ધૂળમાંની પગલીઓ/૧૧
આજે હું કંજરીમાં નથી, કર્ણાવતીમાં-અમદાવાદમાં છું. અમદાવાદના માથેય આકાશ તો છે, પરંતુ પેલું કંજરીનું નહીં. આજનું મારું આકાશ તો ડહોળાયેલું છે, એ પેલા ઠાકોરજીની ચાંદીની ઝારીમાં ભરેલા યમુનાજલ જેવું સ્વચ્છ નથી. મારી અંદરના ને બહારના કંઈક ગરબડગોટાઓથી એ ખરડાયેલું છે. પેલા કંજરીના આકાશની તો વાત જ જુદી! અમારા ગામમાં કોઈ નવું માણસ પ્રવેશે કે એનાં વમળ ગામ આખાને પલકમાં પહોંચી જાય. એવું જ શું અમારા કંજરીના આકાશનેય નહોતું થતું, નવું પંખી એની પાંખમાં આવતું ત્યારે? કંજરીમાં રહેવા મળ્યું તે દરમિયાન એવો એકેય દિવસ યાદ નથી, જ્યારે મારી આંખોને આકાશ સાથે કંઈ ને કંઈ ગુફ્તગો ન ચાલી હોય. આકાશને ઘણું ઘણું કહેવાનું હતું અને મારી આંખોને ઘણું ઘણું સાંભળવાનું હતું. મેઘધનુષના સાત રંગ છે તો આકાશને સાતસો રંગ છે. કેમ જોવા એનો પ્રશ્ન છે. આકાશને સવારે જુઓ, બપોરે જુઓ ને તે પછી સાંજે જુઓ, મધરાતે જુઓ ને મળસકે જુઓ. વેળા વેળાની એની છટાઓ છે, વેળા વેળાના એના રંગો છે. આકાશ કોઈવાર સવારે મીનાકારી મુરાદાબાદી તાસક જેવું લાગ્યું છે તો ચાંદની રાતે રૂપાના થાળ જેવુંયે લાગ્યું છે. ઉનાળાની બપોરે ધધખતા સીસાના ચકરડા જેવું પણ એ ભાસ્યું છે. એ આકાશને ઉઘાડી આંખે જોવાની તો મજા છે જ, મેં મીંચેલી આંખેય એની મજા ચાખવા પ્રયત્ન કર્યો છે. ક્યારેક સૂરજ આડે હથેળી રાખી એની રતાશનો ચટકો પકડવાનોયે પ્રયાસ કર્યો છે. કેટલીકવાર અમારા ગામના બપોરી વેળાના શાંત તળાવનો પડઘો હોય એવું પણ આકાશ અમને લાગ્યું છે ને કેટલીકવાર પનિહારીઓની તાંબાપિત્તળની હેલોની આડશે એ ઝગારા મારતું લાગ્યું છે. ક્યારેક તો સમાધિસ્થ ચિત્તમાં કોઈ વિકારનો સંચાર થાય એ રીતે આકાશમાં કોઈ એકલદોકલ પંખીનો સંચાર થતો અનુભવ્યો છે. આ આકાશ સાચે જ એક તિલસ્મી દેશ છે. એનેય, મનાય છે કે, સાત પડ છે – એકની પાછળ બીજું, એ રીતે! ભગવાન આ સાત પડ કે પડદાઓની પાછળ રહીને મનમાન્યા વિવિધ ખેલ ખેલે છે. કોઈવાર પાણીની કોઠીઓ પર કોઠીઓ ગગડાવે છે - ગબડાવે છે; ને બધું થઈ જાય છે જળબંબાકાર. કોઈવાર એ સોનાની પિચકારી લઈ, અવનવા રંગોની શેડ છોડે છે ને બધું થઈ જાય છે રંગેબહાર. મને યાદ છે એકવાર નાનપણમાં મારા બનેવી સાથે પાવાગઢ જવાનું થયું. વહેલી સવારનું ચઢાણ. ચઢતાં-ચઢતાં સૂરજ ઊગ્યો. આજુબાજુના પહાડની પૃષ્ઠભૂમિને સ્પર્શતા અભ્રિલ વિસ્તારમાં રંગોની એક અજાયબ પટલતા પ્રગટી. જાણે કોઈ સ્વર્ગભૂમિની રંગીન ફરસબંધી. મને ત્યારે વળી વળીને થતું, એકાદવાર જો આ ફરસ પર પગલીઓ પાડવાનું મળે તો...! પણ મારો હાથ કડકમાં કડક ચાથીયે વધુ કડક એવા મારા બનેવીના હસ્તવ્રજમાં જકડાયેલો હતો. અને એ તો મિજાજેય એવા કે મારા મનનું પતંગિયું પંખામાં ખૂલવા ચાહે તોય ન ખૂલી શકે! પાવાગઢમાં રંગીન ફરસબંધીવાળો પ્રદેશ છે એવી ભ્રાંતિ મારા મુગ્ધ મનમાં સારો એવો લાંબો સમય સત્યરૂપે ટકેલી ને પરાણે પાછળથી એ ટળી. ખરેખર ટળી છે? મને કોણ જાણે કેમ, આકાશમાં હરતાંફરતાં રહેતા પદાર્થો ને સત્વો માટે કોઈ નિગૂઢ આકર્ષણ રહ્યું છે. રાત્રે આકાશમાં ઊડતાં આગિયાઓને પકડવા ને ખિસ્સામાં ભરી મિત્રોને ચમકાવવા માટે મેં સારી દોટંદોટ કરી છે. આકાશમાંની વાદળીઓની તો પૂંઠ જ પકડતો. એ તરતી-સરતી કોઈ મકાનો કે ઝાડી પાછળ ઓઝલ થાય ત્યાં સુધી મારી નજરનેય દોડાવતો – કહો કે નજરને છોડતો, પતંગની સહેલમાં જેમ દોરી છોડવામાં આવે તેમ. વાદળીઓ ક્ષણે ક્ષણે જે નવતા ધારણ કરતી એનું મને અદમ્ય કૌતુક રહેતું. હું વાદળીની સતત ગતિશીલ રેખાઓમાંથી કોઈ પશુ, પંખી કે માણસનો ચહેરો તારવી લેવા મથતો, ને આવા રસિક કાર્યમાં અન્ય સાથીદારોનેય સામેલ કરતો. જ્યારે ગ્રહણનો દિવસ આવતો ત્યારે મને એના પર ઊંડો અભાવો જાગતો. જાણે આકાશનું ગળું રૂંધવાની પેંતરાબાજીથી કોઈ દુષ્ટ મન સક્રિય થયું ન હોય! તે દિવસે ગ્રહણ છૂટે નહીં ત્યાં સુધી ઘરમાં કશાને અડાય નહીં. ખવાય-પિવાય નહીં. આપણે ઘરમાંથી છેક જ બહિષ્કૃત જીવ જાણે! પિતાજી, મા, બહેન વગેરે સૌ ભગવાનનું નામસ્મરણ કરતાં પડસાળ-એાસરીમાં બેઠાં હોય. દાનધરમની વાતો ચાલે. સૂરજ કે ચંદ્ર કોઈનું અકાળે અવસાન થતાં સૌ સૂતક પાળવા તૈયાર થયાં હોય એવું મને તો લાગતું. મને આ જરાયે ગમતું નહીં. અમે આતુરતાથી ક્યારે ગ્રહણ છૂટે એની રાહ જોયા કરતા. પરંતુ ગ્રહણ તો એની રીતે એના સમયે છૂટવાનું. દરમિયાન અમારે શું કરવું? સૂર્યગ્રહણ હોય તો તો તે જોવા માટેની તૈયારીનો આનંદ ઠીક રહેતો. ક્યાંકથી ભાંગેલો કાચ શોધી લાવવો, તેને સરખો કરવો, સાફ કરવો, તેના પર મેશનું પડ ચડાવવું. કોઈવાર એ ન બને તો કોઈ કથરોટ કે એવું વાસણ લઈ આવી એમાં પાણી ભરવું. ત્યારબાદ ગ્રહણ લાગતાં જ એ નીરખવાનો કાર્યક્રમ ચાલુ થતો. અમે કોઈક રીતે ગ્રહણ જોઈને રહેતા ને તે મારાં મા-બહેન વગેરેને ગમતું નહીં. કહે : ‘સામે ચાલીને ખરાબ વસ્તુ જોવાનું કારણ?’ અને અમે ગ્રહણ કઈ રીતે ખરાબ એ પૂછતાં તો અમને ખુલાસારૂપે સમુદ્રમંથનની કથા સાંભળવા મળતી. ઠીકઠીક મોટી ઉંમરે રાહુ – કેતુ પાછળની ખગોળશાસ્ત્રીય ભૂમિકા સ્વીકારવાનું મારાથી બની શક્યું. મને જો માસોમાં આસો ઉત્તમ લાગેલ છે તો આસોમાં મને આકાશ સર્વોત્તમ લાગે છે ને આકાશમાંયે ચંદ્ર. આસોનું આકાશ મને હંમેશાં સભર કમલસરોવર જેવું ચારુ-પ્રસન્ન લાગતું રહ્યું છે. ‘નિજમાં પરિતૃપ્ત મગ્ન’ કહેવું હોય તો એને કહી શકાય. અમને અનેકવાર થતું : આ આકાશમાં સહેલવા મળે તો કેવી મજા આવે! ચકલીઓ ફરક ફરક કરતીકને આ ડાળેથી પેલી ડાળે ને આ છાપરેથી પેલે છાપરે, એમ ચપળતાથી પહોંચી જતી તે અમે વિસ્મયમુગ્ધ થઈને જોતા. અમને ચકલીઓ અમારાથી ખૂબ નસીબદાર લાગતી. નહીં લેસનની લપછપ, નહીં કમાવાની ખટપટ, બસ, મન થયું ત્યારે ઊડ્યાં, મન થયું ત્યારે ચણ્યાં ને મન થયું ત્યારે ગાયું. નહીં રસ્તા એની જાળઝંઝટ; નહીં વાહનોની પળોજણ. શું એવી કોઈ જડીબુટ્ટી ન મળે જે ઘસીને પીતાં આપણે બલૂન જેવા હલકાફૂલ થઈને મનની મોજ પ્રમાણે ઊડી શકીએ? મને સૂર્ય વિના, તડકા વિના, ઉઘાડ વિનાય ભાર ભાર લાગતો હોય છે ને પેલા સૂર્યમુખીને છે એવો જ મનેય પ્રેમ છે સૂર્ય પર; પણ મારો પક્ષપાત, મારી આસક્તિ તો ચંદ્ર માટે જ. ચંદ્ર શ્યામ હોય તોય હું એને જ ચાહત. ચંદ્રમાં કંઈક એવું છે જે મને મૂળમાંથી ખેંચે છે. કદાચ મારી ત્રણ નાડીઓ ઈડા, પિંગલા ને સુષુમ્નામાં ઈડા સવિશેષ બળવાન હશે! ચંદ્રને જોતાં કદી મને થાક લાગ્યો નથી. ચંદ્રમાં સસલું છે, હરણ છે કે રેંટિયો કાંતતી વૃદ્ધ ડોશી છે એ આજેય, ચંદ્ર પર અવકાશયાન ઊતર્યું તે પછી પણ, હું નક્કી કરી શક્યો નથી. ચંદ્રને મેં ભગવાનની – ખાસ તો બાલકૃષ્ણની જમવા માટેની ચાંદીની થાળી જેવોય માન્યો છે અને ગોકુલમાં ગેડીથી રમવા કામ લાગે એવો દડોય માન્યો છે. એને ‘ફૂટબોલ’ માનવાનો તો મારો સાફ સાફ ઇનકાર છે. આ ચંદ્રની સ્નિગ્ધ નજર હેઠળ ખેલવા-કલ્લોલવાને કોઈ જુદો જ આનંદ હોય છે. અમને ચાંદની હોય તો ધૂળમાં બેસવાની ને ક્યારેક તો તેમાં આળોટવાનીયે મોજ આવતી. જેમ ધૂળ પાણીથી ભીની થાય છે તેમ ચાંદનીથીયે તે ભીની થતી હશે! અમને હંમેશાં ચાંદનીમાં ધૂળ જુદી જ લાગી છે. ચાંદનીની ધૂળ તડકાની ધૂળથીયે જુદી જ હોય છે! આસો માસ હોય, એમાંયે ચારુદત્તના ચહેરા જેવો ચંદ્ર આકાશે ચઢ્યો હોય, ખુલ્લો ચોક હોય ને એમાં સરખી સાહેલીઓ ટોળે વળી હોય—એ દૃશ્યનો સ્વાદ તો જેણે માણ્યો હોય તે જ જાણે. ચંદ્રને જોઈએ ને આપણા રક્તમાં કશુંયે ન થાય એમ બને ખરું? ચાંદનીની સાથે જ ઘટઘટમાં કશુંક હેલે ચઢે છે. અમારી વૈષ્ણવ હવેલીમાં શ્વેત આરસચેકમાં, ચાંદનીના સ્નિગ્ધ ઉજાસમાં, શ્વેત સજાવટ વચ્ચે, ચાંદીના બંગલામાં દ્વારકાધીશનું શ્યામ સ્વરૂપ વિરાજમાન છે. શ્વેત વાઘા, માથે મોતીનો સેહેરો, અલંકારો પણ મોતીના, ચાંદીના કટોરામાં દૂધ-પૌંઆનો પ્રસાદ. શ્વેત રંગની એક ગૂઢ અને શુચિ-સ્વચ્છ દ્યુતિ ઉલ્લસિત ભાવે ઝલમલે છે. વાતાવરણમાં ચાંદનીનું કપૂર મઘમઘે છે. બધું જ ચાંદનીનું, ગાયો ને યમુના, ગોપ ને ગોપી – સૌ ચાંદનીમય. ચાંદનીનો જ રાસ! એ રાસના ઉછાળામાં નટરાજ શંકર ન ભીંજાય એમ બને? ઘીના દીવાના આછા ઉજાશમાં, ચંદનની શીળી મીઠી મહેકમાં, ગભારાની પ્રસન્ન ભાવે થરકથી તિમિરાળી શાંતિમાં ચાંદનીનો કોઈ ઊંડો અમલ ઘૂંટાઈને ઘૂંટાઈને સ્ફુરતો ન હોય જાણે! અમે સૌ જાણતાં-અજાણતાં આ અમલમાં મહાલતા. અમે કોઈ પોયણાની જેમ અંદરથી અમને ઊઘડેલા પ્રમાણતા. આવી શરદપૂનમની રાત પસાર કરવા માટે ઘરમાં સૌથી વધુ અનુકૂળ આવે અગાશી. ‘આકાશી’ પરથી જ આ ‘અગાશી’ નામ તો નહીં સૂઝ્યું હોય ને? ઘરને જેમ ધરતીમાં મૂળિયાં જોઈએ તેમ એના માથે આકાશ પણ જોઈએ; નહીંતર ઘર અપંગ-આંધળું થઈ જાય. અમે એવા અપંગ-આંધળા ઘરનાં નિવાસી નહીં જ. અમે તો વરસાદ આવે ત્યારે કાં તો નેવા તળે પહોંચીએ, નહીંતર અગાશીએ. શું ચૈતરની ચાંદનીમાં કે શું શરદની ચાંદનીમાં, મનને ધરવ વળે આકાશપ્રિયા અગાશીમાં જ. એના ખોળે બેસી અમે અનેક રમતો રમતા. અડકોદડકો, ઇતીકીતી, બાઈબાઈ ચાળણી, લંગડી ને એવી કંઈક. અમારી રમતે અગાશી ધમધમે, પણ ઉત્સવના દિવસોમાં પિતાશ્રીની મહરેલી ઉદારતા આ બધું વેઠી લેતી. એટલે અમારી આ બધી રમતો નિર્વિઘ્ના સંવિતથી ચાલતી. તે દરમિયાન અમારી નજર, માએ દૂધ-પૌંઆ ભરેલી તપેલી અગાશીમાં સલામત ઠેકાણે ચાંદનીમાં ઠારવા માટે રાખી હોય, ત્યાં પણ રહેતી જ. ઊંઘ તો આંખમાં ડોકાય જ શાની? અંતકડી ને ગીતો–ભજનોયે ચાલે. નાની છોકરીઓ ગરબારાસ પણ ચલાવે ને અમે હનુમાનજીના કુલદીપકો આવા ગરબારાસમાં અમારી એકબે વાનગી એમની અનિચ્છા છતાં ઉમેરવાનું ચૂકીએ નહીં. ગરબો બરોબર ચાક પકડે ત્યાં અમારામાંથી કોઈને એકાએક વાઈ આવે ને પડે. બધા ગભરાય ત્યાં એ ક્રૂપ કરતોકને સ-ઠેક બેઠો થઈ છટકી જાય. ક્યાંક અંતકડી ચાલતી હોય ને અમારા સાગરીત સલામત અંતરે રહીને બુલંદ રીતે ‘પ્રૉમ્પટિંગ’ ચલાવે. આવાં થોડાંક આસુરી તોફાનો સિવાય અગાશીમાંનો અમારો સંસ્કાર કાર્યક્રમ સુપેરે ચાલતો; ને એની સ્વાદિષ્ટ પૂર્ણાહુતિરૂપે પેલો દૂધ-પૌઆનો પ્રસાદ આવી લાગતો. એ દૂધ-પૌઆ આરોગવાનીયે વિધિ હોય છે. કૃષ્ણે સુદામાના પૌંઆ, ગાયોનું દૂધ છતાં લુખ્ખા લુખ્ખા મુઠ્ઠી ભરીને ખાવાની ભૂલ કરી; આપણે તો ન જ કરીએ! અમે તો મા ગમે તેટલા દૂધ-પૌંઆ ગળ્યા કરીને આપે, પણ એને મોળા કહીને વધારાની ખાંડ ઉપર લેવાના જ. વળી આ દૂધ-પૌંઆ કંઈ પડિયા કે પિત્તળ કે કાચની ડિશમાં ઓછ જ લેવાય? એના માટે તો ચાંદીની જ વાટકી જોઈએ. અમારા ઘરમાં ચાંદીની વાટકી ઠાકોરજી માટે જ અનામત રહેતી તેથી અમારે નાછૂટકે જર્મન સિલ્વરની વાટકી સ્વીકારીને ચિત્તનું સમાધાન કરવું પડેલું. અમે જર્મનસિલ્વરની વાટકીમાં જેવા દૂધ-પૌંઆ પીરસાય કે તુરત જ વિનાવિલંબ એને મુખમાં પધરાવી દેતા. અમારી વાટકી એથી ઊણી જ રહેતી ને મા દૂધ-પૌઆ આપતાં થાકતી. છેવટે તપેલીનું તળિયું આવી લાગતું. ચમચાના અથડાવાથી તેનું ખાલી તળિયું કરુણ સ્વરે કણસતું ને ત્યારેય અમારી દૂધ-પૌંઆની ભૂખ-તરસ તો ભીતર ઘીથી હોમાયેલા અગ્નિની જેમ ભડભડતી જ હોય. માય આવી સ્થિતિ આવતાં જરાક લેવાઈ ગયા જેવી થઈ જતી. બિચારી ગમે તેટલા દૂધ-પૌંઆ કરે, પણ ખૂટે જ, અમારા જેવા ગળપણખાઉ બાળદેવતાઓ ના કારણે. ત્યાં જ અમારા પડોશમાંની ‘ગૌરી’ વહારે ધાતી. એ એની રઢિયાળી ઓઢણી તળે ઢાંકેલો દૂધ-પૌઆ ભરેલો મોટા વાટકો લઈને હાજર થઈ જતી. હસતાં હસતાં કહેતી : ‘લો માશી, આપો આ આમને!’ મારું નામ તો લુચ્ચી બોલે જ શાની? મા એ દૂધ-પૌંઆ લેવા કે નહીં એ વિશે વિચારતી હોય ને ગૌરી તો તુરત જ અમારા ખાલી વાટકા એના દૂધ-પૌંઆથી ભરી દે. માની આંખ જરા ભીની થાય. બસ, એટલું જ. આવા પ્રકારના અનુભવ અનેક થયા છે. એવી કેટલીક શરદપૂનમો જરૂર આવી છે જે ગૌરીના દૂધ-પોંઆએ વધુ સ્વાદિષ્ટ અને વધુ ઉજમાળી થઈ હોય. પણ એ ગૌરીએ પણ એક અમાસને વહાલી કરી. એવી શરદપૂનમ પણ આવી જ્યારે મા હતી, ચંદ્ર હતો, અમે હતા, દૂધ-પૌંઆ પણ હતા; પણ પેલી ગૌરી નહોતી. એ ગૌરીની લીલી ઓઢણીનો ફરકાટ, એવું મોહક નિર્દોષ હાસ્ય, એના ચરણનો થનગનાટ–બધું આજે કેવળ સ્મૃતિમય બન્યું છે. ગૌરીએ અંચઈ કરી; મારી બેઅદબી કરી. મેં એને માગેલી ભિલ્લુ તરીકે, પણ ત્યારે જ એ હાથતાળી દઈને છટકી ગઈ. ટીખળી ખરીસ્તો! ક્યાંક છુપાઈ હશે ચંદ્રના ચહેરા આડે, આકાશના પડદા પાછળ કે મારા જ એકાંતમાં એના કોઈક ખૂણાનો અંધાર ઓઢીને ગુપચુપ. એ ભલે દેખાતી નથી, પણ મને એ દેખતી હશે જરૂર. એ ભલે બોલતી નથી, પણ મારી વાત એ સાંભળતી હશે જરૂર. જરૂર એ હસતી હશે મારી આ લખવાની ચાપલૂસી પર. પણ એ મને છેક જ છોડી દઈ શકે ખરી? હું નથી માનતો. એ ક્યાંક મારી હદમાં હશે, કદાચ કોઈ નવા ચહેરે, કોઈ નવા રૂપે, કોઈ નવી ભૂમિકામાં. એ કયા વેશે હવે ઉપસ્થિત થાય એ કહેવાય નહીં ને તેથી જ મારે એના અણધાર્યા મીઠા મુકાબલા માટે વધુ જાગૃતિથી અને વધુ ખબરદારીથી શેષ જિંદગીનો મોરચો જાળવવાનો રહે છે.