વીક્ષા અને નિરીક્ષા/રુચિ અને કલાનું પુનર્નિર્માણઃ
રુચિ અને કલાનું પુનર્નિર્માણ
મૂલ્યાંકન એટલે પુનર્નિર્માણ
હવે ક્રોચે વિવેચનનો પ્રશ્ન ઉપાડે છે. કલાકારે પોતાની અભિવ્યક્તિને બાહ્ય રૂપ આપ્યું, પછી તેનું મૂલ્યાંકન કરવું એટલે શું? તો કે તેનું પોતાના ચિત્તમાં પુનર્નિર્માણ કરવું. આસ્વાદન પ્રક્રિયા એ પુનર્નિર્માણની પ્રક્રિયા છે. આ સમજાવવા ક્રોચે દાખલો આપે છે કે अના ચિત્તમાં એક સંવેદન અસ્પષ્ટ ધૂંધળે રૂપે જાગ્યું છે. તે એને આકારિત કરવા, અભિવ્યક્ત કરવા મથે છે. એક પછી એક શબ્દગુચ્છો તે વાપરી જુએ છે અને સંતોષ ન થતાં નવા નવા શબ્દગુચ્છો અજમાવતો રહે છે. આખરે અચાનક તેના ચિત્તમાં આપોઆપ એક શબ્દગુચ્છ જાગે છે અને તેને થાય છે કે મારે આ જ જોઈતું હતું. ત્યાં પૂરેપૂરી અભિવ્યક્તિ સધાય છે અને કલાકારને સર્જનના આનંદનો, સૌંદર્યાનંદનો અનુભવ થાય છે. હવે જો બીજો માણસ આ અભિવ્યક્તિ એટલે કે કલાકૃતિનું વિવેચન કરવા બેસે તો એણે अનું દૃષ્ટિબિંદુ સ્વીકારી, તેણે પૂરા પાડેલા ભૌતિક સંકેતની મદદથી સર્જનની પ્રક્રિયામાંથી પસાર થવું જોઈએ. જો એનું अનું દર્શન સ્પષ્ટ હશે તો તેના જ દૃષ્ટિબિંદુએ ઊભેલા बને પણ સ્પષ્ટ દર્શન થશે, અને તેને તે અભિવ્યક્તિ સુંદર લાગશે. પણ अનું દર્શન જો સ્પષ્ટ નહિ હોય, તેને बને પણ સ્પષ્ટ દર્શન નહિ થાય, અને તેને તે અભિવ્યક્તિ अની પેઠે જ ઓછેવત્તે અંશે કુરૂપ લાગશે.
અનુભવભેદ શક્ય નથી
अનું દર્શન સ્પષ્ટ હોય પણ बનું અસ્પષ્ટ હોય, અથવા अનું દર્શન અસ્પષ્ટ હોય છતાં बનું દર્શન સ્પષ્ટ હોય, એ બંને વિકલ્પો ક્રોચેને મતે સંભવતા નથી. ક્રોચેના આ વિધાન પાછળ કાન્ટની એવી માન્યતા રહેલી છે કે જે વસ્તુને જોઈને એકને સૌંદર્યાનુભવજન્ય આનંદ થયો તે જોઈને સૌને તેવો આનંદ થવો જ જોઈએ. જો બધા માણસોના સમાન સંવેદન સમાન અનુભવપૂર્વક આકારોમાં આકારિત થતાં હોય તો એકના મનમાં સિદ્ધ થયેલી અભિવ્યક્તિ બીજા બધાના મનમાં પણ સિદ્ધ થવી જ જોઈએ. સવાલ ફક્ત સમાન સંવેદન પેદા થવાનો છે. જો કલાકારે પોતાની અભિવ્યક્તિના પુનરનુભવ માટે અને બીજાને તેનો અનુભવ કરાવવા માટે યોગ્ય ભૌતિક કલાકૃતિ રચી હોય, અને ભાવકે કલાકારની ભૂમિકાનો સ્વીકાર કર્યો હોય તો આ પ્રશ્નનો નિવેડો થઈ જાય. અને તો કલાકારની સ્પષ્ટ અભિવ્યક્તિ ભાવકને પણ સ્પષ્ટ જ લાગે. આની સામે એવો વાંધો લઈ શકાય કે ઘણી વાર એવું બને છે કે જે કૃતિને કલાકારે સુંદર કહી હોય છે તેને પાછળથી વિવેચકોએ કુરૂપ કહી હોય છે, અને જેને કલાકારે અસંતોષકારક કહી હોય છે તેને પાછળથી વિવેચકોએ વખાણી હોય છે. ક્રોચેને મતે આવા દાખલામાં કાં તો કલાકારની અથવા વિવેચકોની ક્યાંક ભૂલ થઈ હોય છે. અભિવ્યક્તિ સધાતી હોય છે ત્યારે કલાકારને શું થઈ રહ્યું છે તેનું પૂરું ભાન નથી હોતું, અને તે ઉતાવળને લીધે, ગર્વને લીધે, ચિંતનના અભાવને લીધે કે સિદ્ધાંતની ખોટી સમજને લીધે માની લે છે કે મારી કૃતિ સુંદર થઈ છે, પણ ખરેખર તેમ હોતું નથી. એથી ઊલટું પણ બને છે અને ત્યારે વિવેચકની પણ આવી ભૂલ થાય છે.
રુચિ અને પ્રતિભાની એકતા.
આનો અર્થ એ થયો કે સર્જનપ્રક્રિયા અને આસ્વાદન અથવા વિવેચનપ્રક્રિયા એકરૂપ છે. પહેલી કલાકૃતિનું નિર્માણ કરે છે, બીજી પુનર્નિર્માણ કરે છે. પહેલી પ્રતિભા (જીનિયસ) કહેવાય છે, બીજી રુચિ (ટેસ્ટ) કહેવાય છે. [અહીં આપણને રાજશેખરની કારિયિત્રી અને ભાવયિત્રી પ્રતિભાનું સ્વાભાવિક રીતે જ સ્મરણ થાય.] એ બે વચ્ચે પ્રકારગત ભેદ નથી, ભેદ છે તે માત્રાગત છે. પ્રકારગત ભેદ હોત તો એકની કલાકૃતિ બીજાને પહોંચત જ નહિ અને તે તેનું મૂલ્યાંકન પણ કરી ન શકત. જે પોતાની બહારનું છે, પર છે, તેનું મૂલ્યાંકન આપણે શી રીતે કરી શકીએ? એક પ્રક્રિયાથી જે અસ્તિત્વમાં આવ્યું છે તેનું મૂલ્યાંકન બીજી પ્રક્રિયાથી શી રીતે કરી શકાય? કલાકાર કરતાં વિવેચકની પ્રતિભા ઓછી બળવાન હોય એમ બને, પણ તેનો પ્રકાર તો એક જ હોય છે. દાન્તેનું મૂલ્યાંકન કરવા માટે આપણે તેની ભૂમિકાએ ચડવું પડે; પણ એ ન ભૂલવું કે આપણે દાન્તે નથી ને દાન્તે કંઈ આપણે નથી. તેમ છતાં આસ્વાદન અને વિવેચનની ક્ષણે આપણે અને તે એક થઈ જઈએ છીએ. આપણા ટચૂકડા ચિત્તમાં તેના વિરાટ આત્માનું પ્રતિબિંબ પડે છે. વિશ્વચૈતન્યની ભૂમિકા ઉપર આપણે તેના જેટલી મહત્તા પ્રાપ્ત કરીએ છીએ.
બીજાં ક્ષેત્રમાં પણ એમ જ
અહીં સૌંદર્યવિચાર વિશે જે કહ્યું તે જ જ્ઞાનવિચાર કે નીતિવિચારને પણ લાગુ પડે છે. નીતિનો વિચાર કરતી વખતે પણ આપણે કાર્ય કરનારની ભૂમિકા સ્વીકારવી પડે છે, તો જ તેનું કાર્ય નૈતિક કે અનૈતિક એનો નિર્ણય આપણે કરી શકીએ. મનુષ્યવધ કરનાર ગુંડો પણ હોય ને વીરપુરુષ પણ હોય. એટલે નિર્ણય કરતી વખતે આપણે દરેકની મન:સ્થિતિ શી હતી તે જાણવું જ પડે. કાર્ય કરનારના ચિત્તમાં જેમ નૈતિક બુદ્ધિ હોય છે તેમ ન્યાય કરનારના ચિત્તમાં પણ તેને મળતી નૈતિક રૂચિ હોવી જ જોઈએ.
વિવેચનનાં ધોરણોઃ નિરપેક્ષ, સાપેક્ષ
વિવેચનની બાબતમાં બે મતો પ્રવર્તે છે. એક કહે છે કે વિવેચનનાં ધોરણ નિરપેક્ષ (ઍબ્સલ્યૂટ) હોય છે, જ્યારે બીજો કહે છે કે એ ધોરણ સાપેક્ષ (રિલેટિવ) હોય છે. કલાકૃતિનું મૂલ્યાંકન થઈ શકે છે એનો અર્થ એ કે એને વિશે સર્વમાન્ય એવો નિર્ણય ઉચ્ચારી શકાય છે. પણ એવો નિર્ણય તો જ ઉચ્ચારી શકાય, જો નિરપેક્ષ કસોટીઓ હોય. એટલે સુધી ક્રોચે આ મત સાથે સંમત થાય છે. પણ નિરપેક્ષ ધોરણવાદીઓ આગળ જઈને એમ કહે છે કે એ કસોટીઓ કોઈ નમૂના(મૉડલ)ની પેઠે કલાકૃતિની બહાર રહેલી હોય છે અને તેને આધારે આપણે કલાકૃતિનું મૂલ્યાંકન કરીએ છીએ. પણ કલાના ક્ષેત્રમાં તે તે કૃતિની બહાર એનું મૂલ્યાંકન કરવા માટેનો કોઈ નમૂનો હોતો નથી. દરેક કૃતિનું મૂલ્યાંકન તેમાં રહેલા મૂળ નમૂના અનુસાર જ કરવાનું હોય છે. સાપેક્ષ ધોરણવાદીઓએ કલાકૃતિ બહાર કોઈ કસોટી હોય છે એ મત ફગાવી દીધો, પણ તેને બદલે એવો મત રજૂ કર્યો કે કલાકૃતિનું મૂલ્યાંકન થઈ ન શકે. કલાના ક્ષેત્રમાં તો વ્યક્તિગત ગમાઅણગમાને આધારે જ અભિપ્રાય આપવાનો હોય. આમ કહીને તેમણે અભિવ્યક્તિને અને સુખદતાને એક ભૂમિકાએ મૂક્યાં. ખરું જોતાં, સુખદતા એ વ્યવહારની ભૂમિકાની વાત છે જ્યારે અભિવ્યક્તિ જ્ઞાનની ભૂમિકાની વાત છે. એ બે એક હોઈ જ ન શકે.
કલાના મૂલ્યાંકનનો ગજ નિરપેક્ષ
કલાના મૂલ્યાંકન માટે રુચિ જે ગજ વાપરે છે તે નિરપેક્ષ જ હોય છે, પણ તે નિરપેક્ષતા બૌદ્ધિક વ્યાપારની નથી પણ કલ્પનાવ્યાપારની એટલે કે પ્રતિભાનની નિરપેક્ષતા છે. જેમાં અભિવ્યક્તિની પ્રક્રિયા સફળ થઈ હોય તે નિરપેક્ષપણે સુંદર, અને જેમાં અભિવ્યક્તિની પ્રક્રિયા નિષ્ફળ ગઈ હોય તે નિરપેક્ષપણે કુરૂપ ગણાય. સફળ અભિવ્યક્તિ તે સૌંદર્ય, એ પ્રતિભાનની ભૂમિકાની નિરપેક્ષ કસોટી થઈ. કોઈ કૃતિ સુંદર છે કે કુરૂપ એનો નિર્ણય આપણા વ્યક્તિગત ગમાઅણગમા અનુસાર નહિ પણ આ નિરપેક્ષ કસોટી અનુસાર કરવાનો હોય છે. એ કસોટી બુદ્ધિએ નહિ પણ સંવેદનની અનેકતામાંથી એકતા ઊભી કરનાર કલ્પનાશક્તિએ આપેલી છે.
મતભેદનું શું?
તો પછી કલાકૃતિ વિશે મતભેદ શાથી પેદા થાય છે? એનો જવાબ ક્રોચે એવો આપે છે કે તાર્કિક જ્ઞાનના ક્ષેત્રમાંની વિભાવનાઓ અને નીતિના ક્ષેત્રમાંની વિભાવનાઓની પેઠે કલ્પનાશક્તિ અને તેનું કાર્ય પણ સાર્વત્રિક જ હોય છે. તે પણ માનવ મનની ઘટનાનો એક ભાગ હોય છે, તેથી કલ્પનાશક્તિ ઉપર આધારિત સૌંદર્યને લગતો નિર્ણય પણ સર્વમાન્યતાનો દાવો રાખે છે, અને તેથી જ તેમાં મતભેદ પણ જાગે છે. ગમાઅણગમા ઉપર આધારિત નિર્ણયનો એવો દાવો નથી હોતો તેથી તેમાં મતભેદને કે ચર્ચાને અવકાશ નથી હોતો. ‘આ ચોપડી મને ગમે છે’ એમ કહો તો એનો વિરોધ કોઈ કરી ન શકે; પણ ‘આ ચોપડી સુંદર છે’ એમ કહો તો એનો વિરોધ કરી શકાય અને એની ચર્ચા પણ થઈ શકે. ક્રોચેએ એક બીજી દલીલ પણ કરેલી છે. એણે માનવ ચૈતન્યના ચાર વ્યાપાર કલ્પેલા છે. તેમાં સૌથી પહેલો પ્રતિભાનનો એટલે કે અભિવ્યક્તિનો છે, અને તે જ ચારેનો પાયો છે. એની નિરપેક્ષતા જો ન સ્વીકારાય તો આખી ઇમારત જ તૂટી પડે. તાર્કિક જ્ઞાનની કે નીતિના ખ્યાલની નિરપેક્ષતા પણ ન રહે અને માનવજીવન જ અશક્ય બની જાય. કોઈ કોઈને સમજી ન શકે, અરે, માણસ પોતે ઘડી પહેલાં પોતે કેવો હતો તે સમજી નહિ શકે. જેમ જ્ઞાનના ક્ષેત્રનો કે નીતિના ક્ષેત્રનો વિવાદ હોય તો તેનો નિવેડો તાર્કિક દલીલોને આધારે થઈ શકે છે, તેમ કલાવિષયક વિવાદ હોય તો તેનો નિવેડો મતભેદનાં કારણો શોધી કાઢવાથી લાવી શકાય. એવાં કેટલાંક કારણો ઉતાવળ, ચિંતનનો અભાવ, સિદ્ધાંતની ખોટી સમજ, વગેરે પહેલાં ગણાવેલાં જ છે. કલાકારની મૂળ અભિવ્યક્તિ અને ભૌતિક કલાકૃતિની મદદથી સિદ્ધ થતી પુનર્નિર્મિત અભિવ્યક્તિ એકરૂપ હોય તો જ સૌંદર્યને લગતા નિર્ણયની બાબતમાં એકવાક્યતા આવે. એ એકરૂપતાનો આધાર બે વસ્તુ ઉપર હોય છે : ૧. જે ભૌતિક કલાકૃતિનું કલાકારે નિર્માણ કર્યું હોય તે જ પોતાના મૂળ સ્વરૂપમાં ભાવકની સામે હોવી જોઈએ. અને ૨. મૂળ નિર્માણ વખતે કલાકારના તનની અને મનની જેવી સ્થિતિ હતી તેવી જ ભાવકની પણ ભાવન વખતે હોવી જોઈએ. આ શરતો જ્યારે પૂરેપૂરી સચવાતી નથી ત્યારે મતભેદ ઊભો થાય છે.
ઉદ્દીપક ચિહ્નો : કુદરતી અને સાંકેતિક
કેટલાક ઉદ્દીપકોના બે વર્ગ પાડે છે : ૧. કુદરતી ચિહ્નો અને ૨. સાંકેતિક ચિહ્નો. કુદરતી ચિહ્નો સર્વત્ર કામ આપે છે, જ્યારે સાંકેતિક ચિહ્નોનું ક્ષેત્ર સીમિત હોય છે. ચિત્રકારનાં ચિહ્નો કુદરતી છે. કવિનાં સાંકેતિક છે. ક્રોચે આ વાત સ્વીકારતો નથી. જેમ ભાષા બધા સમજી શકતા નથી તેમ ચિત્રો પણ બધા સમજી શકતા નથી. ચિત્રમાં એક જ કાન કે પગ દેખાતો હોય તો બાળકો આને એક જ પગ કે કાન છે એવું સમજે છે. ખરી રીતે, કુદરતી કે સાંકેતિક બધાં જ ચિહ્નો સમજવા માટે ભાવકમાં અમુક યોગ્યતા આવશ્યક છે. તે હોય તો જ એ ચિહ્નોનો અર્થ તેને સમજાય છે. બધાં જ ચિહ્નો વત્તાઓછા પ્રમાણમાં સાંકેતિક હોય છે.
ઐતિહાસિક વિવેચનનું મહત્ત્વ
જે પરિસ્થિતિમાં ભૌતિક ઉદ્દીપકનું નિર્માણ થયું હોય તે પરિસ્થિતિમાં આપણે જઈ શકીએ તો મૂળ અભિવ્યક્તિનું પુનર્નિર્માણ કરી શકીએ. આમાં ઇતિહાસનું જ્ઞાન ખૂબ ઉપયોગી છે, અને પરંપરાનું જ્ઞાન પણ મહત્ત્વનો ભાગ ભજવે છે. એ જ્ઞાનને અભાવે ભાવક ગમે તેવી કલ્પના કરવા દોરાઈ જાય છે. એનું નિયંત્રણ કરવું એ ઐતિહાસિક વિવેચનનું કાર્ય છે. [આ સંબંધમાં ‘એસન્સ ઑવ ઇસ્થેટિક’માં ક્રોચેએ કહ્યું કે ઐતિહાસિક વિવેચન વિવિધ માહિતી ભેગી કરી પ્રતિમાનનું મૂળ અને તેનું વસ્તુ નક્કી કરવાનો પ્રયત્ન કરે છે, પ્રતિભાનનું સંપૂર્ણ રૂપે ભાવન કરવાનો પ્રયત્ન કરે છે, અને એ દૃષ્ટિએ જોઈએ તો ઐતિહાસિક વિવેચન અને કલાદૃષ્ટિએ કરેલું વિવેચન એક જ છે ("historical criticism" of art and "aesthetic criticism" are the same).
વિવેચન એટલે જીવન સમાલોચના
પણ વિવેચન એટલે ઐતિહાસિક વિવેચન એમ જો સમજીએ તો એમાંથી એ પણ અનિવાર્ય રીતે ફલિત થાય કે સુંદર અને કુરૂપના પાર્થક્યનો વિચાર કરવો એટલે સુંદર કે કુરૂપ કહીને ઊભરો કાઢવો એમ નહિ. વિવેચને વ્યાખ્યાના સ્તરે જવું પડે અને વ્યાખ્યાના સ્તરે જવું એટલે જીવનની સમાલોચના (criticism of life) કરવી, કારણ કલાકૃતિનું મૂલ્યાંકન કરવું એટલે કે તેની વિશિષ્ટ પ્રકૃતિનો પરિચય આપવો એ. સાથોસાથ આખા જીવનનાં કાર્યોનું મૂલ્યાંકન કર્યા વગર અને તેની પ્રકૃતિનો પરિચય આપ્યા વગર શક્ય નથી. (it is not possible to judge—that is to characterise—works of art, without at the same time judging and characterising the works of whole life.) આથી દરેક મોટો વિવેચક એવી સાથે કલાનો, દર્શનનો, નીતિનો અને રાજકારણનો વિવેચક હોય છે. કારણ, આત્માના વ્યાપારોને કલ્પનામાં અલગ ભલે પાડી શકાય પણ ખરેખર અલગ પાડી શકાતા નથી. આથી કલાના વિવેચનને બીજાં વિવેચનથી અલગ પાડી શકાય નહિ.]
૧૭-૧૮
સત્તરમા પ્રકરણમાં ક્રોચે સાહિત્યનો અને કલાનો ઇતિહાસ કેવી રીતે લખાવો જોઈએ તેની ચર્ચા કરે છે. ઇતિહાસ લખવા માટે પ્રગતિની વિભાવના સ્વીકારવી જ પડે. પ્રગતિ એટલે કોઈ એક નિશ્ચિત સ્થાન પ્રત્યે ગતિ. માનવજાત એ રીતે કોઈ પૂર્વનિશ્ચિત ધ્યેય પ્રત્યે આગળ વધી રહી છે એવું ન કહેવાય પણ તે પોતાના માર્ગમાં આવતી મુશ્કેલીઓ ઉપર નવા નવા વિજય મેળવતી રહે છે, એ રીતે અહીં પ્રગતિને ઘટાવી શકાય. કલાના ક્ષેત્રમાં પણ માનવજાત એવા કોઈ એક નિશ્ચિત ધ્યેય તરફ આગળ વધે છે એમ ન કહેવાય. પણ કલાના ઇતિહાસમાં જુદાં જુદાં આવર્તનો આવે છે. એક આવર્તનમાં કલાકારો એકસરખા વસ્તુને આકારિત કરવાનો પ્રયત્ન કરતા હોય છે અને તેમાં ઉત્તરોત્તર વિજય મેળવતા રહે છે. એક વાર એમાં પરાકાષ્ઠાએ પહોંચ્યા પછી આગળ જવાનું રહેતું નથી. પછી નવું વસ્તુ કે નવી રીતિનું આવર્તન શરૂ થાય છે. બે અલગ આવર્તનોના કલાકારો અને કલાકૃતિઓની તુલના ન થઈ શકે. ખરું જોતાં, પ્રત્યેક કૃતિ એ એક એક સ્વતંત્ર વિશ્વ હોય છે. અઢારમા પ્રકરણમાં ક્રોચે કહે છે કે સૌંદર્યશાસ્ત્ર અને ભાષાશાસ્ત્ર બંને અભિવ્યક્તિનાં શાસ્ત્રો છે અને તેથી બંને શાસ્ત્રોનાં તારણો મળતાં આવે છે. એ બે, ખરું જોતાં, જુદાં શાસ્ત્રો જ નથી તેથી ક્રોચેએ પોતાના ગ્રંથનું નામ ‘ઇસ્થેટિક ઍઝ એ સાયન્સ ઑવ એક્સ્પ્રેશન ઍન્ડ જનરલ લિંગ્વિસ્ટિક્સ’ (‘સૌંદર્યમીમાંસા: અભિવ્યક્તિના અને સામાન્ય ભાષાવિદ્યાના શાસ્ત્ર તરીકે’) એવું રાખેલું છે.