નારીસંપદા : ટૂંકી વાર્તા/ઊપસતું પેટ

Revision as of 01:42, 7 June 2025 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)

{{Heading|ઊપસતું પેટ|દર્શના વ્યાસ}

વર્ષો જૂની રૂંધામણને ટેભા મારીને ભીતર ધરબતી હોય તેમ તે પાટલૂનના પાયચામાં બખિયા મારતી હતી. ઉપર આવતી સોય સાથે બળાપોય વીંધાતો, બા’ર ડોકિયાં કરતો; તેની કોરી સપાટ આંખોમાં. એ કાચબાની ઢાલની જેમ પોપચાં ઢાળી બહાર બખિયા મારવામાં જીવ પરોવી રહી હતી. આજે એ આડત્રીસીએ પહોંચી હતી. કંઈ કેટલીયે ઇચ્છાઓ તેને મૂળેથી ખળભળાવી દેતી. તેને તે દાંત ભીંસીને હડસેલી દેતી. હવે તો વાળની બે-પાંચ લટો સફેદ થવા આવી ત્યારે આજે કોરુંધાકોર જીવતર અભરખાના આંધણે ચડ્યું. રોજની જેમ બપોરે બધાં કામમાંથી પરવારી રુસ્તમ બાવાની સિલાઈની દુકાને આવી. આખાય ગામમાં જેન્ટ્સ ટેલર એક જ પણ માપ, સિલાઈમાં તેનો જોટો ન મળે. એ ભલો માણસ. તે અને તેની બૈરી નિવરોજ ભલું યુગલ. તેથી જ તો પરણ્યાંની પહેલી રાતે જ ત્યક્તાનો બટ્ટો લઈ પાછી વળેલી રેવાનો સધિયારો બન્યાં. તેમની આ દુકાનમાં ગાજ-બટન, ક્લીપ-બખિયા મારીને રેવા જિંદગી સાંધતી. નિવરોજ ત્યારે ત્યાં બેસીને અલકમલકની વાતો કરતી અને રુસ્તમ સાથે રહેવાનો મોકો ઝડપી લેતી. આજે એવી જ પળ હતી. નિવરોજ સામે બેઠી હતી. અચાનક તેને ઊબકો આવ્યો. રુસ્તમ શરારતી મલકાયો. બે ક્ષણ નિવરોજ સાથે આંખ મળી, એ ક્ષણની સાક્ષી રેવા બની. ઊભરાતા દામ્પત્યની એ મીઠી નજર જોયા પછી રેવામાં કંઈક ઉલેચાયું. રેવાનો હાથ અનાયાસે પોતાના પેટ ઉપર ગયો. ટાઢો પથરો હોય તેવું લાગ્યું. ‘સ્પર્શનો એરુ આભડ્યો ન હોય ત્યાં પથરો જ હોય ને !’ નિસાસો નાખતાં તે બખિયા લઈ રહી હતી. બસ, પછી તો રુસ્તમ નહીં નોંધતો હોય તેટલું તે નિવરોજના ઊપસતા જતા પેટની નોંધ લેતી. નિવરોજને ક્યારેક ક્યારેક લાગતું કે રેવાના હાથ સોય-દોરે ભલે વીંટળાયેલા હોય પણ તેની આંખો તો મારા પેટે જ ચોંટી છે. ‘બાવા, હાંભળોને... રેવા નજર મારા પેટે જ રાખતી છે. હે ! ખોડાયજી ઈની નજર ન લાગે’તી જોજો.’ નિવરોજની વાતને રુસ્તમ હસી કાઢતો. ‘ટુ પણ હાવ ઘેલી છે. આ બચાડીની જિંડગી જ નજરાય ગઈ છે, ઈ હું નજર લગાડહે. ઈની આંખ્યુંનાં રખોપાં તારે પેટે લાયગાં જાણ.’ નિવરોજને રુસ્તમની વાત ગળે ન ઊતરતી. લાંબા પારસી પાલવમાં તે તેના પેટની વધતી જતી ગોળાઈને ઢાંકીને રેવાની આંખ સામે ઢાલ બનાવતી પણ રેવાનો ખાલીપો કોખે જઈ જ અટક્યો. રેવાને જાગતાં-ઊંઘતાં જેમ જેમ નિવરોજનું ઊપસેલું પેટ દેખાતું તેમ તેમ પોતાની કોરી કૂખ કોરી ખાતી. તેની નજરથી બચવા હવે નિવરોજે દુકાને આવવાનું ઓછું કરી નાખ્યું. રેવા વિચારતી રહેતી, હવે પેટ કેવું દેખાતું હશે? એ દિવસ ગણતી. આખો દિવસ કામ કર્યા પછી પણ રાત કાઢવી અઘરી લાગતી. જુવાનીને તો નાથી પણ કોરી કોખના કૂવામાં એ ડૂબતી ગઈ. સોય અને લાલ-લીલા દોરે એ ચાંદ-તારા, ફૂલ-પરી ગૂંથી રાત ગાળતી. નિવરોજનું ઊપસતું પેટ ધીમે ધીમે તેની કોખ ભરી રહ્યું હોય તેવું તેને લાગવા લાગ્યું. નિવરોજ બે-ચાર દિવસ ન દેખાય તો તેનું ઊપસેલું પેટ જોવા કોઈ પણ બહાને એ તેના ઘરે પહોંચી જતી. નિવરોજ તેને ટાળતી. સુવાવડને ગણતરીના દિવસો બાકી હતા. નિવરોજની મા હવે તેની દેખભાળ માટે આવી ગઈ હતી. રેવા નિવરોજને જોવા જતી ત્યારે એ જ જવાબ આપી બહારથી રેવાને વળાવી દેતી. રુસ્તમ પણ નિવરોજનું ધ્યાન રાખવામાં દુકાને ઓછો આવતો. રેવા દુકાન સંભાળી લેતી, પણ મનને ન સંભાળી શકતી. નિવરોજને છેલ્લા દિવસોમાં જોયે પંદર દિવસ થઈ ગયા. રેવા માટે એ વાત અસહ્ય બની રહી હતી. નિવરોજનું પેટ કેટલું ઊપસ્યું હશે એ કલ્પના સતત મનમાં સવાર રહેતી, જેણે હવે માઝા મૂકી. દુકાનમાં વધેલાં ચીથરાંનો ગોળો વણી તેણે પોતાના પેટે ભરાવ્યો. પોતાના ઊપસેલા પેટ ઉપર હાથ ફેરવતી તે અરીસા સામે ઊભી, બરાબર તે જ વખતે રુસ્તમ દુકાનમાં દાખલ થયો. રેવાને આ રીતે જોઈ તે રાતોપીળો થઈ ગયો. ‘મારી નિવરોજ હાચું જ કેટી’ટી. ટું મારા પોયરાને નજર નાંખે છ... જો ઈને કંઈ બી ઠયું તો હમજી લે જી મારી જીવો ભૂંડો ની’ મલે. હાલતી થા અબી હાલ અહીંથી.’ રેવા માટે તો ધરતી માર્ગ આપે તો સમાઈ જવા જેવી સ્થિતિ થઈ. તે ગોળો પેટમાંથી બહાર ખેંચી દુકાનેથી દોડી ગઈ. દુકાન કાયમ માટે છૂટી ગઈ. તેને પણ હવે ડર લાગવા લાગ્યો કે નિવરોજના બાળકને મારી નજર તો નહીં લાગે ને ! ડરનો ઓથાર ઓછો કરવા તે દિવસ-રાત રામરક્ષા સ્તોત્રનો પાઠ કરતાં ઝભલાં, ટોપી, મોજાં, કૂચલી, ગોદડી બનાવતી રહી. બે દિવસથી દુકાન ખુલી ન હતી. ‘નક્કી નિવરોજને બાળક અવતર્યું હશે.’ તેવું વિચારી તે ઝભલાં, ટોપી બધું લઈને દવાખાને પહોંચી. દવાખાનામાં પગથિયે જ ખુશખુશાલ રુસ્તમ મળ્યો. રેવાના હાથમાંથી ઝભલાં, ટોપી બધું ઢગલો થઈ ગયું. બે હાથ જોડી રુસ્તમના પગે પડી. ‘મારો ઓછાયો નહીં પાડું, હું ગામમાંથી જ કાયમ માટે ચાલી જઈશ. બસ, જતી વેળા પહેલાં એક નજર જોઈ લઉં. મેં તો મારી કોરી કૂખને બાઈજીની કૂખને જોઈને ભરી છે. કૂખજાયો નહીં તો મારા નજરજાયાને એક નજર જોવા દો. હું કાયમ માટે પછી દૂર ચાલી જઈશ.’ રુસ્તમ વાંકો વળીને નીચેથી ઝભલાં, ટોપી ઉઠાવી રહ્યો. ‘ટારી આંખનાં રખોપે બેય હેમખેમ છે. જા... જોઈ લે... હવે હોય-દોરા મૂકીને રોજ બાળોટિયા ધોવા આવજે.’ ‘લે... આ લેટી જા.’ ઝભલાં, ટોપી રુસ્તમના હાથમાંથી લેતાં રેવાએ દવાખાનામાં દોટ મૂકી.