સંચયન-૮

Revision as of 12:27, 28 June 2025 by Meghdhanu (talk | contribs)
Sanchayan final logo.png
સાંપ્રત સાહિત્ય-વિચાર-જગતની ઝલક આપતું સામાયિક
બીજો તબક્કો
સંપાદન: મણિલાલ હ. પટેલ • કિશોર વ્યાસ


Sanchayan-8 Book Cover.jpg
સંચયન - ૮

॥ પ્રારંભિક ॥


એકત્ર ફાઉન્ડેશન : USA

તંત્રસંચાલન :
અતુલ રાવલ (atulraval@ekatrafoundation.org)
રાજેશ મશરૂવાળા (mashru@ekatrafoundation.org)
અનંત રાઠોડ (gazal_world@yahoo.com)

સંચયન : બીજો તબક્કો (સેકન્ડ ફેઝ): ૨૦૨૩
અંક - ૮ : જૂન ૨૦૨૫
(સાહિત્ય અને કલાઓનું સામયિક (ડાયજેસ્ટ)
સંપાદન : મણિલાલ હ. પટેલ • કિશોર વ્યાસ
આવરણ ચિત્ર : કનુ પટેલ

મુદ્રણ - ટાઈપ સેટિંગ્સ - સંરચના
શ્રી કનુ પટેલ
લજ્જા પબ્લિકેશન્સ
બીજો માળ, સુપર માર્કેટ, રાજેન્દ્ર માર્ગ,
નાનાબજાર, વલ્લભ વિદ્યાનગર-૩૮૮૧૨૦
ફોન : (૦૨૬૯૨) ૨૩૩૮૬૪


આ અંકનું પ્રકાશન : તા. ૩૦/૦૬/૨૦૨૫



 

એકત્ર ફાઉન્ડેશન

અધ્યક્ષ : સિતાંશુ યશશ્ચંદ્ર

મુદ્રિત સાહિત્યનું વીજાણુ સાહિત્યમાં રૂપાંતર અને વિસ્તાર ઝંખતી સંસ્થા

 
 

(પ્રારંભઃ ઓગસ્ટ, ૨૦૧૩)
બીજો તબક્કો : ઓગસ્ટ : ૨૦૨૩

એકત્ર ફાઉન્ડેશન : USA
https://www.ekatrafoundation.org/magazine/sanchayan
આ વેબસાઈટપર અમારાં વી-પુસ્તકો તથા ‘સંચયન’નાં તમામ અંકો વાંચી શકાશે.
તંત્રસંચાલન : શ્રી રાજેશ મશરૂવાળા, શ્રી અતુલ રાવલ, શ્રી અનંત રાઠોડ
(ડિઝિટલ મિડયા પબ્લિકેશન)
સંચયન : દ્વિતીય તબક્કો (સેકન્ડ ફેઝ) (સાહિત્ય અને કલાઓનું સામયિક (ડાયજેસ્ટ)
સંપાદન : મણિલાલ હ. પટેલ • કિશોર વ્યાસ

મુદ્રણ - ટાઈપ સેટિંગ્સ - સંરચનાઃ શ્રી કનુ પટેલ
લજ્જા કોમ્યુનિકેશન્સ, બીજો માળ, સુપર માર્કેટ, નાના બજાર, વલ્લભ વિદ્યાનગર - ૩૮૮ ૧૨૦
આ અંકનું પ્રકાશન : તા. ૩૦/૦૬/૨૦૨૫

 

જેને જેને ‘સંચયન’ મેળવવામાં રસ હોય એમના ઈ-મેઈલ અમને જણાવશો.
સૌ મિત્રો એને અમારી વેબસાઈટ પર પણ વાંચી શકશે.
તમારાં સૂચનો અને પ્રતિભાવો જરૂર જણાવશો.
અમારા સૌનાં ઈ-મેઈલ અને સરનામાં અહીં મૂકેલાં જ છે.


કાલિદાસના મેઘદૂત પરથી કનુ પટેલે તૈયાર કરેલ ચિત્ર કૃતિ - ૧૯૯૧-૯૨

॥ અનુક્રમ ॥

સંચયનઃ બીજો તબક્કોઃ અંક - ૮ : જૂન, ૨૦૨૫

સમ્પાદકીય
વણઝારી ઋતુઓ~ મણિલાલ હ. પટેલ
કવિતા
વગુજારે જે શિરે તારે ~ બાલાશંકર કંથારિયા
વજનની ~ દા. ખુ. બોટાદકર
વન જાય ઘરમાં - ન બ્હાર આવે ~ હરજી લવજી દામાણી ‘શયદા’
વપ્રાણ ~ રવીન્દ્રનાથ ઠાકુર [અનુવાદ: નગીનદાસ પારેખ]
વઆંધળી માનો કાગળ ~ ઇન્દુલાલ ગાંધી
વસુની રે ફળી ~ મુકુન્દરાય પારાશર્ય
વરાધાનું નામ તમે… ~ સુરેશ દલાલ
વઅંધારું ~ પુરુરાજ જોષી
વભોંયે ચીતરેલ બધા મારગને ચાતર્યા ~ ધ્રુવ ભટ્ટ
વાર્તા
સમજ ~ છાયા ઉપાધ્યાય
નિબંધ
નરસિંહ ટેકરીની ભૂતકથા ~ મયૂર ખાવડુ
વિવેચન
‘સૈરન્ધ્રી’ વિશે ~ મનીષા દવે
વિચાર
વિનોબા
સિતાંશુ યશશ્ચંદ્ર
કલાજગત
સાહિત્ય અને દૃશ્યકળાઓના આંતરસંબંધો ~ હરીશ મીનાશ્રુ

રવિન્દ્રનાથ ટાગોરની ચિત્ર કૃતિ - પ્રકૃતિ દૃશ્યઃ ૧૯૩૦-૪૦

રવિન્દ્રનાથ ટાગોરની ચિત્ર કૃતિ લિથોગ્રાફ- ૧૯૨૮-૩૦

કનૈયાલાલ મુનશીની નવલકથા ‘ગુજરાતનો નાથ’નું મહત્વપૂર્ણ પાત્ર મુંજાલ મહેતા રવીશંકર રાવળે તૈયાર કરેલ ચિત્ર કૃતિ

॥ સમ્પાદકીય ॥

વણઝારી ઋતુઓ

કંઈ કેટલાય દિવસોથી કશું પણ લખતો નહોતો. સામાજિક વ્યવહારોની દુનિયાએ મને પરાણે પકડી રાખ્યો હતો. હું વ્યવહારનો જીવ નથી. ઉપચારો મને હંમેશાં ગૂંગળાવ્યા કરે છે… ને સમાજમાં રહેનારે ઉપચારો કર્યા વિના ચાલતું નથી! એકલા, મન વગરના આચારો પણ મને તો થકવી નાખે છે. દરેક વ્યવહારમાં ઊંડા ઊતરવું પડે છે ત્યારે ખબર પડે છે કે સંબંધો એ અપેક્ષાઓનું જ અવર નામ છે. એમાં સ્વાર્થ છે. ગણતરીઓ છે ને સ્વકેન્દ્રિતા જ એના પાયામાં પડેલી છે. સંબંધનો દરેક ચાપ જે પરિઘ દોરે છે તેમાં આપકેન્દ્રી સંકુચિત વ્યવહારો જ વિશેષ સમાવિષ્ટ હોય છે. સાવધ રહીને જોનાર-પરખનારને તરત ખબર પડી જાય છે કે સમાજના વ્યવહારોના પ્રત્યેક પગલાંમાં જાત સ્થાપનાનો જ ઉપચાર હોય છે... સ્વસ્થાપનાની નિરર્થકતા પામી જનારને એટલે સ્તો આવી ઔપચારિકતાઓ થકવી દે છે. હું પ્રકૃતિનો જીવ છું. ઋતુઓ મારું વળગણ છે. હું ભરપૂર અને મોકળા જીવનનો આશક છું. એટલે હું મારા પ્રકૃતિરાગને તથા મારા જીવન આવેગને શબ્દોમાં મૂક્યા વિના રહી શકતો નથી. શબ્દ વિના; જીવનથી સભર એવા શબ્દ વિના હું રહી શક્યો નથી.

શબ્દ વિના હું અંધ છું. શબ્દ વિના હું ચૂપ
શબ્દ વિનાનું આયખું જાણે, ઠાલો કૂપ!

ઋતુ આવે છે ને મારા કાનમાં ટહુકો કરે છે. ઋતુ મારી પ્રિયતમા છે. મારી પંચેન્દ્રિય એનાથી સતત સન્નદ્ધ રહે છે. એ મને મારી સંકડામણોમાંથી દૂર છોડાવી લઈ જાય છે. દુન્યવી વ્યવહારોની જૂઠી, બરડ, જડ રસમોથી એ મને અળગો કરી રહી છે. આઘેના વનોમાં, પહાડોમાં મને વને વને પર્વતો ફેરવતી આ પ્રેમિકા ઋતુઓ મને તરુ તરુની ગંધથી સભર સભર કરી દે છે. આ ઋતુઓ મને ઘરમાંય ઠરવા દેતી નથી!

વનમાં હજી પાનખરનો પડાવ છે…. ને આ વસંત તો સોઢાય છે બપોરી તડકાના ફરફરતા વસ્ત્રમાં કોઈ મુગ્ધાના શ્વાસ જેવી. આ તડકો ચંદનના લેપ જેવો મઘમઘે છે બધે. મને યાદ આવે છે સંસ્કૃતિરાણી દેસાઈની કવિતા : ‘વણજારણ ઋતુઓ’ હું એનો મોટેથી પાઠ કરું છું. સાંભળો ! “વણજારણ ઋતુઓ આવે છે નિયમિત રીતે પોતાના કાફલા સાથે ને નાખે છે પડાવ ગામમાં. જેમ નૌટંકીવાળા પોતાનો ખેલ રાખે છે તેમ વણજારણ ઋતુના ખેલમાં લપટાઈ જાય છે ગામલોકો. રીઝવવામાં ખૂબ હોશિયાર છે આ વણજારણો, મોહી પડે છે ઘણા તેના ઉપર પણ આ તો તેમનો ધંધો છે. કોઈની સાથે હળી ગયા વગર સમય પૂરો થયે પોતાનો પડાવ ઉપાડી જતો રહે છે વણજારણોનો કાફલો. આવતે વર્ષે ક્યારે આવશે તેની રાહ જોતાં મૂકી જાય છે મોહી પડેલા લોકોને. કોઈક વાર કોઈ નાનકડી વણજારણ કન્યા હળી જાય છે કોઈક સાથે ને બહુ કરગરીને રહી પડે છે ગામમાં પણ નથી માફક આવતી તેને સીધી સપાટ જિંદગી ને સોહરાઈને ગેરહાજરી અનુભવવા માંડે છે પોતાના કાફલાની વણજારણ ઋતુઓ રાહ જોવડાવી, તડપાવી ગામમાં આવી પડાવ નાખે છે ને ફરી પાછા મોહી લે છે ગામલોકોને. કવિતાની પળ જેવી વણજારણ કન્યા જતી રહે છે વણજારણ ઋતુઓ સાથે સમય પૂરો થતાં. ફરી પાછા વર્ષે આવશે તેની રાહ જોતા મૂકી જાય છે મોહી પડેલા લોકોને!” મારે લખવાની રહી ગયેલી તેવી આ કવિતા મારી અનુગામી કવયિત્રીએ લખી છે : હું એમાં ઉમેરું છું કે: “જખમ જેવી યાદો મૂકી જાય છે વણજારણ ઋતુઓ... એક ઋતુના જખમ દૂઝ્યા કરે છે બીજી ઋતુમાં! સમય પણ ભરી શકતો નથી આ જખમોને કેમકે પ્રત્યેક વર્ષે ઋતુઓ આવે છે ને જીવતાં થઈ ઊઠે છે વીતી ગયેલાં વર્ષો. વર્ષોએ આપેલા જખમોને ઋતુ ઋતુના અજવાળામાં વાંચ્યા કરું છું દૂઝ્યા કરું છું એકલો ઉનાળું પહાડના પડખામાં વિલિન થતાં ઝરણાં જેવો!” ઋતુનો દોરવાયેલો હું હમણાં જ પાછો વળ્યો છું પહાડોમાંથી પૂર્વોત્તર સાબરકાંઠાના વિજયનગરનાં વનો વીંધતો હું પસાર થતો હતો. હરણાવમાં હજી પહાડોનાં પાણી છે ખરાં. રાગની આગ લઈને કેસૂડા ખીલ્યા છે. નદીના બેઉ કાંઠે... પહાડોની ધારે, રસ્તા માથે પણ ઋતુના મશાલચીઓ જેવા એ વગડે વગડે ઊભા છે પ્રેમીઓને ઇજન આપતા! પણ વસ્તીમાં મોહી પડેલા લોકોને પ્રકૃતિ તરફ જોવાની ફૂરસદ જ ક્યાં છે? વળી કોક વન્ય કન્યા જેવી વસંતનું સામ્રાજ્ય છે બધે. ખાખરો ખરબચડો. જાણે રૂપનો તો દુશ્મન! પણ આ ઋતુમાં કેસૂડાંની કળીઓ એના રોમેરોમે અંગ મરોડતી દેખાય ત્યારે એ રૂપનો રાજા, ના વરરાજા લાગે છે. ભીલ કન્યાનું યૌવન ઊઘડ્યું છે આ કેસૂડે કેસૂડે, જોઉં છું તો આદિવાસી યૌવનાઓ મેળેથી પાછી ફરી રહી છે શેરડીના સાંઠા લઈને! અરે! એમના કાનમાં તો છે કેસૂડાંના ફૂલો. કોઈકે તો ગૂંથ્યાં છે કેશમાં... બીજીએ બાંધ્યાં છે હાથે! સ્વયં ખાખરા જેવી આ કેસૂડાંની કન્યાઓ વિશે લખનારા કાલિદાસની જરૂર છે આપણને. આ વનપરિસર વચાળે ઊંચા છટાદાર શીમળા છે... એકબેને આવ્યા છે ફૂલો; રાતાં ચટ્ટાક! પેલી કિંશૂક કન્યાઓને આ શીમળા તે એમના વર-પ્રેમીઓ! માટીની મધરી મધરી આગ છે શીમળાના ફૂલોમાં... એ પહાડોની ટોચો સુધી ફરકાવતા રહે છે વસંતનો વાવટો! ફાગણનાં ઝાડ તે આ કેસૂડા અને શીમળા, લાલ કેસરી રંગો ને ફાગણિયો છાકભર્યો વાયરો વનોના રંધેરંધ્રમાં રતિ-આવેગ છે. કાન માંડીએ તો સંભળાય છે આપણામાં રહેલા વન્યપશુના સિસકારા હું ઋતુઓથી અળગો રહી શકતો નથી. લઈ જાય છે આ ઋતુઓ મને હાથ પકડીને દૂર દૂર વને, પહાડે, ખેતરે, નદીએ, તળાવે. સીમ-સીમાડે... દિવસ રાતે... પવનની સાથે ચગાવતી રહે છે આ ઋતુઓ મને પણ....

(સોનાનાં વૃક્ષો)
મણિલાલ હ. પટેલ

॥ કવિતા ॥

ગુજારે જે શિરે તારે
બાલાશંકર કંથારિયા

ગુજારે જે શિરે તારે, જગતનો નાથ તે સ્હેજે;
ગણ્યું જે પ્યારું પ્યારાએ, અતિ પ્યારું ગણી લેજે.
દુનિયાની જુઠી વાણી, વિશે જો દુ:ખ વાસે છે;
જરાયે અંતરે આનંદ, ના ઓછો થવા દેજે.
કચેરી માંહિ કાજીનો, નથી હિસાબ કોડીનો;
જગત કાજી બનીને તું, વહોરી ના પીડા લેજે.
જગતના કાચના યંત્રે, ખરી વસ્તુ નહીં ભાસે;
ન સારા કે નઠારાની, જરાએ સંગતે રહેજે.
રહેજે શાંતિ સંતોષે, સદાયે નિર્મળે ચિત્તે;
દિલે જે દુ:ખ કે આનંદ, કોઈને નહીં કહેજે.
વસે છે ક્રોધ વેરી, ચિત્તમાં તેને તજી દેજે;
ઘડી જાએ ભલાઇની, મહાલક્ષ્મી ગણી લેજે.
રહે ઉન્મત્ત સ્વાનંદે, ખરું એ સુખ માની લે;
પિયે તો શ્રી પ્રભુના, પ્રેમનો પ્યાલો ભરી પીજે.
કટુ વાણી સુણે જો કોઈની, વાણી મીઠી કહેજે;
પરાઇ મૂર્ખતા કાજે, મુખે ના ઝેર તું લેજે.
અરે પ્રારબ્ધ તો ઘેલું, રહે છે દૂર માગે તો;
ન માગે દોડતું આવે, ન વિશ્વાસે કદી રહેજે.
અહો શું પ્રેમમાં રાચે, નહીં ત્યાં સત્ય પામે તું!
અરે તું બેવફાઇથી ચડે નિંદા તણે નેજે.
લહે છે સત્ય જે, સંસાર તેનાથી પરો રહેજે;
અરે એ કીમિયાની જો મઝા છે, તે પછી કહેજે.
વફાઇ તો નથી, આખી દુનિયામાં જરા દીઠી;
વફાદારી બતાવા ત્યાં, નહીં કોઈ પળે જાજે.
રહી નિર્મોહિ શાંતિથી, રહે એ સુખ મોટું છે;
જગત બાજીગરીના તું, બધાં છલબલ જવા દેજે.
પ્રભુના નામનાં પુષ્પો, પરોવી કાવ્યમાળા તું;
પ્રભુની પ્યારી ગ્રીવામાં, પહેરાવી પ્રિતે દેજે.
કવિ રાજા થયો શી છે, પછી પીડા તને કાંઈ?
નિજાનંદે હંમેશા બાલ, મસ્તીમાં મઝા લેજે
આપણી કવિતા સમૃદ્ધિઃ બ.ક.ઠાકોર

જનની
દામોદર ખુશાલદાસ બોટાદકર

મીઠાં મધુ ને મીઠા મેહુલા રે લોલ,
એથી મીઠી તે મોરી માત રે,
જનનીની જોડ સખિ! નહિ જડે રે લોલ.
પ્રભુના એ પ્રેમ તણી પૂતળી રે લોલ,
જગથી જુદેરી એની જાત રે. જનનીની.
અમીની ભરેલી એની આંખડી રે લોલ,
વ્હાલનાં ભરેલાં એનાં વેણ રે. જનનીની.
હાથ ગૂંથેલ એના હીરના રે લોલ,
હૈયું હેમંત કેરી હેલ રે, જનનીની.
દેવોને દૂધ એનાં દોહ્યલાં રે લોલ,
શશીએ સિંચેલ એની સોડ્ય રે. જનનીની.
જગનો આધાર એની આંગળી રે લોલ,
કાળજામાં કૈંક ભર્યા કોડ રે. જનનીની.
ચિત્તડું ચડેલ એનું ચાકડે રે લોલ,
પળના બાંધેલ એના પ્રાણ રે. જનનીની.
મૂંગી આશિષ ઉરે મલકતી રે લોલ,
લેતાં ખૂટે ન એની લ્હાણ રે. જનનીની.
ધરણીમાતાયે હશે ધ્રૂજતી રે લોલ,
અચળા અચૂક એક માય રે. જનનીની.
ગંગાનાં નીર તો વધે-ઘટે રે લોલ,
સરખો એ પ્રેમનો પ્રવાહ રે. જનનીની.
વરસે ઘડીક વ્યોમવાદળી રે લોલ,
માડીનો મેઘ બારે માસ રે. જનનીની.
ચળતી ચંદાની દીસે ચાંદની રે લોલ,
એનો નહિ આથમે ઉજાસ રે.
જનનીની જોડ સખિ! નહિ જડે રે લોલ.
રાસતરંગિણી

ન જાય ઘરમાં - ન બ્હાર આવે
હરજી લવજી દામાણી ‘શયદા’


જનારી રાત્રિ જતાં કહેજે: સલૂણી એવી સવાર આવે;
કળી કળીમાં સુવાસ મહેકે, ફૂલો ફૂલોમાં બહાર આવે.
હૃદયમાં એવી રમે છે આશા, ફરીથી એવી બહાર આવે;
તમારી આંખે શરાબ છલકે, અમારી આંખે ખુમાર આવે.
વ્યથા શું હું વિદાય આપું? વિરામના શું કરું વિચારો?
કરાર એવો કરી ગયાં છે – ન મારા દિલને કરાર આવે.
કિનારેથી તું કરી કિનારો, વમળમાં આવી ફસ્યો છે પોતે,
હવે સુકાની, ડરે શું કરવા? ભલે તૂફાનો હજાર આવે.
ન ફૂટે ફણગા, ન છોડ થાયે, ન થાય કળીઓ, ન ફૂલ ખીલે;
ધરામાં એવી ધખે છે જ્વાળા, બળી મરે જો બહાર આવે.
વિચારવાળા વિચાર કરજો, વિચારવાની હું વાત કહું છું;
જીવનમાં એથી વિશેષ શું છે? વિચાર જાયે વિચાર આવે.
તમારી મ્હેફિલની એ જ રંગત, તમારી મ્હેફિલની એ જ હલચલ;
હજાર બેસે, હજાર ઊઠે, હજાર જાયે, હજાર આવે.
હૃદયમાં કોની એ ઝંખના છે, નયન પ્રતીક્ષા કરે છે કોની?
ઊભો છે ‘શયદા’ ઉંબરમાં આવી, ન જાય ઘરમાં - ન બ્હાર આવે.
F.B.

પ્રાણ

રવીન્દ્રનાથ ઠાકુર
[અનુવાદ: નગીનદાસ પારેખ]


મરિતે ચાહિ ના આમિ સુન્દર ભુવને,
માનવેર માઝે આમિ બાંચીબારે ચાઈ.
એઈ સૂર્યકરે એઈ પુષ્પિત કાનને
જીવન્ત હૃદય-માઝે યદિ સ્થાન પાઈ !
ધરાય પ્રાણેર ખેલા ચિરતરંગિત,
વિરહ મિલન કત હાસિ-અશ્રુમય-
માનવેર સુખે દુ:ખે ગાંથિયા સંગીત
યદિ ગો રચિતે પારિ અમર-આલય !
તા યદિ ના પારિ તબે બાંચિ યત કાલ
તોમાદેરિ માઝખાને લભિ યેન ઠાઁઈ,
તોમારા તુલિબે બલે સકાલ બિકાલ
નવ નવ સંગીતેર કુસુમ ફૂટાઈ.
હાસિમુખે નિયો ફુલ, તાર પરે હાય
ફેલે દિયો ફુલ, યદિ સે ફુલ શુકાય.
• • •
આ સૌંદર્યમય વિશ્વમાં મને મરવાની ઇચ્છા નથી.
હું માનવોમાં જીવવા ઇચ્છું છું.
આ સૂર્યના કિરણોમાં,
આ પુષ્પિત કાનનમાં, અને જીવન્ત હૃદયમાં
હું સ્થાન પામવા ઇચ્છું છું.
ધરતી પર કેટકેટલાં વિરહ અને મિલન-હાસ્ય
અને અશ્રુ-ભરી પ્રાણની લીલા
સદાય લહેરાયા જ કરે છે.
- માનવના સુખદુઃખનાં ગીતો ગૂંથીને
અમર ભૂમિ રચવાની મારી ઇચ્છા છે.
પણ જો તે ન કરી શકું,
તો જ્યાં સુધી જીવું ત્યાં સુધી
તમારી વચ્ચે જ સ્થાન પામું
એમ ઇચ્છું છું.
અને તમે ચૂંટશો એમ કરીને
સવારે અને સાંજે
નવાં નવાં સંગીતના ફૂલો ખીલવ્યા કરીશ.
તમે હસતે મોઢે એ ફૂલ લેજો
અને
ત્યાર પછી હાય, જો એ ફૂલ સુકાઈ જાય
તો ફેંકી દેજો !
F.B.

આંધળી માનો કાગળ
ઇન્દુલાલ ગાંધી

અમૃત ભરેલું અંતર જેનું, સાગર જેવડું સત્,
પૂનમચંદના પાનિયા આગળ ડોશી લખાવતી ખત,
ગગો એનો મુંબઇ કામે;
ગીગુભાઈ નાગજી નામે. લખ્ય કે માડી!
પાંચ વરસમાં પ્હોંચી નથી એક પાઈ
કાગળની એક ચબરખી પણ, મને મળી નથી ભાઈ!
સમાચાર સાંભળી તારા;
રોવું મારે કેટલા દા’ડા?
ભાણાનો ભાણિયો લખે છે કે, ગગુ રોજ મને ભેળો થાય,
દન આખો જાય દા’ડિયું ખેંચવા રાતે હોટલમાં ખાય,
નિત નવાં લૂગડાં પે’રે
પાણી જેમ પઇસા વેરે.
હોટલનું ઝાઝું ખાઈશ મા, રાખજે ખરચીખૂટનું માપ,
દવાદારૂના દોકડા આપણે કાઢશું ક્યાંથી બાપ!
કાયા તારી રાખજે રૂડી;
ગરીબની ઇ જ છે મૂડી.
ખોરડું વેચ્યું ને ખેતર વેચ્યું, કૂબામાં કર્યો છે વાસ,
જારનો રોટલો જડે નહિ તે દી પીઉં છું એકલી છાશ,
તારે પકવાનનું ભાણું,
મારે નિત જારનું ખાણું.
દેખતી તે દી દળણાં, પાણી કરતી ઠામેઠામ,
આંખ વિનાનાં આંધળાંને હવે કોઈ ન આપે કામ,
તારે ગામ વીજળીદીવા,
મારે આંહીં અંધારાં પીવાં.
લિખિતંગ તારી આંધળી માના વાંચજે ઝાઝા જુહાર
એકે રહ્યું નથી અંગનું ઢાંકણ, ખૂટી છે કોઠીએ જાર.
હવે નથી જીવવા આરો,
આવ્યો ભીખ માગવા વારો.
સીગ્નેચર પોયમ્સ

સુની રે ફળી
મુકુન્દરાય પારાશર્ય

સૂની રે ફળી, સૂનાં ખોરડાં, સૂની લીમડાની ડાળ,
સૂનાં પાનોથી છલકે વાયરે, આખા ફળિયાનો થાળ;
રાતે ચૂવે નભનાં નેણલાં. સૂની ઓસરી, સૂના ઓરડા,
સૂનાં જાળી ને ખાટ, સૂની અધખોલી તૂટી ડેલીએ
ઊભું જુએ કો વાટ; ઝબકે મિજાગરું વાયરે.
નહીં રે ઝાંઝર, નહિ કો ઘૂઘરો, નહિ કો સંચરતું ગાય.
વળગી અવાવરુ આંગણે કુંકુમ પગલીની ઝાંય!
નયને લહરાતી ગળતી ચૂંદડી.
સૂના રે સંસારે, સૂની રાતના, નહિ કો દીવડો ન દીપ.
સમદર તીરે રવડે રેતમાં, મોતી વિહોણી છીપ.
સૂનકારે એકલતા સામટી.
રે’તાં રે રે’તાં તે દી સામટાં, આજે ઉજ્જડ આવાસ.
તોયે રે રઘવાયા મારા જીવને વળગ્યો વિરહે સહવાસ.
રણના વંટોળે સૂકું પાંદડું.
દિવ્ય ભાસ્કરઃ કળશ. મે - ૨૦૨૫


રાધાનું નામ તમે…
સુરેશ દલાલ

રાધાનું નામ તમે વાંસળીના સૂર મહીં
વ્હેતું ના મેલો ઘનશ્યામ!

સાંજ ને સવાર નિત નિંદા કરે છે
ઘેલું ઘેલું રે ગોકુળિયું ગામ!
વણ ગૂંથ્યા કેશ અને અણઆંજી આંખડી
કે ખાલી બેડાની કરે વાત;
લોકો કરે છે શાને દિવસ ને રાત
એક મારા મોહનની પંચાત?
વળી વળી નીરખે છે કુંજગલી : પૂછે છે,
કેમ અલી! ક્યાં ગઈ’તી આમ?
રાધાનું નામ તમે વાંસળીના સૂર મહીં
વ્હેતું ના મેલો ઘનશ્યામ!

કોણે મૂક્યું ’લિ તારે અંબોડે ફૂલ?
એની પૂછી પૂછીને લીયે ગંધ;
વહે અંતરની વાત એ તો આંખ્યુંની ભૂલ,
જો કે હોઠોની પાંખડીનો બંધ.
મારા મોઢેથી ચહે સાંભળવા સાહેલી,
માધવનું મધમીઠું નામ;
રાધાનું નામ તમે વાંસળીના સૂર મહીં
વ્હેતું ના મેલો ઘનશ્યામ!
F.B.

પુરુરાજ જોષી
અજવાળું

ઘોંઘાટ કરે છે
અંધારું તો પવનલહરના સ્પર્શે
મંદ, મધુર સુરાવલિ છેડતું
વાયોલિન !
અંધારામાં
મઘમઘતી માટી
અંધારાથી
સંગોપિતા પૃથ્વી
પુનર્જન્મની કરે પ્રતીક્ષા...
અંધારું
જળની પાટી પર
પવને પાડ્યા અક્ષર
ભૂંસે,
ગૂંથે શિશુઓની બીડેલ આંખમાં
સ્વપ્નો.
યુવકો માટે રચતું
વસંતોત્સવ અંધારું
ને વિરહદગ્ધ હૃદયો માટે
પાથરતું
અનંત અંધ સુરંગ.
F.B.

ભોંયે ચીતરેલ બધા મારગને ચાતર્યા
ધ્રુવ ભટ્ટ

ભોંયે ચીતરેલ બધા મારગને ચાતર્યા મેં દરિયામાં ઝંખી નહીં નાવ,
તળિયેથી મારામાં જાગતી થઈ છે એક વણજારે ગાળેલી વાવ.
આંખમાં ઉજાગરા તો અવનીને હોય નથી સૂરજની રાત ક્યાંય થાતી,
ચરણો તો કોક વાર થાકે રોકાય કાંઈ રોકી શકાય નહીં છાતી.
અણજાણી વાટ કયાંક રણના મુકામ અને વગડાઓ બોલાવે આવ,
રોમરોમ જાગતી થઈ છે એક વણજારે મારામાં ગાળેલી વાવ.
મેં જ મને કોઈ દિવસ ભાળ્યો ન હોય એવી વાયકા સમાન મારું હોવું,
મારામાં ક્યાંક એક આદમી વસે ને ક્યાંક રેતીભરી આંધીનું ટોળું.
વાદળ વરસે તો કહું વરસી પડો ને કોક માળો કરે તો કહે ગાવ,
મારામાં રોમરોમ જાગતી થઈ છે કે એક વણજારે ગાળેલી વાવ.
લોકનિકેતનઃ માસિકઃ ૨૦૨૫