પ્રતિપદા/૭. ભરત નાયક

From Ekatra Wiki
Revision as of 08:04, 16 July 2021 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૭. ભરત નાયક}} === કાવ્યસંગ્રહોઃ === {{Poem2Open}}અવતરણ અને પગરણ, હવે પછી...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
૭. ભરત નાયક

કાવ્યસંગ્રહોઃ

અવતરણ અને પગરણ, હવે પછી વિચરણ.

પરિચય:

સુરેશ જોષી ઘરાણાના સુખનવર. પૂર્વાશ્રમમાં છબિકળામાંય નામ કાઢેલું. સાહિત્યના નિવડેલા નિવૃત્ત અધ્યાપક. કાવ્યરચનાઓ અછાંદસમાં જ કરે છે, પણ ભાષામાં અંતર્નિહિત લય પામવા સતત અજંપ રહે છે. લખવું, ભૂંસવું, ભૂંસેલું ફરી ફરી કળાયલ પીંછીએ લખવું ને એમ કળાકૃતિ સુધી પહોંચવું એ લગની. આદિમ રહસ્યોના વિસ્મયે ભરી ભરી કવિતાઓના કવિ. પાસાદાર કલ્પનો ને પ્રતીકો એમનું અગત્યનું કાવ્યલક્ષણ છે. એમના કાવ્યસંચયોના શીર્ષકોના અભિધાનમાં પણ ઊડીને કાને વળગશે અનુરણન શબ્દનું. ‘ગદ્યપર્વ’ વડે એક દશકા સુધી ગદ્યનાં અભિનવ રૂપોની તલાશે ચડેલો આ જીવ હવે બે વર્ષથી સર્વ સાહિત્યસ્વરૂપોને ઊંડળમાં લઈને ‘સાહચર્ય’ રચે છે. વર્ષો સુધી એ જ નામે સાહિત્યિક સમૂહજીવન માટે અવકાશ ઊભો કરતી ગોષ્ટિઓના યોજક. થોડા નમણા નિબંધો ને નાટકો પણ એમના ખાતે જમા બોલે છે. દૃશ્યકળાના આશિક. ઝીણી નકશીના આગ્રહી મરમી સંપાદક.

કાવ્યો:

૧. રાત્રિ

સાગ સીસમ શેતૂર હશે.
રોયડો ખાખરો બરુ બોરડી નેતર હશે. જંગલમા.
ઝાકળ પહેરી કાંટા, કરમદે રાતી કીડી, ચણોઠી ચરતી ગોકળગાય હશે. જગલમા.
વાનર અજગર સસલાં વળી કરચલા સૂતા હશે. જંગલમાં.

અમારા ઘરમાં ઘાસ-સળી પર ચંદ્રચરુ છે.
અને શંખ.
અબરખ, અબરખ છે.
ફરતે ભીંતનાં મૂળિયાં – વડવાઈ કહો – અમને અડ્યાં છે.
અમને કાજુ સંતરાં ઝાડ ઊગ્યાં છે.
અમે ઝરણાં વહ્યાં છે.

છીપલાં આભમાં મબલખ પ્રગટે.
સિંહ ત્રાડે છલાંગે છાતીમાં
માછલી આંખોમાં હીબકે.

અમે અંધારામાં ઘરની હોડી તરતી મેલી છે. જંગલ ભણી.