પ્રતિપદા/૧૦. નીરવ પટેલ

From Ekatra Wiki
Revision as of 09:51, 16 July 2021 by KhyatiJoshi (talk | contribs) ()
Jump to navigation Jump to search
૧૦. નીરવ પટેલ

કાવ્યસંગ્રહોઃ

બહિષ્કૃત ફૂલો અને ગુજરાતી દલિત કવિતા, અંગ્રેજીમાં ‘બર્નિગ ફ્રોમ બોથ એન્ડસ’, ‘વોટ ડીડ આઈ ડુ બી સો બ્લેક એન્ડ બ્લ્યુ’ અને ‘સેવર્ડ ટન્ગ સ્પીક્સ આઉટ

પરિચય:

અંગ્રેજી અને ગુજરાતી બન્ને ભાષામાં લખતા સંપ્રજ્ઞ કવિ, અભ્યાસે અંગ્રેજીમાં પીએચ.ડી. નિવૃત્ત બેન્કર. નામે ભલે નીરવ, કામે દલિત કવિતાનો પ્રબળ ઘંટારવ કરતા અગ્રેસર દલિત કવિ. કવિતાકળાની શરતે દલિત પીડા, આક્રોશ અને સંઘર્ષને ઘૂંટીને આતતાયી તત્ત્વોને પડકારતા વિસ્ફોટક કવિ. માણસાઈનો દ્રોહ કર્યા સિવાય વિદ્રોહના અછાંદસ બોલ ઉચ્ચરતા નરવા, ઓસડિયા જેવા કડવા કવિ. ગુજરાતમાં દલિત સાહિત્ય આંદોલનના પુરોધા, દલિત કવિતાના પ્રથમ સામયિક ‘આક્રોશ’ અને ત્યાર બાદ દલિત સાહિત્યનાં ‘કાળો સૂરજ’, ‘સ્વમાન’, ‘આહ્વાન’, ‘વાચા’ જેવાં સામયિકોના આરંભમાં નિમિત્ત રૂપ બનેલા સર્જક. દલિત સાહિત્યના પ્રચાર, પ્રસાર, વૃદ્ધિ-વિકાસ માટે અન્યો સાથે મળીને સાહિત્યિક સંસ્થાઓ સ્થાપીઃ સ્વમાન ફાઉન્ડેશન ફોર દલિત લિટરેચર, સંઘર્ષ સાહિત્ય સંઘ, ગુજરાતી દલિત પ્રતિષ્ઠાન. જયપુર લિટરેચર ફેસ્ટિવલ, હૈદરાબાદ લિટરેચર ફેસ્ટિવલ, ગુજરાતી લિટરેચર ફેસ્ટિવલમાં દલિત સાહિત્યની વિભાવના-સૌંદર્યશાસ્ત્ર આદિના પેનલ ડિસ્કશનમાં ભાગ લીધો છે. કેનેડા ખાતે યોજાયેલા ફેસ્ટિવલ ઓફ સાઉથ એશિયન લિટરેચરમાં દલિત સાહિત્ય વિષયક વક્તવ્ય-પ્રશ્નોત્તરીમાં સહભાગી થયા છે. યુનો આયોજિત ‘કોન્ફરન્સ અગેઈન્સ્ટ રેસિઝમ’માં ડર્બન, દક્ષિણ આફ્રિકામાં ભાગ લીધો છે. ટૂંકમાં દલિતસાહિત્યના પ્રચાર પ્રસાર ઉત્કર્ષ માટે સદા સક્રિય કવિ, ઇન્ડિયન એક્સ્પ્રેસમાં સાહિત્ય અને સાંસ્કૃતિક ઘટનાઓ પર એકાગ્રતા દાખવતું ‘લોકલ ચેનલ’ એ શીર્ષકે સ્તમ્ભલેખન.

કાવ્યો:

૧. નામશેષ

કયા શેતાન શિલ્પીએ જન્મતાં વેંત જ
ત્રોફી દીધું છે મારું નામ મારા કપાળે?
મારી રક્તવાહિનીઓમાં ચાકુ ઝબોળી ઝબોળી
ઝાડના થડની છાલમાં કોતરતા હો એમ
તમે શીદ મારી સંજ્ઞાને કોર્યા કરો છો?

મારે તો ભૂલી જવું’તું મારું નામ –
એટલે જ તો મધરાત માથે લઈ એક વાર
ઘરગામ છોડી ભાગી નીકળ્યો’તો શહેર ભણી.

અહીં આવીને મેં
મારા નામની છડી પોકારતા સાવરણાના વાંસડે તો
ફરકાવ્યો’તો ઇન્કિલાબનો ધ્વજ!
મારા નામના બંધારણના અણુએ અણુને
મેં ઓગાળી દીધા છે
કૉસ્મોપૉલિટન કલ્ચરના દ્રાવણમાં.

મારા નામની કાંચળી ઉતારી
હું નિર્મળ ને નવીન બની ગયો છું
નહિ શોધાયેલા કોઈ તત્ત્વ જેવો.
માઈક્રોસ્કોપની આંખને પણ મારી ઓળખ રહી નથી.
પણ ગીધ જેવી તમારી આંખની ચાંચ
શીદ હરહંમેશ મારા નામના મડદાને ટોચ્યા કરે છે?

અરે, મને તો દહેશત છે –
મારી ચિતા સાથે પણ નહિ મરે મારું નામ?

૨. ફૂલવાડો

ફરમાન હોય તો માથાભેર,
ફૂલોને કાંઈ બીજું કહીશું
મહેક થોડી મરી જવાની છે?
અને આમને ફૂલ કહીશું
ગંધ કાંઈ થોડી જવાની છે?

ગામ હોય ત્યાં ફૂલવાડો તો હોય.

આ ફૂલો સદીઓથી અંધકારમાં સબડતાં હતાં.
કદીક ચાંદની રાત મળે તો પોયણાંની જેમ પાંગરતાં,
કદીક રાતરાણીની જેમ છૂપાછૂપા સુવાસ રેલાવતાં,
કદીક લજામણીની જેમ મૂગામૂગા રડતાં.

પણ આ સદીના સૂરજે સહેજ રહેમ નજર કરી
કે માંડ્યાં ટપોટપ ખીલવા.
રંગ તો એવા કાઢે કે પતંગિયાનેય પ્રેમમાં પાડે,
સુગંધ તો એવી છેડે કે મધમાખીય ડંખ ભૂલે,

બધે ફરી વળી છે આ વગડાઉ ફૂલોની ફોરમઃ
સંસદમાં, સચિવાલયમાં, સ્કૂલો-કૉલેજોમાં.
જાણે એમના ઉચ્છ્વાસથી જ છે
પ્રદૂષિત પર્યાવરણ બધું.

ગામ હોય ત્યાં ફૂલવાડો હોય
એ તો સમજ્યા,
પણ હવે ઝાઝો નહિ જીરવાય આ ફૂલફજેતો.






રાષ્ટ્રપતિના મોગલ ગાર્ડનમાં ભલે મહાલે આ ફૂલો
પણ આ ફૂલો નાથદ્વારામાં તો નહીં જ,
ગાંધીજીએ છો માથે ચઢાવ્યાં એમને.
કચડી કાઢો, મસળી કાઢો
આ અસ્પૃશ્ય ફૂલોને.

પણ ફૂલો વગર પૂજા કેમ કરશું?
મનોરથના હિંડોળા કેમ ભરશું?
ભદ્ર પેટદેવને કેમ રીઝવશું?

આ ફૂલોના પમરાટથી તો પુલકિત છે
આપણાં પાયખાનાં જેવાં જીવન.
આ તો પારિજાત છે પૃથ્વીનાં,
રેશમના કીડાની જેમ
ખૂબ જતનથી ઉછેરવો પડશે આ ફૂલવાડો
ગામેગામ ને શહેરેશહેર.

એટલે સરકાર મા-બાપનું ફરમાન હોય તો માથાભેર –
ફૂલોને કાંઈ બીજું કહીશુું,
મહેક થોડી મરી જવાની છે?
અમે આમને ફૂલો કહીશું,
ગંધ કાંઈ થોડી જવાની છે?

ગામ હોય ત્યાં ફૂલવાડો તો હોય.