ભજનરસ/સાંભળ સહિયર

From Ekatra Foundation
Revision as of 13:04, 15 May 2025 by MeghaBhavsar (talk | contribs)
Jump to navigation Jump to search


સાંભળ સહિયર

સાંભળ સહિયર, સુરત ધરીને આજ અનોપમ દીઠો રે,
જે દીઠો તે જોવા સરખો અમૃત અતિ મીઠો રે.-

દૃષ્ટ ન આવે, નિગમ જ ગાવે, વાણીરહિત વિચારો રે,
સત્ય અનંત જે કહાવે તે નવધાથી ન્યારો રે.-

નવધામાં તો નહિ રે નીવેડો, દશધામાં દેખાશે રે,
અચવો રસ છે એની પાસે તે પ્રેમીજનને પાશે રે.-

અદેત બ્રહ્મ અનોપમ લીલા, અસંખ્ય ફુગનો એવો રે,
જપ તપ જોગ જગન મુનિ દુર્લભ, માને તેવો મેવો રે.-

જ્યાંથી જ્યમ છે તેમનો ત્યમ છે, વધે ઘટે નહિ વહાલો રે,
આવે ન જાવે, જાવે ન આવે, નહિ ભર્યો, નહિ ઠાલો રે.-

પૂર્ણાનંદ પોતે પુરુષોત્તમ, અપરમ ગત છે એની રે,
તે પર ક્ષર અક્ષરની ઉપર, તમો જોજો ચિત્તમાં ચેતી રે.-

હું તું મટશે ને દુગ્ધા ટળશે, નિરભે થાશો નીરખી રે,
ભલે મળ્યો ન૨સીંચો સ્વામી, હું હૈડામાં હરખી રે.

સાંભળ સહિયર

આપણે ત્યાં કહે છે કે લાખ રૂપિયા મૂકવાનું ઠેકાણું મળે છે પણ એક વાત કરવાનું ઠેકાણું મળતું નથી. અને એ વાત ડાડા મેકરણ કહે તેમ ‘ગૂઢારથજી ગાલિયું’ - અંતરતમ, ગૂઢ અનુભવની હોય ત્યારે હૈયું ક્યાં જઈ ખોલવું? નરસિંહનું ગોપીહૃદય એટલે તો સરખી સાહેલીના કાનમાં પરમ પ્રિયતમનાં દર્શનની વાત કહે છે. અને પહેલેથી કહી રાખે છે કે આ વાત માત્ર કાન માંડીને સાંભળવા જેવી જ નથી. પણ સુરત ધરીને’ પૂરી તલ્લીનતાથી હ્રદયમાં ઝીલવા જેવી છે. શી છે આ વાત? નરસિંહ કહે છે : સખી, સાંભળ, આજે મેં તે અનુપમ પુરુષને ... નિહાળ્યો. ના, એનું નામ નથી કહેવું, એના રૂપનું વર્ણન નથી કરતું, એના ગુણને નથી ગાવા. એનાથી શું વળે? હું તો કહું કે તું પોતે જ એને પળભર નજરે નિહાળને! આ કાંઈ વાંચી સાંભળીને ગાઈ બજાવીને બેસી હેવા જેવો નથી. આ સગી આંખે જોવા જેવો છે. મેં જે દીઠો તે દીઠા કૅવો છે. તું એને જો, નયનોથી એનો આસ્વાદ લે. એ તો અમૃત કરતાં પણ અતિ મીઠો છે. બ્રહ્મના અનુભવને જ્ઞાનીઓ અમૃત કહે છે. બ્રહોવ ઇદમ્ અમૃતમ્’ પણ બ્રહ્મ જ્યારે પ્રિયતમ બનીને આંગણે ઊભો રહે છે ત્યારે તેની મીઠપ અમૃત કરતાંયે ચડી જાય છે.

નિગમ જ ગાવે

વેદ જ કહે છે કે તેને આંખો જોઈ શકતી નથી, કાન સાંભળી શકતા નથી, વાણી કે વિચાર તેની પાસે પહોંચી શકતાં નથી. એ તો સત્ય અનંત અગોચર’ કહેવાય છે. અને છતાં એને જ આંખને બારણે લાવવાનું કહું છું એની જ વાતને તારે કાને નાખું છું. કારણ? એ ભલે શ્રવણ-મનનના સાણસામાં નહીં આવે, પણ તારી સુરતા એનામાં લાગી જશેને, તો એ સુરતામાં મારો વહાલો સંધાઈ જશે. ભક્તિશાસ્ત્ર · નવ પ્રકારની-નવધા-ભક્તિ ગણાવે છે: શ્રવણ, કીર્તન, સ્મરણ, પાદસેવન, અર્ચન, વંદન, સખ્ય, અને આત્મનિવેદનનાં એમાં બહુ માપી માપીને પગલાં બતાવ્યાં છે. પણ કો-ને કહીએ, નારાયણ તો નવધાથી ન્યારો છે. નવધા-ભક્તિ કરતાં કરતાં પણ આરોવારો આવતો નથી. નવધામાં તો નહિ રે નીવેડો. ત્યારે? એનું દર્શન કેમ થાય? નરસિંહ કહે છે ઃ ‘દશધામાં દેખાશે રે’. નવધા ભક્તિને કહે છે વૈધિ ભક્તિ. પોતાની પ્રકૃતિ અનુસાર તેમાંથી કોઈ એક રીતિ પ્રમાણે માણસ ભક્તિ કરે છે. પણ જ્યાં સુધી વિધિ-વિધાનના ચીલામાં ભક્તિ ચાલે ત્યાં સુધી પરમાત્માનાં દર્શન થતાં નથી. સભાન, સતર્ક, સહેતુક ક્રિયાનો આ પ્રદેશ છે. નેમનિયમની ખોદી રાખેલી નહેરમાં અહીં નીર વહે છે. પ્રેમ, સર્વ બંધનો તોડી નાખતો પ્રેમનો સમુદ્ર ઊછળી પડતો નથી. અને પ્રકૃતિનો નિઃશેષ લય થયા વિના પુરુષોત્તમનું મિલન કેમ થાય? નદી પોતાનું નામ-રૂ! રાખીને સમુદ્રને મળી શકશે કે? નવધા ભક્તિ એ નવધા પ્રકૃતિની હદ.આવી છે, ને તેથી જીવ, જીવ મટીને શિવમાં, પરમ પ્રિયતમમાં એકાકાર થઈ શકતો નથી. પણ એ અશક્ય તો નથી. માત્ર સુરતા ધરીને તદાકાર, તદ્રૂપ તન્મય થતા જાઓને! ચિત્રકૂટવાળા ગોમતીદાસજી એક પદ વારંવાર ગાતા :

નેમ જગાવે પ્રેમ કો, પ્રેમ જગાવે જીવ,
જીવ જગાવે સુરતિ કો, સુરતિ મિલાવે પીવ.

એટલા માટે તો પહેલેથી સુરતાની વાટે નરસિંહની વાણી આગળ વધે છે. નવધાથી ન્યારો’ છે એને જોવા જતાં નવધાની સીમા નીરખી લઈએ. ગીતાએ આ ગણતરી કરી બતાવી છે. ભૂમિ, આપ, અનલ, વાયુ, ખં (આકાશ), મન, બુદ્ધિ અને અહંકાર એ અષ્ટધા જડ પ્રકૃતિ છે. તેથી ૫૨ જીવરૂપ ચેતન પ્રકૃતિ મળી નવા પ્રકૃતિ થાય. મનુષ્યમાં આ બંને એવી તો સજ્જડ જોડાયેલી છે કે ચેતન પણ જડને વશ બની વર્તે છે. ‘હું શરીર, હું મન’ એ ભાવ મટતો નથી અને ‘સત્ય અનંત’ને પ્રવેશવાની જગ્યા મળતી નથી. ક્ષર અને અક્ષર, અપરા અને પરા, જડ અને ચેતનની આ ગ્રંથિ ભેદાઈ જાય તો ‘નવધાથી ન્યારો’ છે તેનો અનુભવ થાય. એ પૂર્ણ પુરુષનું વર્ણન કરતાં મુંડક કહે છે : ‘અપ્રાણો હિ અમનાઃ શસ્રો હિ અક્ષરાત્ પરતઃ’ ‘એ અમૂર્ત પુરુષ પ્રાણરહિત, મનરહિત, શુભ્ર અને જીવભાવથી અત્યંત ૫૨ છે.’ જીવ એટલે જ કોઈ એક સ્થળ અને કાળનું પ્રાણી, જ્યારે પ્રાણનું સ્પંદન, મનનું ચાંચલ્ય, ઇન્દ્રિયોની રંગીનતા હટી જાય ત્યારે કોઈ કાલાતીત અવસ્થામાં આ વિશુદ્ધ દર્શન થઈ શકે. એ જ તો ‘દશધામાં દેખાશે’નો ધન્ય અવસર. ભાણસાહેબે આ પરિપૂર્ણતાનો અનુભવ ગાતાં કહ્યું છે :

પંથ હતા સો થાય પરિપૂરણ, નવધા નામ મિટાયો,
દશમદશા આવી દિલ ભીતર, એકમેં અનેક સમાયો.

એક બીજી રીતે પણ દશમેં દ્વારે તાળી લાગી’ કહી સંતો આ અનુભવને ગાય છે. શરીરને નવ દ્વાર — બે આંખ, બે કાન, બે નાસિકા, એક મુખ, ગુદા અને ઉપસ્થ મળી નવ દ્વારવાળી નગરી કહેવામાં આવે છે. ‘નવ દ્વારે પુરે દેહી’ આવી નગરીમાં પુરાયેલો જીવ આનંદ માટે બહિર્મુખ બની ભટકે છે. પણ તે અંતર્મુખ બને તો તેના હાથમાં પરમ આનંદનો ખજાનો આવી જાય. મહામુક્તિનું દ્વાર ખૂલી જાય. એટલે સંતો વારંવાર ાદ પાડે છે : ‘બાહિર કે પટ દેય કે, અંદર કે પટ ખોલ.’ આ દ્વારને હેવાય છે બ્રહ્મરન્દ્ર. યોગવાણીમાં સુષુમણા અને બ્રહ્મરન્ધનું વર્ણન આવે છે તેની વિગતમાં અહીં નહીં પડીએ. એ જ દશમ દ્વાર છે. ડુંગરપુરીના ભજનમાં આવે છે :

નવ દ્વારા પર દશમી ખડકી,
ખડકી મેં એક ખડકી એ જી,
એ ખડકી કોઈ સદ્ગુરુ ખોલે
કૂંચી ઉનરા ઘરી રે.

એટલું જાણી લઈએ કે બહારની ઇન્દ્રિયોથી જે કાંઈ જ્ઞાન થાય છે તે ખંડદર્શન છે. તેનાથી પર ઊઠ્યા વિના અખંડ દર્શન થતું નથી. ‘દશધામાં દેખાશે’ એને ભગવદ્-અનુભૂતિ, સ્વરૂપ-દર્શન, આત્મપદપ્રાપ્તિ એવાં અનેક નામથી ઓળખીએ પણ વસ્તુ એક જ છે. અખંડ દર્શન, અનંત આનંદ, સંપૂર્ણ વિજય પછી કશી જ કામના રહેતી નથી. ‘બડે ઘર તાળી લાગી રે, હાંરા મનરી ઉણારથ ભાગી.’ મન ચંચળ છે, ઇન્દ્રિયો બળવાન છે એટલે આપણે આવો વિજય કોઈ દિવસ ન મેળવી શકીએ એવી હતાશા સામે કેટકેટલી રીતે હિંમત બંધાવવામાં આવી છે! ગીતા તો આવા હતાશ માનવપ્રાણ માટે જ કહેવામાં આવી છે. ચંડીપાઠમાં પણ એ જ કથા. મહિષાસુર જેવો મહાભયંકર અહં નાશ કેવી રીતે પામે? દરેક દેવતાએ પોતાનું તેજ આપ્યું ને તેમાંથી મહિષાસુરનો નાશ કરનારાં નવદુર્ગા પ્રગટ થયાં. આ નવદુર્ગા એ જ તો આપણામાં રહેલી અપરાપરા મળી નવા પ્રકૃતિ છે. મન-પ્રાણ-ઇન્દ્રિયો ત્યારે મનુષ્યનાં દુશ્મન નથી પણ એક પરમ શક્તિનું નિર્માણ કરનારાં સાધનો છે, સાયકો છે. અને એ તમામ સાથે મળી જ્યારે પરમાત્મા ભણી ઊંચે ચડે છે ત્યારે સુરતાનો દોર વણાય છે. પ્રેમના દોરને કોઈ છેદી શકતું નથી. આ પ્રેમના દોરમાં બંધાવા માટે તો સ્વયં હરિ સામેથી દોડ્યો આવે છે. જીવનનું રણક્ષેત્ર તો પછી રંગે રમવાનો ચાચર-ચોક બની જાય. નવદુર્ગા મળી રાસ ખેલે ત્યાં વિજયાદશમીનો ઉત્સવ દૂર ક્યાંથી રહે? પછી સર્વત્ર આનંદ જ આનંદ. આ દશનો આંકડો અત્યંત વિલક્ષણ છે, ભક્તિનો તો જાણે દશમસ્કંધ જ છે. હીબુ મરમી સાધકો ભક્તિનો માર્ગ નજર સામે રાખવા માટે કબાલાના ‘પવિત્ર વૃક્ષ’નું જે યંત્ર બનાવે છે તે પણ દશ વર્તુલોમાં વ્યક્ત કરવામાં આવે છે. છેક પૃથ્વીથી શરૂ કરી સૌથી ઊંચા વર્તુલ કેથર-મુગટ-માં પહોંચીએ ત્યારે પરમાત્માનું દર્શન થાય, મુક્તિ મળે. અને તે સ્થાનને નથી અસ્તિ કહી શકાતું, નથી નાસ્તિ કહી શકાતું. ત્યાં કશું જ નથી રહેતું છતાં કશું રહે છે. એ ૧ અને ૦ ના અંકથી પારખી શકાય છે. શૂન્ય થયા વિના એકને પામી શકાતું નથી. અને શૂન્ય સાથે મળતાં એકનો વિહાર અનંત બની જાય છે. નરસિંહ કહે છે : અદેત બ્રહ્મ અનોપમ લીલા.’ ત્યારે એક અને અનંતનું મિલનબિંદુ યોજાય છે. ‘નહીં ભર્યો, નહી ઠાલો’ કહે છે ત્યારે શૂન્ય થયેલા આત્માની પૂર્ણતા છલકી ઊઠે છે. ‘અદેત બ્રહ્મનાં’ દર્શન થાય ત્યારે શૂન્યના ઘરમાં પ્રવેશ મળે. જ્ઞાની નરસિંહને આની પૂરી ખબર છે પણ ભક્ત નરસિંહને તેનાથી સંતોષ નથી. એ બીજી જ પળે ‘અનોપમ લીલામાં પ્રવેશ કરે છે. અને આ લીલામાં દાખલ થયાં શું મળે છે? અચવ્યો રસ છે એની પાસે, તે પ્રેમીજનને પાશે રે આ જગતનો દરેક રસ, દરેક આનંદ સ્થળ અને કાળની દાઢમાં આવી ગયેલો છે. તે પ્રાપ્ત થયો ત્યારથી જ કાળચક્રનો દાંતો તેના ૫૨ પડી ગયો છે અને તેને ચવાઈને ચૂથ્થો થઈ જતાં વાર લાગતી નથી. ‘અચવ્યો રસ’ જે કદી ચવાયેલો નથી થતો, એંઠો નથી થતો એવો નિત્ય નવો, તાજો, મીઠો રસ તો પૂર્ણાનંદ પુરુષોત્તમ પાસે છે. અસંખ્ય જુગ વીતી જાય તો પણ એનું સ્વરૂપ એવું જ શુદ્ધ રહે છે, એની લીલા એવી જ આનંદમય ચાલ્યા કરે છે. જે રસને સ્થળનો આધાર નહીં, કાળનું અવલંબન નહીં એ જ તો રસરાજની પ્રસાદી છે. અને પ્રેમીજનને ભગવાન અત્યંત પ્રેમથી એ રસ પાય છે. એ રસના ઘૂંટડા લેતાં તો- ભયા હરિરસ પી મતવારા. આઠ પહર ઝુમત હી બીતેે, ડાર દિયા સબ ભારા. આવો ભાવવિભોર કરી મૂકતો રસ કેવી રીતે મળે? આપણે કોઈ સાધનાના બળથી તેને મેળવવા મથીએ તે પહેલાં નરસિંહ ચેતવી દે છે :

જપ તપ જોગ જગત મુનિ દુર્લભ

વૃન્દાવનમાં યજ્ઞ કરતા તપસ્વી બ્રાહ્મણોની યાદ નરસિંહના મનમાં ફરકી ગઈ લાગે છે. કૃષ્ણને ભૂખ લાગી હતી. તેમણે થોડું ખાવાનું લઈ આવવા માટે નજીકમાં જ યજ્ઞ કરતા ઋષિમુનિઓ પાસે ગોપમિત્રોને મોકલ્યા. પણ ઋષિમુનિઓએ તો તેમને હડધૂત કરી કાઢી મૂક્યા. પછી કૃષ્ણે પોતાના સાથીઓને ઋષિ-પત્નીઓ પાસે જવાનું કહ્યું અને તેમણે ભરપૂર પ્રેમથી ગોવાળિયાઓનાં પાત્રો ભરી દીધાં. હવે પેલા જરઠ તપસ્વીઓ કરતાં આ કોમળ હૃદયની સ્ત્રીઓ જ પરમાત્માની પ્રસન્નતા જીતી લે ને! યજ્ઞોના ધુમાડાથી આખું આકાશ ભરી દેશો તો કાંઈ કામ નહીં આવે અને આંગણે આવેલાને ચૂલેથી એક ચાનકી ઉતારી આપશો તોપણ ભગવાન રાજી થઈ જશે. એ તો ‘માને તેવો મેવો’ છે. આઘે માનો તો આઘે છે, પાસે માનો તો પાસે છે. વળી જેવો સ્વાદ ધારો એવો જ તે આપી શકે છે.