ભજનરસ/વહેતાનાં નવ વહીએ
ભાઈ રે, વહેતામાં નવ વહીએ,
આતમશું અવલંબીએ, લેહમાં લીન થઈએ.
અધિષ્ઠાન ઓળખ્યા વિના, સહુ પંથે પળાયે,
ધાતા ધસતા દેખીએ, ઘરના ઘરમાંયે-
માયાનું મહંતપણું, અટપટું એવું,
સૂક્ષ્મથી અતિ સાંકડું, વિસ્તારણ પણ તેવું-
જેમ થાયો ઘાણી તણો, નિશદિન બહુ હીડે,
જાણે હું અતિશે આઘે ગયો, માયા મીંડે ને મીંડે-
એહ અજાને લ્યો ઓળખી, તો ધ્યેય ધ્યાને આવે,
અંધારું ઉલેચતાં, નવ તિમિર નસાથે-
જેમ વહેતે વહેતું દેખીએ બેઠાં જળકાંઠે,
ઠેકાણે તે ઠામ છે, મણિ પામ્યો કંઠે
ઊંચો અનુભવ આણીએ, દશા દેવની લીજે,
રાંક રોલાકૃત કામનાં, માજન નવ રીઝે–
જો રે જાણો તો જાણજો, થોડું ઘણું ભાખ્યું,
લઈ શકો તો લ્યો અખા, અજમાલ્ય નાખ્યું-
ભાઈ રે, વહેતામાં નવ વહીએ.
પ્રકૃતિના ચંચલ પ્રવાહમાં તણાઈ જતા મનુષ્યને પોતાના આત્મપદમાં નિશ્વલ રહેવાનું આ પદમાં ઉદ્બોધન છે :
ભાઈ રે... લીન થઈએ
ભાઈ, તમે એમ માનો છો કે તમે કાંઈ કરો છો, ભરો છો, તરો છો? ના, રે ના. તમે તો તમારી પ્રકૃતિ ને વૃત્તિઓના પ્રવાહમાં તણાતા જાઓ છો. આ સતત ભય ને અસંતોષનું જગત છે એનું ભાન છે ને? વહેતામાં જ વહે તેને ભાગે ક્યાંયે વિશ્રાન્તિ નથી. માટે સવેળા ચેતી ઈ તમારા પોતાનામાં રહેલા અવિચળ ને અનશ્વર સ્વરૂપ ભણી વળો. એનું અવલંબન તમને નોધારા નહીં છોડી દે. જેમ જેમ એની લગની લાગશે તેમ તેમ તમે એમાં લીન-વિલીન થતા જશો. પરમ શાંતિના પારાવારમાં નિમગ્ન થઈ જશો.