડધામના યુગનો ન હોતો કે વધુમાં વધુ દોઢ બે કલાકમાં પૂરી થાય તેવી જ વાર્તાઓ એને ખપે. વાળુપણી કરી નિરાંતે વાર્તાકાર પાસેથી વાર્તા સાંભળવા દર રાત્રે એકઠા થતા એ વર્ગને ઘણા દિવસ સુધી ચાલે તેવી વારતાનો કશો વાંધો હોય નહિ. બલકે એવી વાર્તા એમને વિશેષ ગમે. આથી વાર્તાને પાથરી લંબાવી મલાવીને કહેવાની વાર્તાકારને ટેવ પડી જાય છે આવો વિસ્તાર શામળ જેવાને જરાય અઘરો નથી પડતો. વાર્તામાં અનેક આડકથાઓ કે ઉપવાર્તાઓ આવે તેમાં કશો વાંધો નહિ. એવું ‘હિતોપદેશ’, ‘પંચતંત્ર’ ઇત્યાદિ વાર્તાગ્રંથોએ તેમ જ પુરોગામી લોકકથાઓએ તેને શીખવ્યું છે. આવી અનેક આડકથાઓનાં જૂથ આવતાં રહે, વચમાંવચમાં શ્રોતાઓને બુદ્ધિકસણીનો આનંદ આપવા સમસ્યાબાજી મુકાતી રહે, તક મળતી જાય તેમ-તેમ અવારનવાર વ્યવહારબોધ કરાવનારાં શિખામણનાં વચનો અને સામાન્ય નીતિસૂત્રો દમામભેર ઉચ્ચારાતાં રહે, અને એમ આખી વાર્તા આવાંઆવાં તેનાં અંગભૂત બની ગયેલાં તત્ત્વોનાં ઝરણાંમાંથી પુષ્ટ બનતી વિપુલ નદી જેવી બની જતી. આમ થતાં લોકોને મનોરંજન, બુદ્ધિચાતુર્ય, વ્યવહારજ્ઞાન અને નીતિબોધ, બધું એકસાથે સામટું વાર્તામાંથી જ મળી રહેતું. એ રીતે શામળ પણ એકસાથે રંજક અને ઉપદેશક બની પોતાની આવડત અને પ્રતિભાના પ્રમાણમાં લોકોનો સંસ્કારદાતા પણ બની રહે છે.
આ લોકરંજન એ કેવી રીતે કરે છે? લોકોને રંજન જોઈતું હતું તો તેમના જીવનનો થાક ભુલાવી જીવનને ચોમેરથી જકડતી દીવાલો અને સમાજબંધનોની વાડોમાં ચેતનનો ગૂંગળાટ નસાડી નવી જ કલ્પનામનોહર સૃષ્ટિમાં શામળ એમને લઈ જાય છે. એ સૃષ્ટિમાં રસ છે, જીવનનો ઉલ્લાસ છે, સાહસ છે, પ્રેમ છે, અદ્ભુત ચમત્કારોની શક્યતા છે. બધું જ છે. આ વાર્તાસૃષ્ટિમાં પ્રવેશ કરતાં માણસ ઘડીભર આ દુનિયાને ભૂલી જાય છે ને તે પ્રદેશનો સમભાવી મુગ્ધ દ્રષ્ટા બની રહે છે. શામળનો શ્રોતા એ દુનિયામાં આ દુનિયાની ઘણી અધૂરપો પૂરી થતી અનુભવતો હશે. આ દુનિયામાં આપણે ત્યાં છોકરીઓને પૂરતું શિક્ષણ મળતું નથી ને વહેલી પરણાવી દેવામાં આવે છે,ખરું? પણ ત્યાં તો કન્યાઓ પૂરું શિક્ષણ મેળવી અનેક કળાઓમાં પારંગત બને છે, અનેક પુરુષોને સમસ્યાબાજીમાં હંફાવી પોતાના હાથ માટે નિરાશ કરે છે, આમરણ કુંવારી રહેવાનો નિશ્ચય કરે છે, અને ‘જ્યાં આત્માએ આત્મનને ઓલખ્યો’ કે તરત માબાપની સંમતિની અપેક્ષા રાખ્યા વિના ‘દગબાણથી પ્રારબ્ધ લેખ’ લખી નાખી પોતાના મનમાન્યા પુરુષને વરી લે છે! અહીં માંડ માંડ પેટગુજારા પૂરતા અનાજના પણ કેટલા સાંસા હોય છે! પણ ત્યાં તો કોઈ પરદુઃખભંજન વિક્રમ વીરની સહાયથી કે કોઈ સિદ્ધની જડીબુટ્ટી કે પ્રસાદીથી અઢળક ‘અલખત’ ખડી થઈ જાય છે. અહીં માંડ એક સ્ત્રીને પરણવાનું બનેછે અને પછી તે જેવી હોય તેવી, તેની સાથે પડ્યું પાનું સુધારી લેવું પડે છે, નહિ? પણ શામળની વાર્તાની દુનિયામાં તો જરાક ચતુરાઈ ને ‘પાણી’ હોય તો એક શું એકવીસ સ્ત્રીઓના પતિ થઈ શકાય છે. અરે, કેટલીક વખત તો પોતાની પરણેતર જ બીજી સ્ત્રીઓને પેલી મોહનાની માફક પોતાને માટે પરણી લાવે એવીય સગવડ ત્યાં હોય છે! અહીં મહાજન ને શાસ્રાજ્ઞાના રખેવાળો કોઈ દિવસ ‘સમદર મહારાજ’ પર પગ મૂકવા દે ખરા? પણ ત્યાં તો સાત-સાત સાગરની ખેડ કરી વેપાર કરી અઢળક ધનસમૃદ્ધિનાં વહાણનાં વહાણ ભરી લાવનારા તો કેટલાય વણિકપુત્રો મળી આવે ને ત્યાં અહીંનાં નાતજાતનાં બંધનો તો મળે જ નહિ! જીવનને એ વાર્તાસૃષ્ટિમાં કોઈ કૃત્રિમ પાળો હોતી નથી. વર્ણાન્તર લગ્નો તેમ જ સ્નેહલગ્નો અને ઇચ્છાલગ્નો તો ત્યાં એટલી છૂટથી થાય છે કે એવાં બેચાર રડ્યાંખડ્યાં લગ્નોને છાપરે ચઢાવતાં ને એનાં કરનારાંની અજબ છાતીની જાણ જગતને કરનારાં આપણાં વીસમી સદીનાં છાપાં તે વેળા હોત તો આખાં ને આખાં પાનાં એને માટે તેને ભરવાં પડત!
બીજી રીતે જુઓ તોપણ કેવી અજબ લાગે છે એ દુનિયા! સિદ્ધો, જોગણીઓ, દેવદેવીઓ, આ બધાં તો ત્યાં હાજરાહજૂર હોય છે. અલબત્ત તેમને પ્રસન્ન કરવાં હોય તો તેમને બત્રીસલક્ષણાઓના ભોગ આપતાં, ને નહિતર પેટમાં પાળી મારીને આત્મહત્યા કરતાં, અથવા કમળપૂજા કરતાં, ડરવું ન જોઈએ. એક વેતાલવીર જો પડખે હોય, અને હરસિદ્ધ માતા સહાય થાય, તો પછી જગત તો શું ઇન્દ્રાદિ દેવતાઓની સામા ચેલેંજ ફેંકતા પણ, પેલા વિક્રમની માફક વાંધો આવે નહિ. વળી અંતર્ધાન થવાની વિદ્યા, મરેલાંને સજીવન કરવાના મંત્ર, અગ્નિ, સમુદ્ર વગેરેમાંથી અણદાઝ્યા અને અણભીંજાયા પસાર થવાની વિદ્યા, પરકાયાપ્રવેશ, પાતાલગમન, માણસમાંથી પોપટ, પુરુષમાંથી સ્ત્રી અને સ્ત્રીમાંથી બિલાડી બનાવી દેવાની વિદ્યા, ઊડણપાવડી કે ઊડણદંડની મદદથી આકશવિહાર કરવાની શક્તિ, લાખો માઈલોનું અંતર સહેલાઈથી અતિક્રમવાની શક્તિ – આ ને આવી બધી આપણે મન જે નવાઈઓ ગણાય તે તો શામળી સૃષ્ટિમાં રોજની સાધારણ છે. જન્મજન્માંતરની હકીકત પણ ત્યાં ઘણાને સાંભરે છે. વળી તિર્યગ્યોનિનો આપણે કરીએ છીએ તેવો તિરસ્કાર ત્યાં નથી થતો. પોપટ, નાગ, હંસ, વગેરે ત્યાં માણસની ભાષામાં વાત કરે છે, એટલું જ નહિ પણ નંદરાજા જેવા કામાતુર રાજાની તેમ જ કામવશ બનવા જતી એક પ્રોષિતભર્તુકાની પણ સાન એક પોપટ ઠેકાણે લાવે છે. ને એક હંસ તો એક વાર્તાના નાયકને પોતાની ખાંધ પર તેને ઘેર પહોંચાડી તેનો સહાયક બને છે! આ રીતે તે વાર્તાના કથાવસ્તુમાં ઠીક ભાગ પણ ભજવતાં હોય છે.
આવી વાર્તાઓને વાસ્તવદર્શી કહી શકાય ખરી? કેટલીક વાર્તાઓમાંની કવિનિર્મિતિ બ્રહ્માની નિર્મિતિ કરતાં ચાર ચાસણી ચડી જાય છે. વાર્તાઓમાંના કાલ્પનિક ને અદ્ભુત તત્ત્વને લીધે પરિકથાઓની જેવી અદ્ભુતરસિક વાર્તાઓ આ બધી બની ગઈ છે. પરિકથાઓ બાળકોને બહુ ગમે છે, તો શામળનો શ્રોતાવર્ગ પણ અત્યારની આપણી પેઢીને મુકાબેલ મુગ્ધ બાલદશાનો ન ગણાય? આપણે અત્યારે આ વાર્તાઓના કલ્પાનપ્રધાન વાતાવરણને સાચું નહિ માનવાના, જ્યારે એ લોકો તો વાર્તાના શ્રવણ દરમિયાન પોતાની જાતને ને આસપાસની વાસ્તવિક સૃષ્ટિને સદંતર વીસરી જઈ કલ્પનાબળે આ વાર્તાઓની મનોહર અદ્ભુતરંગી સૃષ્ટિમાં જ વિહરવા મંડી જતા અથવા તેના મુગ્ધ દ્રષ્ટાઓ બની જતા હોવા જોઈએ. આમ છતાં શામળે ક્યાંયે પોતાના શ્રોતાવર્ગની ભોળી શ્રદ્ધાળુતા પર અત્યાચાર નથી કર્યો. એ બહોળા જનસમુદાયની જ પ્રચલિત માન્યતાઓ, વહેમો, ઇત્યાદિનો તેણે વાર્તાઓમાં ઉપયોગ કર્યો છે. પણ આથી તેની વાર્તાઓમાં તેના જમાનાના જીવનનું વાતાવરણ યથાતથ ઊતર્યું છે એમ નહિ કહી શકાય. ઊલટું તેની વાર્તાઓમાં આપણે આગળ જોયું તેમ ઘણી એવી બાબતો વર્ણવાઈ છે જે તેના જમાનામાં હતી નહિ. આથી જ ગોવર્ધનરામને મધ્યકાલીન ગુજરાતી કવિઓ પરના એમના સુંદર નિબંધમાં એક કહેવાનું મન થઈ ગયું કે શામળ પોતાના જમાનાથી આગળ ગયો છે. ઇરાદાપૂર્વક શામળે લોકોને આદર્શ બતાવવાનું ‘મિશન’ રાખ્યું હશે એમ તો કેમ કહેવાય? પણ નવાં પરાક્રામો, સાહસો, પ્રેમ, અદ્ભુતતા, ઇ.વર્ણવવા જતાં આવું ચિત્ર તેનાથી દોરાઈ ગયું એમ જ માનવું વધુ ઠીક છે.
શામળની આ વાર્તાઓની પાત્રસૃષ્ટિ કેવી છે? એમાં રાજાઓ છે, પ્રધાનો છે, વાણિયા છે, બ્રાહ્મણો છે, વણઝારા છે, સ્ત્રીઓ છે, ગણિકાઓ છે, જોગણીઓ છે, બાવનવીર વૈતાલ છે, અને નાગ, પોપટ, હંસ, આદિ મનુષ્યેતર જીવો પણ છે. આ પત્રો સાહસશૂરાં, બુદ્ધિચતુર, પરોપકારપરાયણ અને દેવદેવીઓનાં ઉપાસક હોય છે. એ સૌમાં સૌથી વધુ ધ્યાન ખેંચશે ‘સિહાંસનબત્રીસી’ અને ‘વૈતાલ પચ્ચીસી’ વાર્તાઓનો નાયક ઉજેણી નગરીનો રાજા વિક્રમ. એ ‘પરદુઃખભંજણો’ રાજા તો બેડન પોવેલના કોઈ સ્કાઉટ જેવો રજ એક સારું કામ કરવાના ‘નીમ’વાળો લાગે છે! બીજી રીતે એ નરસિંહ મહેતાની ભાવનાના ‘વૈષ્ણવજન’ જેવો લાગે, કારણ હર્ક્યુલીસનાં જેવાં અનેક અશક્યવત્ ભગીરથ કાર્યો કોઈ દુખિયાં કાજે હાથ ધરતાં ને પાર ઉતારતાં છતાં, એ ‘મન અભિયાન ન આણે રે. વિક્રમ નગરચર્ચા જોવા મધ્યરાત્રિએ નીકળે તે વેળા કોઈ દુખિયારા માનવીને આપઘાતનો પ્રયાસ કરતો જુએ, તેને તેમ કરતો અટકાવી તેનું દુઃખ નિવારવાનું તે માથે લે, દ્રવ્ય, વરદાન, કમળ, સિંહલદેશની પદ્મિણી ને એવુંએવું ઘણું તેને મેળવી આપે, ત્યારે પેલું ઉપકૃત માનવી હંમેશાં સંકુચિત ને લોભી બની ‘હુંયે આમ કરત તો આ બધું મનેજ મળે કે નહિ?’ એમ કહે, જવાબમાં ઉદારચરિત વિક્રમ ‘જા ઉપાડ, એ પણ તારું’ કહી જે વધારાની ચીજો પોતાના સાહસના ફળ તરીકે પોતે મેળવી લાવ્યો હોય તે પણ એને આપી દે – આવી યોજના ‘સિંહાસનબત્રીસી’ની ઘણી વાર્તાઓની છે. થોડો સમય કામવશ બનેલો પણ પ્રધાનપત્નીની યુક્તિથી તથા પોપટની ચતુરાઈથી અને પોતના અભિજાત સંસ્કારોના બળથી શુદ્ધ જ રહેનાર નંદરાજા, ઈર્ષ્યાની આગનો ભોગ બનેલો ઑથેલોના મશિયાઈ ભાઈ જેવો પ્રધાન વૈલોચન, રસિક, ચતુર વણિકપુત્ર મદન, ઠગવિદ્યા કરી વિક્રમનેયે મહાત કરનાર તેનો પુત્ર, વગેરે બીજાં પાત્રો અને વિક્રમનાં પરાક્રમોનાં નિમિત્ત કે પ્રેરક બનનાર અનેક ગૌણ પાત્રો માનવીઓના જુદા જુદા નમૂનાઓ જેવાં આ વાર્તાઓમાં રજૂ થયાં છે.
પણ પુરુષપાત્રો કરતાં શામળની વાર્તાઓનાં સ્ત્રીપાત્રો વિશેષ તેજસ્વી, ચતુર, કાર્યદક્ષ ને આકર્ષક લાગે છે. પુરુષને કદી નહિ વરવાનો નિશ્ચય કરનારી સ્ત્રીઓ,* પોતાની સમસ્યાનો સાચો ઉત્તર આપનારને જ પરણનારી યુવતીઓ (જુઓ ‘મદનમોહના’), પ્રથમ નજરે જ કોઈ પુરુષને પોતાનો ભરથાર થાપી દેનારી સ્ત્રીઓ, પોતે મનથી વરેલા પતિના મોતના ખોટા સમાચાર સાંભળતાં પણ જીવ કાઢી આપવા તત્પર થતી સ્ત્રીઓ (‘વૈતાલપચ્ચીસી’ – વાર્તા ૧લી), મોહનાની પેઠે પુરુષવેશ ધારણ કરી અનેક સાહસ કરી પોતાની ચતુરાઈથી અનેક સ્ત્રીઓને પરણી લાવી પોતાના પતિને આપનારી સ્ત્રીઓ, ઉમાદે જેવી ઊડણદંડની માલિક ને જોગણીઓને અઘોર ઉપાસનાથી સાધનારી સ્ત્રીઓ, રાજાની સવારી વેળા પોતાની દાસીઓ દ્વારા છાર વળાવનાર ને રાજાના દેહને રજથી ભરી દેનાર દેવદમની ઘાંચણ જેવી શક્તિશાળી ગુમાની માનિનીઓ, નંદરાજાને પોતાના સતીત્વના પ્રભાવથી સજીવન કરનાર વૈલોચનપત્ની જેવી સતીઓ, ગણિકાઓ, વિક્રમ જેવા પુરુષવીરને ઓળખતાં ને જોતાં તેને વરવા તત્પર થઈ જનારી ધૃષ્ટ યુવતીઓ – શામળે સર્જેલી નારીસૃષ્ટિ આમ મુકાબલે વધુ આકર્ષક છે. એ સ્ત્રીઓ હોશિયાર, કલાનિપુણ, સાહસિક, સમસ્યાદક્ષ અને કેટલીક વાર સ્ત્રીચારિત્ર્યમાં પાવરધી હોય છે, પુરુષ સમોવડી બની કેટલાંય કાર્યો સાધનારી શક્તિપુત્રીઓ હોય છે. (પણ શામળને આપણા કનૈયાલાલ મુનશીની માફક એવી કટેવ છે કે એવી સ્ત્રીઓનું સ્વમાન કે ગુમાન એ ઝાઝી વાર ચાલવા દેતો નથી. એવી સ્ત્રીઓને એ આખરે પરણાવી દે છે. )
આ વાર્તાસૃષ્ટિની ઊડીને આંખે વળગે એવી એક વિશેષ્ટતા એ છે કે તેનાં નિવાસી સ્ત્રીપુરુષોને સમસ્યાબાજીનો ઘણો શોખ હોય છે. ઘણાં પાત્રોને તો એના વિના ચેન પડતું ન હોય એવું લાગે છે. મધરાતે નગરચર્ચા જોવા નીકળેલો નંદરાજા સરોવરકિનારે ધોબીને એવે કવખતે ધોતો જુએ છે અને એનીસાથે વાત આરંભે છે, ત્યારે એ બંનેનો અરસપરસ પરિચય ને પછીની બધી વાતચીત સમસ્યામાં જ થાય છે! શામળની વાર્તામાં તો ધોબી પણ આવો સમસ્યાનિપુણ! ‘મદનમોહના’માં મોહનાના ભણતરની કસોટી શિક્ષાગુરુ સમસ્યાથી લેતા હોય છે ત્યારે મદન એ બંનેનો જાતનિયુક્ત ‘રેફરી’ કે ‘અમ્પાયર’ બની બેઉને સાચાં કહે છે. એથી જ તો મોહના તેની પ્રત્યે આકર્ષાય છે. રૂપાવતીની રાજપુત્રીને પણ સમસ્યા બહાદુર મદન તેની સમસ્યાનો સંતોષકારક ઉત્તર આપી પરણે છે. ‘સિંહાસનબત્રીસી’માંની રૂપાવતીની વાર્તામાં એક દુહો સમસ્યારૂપે લખવામાં આવ્યો છે. જેના અનેક અર્થ થાય છે. એ જ ગ્રંથમાં સાતમી નાપિકની વાર્તામાં પણ સમસ્યાનો થોડોક ઉપયોગ શામળે કરી લીધો છે. ‘વૈતાસપચ્ચીસી’માં વિક્રમ શબને ઉપાડે ત્યાં તેને વાર્તા કહી તેના અન્તમાં તે વાર્તાનો જ કોયડો તેને પૂછે અને વિક્રમ તેનો સાચો ઉત્તર દે, એમ પચીસ વાર બનતું વર્ણવ્યું છે તે પણ સમસ્યાખેલનો પ્રકાર છે. ‘નંદબત્રીસી’માં રાજા પોતે શુદ્ધ છે એમ સાબિત કરવા માટે, તેમ જ પ્રધાન પોતાનો વહેમ સાચો છે એમ પુરવાર કરવા માટે, છ-છ વાર વાવમાં પાણી પીવાને બહાને જઈ ભીંત પર વારાફરતી સામસામા દોહરા લખી આવે છે, ત્યાં પણ આડકતરી રીતે કહેવાનો એ ઉપાય સમસ્યાની જ નાતનો કહેવાય. ‘વૈતાલપચ્ચીસી’ની ૧૧મી વાર્તાની નાયિકાની સાંકેતિક ચેષ્ટાઓના ઉકેલમાં પણ સમસ્યા ઉકેલવાનો પ્રકારની જ ચાતુરી છે.
આવી સમસ્યાઓ શામળના પુરોગામીઓની વાર્તાઓમાં ઘણી હોય છે. વસ્તુતઃ બુદ્ધિચાતુરીવિલાસ પુરોગામી વાર્તાઓનો જ વારસો છે. વાર્તાઓમાંનું એ તત્ત્વ બાળકો નેમોટેરાંઓનાં વરત ને ઉખાણાં જેટલું જૂનું છે. એ વેળાના સમાજનું એ ફુરસદનું રંજન અને બુદ્ધિવર્ધક મનોવ્યાયામ હશે. જેમ આ વાર્તાઓમાં તેમ ભવાઈના વેશોમાં પણ પાત્રો સામસામી ‘હરિયાળીઓ’ લલકારી સમસ્યાઓના સવાલ-જવાબ કરતાં હોય છે. ‘રામદેવ’ના વેશમાં તો પુષ્કળ સમસ્યાઓ છે. લેખક તરીકે ત્યાં અસાઈત નામ આવે છે, પણ સમસ્યાઓનો પ્રકાર શામળનો જ જોઈ લો. ક્યાંક તો શામળનું નામ પણ ચમકી જાય છે. શામળે આ લોકવલણ ને સમસ્યાની જૂની પરંપરા ઓળખી તેના સ્વાદની ચટક લોકોને ઘણી લગાડી છે. પછી તો જેમ અત્યારનાં દેશી બોલપટોમાં કોઈ ને કોઈ સ્વરૂપમાં નૃત્ય તો આવવાનું જ, તેમ વાર્તામાં સમસ્યા આવે તો જ લોકોને મજા આવે, એમ પણ એ જમાનામાં થવા મંડ્યું હશે. આ સમસ્યાઓ કેટલીક વેળા અતિસામાન્ય અને બાલિશ લાગે છે, તો કેટલીક વાર માત્ર શબ્દરમત બની જતી હોય છે. આ વાર્તાઓના કાળમાં લોકોને આવી ચતુરાઈમાં આનંદ આવતો હશે તેટલો અત્યારે આપણને તેમાં નહિ આવે. તે સમયમાં પોતાની હાજરજવાબી અને બુદ્ધિચાતુર્યથી બીજાને છક કરી નાખવાનો આવી સમસ્યાઓ જ એક માર્ગ હશે એેમ લાગે છે. વાર્તાઓમાં આવું બુદ્ધિવર્ધક મનોરંજન શામળના શ્રોતાઓને સારી પેઠે ગમ્યું હશે. શામળને સંસારબુદ્ધિવાળાઓનો વાણિયાઓનો કવિ નવલરામે કહ્યો છે તે આને લીધે પણ હશે.
‘રાવણમંદોદરી સંવાદ’માં આવી સમસ્યાને બદલે બીજા પ્રકારનું લોકરંજક ચાતુર્ય પ્રયોજાયું છે. તેમાં વિપ્ર, વૈશ્ય, કણબી, સઈ, એમ બધા વર્ણના કુલ અઠ્ઠાવન પ્રતિનિધિઓ, સીતા રામને પાછી સોંપવી કે નહિ તે પ્રશ્ન પોતપોતાની રીતે ચર્ચી તેના પર પોતાના અભિપ્રાય રાવણને કહી સંભળાવે છે. તેમાં તે દરેકની કહેવાની રીત તથા ઉપમાઓ દરેકના વર્ણ તથા ધંધાની લાક્ષણિકતાઓમાંથી જ આવતી બતાવી શામળે ચતુરાઈ સાથે સારી રમૂજ પીરસી છે. બેચાર ઉદાહરણ જોઈએઃ
વિપ્ર કહે છે :
- પાછી આપતામાં પ્રાક્રમ કશું ભીખ તેને પછે ભૂખ શાની?
વૈદ્ય બોલે છે :
- બળ દેખાડી જુઓ એ બીહે છે? પ્રથમ રેચ નેપાળાનો દીજે.
હજામનો અભિપ્રાય :
- કોથળીમાંથી સાપ જ નીસરે, વાળદના દંન હોય જો વંકા.
ઘાંચીનો અભિપ્રાય :
- હડબડવું નહીં હિંમત રાખવી, તેલ જો તેલની ધાર જો રે.
શામળની સમસ્યાબાજી કોઈ વાર બાલિશ શબ્દલેખ જેવી લાગે છે, જ્યારે અહીં ખરો વિનોદ છે ને ચાતુર્ય પણ છે. જુદાજુદા લોકોનાં વૃત્તિવ્યવસાય, પ્રકૃતિ, વગેરેના જ્ઞાનનો તેમ જ ઘરગથ્થુ પ્રચલિત કહેવતોનો સુંદર ઉપયોગ શામળે અહીં કર્યો છે. અહીં પણ તેનો હેતુ તો ‘એક તો નામ શ્રીરામજી કેરું, બીજો અક્કલ થકી ઉખાણો’ એમ એક ઘાએ બે પક્ષી મારવાનો છે.
પણ આવી રંજનાત્મક અને થોડે અંશે વ્યવહારબોધક ચાતુરી શામળની વાર્તાઓની એકલી વિશિષ્ટતા નથી. લોકો કથાકાર ને વાર્તાકાર પાસેથી નીતિઉપદેશની પણ આશા રાખતા હતા. ખરું કહીએ તો એ જામનો જ એવો હતો કે ગમે તેટલી સંસારી વાતો કરે, પણ નીતિબોધનો સાવ બહિષ્કાર તો વાર્તાકારથી થઈ શકતો નહિ. શામળે પણ અર્થાન્તરન્યાસી નીતિસૂત્રો પોતાની વાર્તાઓમાં થોકબંધ પીરસ્યાં છે. જે રસથી એ સમસ્યાબાજીની તકો ઝડપી લે છે તેવા જ રસથી તે વાર્તાઓમાં ઉપદેશનાં પ્રવચનો પણ કરવા મંડી પડે છે. એની બધી કૃતિઓમાં આ લક્ષણ જણાય છે. નમૂના દાખલ ‘નંદબત્રીસી’ની વાર્તાનો દાખલો લઈએ. પ્રધાન વૈલોચન વૈધૃતવ્યતિપાતનો બાધ કાઢી, બે-ત્રણ દિવસ પછી ઘોડા ખરીદવા કચ્છદેશમાં જવાનું કહે છે, ત્યારે રાજા ખરા સેવકની ફરજો ઉપર એક પ્રવચન ફટકારે છે, જેના જવાબમાં પ્રધાન તરફથી પણ એવું જ સામું પ્રવચન મળે છે. કવિ પોતે રાજાની કામવૃત્તિને કશી લજ્જા નથી એ વિષય પર ખાસી બે ડઝન લીટીઓ વાર્તા વચ્ચે લખી નાખે છે. રાજા પ્રધાનને ત્યાં જતાં પ્રતિહાર જાગતો હોય છે તો ‘જાગે કોણ?’ એ વિષય પર, અને નંદરાજા મનમાં લાજતો હતો તો ‘લાજે કોણ?’ એ પર સામાન્ય અનુભવવચનો ને નીતિસૂત્રોની એક લાંબી પલટણ ખડી કરવામાં આવી છે. પ્રતિહારને કુંડળની લાંચ આપી દ્રવ્યમહિમાપુરણ રજૂ થાય છે. રાજાને બદનજરથી આવતો જોતાં તેને ચેતવવા, તેમ જ પ્રચ્છન્ન બોધ આપવા માટે, પોપટ તથા પ્રધાન-પત્ની વ્યવહારનીતિનાં સૂત્રો પઢવા લાગે છે. પાપ છાનું ન રહે તે પર, તેમ જ પરનારીનો સ્નેહ ન કરવા વિશે પણ પાછળથી એ વાર્તામાં ઘણાં બોધવચનો આવે છે.
તેની બીજી વાર્તાઓમાં આ જ પ્રકારની ઉપદેશ આપવાની લઢણ દેખા દે છે. ‘મદનમોહના’માં સાહસકર્મ ન કરવા માટે ઉપદેશાત્મક છપ્પા આવે છે. એટલું જ નહિ, તેમાં તેને માટે કેટલીક દૃષ્ટાન્તાત્મક વાર્તાઓ પણ આપવામાં આવી છે. ખરું કહીએ તો આવો ઉપદેશ એ તેની બધી જ વાર્તાઓનું એક વિશિષ્ટ અંગ બની ગયો છે. ‘શિવપુરાણ’ જેવા શિવમહિમાના વાર્તાભંડારમાં પણ કામાતુરક જન વિશે, દરિદ્રો વિશે, મૃત્યુની અવશ્યંભાવિતા વિશે, સુખદુઃખની ફરતી છાયા વિશે, વિદ્યાવંત વિશે, એમ અનેક બાબતો વિશે સુબોધક વચનો આવે છે. ‘શામળ રત્નમાળા’માં તો કથા કે વાર્તાની ઓથે નહિ પણ સીધેસીધો નીતિબોધ પીરસાયો છે.
આવા નીતિઉપદેશમાં શામળની એક વિશિષ્ટતા એ છે કે તેની અંદર વ્યવહારનીતિનો ઉપદેશ જ વિશેષ પ્રમાણમાં હોય છે. તેના આ ઉપદેશકથનનું પ્રેેરણામૂળ છે તેનું સંસારનું ને લોકવ્યવહારનું જ્ઞાન અને નિરીક્ષણ. પોતાની પત્નીના સતીત્વ વિશે શંકાશીલ બનેલા વૈલોચન બોલે છેઃ
"સ્ત્રીના સમ, વ્યસનીની પ્રીત, દ્યૂત સાચું, ભંગીની રીત;
ઓરમાઈનું હેત, ગુણિકાની પ્રીત, દુઃખમાં દુઃખ વધે તે નીત.
મદ્યપાની ડાહ્યો, કાગ પવિત્ર, વિષઘર અમૃત રાજા મિત્રઃ
સ્વદેહે ઓલગ, પાલક પુત્ર, ઇચ્છે સ્વર્ગ ઉપાસે ભૂત.
*
કવિ સાચો, ભોળો જન ભાટ, વાળંદ વેશ્યા તે કૃત્રિમ ઠાઠ,
ચુગલ સાચો ને ચોરનું ચિત્ત, અસુર આચાર, રજપૂતની રીત.
આચારે અન્યા, ગુણિકા સતી, ભીખ માગતો દીઠો નરપતિઃ
– એટલાં વાનાં માને જેહ, મૂરખનો મહિપતિ કહીએ તેહ."
(નંદબત્રીસી)
આમ શામળ લોકોને મનોરંજન ચાતુર્ય, કલ્પાનવિલાસ, ઇત્યાદિ આપે છે તેની સાથે આવું સંસારી વ્યવહારજ્ઞાન આપી પોતાની કવિતાને પોતાના શ્રોતૃસમાજને માટે ખરેખર વ્યવહારવિદે બનાવે છે. આખરે તો એ સંસારી રસનો કવિ છે; તેથી એનો ઉપદેશ પણ સંસારી જનો (ને તેય એના જમાનાના લોકો) પૂરતો અને તેઓ ઝીલી શકે તેવા પ્રકારનો છે. આ રીતે સાંસારિક વિષયો પરની વાર્તાઓમાં સમસ્યાથી બુદ્ધિની કસરત અને આવી ઉપદેશાત્મક વ્યવહારશિક્ષા આપી જનાર કવિ ‘વાણિયાનો (= સંસારીઓનો) કવિ’ નહિ તો બીજું શું? આપણી કલાદૃષ્ટિને ખુંચે છે માત્ર એ જ કે આવું ઉપદેશકથન ઘણી વાર હદથી જ્યાદે આવે છે અને ત્યારે કથાપ્રવાહને એ થોડો વખત થંભાવી દે છે. પણ આ બાબતને તે જમાનાની દૃષ્ટિથી જોવી જોઈએ. તે વેળા લોકોને આપણા જેટલી અધીરાઈ ન હતી. તેમ જ વાર્તાઓમાં તેઓ આવા બોધની આશાય રાખતા, એટલે તેઓ આને સહી શું, વધાવી લેતા હશે. એમ તો અત્યારે પણ આપણે ‘ધૂમકેતુ’ની વાર્તાઓમાં તથા રમણલાલ દેસાઈની નવલોમાં તેમ જ તેમનું જોઈ તેમને અનુસરનારાઓની વાર્તાઓ ને નવલકથાઓમાં આવતાં આવાં અનેક પ્રસ્તુતાપ્રસ્તુત ચિંતનો તથા સમીક્ષાવાક્યોને ગળે નથી ઉતારી જતાં? દલપતરામ અને ગોવર્ધનરામની અર્વાચીન સાહિત્યમાં ફરી શરૂ થયેલું એ વળણ આપણે ત્યાં ક્યાં સાવ આથમી ગયું છે?
શામળ સંસારનો ખરો જાણતલ અને માનવસ્વભાવનો જ્ઞાતા કવિ છે. તેથી માનુષી વાસનાઓ ને નબળાઈઓ તે બરાબર જાણે છે. ‘નંદબત્રીસી’માં રાજા પ્રતિહારને લાંચ આપે છે ત્યારે જ તેને પ્રધાનગૃહમાં પ્રવેશ મળે છે. ‘અંગદૃવિષ્ટિ’માં પણ લંકાના પ્રતિહારીને અંગદને આમ કહેતો કવિએ વર્ણવ્યો છેઃ
‘કહા મળવા તું આવિયો, શું લાવ્યો છે ભેટ;
શું આપે છે મુજને, વાત પહોંચાડું ઠેઠ.’
લોકોને આ કેવી રોજના અનુભવની સાચી વાત લાગતી હશે? આજે પણ સાહેબોના પટાવાળાઓને અને કારકૂનોને તર્પ્યા પછી જ કામ સાધી શકાય છે એ વાત ક્યાં નવી છે? દ્રવ્યનો મહિમા પણ શામળ બરાબર જાણે છે ને તેથી કહે છેઃ
‘કંથહીણ જિમ કામિની, નૃપહીને નગ્ર જ જશો,
લક્ષવાર શામલ લખે, માયાવિણ માનવ તસ્યો.’
(સિંહાસનબત્રીસી, વાર્તા ૮મી)
દારિદ્ર્ય, લોભ, ઈર્ષ્યા, સાહસ, વિદ્યા, આદિ સર્વની યોગ્ય આંકણી શામળ બરાબર કરી શકે છે. માનવ વાસનાઓમાં કામવાસનાનું પ્રાબલ્ય એ વારંવાર ભારપૂર્વક બતાવે છે. આથી સ્ત્રીચરિત્રની વાર્તાઓ પણ તેણે લખી છે : થોડી નહિ, ઘણી લખી છે. ‘પંચદંડ’માં શ્યામકુંવરની વાત એ કહે છે એટલું જ નહિ, ખુદ વિક્રમરાજાની સ્ત્રી પણએવી જ છે એ વિક્રમને પ્રત્યક્ષ બતાવવામાં આવે છે! ‘સુડાબોતેરી’માં કામવાસનાનું જ પરિબળ વર્ણવવામાં આવ્યું છે. સ્ત્રીને ઇરાદાપૂર્વક હીણી ચીતર્યાનો આક્ષેપ આથી શામળ ઉપર આવ્યો છે, પણ દુનિયાનો જાણતલ શામળ તો સ્ત્રીની ઊજળી બાજુનું દર્શન પણ એટલા જ પ્રમાણમાં કરાવતાં ચૂક્યો નથી. (* શામળ વિશે લખેલા દરેક લેખકે શામળના સ્ત્રીવિષયક પરસ્પરભિન્ન એવા બે મતો ટાંક્યા કર્યા છે. શામળની અસરથી તો કોણ જાણે, પણ ત્યાર પછી મણિલાલ દ્વિવેદીએ પણ ‘કાન્તા’ નાટકમાં સ્ત્રી વિશે આવાં જ બે વિરોધી દૃષ્ટિબિન્દુઓ એક સ્થળે દર્શાવ્યા છે.) સંસારમાં કાળીધોળી બંને બાજુ છે ને બધી વ્યક્તિઓ કાંઈ સરખી નથી હોતી એમ એ જાણે છે જ, ને તેથી પોપટને મુખે બોલાવે છે :
‘સર્વ સરખું નથી ત્યાં કોય, કહું પટંતર તે તું જાય,
એક શંખ નદીમાં પડ્યો, બીજો વિષ્ણુનેકર ચડ્યો.
*
એક કવિ પાંખડ જ ભણે, બીજો ગુણ શ્રીહરિના ગણે.’
*
એક નારી હોય શંખણી, બીજી પદ્મિની કે ચિત્રિણી
*
નામ એક પણ ગુણ છે ઘણા, એક રાય બી રજપૂતતણાં :
સૌને સરખાં ગણો ન આપ, તે વાતે લાગે મહાપાપ.,
(નંદબત્રીસી)
હા, એટલું ખરું કે શામળ સુગાળવો કે મરજાદી નથી; સાધુવૃત્તિનો નહિ પર રંગીલો આદમી છે. અર્વાચીન માનસને વધુ અનુકૂળ એવી, ઇંદ્રિયોનો રસ માણવાની સંસારી માણસની વૃત્તિનું, આથી એ પોતાની વાર્તાઓમાં યથાશક્તિ સાચું દર્શન કરાવે છે. કામવાર્તાઓનું પ્રમાણ તથા શૃંગારચેષ્ટાઓનું વર્ણન એની વાર્તાઓમાં ઘણું હોય છે. વિલાસનું અને અનીતિનું વર્ણ એ લ્હેરથી કરે છે ખરો, પણ અનીતિને ખાતર જ, કે અનીતિમાં વિકૃત રસ એને છે માટે, એની વાર્તાઓ લખાયેલી નથી લાગતી. ‘સુડાબોતેરી’ની વાર્તાઓ પાછળનો આશય, જે ઠેરઠેર એ ભાર દઈને બતાવતો ગયો છે, તે તો પુરુષોને પરનારીસંગ તજવાનું અને સ્ત્રીઓને નૈતિક શુદ્ધિ જાળવવાનું શીખવવાનો છે. ‘નંદબત્રીસી’ના અંતમાં પણ એવો જ ધડો લેવાનું તે ફરમાવે છે. એટલે તેની વાર્તાઓ વિલાસપ્રેરક કે અનીતિ શીખવનારી છે એવો આક્ષેપ વાજબી નથી. એ તો એક સાહિત્યકારની માફક માનવીનો સંસારી રસ, જીવન અને જગતનો રસ, પોતાને આવડ્યું તેવી રીતે નિઃસંકોચ ગાઈ ગયો છે. એમ છતાં નીતિની દૃષ્ટિ એણે વેગળી કરી નથી.
આ બધી વાર્તાઓ શામળે પદ્યમાં લખી છે, તો કવિ તરીકે તેને જોયા વિના ચાલે નહિ. પદબંધની બાબાતમાં શામળ બહુધા પુરોગામી વાર્તાઓની પ્રણાલીને અનુસર્યો છે. પ્રેમાનંદે ભાલણ, નાકર, વિષ્ણુદાસ, આદિ આખ્યાનકવિઓને ચીલે ચાલી દેશીઓમાં લખ્યું છે. પણ વાર્તાકાર શામળે પુરોગામી વાર્તાકારોની માફક વાર્તાઓ માટે દોહરા-ચોપાઈનો જ ઉપયોગ કર્યો છે. એમાં તેણે યથાવકાશ છપ્પાનો પણ ઉપયોગ કર્યો છે. ‘અંગદવિષ્ટિ’ અને ‘રાવણમંદોદરીસંવાદ’માં એ છંદો ઉપરાંત ઝૂલણા, કવિત, સોરઠા અને સવૈયા પણ તે વાપરે છે. શામળ વ્રજ-હિંદી કવિતાશૈલીને અનુસરે છે. તેથી ભાષાની ઝડકમક, શબ્દાનુપ્રાસ વગેરેનો એને સારો શોખ જણાય છે. ‘અંગદવિષ્ટિ’ની અંદર તેેને પૂરતા પ્રાણમાં એ લાવ્યો છે. હિંદીના સારા અભ્યાસને લીધે એ કેટલીક વાર હિંદીમાં પણ લખવા મંડી જાય છે. રૉફ મારવા આજના સિપાઈદાદા હિંદીમાં ફેંકે છે, તેમ જુસ્સો લાવવો હોય ત્યારે, ‘શું શાં પેસા ચાર’ એવી ગુજરાતી ભાષામાં નહીં પણ હિંદીમાં લખવું જોઈએ એમ તેણે માન્યું હોય કે ગમે તેમ, પણ ‘અંગદવિષ્ટિ’ અને ‘રાવણમંદોદરીસંવાદ’માં ઘણી પંક્તિઓ તેણે હિંદીમાં જ લખી છે. અલબત્ત, આ હિંદી નિર્ભેળ શુદ્ધ હિંદી નહિ, પણ હિંદી ને ગુજરાતીના સંકર જેવી ભાષા છે. એક જ દાખલો :
‘ગુણ કેડે અવગુણ કરે, એ પાપીકી રીત
અવગુણ કેડે ગુણ કરે, તે જ રૂડાની રીત."
હિંદીના નિકટના પરિચયને લીધે ફારસી શબ્દો પણ તેના પુરોગામીઓના કરતાં બહોળા જથ્થામાં શામળ વાપરે છે. ‘અલખત’, ‘તરતીબ’, ‘તકસીર’, વગેરે જેવા શબ્દો વારંવાર તેની કૃતિઓમાં અથડાતા માલૂમ પડે છે.
દલપતરામે ‘બુદ્ધિપ્રકાશ’માં શામળ ચડે કે પ્રેમાનંદ એ ચર્ચા ઉપાડીને શામળ પ્રત્યે પોતાનો પક્ષપાત બતાવેલો, તે બહુ સૂચક છે. શામળની
"સાદી ભાષા, સાદી કડી, સાદી વાત વિવેક;
સાદામાં શિક્ષા કથે, એ જ કવિજન એક."
(‘મદનમોહના’)
એ પંક્તિઓમાં વ્યક્ત થતી કાવ્યભાવના, ભાષા તથા પદબંધની સાદાઈ, સમસ્યા ને ચતુરાઈનો શોખ, સભારંજની રીતિ, અને ભાષાની ઝડકમકનો રસ એ બધી બાબતમાં દલપતરામને પોતાનો કાવ્યાદર્શ શામળની કવિતામાં મૂર્ત થતો જણાયો, તેથી તેમને એ કવિ જ ગમે એ સ્વાભાવિક હતું. શામળ ‘સાદી ભાષા’ ને ‘સાદી વાત વિવેક’નો કવિ છે.
અંદરના કાવ્યાત્મા માટે તો એટલું જ કહેવાનું કે શામળને મન કાવ્યરસ નહિ પણ કથારસ જ મુખ્ય રહ્યો છે. જેમ બધું લખાણ સાહિત્ય નથી હોતું તેમ બધું જ પદ્ય કાંઈ કવિતા બનતું નથી. એ હિસાબે શામળની કવિતમાં પદ્ય ઘણું છે, અને ખરો રસાનુભવ કારાવનારી સાચી કવિતા ઓછી છે. ઘણી પંક્તિઓ ગદ્યાત્મક અને જોડકણાં જેવી પણ લાગે તેવી છે. તેના જમાનામાં સાહિત્યમાં ગદ્યનો ઉપયોગ થતો હોત તો તે પદ્યની દરકાર પણ ન કરત. શૈલીની સૂક્ષ્મ છટાઓ, વર્ણનશક્તિ તથા કલ્પાનલાલિત્ય શામળની કવિતામાં બહુ દેખાતાં નથી. પ્રેમાનંદનાં જેવાં મનોરમ શબ્દચિત્રો તેની કવિતામાં જવલ્લે જ જોવા મળે છે. ‘નંદબત્રીસી’માં છે તેવા,
"ચપળ નેન ખંજન સમાં, ચક્રવાક જુગ જોડે,
કનક-કળશ ઉર ઓપતા, અણુમાત્ર નહિ ખોડ;
ઉદર ઉપર ત્રિવલી પડી, પેટ તે પોયણ પાન,
ગ્રીવા કપોત સરીખડી, ઉજ્જવળ ઓપિત વાન."
– જેવાં નારીસૌંચર્યવર્ણનો પણ બહુ ઝાઝાં મળતાં નથી. ઘણી વાર તેના વર્ણનોમાં એકવિધતા પણ દેખાઈ આવે છે. ઉદાહરણ તરીકે, ‘ચંદ્રવદની મૃગનયની વંક, સિહાકારે કટિનો લંક’ એ પંક્તિ તેની જુદીજુદી વાર્તાઓમાં જૂજ ફેરફાર સાથે અનેકવાર દેખા દે છે! નારીરૂપવર્ણન આવ્યું એટલે એ લીટી તેમાં અચૂક આવે જ આવે. ઉપરની પંક્તિઓમાંના અલંકાર તો શામળના સારા અલંકારો ગણાય. બાકી તેની અલંકારસમૃદ્ધિ પણ પ્રેમાનંદની જેવી ને જેટલી નથી. એની કલ્પના જાણે વાર્તાના વસ્તુ, વાતાવરણ, ઇત્યાદિની સજાવટમાં જ ખરચાઈ જતી હોય એમ અલંકાર, ઇત્યાદિમાં એનો ઉપયોગ ભાગ્યે જ થાય છે. ઉપમા, ઇત્યાદિનો ઉપયોગ એ કરે છે ખરો, પણ તેમાં કલ્પનોત્થ હૃદ્ય અતિશયોક્તિએ સાધેલું ચારુત્વ નથી જણાતું. તેને બદલે રોજના જીવનવ્યવહારમાંથી સૌને જાણીતાં એવાં ઉપમાનો ને સાદૃશ્યો તે ઉપાડે છે. આ રહી તેની ઉપમાઓની એક-બે વાનગી :
"શક્તિ સ્વરૂપ તે શેલડી, (તેનાં) સાકર, ખાંડ ને ગોળ,
અરસપરસ એ એક છે, જેમ તલ તેલ ને ખોળ."
(‘સુડાબોંતેરી’ ગ્રંથાન્તે)
અથવા તો પોપટ રાજાને સંભળાવે છે તે પંક્તિઓ :
"વાડ થઈને ચીભડાં ગળે, સોંઘી વસ્તુ ક્યાંથી મળે?
ખળું ખાતું હોય જો અન્ન, તો જીવે નહિ એકે જન."
વહાર ત્યાંથી આવે ધાડ, તો પછી ક્યાં કરશું આડ?
મેઘ વરસંતાં પથ્થર પડે, તેનો વાંક કોને શિર ચડે?"
(‘નંદબત્રીસી’)
એમ લાગે છે કે શામળની દૃષ્ટિ તેના શ્રોતાવર્ગ પર જ હતી. પણ શ્રોતાજનોની મનોભૂમકા પર જ રહેવાનો પ્રયાસ કરતાં કવિતાનું ગૌરવ બરાબર જળવાય નહિ. ‘શામળની કવિતામાં અને વર્ણનમાં કેટલીકવાર એથી પ્રાકૃતતા આવી ગયેલી જોવામાં આવે છે. રાવણની સભામાં વિષ્ટિકાર તરીકે ગયેલો અંગદ બોલે છે :
"જનની કુણરાવણતણી બહુ ઉપજાવ્યાં બાળ,
જાત શ્વાન કે સૂકરી? ભૂંડળ કે શિયાળ?
કે વીંછણ કે નાગણી? કે કરકટની નાર?
કે અજા એ કોણ છે? બોલો નહીં ગમાર?"
(‘અંગદવિષ્ટિ’)
રાક્ષસીઓથી પરિવૃત્ત સીતાનું વર્ણન શામળ આમ કરે છે :
"ગંર્ધવીઓનાં સેન મહીં એક ગાય ગઈ છે,
કાગડી કંઈ કોટિક, હંસી એક હાર રહી છે;
કૌવચ કેરાં વન, તુલસીદળ તહાં પડી છે,
છીપો સંખ્ય અસંખ્ય, ઝવેરમણિ જુગત જડી છે."
(‘રાવણમંદોદરી સંવાદ’)
બીજા કોઈ કવિ પાસેથી જેણે વાણી અને કલ્પનાની ખાણ ખણાવી ખણાવીને ઉપમાઓ કઢાવી હોત તે વર્ણન માટે શામળની ભાષા અને અલંકારો ત્યારે આ!
રસસિદ્ધિની બાબતમાં પણ પ્રેમાનંદની શક્તિ શામળ પાસે નથી. અલબત્ત, વીરરસ માટે ‘અંગદવિષ્ટિ’, ‘હસ્યને માટે ‘રાવણમંદોદરીસંવાદ’, અદ્ભુત રસ માટે વિક્રમકથાઓ અને શૃંગાર માટે ઘણી વાર્તાઓ આપણે તરત બતાવી શકીએ તેમ છીએ. છતાં એક રસમાંથી બીજામાં સ્વાભાવિક સંક્રમણ કરવાનીકળા શામળમાં નથી. એ કોઈ રસ નિષ્પન્ન કરે ત્યાં તો કથારસ મોખરે થઈ જાય એવી પરિસ્થિતિ એની ઘણી વાર્તાઓની હોય છે. રસોદ્દીપનનું પૌનઃપુન્ય પણ કેટલીક વાર થઈ જાય છે. ‘અંગદવિષ્ટિ’માં લગભગ દોઢસો પંક્તિ સુધી ‘બસ, તમે કહો તો હમણાં લંકામાં જઈને તેને ખેદાનમેદાન કરી આવું’ એ જ દલીલ અંગદ રામચંદ્રજી આગળ કહ્યા કરે છે ત્યારે, તેમ જ રાવણની સાથે ઉગ્ર સંવાદ કરે છે ત્યારે પણ, રસનું એક વાર ઉદ્દીપન થઈ ગયા પછી પણ તેને તેની તે જ સામગ્રીથી પુનઃપુનઃ ઉદ્દીપિત કરવાનો દોષ જોઈ શકાય છે. શામળની કવિતા ખંડલહરી જેવી લાગે છે એવો નવલરામ પંડ્યાનો મત સાચો છે. કેટલીક વાર રસ બરાબર જામવાની તૈયારી હોય ત્યાં એકાદ આડકથા કે ઉપદેશલહરી આવીને અથડાય ને રસપ્રવાહ ત્રુટિત બની જાય એવું શામળની ઘણી વાર્તાઓમાં બનતું હોય છે. સચોટ કલાદૃષ્ટિ અને પ્રમાણવિવેકના અભાવને લીધે તેની પદ્યવાર્તાઓ ઘાટીલી કલાકૃતિઓ તરીકે અત્યારની કલાદૃષ્ટિને સંતોષી શકે તેમ નથી.
પણ કવિતા માટે આપણે ક્યાં શામળ પાસે જઈએ છીએ? એ તો વાર્તાકાર છે અને તેથી એવા તરીકે જ તેની સેવાનું માપ કાઢવાનું રહ્યું. એવું એની સેવાનું મૂલ્યાંકન ઇતિહાસલક્ષી ધોરણે જ કરાય. અત્યારને કાટલે તેને જોખતાં તો તેને અન્યાય થવાનો સંભવ છે. જે જામાનામાં કવિઓ સંસ્કૃત પુરાણો અને રામાયણ, મહાભારત, ભાગવતાદિ ગ્રંથો પર જ નજર નાખતા અને જ્ઞાનભક્તિ વિના બીજા વિષયોનું કવન કરતાં અચકાતા, તે વેળા આ ‘શ્રીગોડ માળવી વિપ્ર’ જરાય સંકોચ વગર માનવી માનવતાનું જ વાર્તારૂપે રસપૂર્વક કથન કરી, પોતાનાં ગુજરાતી ભાંડુઓને આનંદ સાથે ચતુરાઈ, લોકવ્યવહારજ્ઞાન અને નીતિબોધ આપી ગયો, અને એમનાં જીવનનાં દુઃખદર્દો પર મલમપટ્ટા લગાવી થોડો વખત એને વિસરાવી ગયો. એમાં જ એની ખરી સેવા રહેલી છે. છપ્પાના ખાં અને વાર્તાકાર શામળ ભટ્ટનું સ્થાન મધ્યકાલીન ગુજરાતી સાહિત્યના ઇતિહાસમાં અવિસ્મરણીય છે અને રહેવાનું તે આ કારણે.
એની વાર્તાઓનો અત્યારે કાંઈ ઉપયોગ કે પુનઃપ્રચાર શક્ય ખરો? આપણા જીવનના રંગો અત્યારે ફરી ગયા છે. તે વખતની સામાજિક પરિસ્થિતિ તથા વાતાવરણમાં લોકોને આનંદ આપી ગયેલી વાર્તાઓ અત્યારે એટલો આનંદ ભાગ્યે આપી શકે. વાર્તાનું કલાવિધાન પણ અત્યારે સાવ બદલાઈ ગયું છે, અને વાર્તા કહેવાની મટી વાંચવાની વસ્તુ બની ગઈ છે તેમ જ વાર્તાકાર પાસે મનોરંજન કે બોધના કરતાં બીજી અપેક્ષા રખાય છે. એટલે શામળની વાર્તાઓને માટે આજનું શહેરી વાતાવરણ નકામું નીવડે. પણ ગામડાંઓમાં તેનો વાંચનાર ને કદર કરનાર વર્ગ અત્યારેય મોટો નીકળે. માધ્યમિક શાળાઓના અભ્યાસક્રમમાં વિવેકપુરસ્સર ચૂંટણી કરીને આ વાર્તાઓ મૂકવામાં આવે તો કિશોર વિદ્યાર્થીઓને તે ગમવાનો સંભવ સારો ગણાય. પણ એનો ખરો ઉપયોગ ચિત્રપટ-ઉદ્યોગ ધારે તો કરી શકે. રોમાંચક અદ્ભુતરસિક કથાનકો માટે ઝાવાં નાખતાં ચિત્રનિર્માતાઓ વીર વિક્રમનાં પરાક્રમોને તેમ જ અન્ય વાર્તાઓને રૂપેરી પડદા પર રજૂ કરવા લલચાય તો તેમને સારો લાભ થાય. આ બાબત પર એ ધંધાના ધુરંધરોનું લક્ષ કેમ નહિ ગયું જતું હોય?
નોંધ:
(‘ગંધાક્ષત’)