કથાવિચાર/નવા વળાંકની મથામણ

From Ekatra Foundation
Revision as of 02:44, 4 September 2025 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
૧૫

નવા વળાંકની મથામણ [‘છિન્નભિન્ન’(નવલિકાસંગ્રહ) : ભગવતીકુમાર શર્મા]

અત્યારે આપણા તરુણ પેઢીના કેટલાક લેખકો નવલકથા અને નવલિકાના કળાત્મક સ્વરૂપની સિદ્ધિ અર્થે સજાગ બન્યા જણાય છે. એ સ્વરૂપોમાં કોઈ અવનવીન ઉન્મેષ પ્રગટાવવા તેઓ આતુર બન્યા છે. શ્રી ભગવતીકુમાર શર્મા એ વર્ગના એક ઉત્સાહી લેખક છે. તેમના નવા નવલિકાસંગ્રહ ‘છિન્નભિન્ન’માં સંગ્રહાયેલી પંદર રચનાઓમાંની કેટલીક તેમની પ્રયોગશીલતા દાખવે છે. ખાસ કરીને ‘વાંસ-દોરી’, ‘અંધારપટ’ ‘જલકમલવત્‌’, ‘શાહીબાગના ઓવરબ્રિજની છાયામાં’, ‘અનુસંધાન’ અને ‘છિન્નભિન્ન’ જેવી રચનાઓની રચનારીતિ વિલક્ષણ જણાય છે. અલબત્ત, દરેક સાચી નવલિકાને આગવી મુદ્રા હોય છે, હોવી જ જોઈએ, પરંતુ પ્રયોગશીલ લેખક ચાહીને નવું પરિમાણ સર્જવા પ્રયત્નશીલ બનતો હોય છે. પ્રસ્તુત સંગ્રહની નવલિકાઓમાં કેટલીક કૃતિઓ પરંપરાનું અનુસંધાન પણ જાળવે છે. પરંતુ લેખક આપણી ઢાંચાઢાળ વાર્તાઓના ચોકઠામાંથી અળગા થવાની મથામણમાં જણાય છે એ ચોક્કસ છે. પુસ્તકના આંરભમાં એમ નોંધ્યું છે કે આપણી વાર્તાસર્જનની પ્રવૃત્તિ ફરી એક વાર બંધિયાર બની જવા આવી છે. તેમાં નવા વળાંકની અપેક્ષા છે. આ સંગ્રહની વાર્તાઓ સાચે જ કોઈ નવો વળાંક લઈને આવી છે કે કેમ એવું કુતૂહલ આપણને જરૂર થાય. આગળ એ વિશે વિચારી જોઈશું. છિન્નભિન્ન વ્યક્તિત્વની કથાઓ આ સંગ્રહને અંતે મુકાયેલી અને જેના પરથી આ સંગ્રહને શીર્ષક પ્રાપ્ત થયું છે તે કૃતિ ‘છિન્નભિન્ન’ એક વિલક્ષણ આવિષ્કાર જેવી છે. એ વાર્તા ધ્યાનપાત્ર છે તેમાંની પ્રયોગશીલતાને કારણે, કળાત્મક સિદ્ધિને કારણે નહિ. વર્તમાન યુગની કાટમાળ જેવી પરિસ્થિતિમાં રુંધાતા માનવીની વિકેન્દ્રિત અને છિન્નવિચ્છિન્ન વ્યક્તિતાને નિરૂપવાનો તેમાં આયાસ છે. એને અનુરૂપ ગદ્યછટા નિપજાવવાનો લેખકે જે પ્રયત્ન કર્યો છે તે બારીકાઈથી અવલોકવા જેવો છે. આપણે ત્યાં કવિ ઉમાશંકરે ‘છિન્નભિન્ન’ છું એવા સ્વરમાં કાવ્યરચના કરેલી. શ્રી સુરેશ જોષી અને બીજા કેટલાક નવીન લેખકોએ માનવીની વિચ્છિન્નતાને આલેખવા પ્રયત્નો કર્યા છે. પરંતુ એ બધાના પ્રયત્નોમાંથી વિશુદ્ધ સાહિત્યત્વ સિદ્ધ થયું જ છે એવું નથી. માનવીની છિન્નભિન્ન દશામાંથી એક સંવાદી કળાકૃતિ સિદ્ધ કરવાને વિશેષ સામર્થ્ય જોઈએ. પ્રસ્તુત સંગ્રહની ‘છિન્નભિન્ન’ એ રચના કોઈ આગવી સિદ્ધિ દાખવતી નથી. એટલું નોંધવું જોઈએ કે તેમણે જે ગદ્યશૈલીમાં શબ્દપ્રયોગો કે લઢણો યોજવાનો ક્રમ રાખ્યો છે તે આપણા કેટલાક આધુનિકતમ લેખકોની શૈલીની પરિપાટી જોડે અનુસંધાન જાળવવા મથે છે. વળી લેખકે તેમની અન્ય નવલિકાઓમાં આ જ શૈલીમાં પોતાનું વક્તવ્ય રજૂ કરવાનો પ્રયત્ન કર્યો છે તેમાંયે કેટલીકવાર બેહુદું પરિણામ આવ્યું છે. ‘જલકમલવત્‌’ એ નવલિકા આગવી છટામાં રજૂ કરવાનો પ્રયત્ન છે. એમાં મુંબઈ જેવા મહાનગરના અતિ અદના માનવીની દિનચર્યારૂપે આખી વાત કહેવાઈ છે. નગરજીવનની યાંત્રિકતા, કોલાહલ અને ભીંસથી વાર્તાનાયકની ચેતના એટલી તો બધિર બની છે કે તે તેની આસપાસની સંસારની કોઈ વ્યક્તિ કે પરિસ્થિતિમાંથી નિર્લિપ્ત રહી જવા પામ્યો છે. વાર્તાની માંડણીમાં વ્યંગકટાક્ષ રહેલો છે. કંઈક સબળ કથનશૈલીને કારણે એ વાર્તા અસરકારક બની શકી જણાય છે.

નગરજીવનની બીજી વાર્તાઓ

‘શ્રીરંગના પ્રાંગણમાં’ અને ‘શાહીબાગના ઓવરબ્રિજની છાયામાં’ એ બે નવલિકાઓ પણ નગરજીવનની પાર્શ્વભૂમિકા પર અદના માનવીના જીવનની કરુણ કથની કહી જાય છે. ‘શ્રીરંગ...’ એ વાર્તા રહેમાન નામના આદમીના ભાગ્યવિપર્યયની કથા છે. રહેમાન વજનના કાંટાને આધારે જીવતો, પણ ‘શ્રીરંગ’ સિનેમાગૃહમાં ઑટોમેટિક વેઈંગ મશીન આવતાં તેની રોજી ગઈ. એ ઑટૉમેટિક મશીન તો સૌના સુખી ભવિષ્યની વાણી ઉચ્ચારતું! કંગાલ રહેમાને પોતાનું ભવિષ્ય જાણવા પોતાનો રહ્યોસહ્યો સિક્કો એ મશીનમાં નાખ્યો અને ભાગ્યદેવતાના ક્રૂર અટ્ટહાસ્ય જેવું ભવિષ્યકથન પ્રાપ્ત થયું! કૃતિના અંતમાં વીંછીના ડંખ જેવો આ પછડાટ એને સચોટતા અર્પે છે. એ રીતે એ એક હૃદ્ય કૃતિ બની રહે છે. ‘શાહીબાગના...’ એ કૃતિમાં ઑટોરિક્ષાવાળા યુવાનના અંતરમાં ભારેલી પ્રણયવેદના આલેખી છે. પરંતુ તેની નિરૂપણરીતિ નિરાળી છે. શહેરી જિંદગીમાં પેટિયું કાઢવા મથતા યુવાનની પ્રણયકથા પણ એટલી જ સ્વાભાવિક બોલચાલની છટામાં રજૂ થઈ છે. કદાચ એના આરંભનો ભાગ લાધવયુક્ત શૈલીમાં રજૂ થયો હોત તો એ વિશેષ અસરકારક બનત.

છિન્નભિન્ન દાંપત્યની કથાઓ

આ સંગ્રહમાં લેખકની નોંધપાત્ર કહી શકાય તેવી સિદ્ધિ તો કદાચ આધુનિક સ્ત્રીપુરુષોનાં, વર્તમાનયુગના દાંપત્યજીવનનાં કેટલાંક સંવેદનો નિરૂપવામાં છે. ખાસ કરીને તેમણે શહેરી માનવીના કેટલાક નાજુક કોયડાઓ આલેખવાનો પ્રયત્ન કર્યો છે. તેમાં ‘માઈનસ ૪-૫૦’, ‘કાચનો કેદી’ અને ‘અંધારપટ’ જેવી છિન્નભિન્ન થયેલા દાંપત્યજીવનની કથાઓ ધ્યાનપાત્ર છે. ‘માઈનસ ૪-૫૦’માં વાર્તાનાયિકા શર્મીલાના ચિત્તના અપ્રગટ દ્વેષભાવનું કંઈક કુશળતાથી નિરૂપણ થયું છે. પોતાના ચિત્રકાર પતિ અને કળાકાર દીપાલી વચ્ચે ગાઢ બનતી મૈત્રીથી શર્મીલાના અંતરમાં કશીક ગૂઢ રૂંધામણ જન્મી છે. પરંતુ તેનો પતિ એ હકીકત સમજવાને અસમર્થ રહ્યો. અંતે આંખના ડૉક્ટરને ત્યાંથી પાછા ફરતાં વાર્તાનાયકને પ્રથમ વાર નક્કર પ્રતીતિ થઈ કે શર્મીલાની ‘દૃષ્ટિ’માં જે રોગ છે તે સ્થૂળ ચશ્માથી નહિ દૂર થાય. એ કરુણ સત્યના ભાન સાથે કથા સમેટી લેવાઈ છે. પરંતુ આખી કથાનો વિકાસ એટલો સુરેખ બન્યો નથી. વળી ત્રણે પાત્રોના લાગણીસંબંધને આલેખવા લેખકે ચિત્રકારની વિભાવનાનું ‘તારના થાંભલાઓ’નું ઍબસ્ટ્રેક્ટ પેઇંટિંગ એ ક્ષમતાવાળું પ્રતીક બનતાં રહી ગયું છે. કદાચ આખી એ વિભાવના જ કંઈક બુદ્ધિની કરામત જેવી વિશેષ લાગે છે. એટલે આ કથા એટલી ચિત્તસ્પર્શી બની શકી નથી. ‘કાચનો કેદી’માં વાર્તાનાયક જવલંત અને તેની પત્ની પ્રાપ્તિ વચ્ચેના સંચિતા જેવી ચબરાક અને હોશિયાર એવી પરસ્ત્રીના પ્રવેશથી વિષમતા સર્જાઈ છે. એક રીતે ‘માઈનસ ૪-૫૦’ અને ‘કાચનો કેદી’ એ બંનેની માંડણીમાં કેટલુંક ઉપરછલ્લું સામ્ય પણ જોઈ શકાય. પરંતુ ‘માઈનસ ૪-૫૦’માં નાયિકાની આંતરવ્યથા વિશેષ નિરૂપણ પામી છે, તો પ્રસ્તુત નવલિકામાં નાયક જવલંતની લાચારી અને વેદના કેન્દ્રમાં રહી છે. ‘અંધારપટ’ની રચનાશૈલી એક પ્રયોગ જેવી છે. એમાં સ્વભાવગત ભેદને કારણે છૂટાં પડેલાં પતિપત્નીની કરુણ કથા રજૂ કરવામાં આવી છે. પણ એની માંડણી પત્રરૂપની છે. અલબત્ત, એ પત્રના ઉદ્‌બોધનરૂપ લખાણમાં ભૂતકાલીન જિંદગીના કેટલાક રહસ્યપૂર્ણ સંવાદો યથોચિત સ્થાને યોજવાનો ક્રમ રાખ્યો છે છતાં આખી કૃતિ એટલી સંવાદી રચના બની શકી જણાતી નથી. આ વાર્તામાં યુદ્ધકાલીન અંધારપટનું દૃશ્ય એક કુશળ પ્રતીક બનીને યોજાતું દેખાય છે. ‘દીવાલ પરની સ્ત્રી’ એ આ સંગ્રહની કદાચ સૌથી વિશેષ કળાત્મક ઉઠાવવાળી કૃતિ ગણાય. એમાં માનવચિત્તની અજ્ઞાત વૃત્તિનું કુશળ નિરૂપણ વિશેષ સિદ્ધિ ગણાય તે પ્રકારે થયું છે. મિ. કેતકરની પત્ની સુશીલાબાઈ મૃત્યુ પામી તેને દશેક વર્ષો વીત્યાં. તેની આ એકલવાયી જિંદગીના ખાલી સમયમાં તેમના ચિત્તના અજ્ઞાત ઊંડાણમાં કોઈ નારીવાસના ઉદ્‌ભૂત થઈ સેવાતી રહી હતી. એક દિવસ બાથરૂમની ઓઘરાળી દીવાલની ખરબચડી સપાટી પર લક્ષ્ય ઠેરવતાં તેમણે એક નારીઆકૃતિ આલેખાયેલી જોઈ! એ આકૃતિથી તેઓ તત્ક્ષણ છળી ઊઠ્યા. અને તેમનું ચિત્ત વ્યગ્ર બની ગયું. અંતે વિમલા કુલકર્ણીને લગ્નનો પ્રસ્તવા મૂક્યો તે ક્ષણે જ વાર્તા ઔચિત્યપુરઃસર સમેટી લેવાઈ છે. હકીકતમાં દીવાલ પરની સ્ત્રી તેમની અજ્ઞાત નારીવાસનાનું ‘પ્રોજેક્શન’ રૂપ હતી. એ ક્ષણના બિંદુએ તેમની અજ્ઞાત વાસના જાણે કે સંપ્રજ્ઞાત બની અને તેઓ પોતાની જ વાસનાથી જકડાઈ ગયા. આ વાર્તામાં માનવમનની લીલાનું સુંદર નિરૂપણ થયું છે. આ સંગ્રહમાં ‘ગુડ નાઈટ પપ્પા! ગુડ નાઈટ મમ્મી!’ અને ‘અનુસંધાન’ એ બે વાર્તાઓમાં માતાપિતાના જાતીય જીવન વિષેની બાળકની સભાનતાને સ્પર્શતા નાજુક કોયડાઓ આલેખવાનો પ્રયત્ન છે. એ બંનેમાં ‘અનુસંધાન’ કંઈક વિશેષ કુશળતાથી આલેખાઈ છે. ‘જિંદગીનો છેલ્લો દિવસ’, ‘ફોન ડિસ્કનેક્ટેડ’ જેવી રચનાઓ તેના અંતમાં આવતી ઍન્ટીક્લાઇમેક્સ જેવી વેધક પરિસ્થિતિને કારણે રોચક બની છે. ‘વાંસ-દોરી’ એ આ સંગ્રહમાં અત્યંત નિરાળી ભાત પાડતી કૃતિ છે. વાંસ અને નાળિયેરીની મનોવેદના દ્વારા માનવજીવનનું વિષમ વ્યંગકટાક્ષપૂર્ણ આલેખન કરવાનો પ્રયત્ન છે. આ રચનાઓ અન્યોક્તિ સ્વરૂપની ગણી શકાય.

અભિવ્યક્તિ : એક ગંભીર પ્રશ્ન

આરંભમાં એમ નોંધ્યું છે કે આ લેખકે નવલિકાઓમાં અભિવ્યક્તિની નવીન છટા નિપજાવવા દૃષ્ટિ રાખી છે. પરંતુ તેમની કેટલીક રચનાઓ અભિવ્યક્તિની ઘણી ગંભીર લેખાય તેવી ત્રુટિઓ દાખવે છે. ‘ગુડ નાઈટ...’, ‘માઈનસ ૪-૫૦’, ‘માખી તરફડી ગઈ’ કે ‘કાચનો કેદી’ જેવી નવલિકાઓમાં તો ભાષારચના (Diction)નું અવલોકન કરતાં સ્પષ્ટ જણાય છે કે લેખકની પાસે જે ટાંકણું છે તે અતિ સ્થૂળ અને બુઠ્ઠું છે. એટલે સૂક્ષ્માતિસૂક્ષ્મ લાગણીના નિરૂપણમાં તેઓ ઔચિત્યપુરઃસર સંવાદી ગદ્યની ઇબારત રચી શક્યા નથી જણાતા. માત્ર એકાદ બે દૃષ્ટાંતો જોઈશું. ‘ગુડ નાઈટ...’માં આખી કથા વાર્તાની નાયિકા આપકથારૂપે રજૂ કરે છે. તે પોતાની અને પોતાના પતિની સંવેદનપટુતા વર્ણવવા કહે છે : ‘તડકામાં પડી પડી બિલાડી નિરાંતે ઊંઘતી હોય ને એની મુલાયમ વાળવાળી ચામડીને આપણે સહેજ સ્પર્શ કરીએ કે તરત એ ડિલ આખું થથરાવી મૂકે, તેમ અમારી સંવેદનશીલતા વિક્ષેપની હળવી ટપલી વાગતાંયે હાલકડોલક થઈ જતી.’ (પૃ. ૯) આ ભાષારચનામાં વિક્ષેપની ટપલી જેવો સ્થૂળ પ્રયોગ ખૂંચે છે. સંવેદનશીલતા હાલકડોલક થાય, એ ગતિનો લય વ્યર્થ અને અપ્રસ્તુત છે. પરંતુ અહીં સ્ત્રીપુરુષોના ચિત્તની નાજુક સંવેદનશીલતાને વર્ણવવા બિલાડીના વ્યવહારનું ઔચિત્ય ખરું? ‘માઈનસ ૪-૫૦’માંથી બીજું ઉદાહરણ જોઈશું. ‘હું શર્મીલાના ખભા પર ઝૂક્યો ને હાથ વડે એનું મુખ મારી તરફ ફેરવવાનો મેં પ્રયાસ કર્યો, પણ પાણીમાં સરકી જતી માછલીની જેમ એ ખસી ગઈ અને સાવ ઊંધી પડી રેતીમાં માથું ખોસી દેતા શાહમૃગની માફક પથારીમાં મોં દાબીને રડી પડી.’ (પૃ. ૪૬) અહીં માછલીની ત્વરિત ગતિ તો કદાચ સમજી શકાય પણ શાહમૃગની ઉપમા કેટલે અંશે ઉપકારક છે? હકીકતમાં એમની કેટલીક ભાષારચનાઓમાં ભાષારચના (Diction) એ તેમની આગવી સંવેદનાની જ આકૃતિ નથી, અભિવ્યક્તિ નથી, પણ પ્રચલિત રૂઢ બનતા શબ્દપ્રયોગનું જ અનુસરણ જણાય છે. પરિણામે એમાં ક્લિષ્ટ, બેહૂદી અને વિરૂપ કલ્પનાઓ સંમિલિત થતી દેખાય છે. અભિવ્યક્તિનો પ્રશ્ન એ તો સર્જનનો મૂળભૂત પ્રશ્ન છે. કોઈ પણ પ્રયોગશીલ કે પ્રયોગથી વિમુક્ત લેખક એની અવગણના કરી શકે નહિ. ‘છિન્નભિન્ન’ની કેટલીક કૃતિઓની સિદ્ધિ, અલબત્ત, આશાસ્પદ છે, પરંતુ તેમની અભિવ્યક્તિ માટેની ઉપેક્ષા કઠે એવી છે. એ સંગ્રહ એ રીતે અપૂર્વ સિદ્ધિ પ્રગટ કરતાં રહી જાય છે અને એમાંના પ્રયોગો છતાં કોઈ નવીન વળાંક સર્જાતો રહી જાય છે. લેખકની ‘દીવાલ પરની સ્ત્રી’, ‘અંધારપટ’, ‘કાચનો કેદી’ જેવી રચનાઓ તેમની સર્જકતાનાં એંધાણ પ્રગટ કરી આપે છે. એ દિશામાં વિશેષ તપ જોઈએ, જાગૃતિ જોઈએ.