કથાલોક/યશોધરની અ-યશોધરીય કથા

Revision as of 03:55, 19 May 2025 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


૧૧
યશોધરની અ–યશોધરીય કથા

શ્રી યશોધરભાઈ,

તમારી નવી નવલકથા ‘સંધ્યારાગ’ હું વાંચી ગયો. વર્ષો અગાઉ મેં તમારી નામચીન નવલકથા ‘સરી જતી રેતી’ (સુધારી નાખેલી નવીન આવૃત્તિ નહિ પણ અસલી આવૃત્તિ) વાંચેલી. એ પછી આટલે વર્ષે ‘સંધ્યારાગ’નું વાચન કર્યું, અને સમજાયું કે આટલા સમયગાળામાં તમારામાં અને તમારી નવલકથાઓમાં જબરું પરિવર્તન આવી ગયું છે. સાચું પૂછો તો મેં તો મગજમાં ‘સરી જતી રેતી’ના સંસ્કાર ભરીને ‘સંધ્યારાગ’ વાંચવાની શરૂઆત કરેલી. એ નામચીન નવલકથામાં તો તમે કેટકેટલી રસસામગ્રીઓ પીરસેલી! એમાંની સુંદરીઓની અને શરાબોની વીગતો સંભારું છું અને એને ‘સંધ્યારાગ’ જોડે સરખાવું છું ત્યારે લાગે છે કે તમારી વાર્તાકલાની સાવ કાયાપલટ થઈ ગઈ છે. ભારતમાં લૉર્ડ હાર્ડિજના જમાનાની પશ્ચાદ્ભૂમાં રચેલી આ નવી નવલકથામાં તમે કેટલા બધા સંયમી બની ગયા લાગો છે! સાતસાત પ્રકરણો સુધી તો આ કથામાં ક્યાંય સ્ત્રીજાતિના નામનું પ્રાણી પણ દેખાતું નથી. [1] સાતમા–આઠમા પ્રકરણોમાં શીખોની રાણી હુંદાકુંવર અમસ્તી જરા રાજદ્વારી મંત્રણાઓ કરવા આવીને પાછી ચાલી જાય છે. પણ સામાન્ય વાચકો જેને કથાની નાયિકા કહે એવું પાત્ર તો પહેલવહેલું છેક ૯૧મે પાને સતલજને તીરે ‘મંદિરના દ્વારમાંથી એક યુવાન સ્ત્રી ઊતરતી દેખાઈ’ ત્યારે જ અમને દેખાયું. આગળ જતાં તમે જેને વિભૂતિ નામે ઓળખાવી એ આ યુવાન સ્ત્રીનું વર્ણન પણ તમે કેવી કંજૂસાઈથી કર્યું છે! એ યુવતીએ ‘પોતાનાં શણગાર તથા ઉત્તરીય ઉતારીને બાજુ ઉપર મૂકી, જળમાં પ્રવેશ કર્યો’ ત્યારે મને તો મનમાં થતું હતું કે અબઘડી જ તમે અહીં ‘બેધિંગ બ્યુટી’નો સીન નાખી દેશો. પણ ‘પાંચદસ ડૂબકીઓ મારીને’ એ સ્નાનપૂત સુંદરી ‘બહાર આવી ત્યારે એનાં વસ્ત્રોમાંથી એનું મનોહર તારુણ્ય પ્રકાશિત થઈ રહ્યું હતું, મુખરિત બન્યું હતું’, એટલી વિગતો આપીને જ તમે તો તમામ શુદ કરી નાખ્યું! અમારા મિત્ર શિવકુમારભાઈની પેઠે તમે આ સુંદરીનાં ‘વાઈટલ સ્ટેટિસ્ટિક્સ’ ભલે ન આપ્યાં, પણ ભલા માણસ, એના નિર્દોષ વર્ણનમાં પણ આટલી બધી કરકસર? ‘માઈકેલે એને એકાગ્રતાથી જોઈ લીધી. એના સ્વરૂપમાં એને દૈવી પ્રભાવ ગોચર થયો...’ હત્તમારી ભલી થાય, યશોધરભાઈ, તમે તો સીધા દૈવી પ્રભાવની જ વાત કરી નાખી! પુત્રનાં લક્ષણ કે અપલક્ષણ પારણામાંથી જણાય, એમ નાયિકાનાં સુલક્ષણ પણ તમે એના પ્રથમ પ્રવેશમાં જ ઓળખાવી દીધાં, અને મારો તો આ વાર્તામાંથી અરધો રસ ઓસરી ગયો. સાચું કહું છું, વાર્તારસિક તરીકે મને મનુષ્યોમાં જ રસ છે, દેવદેવીઓમાં નહિ—સિનેમાની દેવીઓમાં પણ નહિ જ. પણ મને તો આ એક જ વર્ણન વાંચીને વહેમ આવી ગયો કે હવે તમે આ કથાને અગમનિગમને પાટે ચડાવી દેશો. અને કથા પૂરી કર્યા પછી એ વહેમ સાવ સાચો પણ પડ્યો જ. કથાનાયક માઈકેલને તમે આરંભથી જ ‘મહાત્મા’ તરીકે ઓળખાવ્યો છે. આલ્કોહૉલ તો ઠીક, સામાન્ય ચા–કૉફી કે ચિરુટ–હુક્કાને પણ નહિ અડકનાર એ તરુણ અંગ્રેજ બચ્ચાને કથામાંનાં સહુ પાત્રો ‘મહાત્મા’ કહીને જ ચીડવે છે. પણ મને તો આ કથાના લેખક પોતે જ ‘મહાત્મા’ જેવા જણાયા છે, એમ કહું તો માફ કરજો. જુઓને, ‘સરી જતી રેતી’માં તમે પીણાંઓની વાત કરતાં આખેઆખાં ‘વાઈન્સ લિસ્ટ’ વાપરી નાખેલાં ત્યારે ‘સંધ્યારાગ’માં લશ્કરના કર્નલો અને સેનાપતિઓ બીઅર અને વ્હિસ્કીથી જ ચલાવી લે છે અને બાકી તો ચિરુટ અને હુક્કા વડે જ ગાડું ગબડાવે છે. કથાનો મોટો ભાગ તો તમે પંજાબ અને કાશ્મીર પચાવી પાડનારા અંગેજોના કાવાદાવામાં જ રોક્યો છે. ખુલ્લો ઘેરો શૃંગાર તો દૂર રહ્યો, સાવ સાદા પ્રેમપ્રસંગો પણ આ કથામાં આંગળીને વેઢે ગણાય એટલા જ જોવા મળે છે. આપણા કેટલાક વાર્તાકારો તો વાર્તાના ત્રીજા જ વાક્યમાં વાચકને શયનગૃહમાં ખેંચી જાય છે, ત્યારે ‘સંધ્યારાગ’માં તમે શયનગૃહ કરતાં શિવમંદિરની જ વધારે વાતો કરી છે. આ બધું તમારા નાયક માઈકેલની પેઠે તમને પોતાને પણ ‘મહાત્મા’ ઠેરવવા માટે પૂરતું નથી? કુલુ ખીણમાં મનાલી ખાતે વસતા મેજર બેનનનાં એક પૂર્વજ ભારતમાં એક બ્રાહ્મણકન્યા જોડે પરણેલા એટલા કથાબીજને વિસ્તારીને તમે આ કથાને ઐતિહાસિક ઢાંચો આપ્યો છે. ઐતિહાસિક વિગતોને ચૂસ્તપણે વળગી રહેવાને બદલે તમે કથામાં ઇતિહાસની આબોહવા સર્જીને જ સંતોષ માન્યો છે એ સામે મારે કશું કહેવાપણું નથી. આ અર્ધઐતિહાસિક જેવી કથા પણ આસ્વાદ્ય બની છે. અને એમાં ઐતિહાસિક કૃતિ જેવો જ કથારસ આવી શકે છે એટલેથી મને સંતોષ છે. અસંતોષ કોઈ રહેતો હોય તો તમારી અગમનિગમની વાતો અંગે જ, એમ કહું તો ફરી મને માફ કરશો. અગાઉ રમણલાલ દેસાઈ એમની નવલકથાઓમાં એકાદ ભેદી પાત્ર લાવીને એની મારફત વાચકને છેલ્લા પ્રકરણ સુધી ખેંચી જતા. ‘સંધ્યારાગ’માં પણ તમે અબ્રાહમ જેવા ભેદી—જાણભેદુ પણ ખરા!—યહૂદીને અને પેલા તિબેટી લામાને લાવીને આવો ભેદભરમ તો ઊભો કર્યો જ છે. માઈકેલ અને વિભૂતિ પૂર્વજન્મમાં પદ્મરાગ અને સંધ્યા નામનાં પતિ–પત્ની હતાં એમ આ જાણભેદુઓ કહે—અથવા એમની મારફત તમે કહેવરાવો—એટલે અમારે માની જ લેવું? અમને અગમનિગમમાં ન માનનારાઓને આ વીગતો ગળે ઉતારતાં કેટલી કઠણાઈ થઈ હશે એની તમને કલ્પના આવે છે? ભલા એક વાત પૂછું, યશોધરભાઈ? અંગ્રેજ માઈકેલને બ્રાહ્મણકન્યા વિભૂતિ જોડે પરણાવવા માટે એને પૂર્વજન્મનો બનારસી બ્રાહ્મણ બતાવવાનું કલાદૃષ્ટિએ અનિવાર્ય જ હતું ખરું? દુનિયાભરની ભાષાઓમાં, નવાણું ટકા જેટલી નવલકથાઓમાં પ્રેમકિસ્સાઓ આવે છે, પણ એ પ્રેમને વાજબી ઠરાવવા માટે એ પ્રેમીઓની પૂર્વજન્મની પ્રીત અનિવાર્ય નથી ગણાતી, તો માઈકેલ અને વિભૂતિ માટે જ એ વીગતોની અનિવાર્યતા શા માટે? પ્રેમ એ પોતે જ પ્રેમમાં પડવાનું સબળ કારણ ગણાય છે. પ્રેમ આંધળો છે, એટલી હદ સુધી તો દલીલ નહિ કરું પણ દુનિયા હમેશાં ચાહકોને ચાહે છે એ તો તમે જાણો જ છો. તમારી જ આ અગાઉની કથાઓમાં ચાહકોનાં ચિત્રણો વાંચીવાંચીને જ હું પણ તમારો મૂંગો ચાહક બનેલો. પણ ‘સંધ્યારાગ’માં ચાહકોનાં ચિત્રણમાં ભેદી નજુમીઓ, ત્રિકાલજ્ઞો અને પેલા ચમત્કારિક શ્રીચક્ર યંત્રની વીગતો વાંચીને થયું કે આ અગમનિગમનો તમારો મનગમતો વ્યાસંગ તમારી વાર્તાઓમાં પણ આવે તો તો એ રસનિષ્પત્તિમાં રખે સાધકને બદલે બાધક બની રહે! તેથી જ કહું છું કે ‘સંધ્યારાગ’ કથા મને યશોધર ઘરાણાની બહુ નથી લાગતી. તમારી બધી જ નવલકથાઓ વાંચી હોવાનો દાવો હું નથી કરતો છતાં એટલું તો કહીશ કે ‘સંધ્યારાગ’ તમારી વધુમાં વધુ અ–યશોધરીય રચના હશે. આ કથામાં માઈકલ ‘મહાત્મા’ને તો તમે છેવટ જતાં ‘રસાત્મા’ બનાવી દીધો છે; પણ એ સુભગ પરિવર્તન એના સર્જકમાં પણ આવી શક્યું હોત તો! મહાત્માઓ કે મરજાદીઓ કદીય મોટા કલાકાર નથી બની શકતા એ હકીકતની જાણ તમારા જેવા ચતુરસુજાણને કરવાની જરૂર ન જ હોય. તેથી જ તમને એક વિનંતિ કરવાનું મન થાય છે : તમારું અગમનિગમ જ્ઞાન તમારા અંગત વ્યાસંગ તરીકે તમને મુબારક હો. વાર્તાલેખનમાં ભલા થઈને એ જ્ઞાનને વચ્ચે ન લાવો. અને લાવો તો પણ એને કલાદૃષ્ટિએ પ્રતીતિકર બનાવો. બાકી, પૂર્વજન્મની પ્રીતની વાતો ઘણીવાર બજારુ પ્રેતકથાઓથી આંગળ વા જ આઘી રહેતી હોય છે, એમ કહું તો મને ત્રીજી વાર માફ કરશો? ‘સંધ્યારાગ’માં ઇતિહાસ અને પ્રેમ બેઉ તત્ત્વોનો ભરપેટ આસ્વાદ મળશે એવી આશાએ મેં એનું વાચન કરેલું. અને એ બેઉ બાબતમાં મને અતૃપ્તિ રહી ગયાની આ ફરિયાદ નોંધાવતાં મને દુઃખ થાય છે. પણ એનું કારણ કદાચ એ જ છે કે ‘સંધ્યારાગ’ તમારી વધુમાં વધુ અ–યશોધરીય સરજત બની છે. આમ શાથી થયું, યશોધરભાઈ? ફિલમવાળાઓ પેલા ‘એ’ સર્ટિફિકેટથી ગભરાઈ જાય છે, એમ તમે પણ ગભરાઈ ગયેલા કે શું? કે પછી કોઈ વિવેચક તરફથી ‘લાંપટ્યરસ’નું લેબલ મળી જશે એવી બીક લાગી ગયેલી? પણ હવે તો ગુજરાતી સાહિત્યમાં નવોદિત બીટનિક લેખકો તો ‘કંચૂકીબંધ’થીય આગળ નીકળીને ક્યાંયના ક્યાંય જઈ પહોંચ્યા છે એ તમે જાણો છો કે નહિ? એમની કેટલીક કૃતિઓની સરખામણીમાં તમારી ‘સર જતી રેતી’ તો ‘સતીચરિત્ર’ જેવી સદ્ગુણી લાગવાનો સંભવ છે. અલબત્ત, હું તમને બીટનિક બનવાનું નથી સૂચવતો. માત્ર, માઈકેલની પેઠે ફરી પાછા રસાત્મા બની રહેવાનું જ વિનવું છું. આવો એક ‘વન્સમોર’ થવા દો એટલી જ અભ્યર્થના. લિ. તમારો
ચુનીલાલ મડિયા
જાન્યુઆરી, ૧૯૬૪



  1. આ અવલોકન વાંચીને એક અધ્યાપકે શોધ કરી બતાવી, કે વચ્ચે એક સ્ત્રીનો ઉલ્લેખ આવે છે ખરો.