કાવ્ય-આચમન શ્રેણી – ઉશનસ્/૪૯. કીડીઓ
Revision as of 16:17, 16 July 2021 by KhyatiJoshi (talk | contribs) (KhyatiJoshi moved page કાવ્ય-આચમન શ્રેણી – ઉશનસ્/૪૯. કીડીઓ to કાવ્ય-આચમન શ્રેણી – ઉશનસ્/૪૯. કીડીઓ)
ઉશનસ્
૪૯. કીડીઓ
પુરા કો જન્મે હું ખરબચડી હોઈશ પ્રથમી–
તણું રોડું, ખેડ્યું, અગર વણખેડ્યું, ઊભરતાં
કીડિયારાવાળું, હજી ભવભવો કૈં ગત, છતાં
નથી જાણે એની ચઢઊતર જેવી ચળ શમી.
મને લાગે આવું પણઃ કીડીની આ હાર જતીક
કદી આ પૃથ્વીનો મણિ વીંધી સ્વયં પાર જઈને
જશે વેધે વેધે નીકળી જ કણો શુભ્ર લઈને
સ્રગે એકે, લેશે ભુવનભુવનો પ્રોઈ કદીક.
અને આવુંયે કૈં થતું ખરું મને કે — મન ઘડી
મહેચ્છા — માનો કે — જગતભરની કીડી ઊભરી
ઉઠાવું કેડીઓ, ઢળતી નભટેકે ઊભી કરી
મૂકું, તો કીડીઓ સીડીથી ઝટ જાયે નભ ચઢી!
બને કે તારા શર્કર કણકણે એ ફરી વળે,
અને અક્કેકો લૈ કણ, ફરી દરે પાછીય ફરે.
(સમસ્ત કવિતા, પૃ. ૯૪૩-૯૪૪)