બે હજાર ચોવીસ સમક્ષ/સામીપ્યે – દક્ષા વ્યાસ

Revision as of 02:09, 8 October 2025 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)

વિવેચન

‘સામીપ્યે’ : દક્ષા વ્યાસ

સંધ્યા ભટ્ટ

સારગ્રાહી રસસભર લેખો

દક્ષા વ્યાસ આપણી ભાષાનાં પીઢ કવિ-વિવેચક છે. દાયકાઓની શબ્દસાધના વડે ઘૂંટાયેલો તેમનો શબ્દ કવિતા અને વિવેચનલેખોમાં ઓજસ્વી અનુભવાય છે. પ્રસ્તુત પુસ્તક પૂર્વે વિવેચનનાં અઢારેક પુસ્તકો તેમણે આપ્યાં છે. તેમના વિશાળ વાચનફલકનો સુપેરે પરિચય આપતા એકવીસ લેખો અહીં છે, એમાં ગાંધી-ટાગોર-નર્મદ અને હેમિંગ્વેથી માંડીને જયંત પાઠક, સુરેશ જોષી અને લોકસાહિત્ય સુધ્ધાં આવે છે. આ લેખોમાં તેમનો ઊંડો અભ્યાસ સરળ, પ્રવાહી અને સર્વગ્રાહી અભિવ્યક્તિ દ્વારા રજૂ થયો છે. પહેલો લેખ વર્તમાન પરિસ્થિતિના અનુસંધાનમાં છે. એેનું શીર્ષક છે, ‘ગુજરાતી ભાષા અને સાહિત્ય : આપણી અસ્મિતા’. તેમની ચર્ચાનો મુદ્દો એ છે કે પ્રજા સાહિત્યવિમુખ કેમ છે? કવીશ્વર દલપતરામે ગુજરાતી વાણીની વકીલાત કરી હતી ત્યારથી માંડીને દરેક યુગમાં ભાષા-સાહિત્યની સ્થિતિ તપાસતાં તેઓ અત્યારના સમય સુધી આવે છે. કલા, સમાજ, મૂલ્યો તથા પ્રજા સાથેના સાહિત્યના સંબંધની તેઓ ચર્ચા કરે છે. અંતે તેઓ પ્રજાહૃદયમાં વસી ગયેલી રચનાઓને ટાંકીને કહે છે, ‘જનમાનસની અભિરુચિ કેળવાય, એ વધુ ને વધુ સફાઈદાર બનતી જાય તે માટે એને સારું સાહિત્ય પીરસવું પડશે, એને એના પ્રત્યે આકર્ષવું પડશે.’ (પૃ. ૧૩) આ પછી ચાર લેખો – રવીન્દ્રનાથ ટાગોરના જીવન-કવન વિશેનો એક લેખ તથા અન્ય ત્રણ ટાગોરની કૃતિઓ વિશે – મળશે. પહેલા લેખમાં રવીન્દ્રનાથનાં ઉછેર, ઘડતર, કુટુંબ, શિક્ષણ અને વાતાવરણ વિશેની બધી જ વાત કરીને ટાગોરની કવિતા, નવલકથાઓ, નાટકો અને તેમના વિશ્વલેખકો સાથેના સામીપ્યને દક્ષા વ્યાસ સર્વગ્રાહી રીતે આવરી શક્યાં છે. કારણ કે તેમણે ટાગોરસાહિત્યનું ઊંડું પરિશીલન કર્યું છે, ટાગોરની કવિતાઓનો અનુવાદ કર્યો છે, અન્ય અનુવાદો વાંચ્યા છે. અહીં કાલજયી કૃતિ ‘ગીતાંજલિ’ની કવિતાની વાત છે, તો શાશ્વત મૂલ્ય ધરાવતી નવલકથા ‘ગોરા’ વિશે પણ લખાયું છે. ટાગોરની વાર્તાઓ, પત્રો, એમનું જીવનચિંતન અને હાસ્યસાહિત્ય – આ તમામ વિશે આ એક લેખમાં લખાયું છે. ટાગોરના જીવનમાં આવેલા ચાર્લ્સ એન્ડ્રુઝ હોય કે ભત્રીજી ઇન્દિરા હોય કે વિક્ટોરિયા ઓકામ્પો હોય, લેખિકા ટાગોરનું સમગ્ર જીવન અહીં આવરી લે છે. તે પછીનો લેખ તેમનાં બે ગીતિનાટ્ય ‘ચાંડાલિકા’ અને ‘શ્યામા’ વિશે છે જે ટાગોરે જીવનની પાછલી વયમાં લખ્યાં છે. લેખિકા યોગ્ય રીતે લખે છે, ‘હકીકતમાં એમની કવિતામાં ચિરકાળથી પ્રિયજનની પ્રતીક્ષા કરતું નારીહૃદય વારંવાર વ્યક્ત થતું રહ્યું છે. ચાંડાલિકા-પ્રકૃતિ અને શ્યામા આવી ચિરપ્રતીક્ષાવંતી નારીઓ છે.’ (પૃ. ૩૬) આ બંને કૃતિ બૌદ્ધ જાતકકથાનું વસ્તુ ધરાવે છે. લેખિકા કહે છે તેમ ‘ચાંડાલિકા’માં ઊર્ધ્વાભિમુખ, પરિશુદ્ધ સાત્ત્વિક પ્રેમનું પ્રતિબિંબ છે અને ‘શ્યામા’માં પ્રેમનું રાજસિક રૂપ પ્રતિબિંબિત થાય છે. ત્રીજા લેખમાં લેખિકા ‘રવીન્દ્ર-પત્રમધુ’ને કવિના અંતરંગના સુભગ દર્શન તરીકે મૂલવે છે. ‘ગીતાંજલિ’ને વિશ્વવિખ્યાત કરવામાં મહત્ત્વની ભૂમિકા ભજવનાર ચિત્રકાર રોધેન્સ્ટાઈન સાથેના પત્રો, ચાર્લ્સ એન્ડ્રૂઝ સાથેના પત્રો, પ્રાણ થકી પ્યારી ભત્રીજી ઇંદિરા પરના પત્રો, પ્રથમ પોતાની ચાહક અને પછી મુગ્ધ સખી બનેલી વિક્ટોરિયા ઓકામ્પો, રોમાં રોલાં ઉપરાંત પુત્રીવત્‌ કિશોરી રાનૂ, ફ્રેડરિક વાન જેવાં અનેક મિત્રો અને ચાહકો સાથેના પત્રોની આસ્વાદાત્મક સમીક્ષા આ લેખમાં મળે છે. લેખિકા કહે છે તેમ આ પત્રોમાં એવાં અનેક વિસ્મયસ્થાનો આવતાં રહે છે જ્યાં વાચકને માટે અટકી જવાનું, પૂરા વિશ્રંભથી અંકિત સંવેદનને ઘૂંટવાનું અનિવાર્ય બની જાય છે. રવીન્દ્રનાથની હાસ્યપ્રધાન નાટ્યાત્મક નવલકથા ‘ચિરકુમાર સભા’નો રમણલાલ સોનીએ ગુજરાતીમાં અનુવાદ કર્યો. એનો ઘણો બધો આધાર લઈ હકૂમત દેસાઈએ ‘કૌમાર-અસંભવમ્‌’ નામે નાટ્યરૂપાંતર કર્યું. સુપ્રસિદ્ધ અભિનેતા અને દિગ્દર્શક પ્રવીણ જોશીએ તેનું દિગ્દર્શન કર્યું અને ગુજરાત-મહારાષ્ટ્રમાં યોજાયેલી સ્પર્ધામાં એણે પ્રથમ પારિતોષિક મેળવ્યું. તેના ૩૬ પ્રયોગો થયા. આ નાટકમાં રવીન્દ્રનાથ અભિનયની અનિવાર્યતા અને નાટકને અનુરૂપ અભિનયની હિમાયત કરે છે, પણ અભિનયને ખાતર નાટક દીન બને તે એમને મંજૂર નથી. આ નાટકનું વિષયવસ્તુ, તેનો અનુવાદ, તેનું નાટ્યરૂપાંતર, હાસ્યસ્થાનો, અભિનય વિશેની વાતો જેવા દરેક મુદ્દાને લઈને અહીં આ અલ્પચર્ચિત કૃતિ વિશે સરસ લેખ થયો છે. કૃતિના નાટ્યરૂપાંતરકારને તેઓ કૃતિને સમગ્રતા આપવાનું શ્રેય આપે છે. વિશ્વસાહિત્યની અમર કૃતિ ‘ધી ઓલ્ડ મૅન ઍન્ડ ધ સી’ પરના લેખમાં પ્રથમ લેખકના જીવનની વાત થઈ છે. જીવલેણ સાહસો અને અકસ્માતોથી ભરેલી જિંદગીનાં સંઘર્ષોને પ્રતીકાત્મક રીતે નવલકથામાં વર્ણવતા આ લેખકનું જીવન અને કવન લેખમાં પણ એકમેકમાં સરસ ગૂંથાયું છે. જિજ્ઞાસુ વાચક પૂરી તન્મયતાથી આખો લેખ એકી બેઠકે વાંચી જઈ શકે. દક્ષા વ્યાસનો વિદ્યાવ્યાસંગ અને તેના પરિપાકરૂપે આત્મસાત્‌ થયેલી જે તે કૃતિ કે કૃતિકારનું દર્શન એ ‘સામીપ્યે’નો વિશેષ છે. ‘આધુનિકોના આચાર્ય સુરેશ જોષી’માં બાળપણ, મોસાળમાં ઉછેરથી શરૂઆત કરી તેમની ઉફરી વિચારધારા, તેમના નિબંધો, લઘુનવલ અને કવિતા વિશે સર્વસમાવેશી ચર્ચા થઈ છે. ‘નવી ચોપડીની સુગંધ મને બહુ ગમતી’ એમ કહેનાર, આઠ વર્ષની વયે ‘બાલજગત’માં કવિતા છપાવનાર સુરેશ જોષી નવસારીમાં અંગ્રેજી વાચન અને રવીન્દ્રનાથ પ્રત્યે આકર્ષાયા. દક્ષા વ્યાસ લખે છે, ‘ખાદીનું પાટલૂન, અર્ધી બાંયનું ખમીસ કે બુશશર્ટ, મધ્યમ ઊંચાઈ, વિશાળ ભાલપ્રદેશ અને વસ્તુની આરપાર જોતી પાણીદાર આંખોવાળા સુરેશભાઈ પહેલેથી જ અસંમતિના માણસ હતા. પૂરા સ્પષ્ટવક્તા. સિદ્ધાંતને – પોતાની પ્રતીતિઓને વળગી રહેનારા.’ (પૃ. ૬૭)

સુરેશ જોષીના સમયનાં પરિબળોનો ખ્યાલ આપીને લેખિકા તેમની  કલાનિર્મિતિ માટેની વિભાવના વિશે લખે છે. તેમણે ‘ઉપજાતિ’ સંગ્રહ રદ કરેલો તથા કેન્દ્રીય સાહિત્ય અકાદમીનો ‘ચિંતયામિ મનસા’ વિવેચનલેખોના પુસ્તક માટે મળેલા ઍવૉર્ડનો અસ્વીકાર કરેલો. સર્જક અને વિવેચક સુરેશ જોષીને સમજવા માટે સાહિત્યેતર વાચકને પણ ઉપયોગી બને તેવો આ લેખ છે. બરાબર એવું જ કામ ‘નિબંધકાર નર્મદ’માં થયું છે. તેમને ‘પ્રથમ સમૃદ્ધ નિબંધકાર’ કહીને લેખિકા તેમના નિબંધોનો આસ્વાદ કરાવે છે. તેઓ લખે છે, ‘૧૮ વર્ષનો યુવાન નર્મદ બસો શ્રોતાઓ સમક્ષ ગુજરાતી સાહિત્યનો પ્રથમ પદ્ધતિસરનો નિબંધ ‘મંડળી મળવાથી થતા લાભ’ રજૂ કરે છે એ અત્યંત રોમાંચક ઘટના છે.’ (પૃ. ૭૬) નર્મદના નિબંધોની ચર્ચા કરતાં લેખિકા લખે છે,

* નર્મદના કેળવણી વિશેના વિચારો પણ આજેય એટલા જ પ્રસ્તુત છે. એ સાચી રીતે કહે છે કે ‘સુધારાનો મૂળ પાયો વિદ્યા છે.’ (પૃ. ૭૮)
* નર્મદની દૃષ્ટિ વિશાળ છે અને એનું હૈયું દેશદાઝથી છલકે છે. એ વ્યક્તિના સુખ સાથે સમષ્ટિના સુખને સાંકળે છે. (પૃ. ૭૮)
* નર્મદ બહુશ્રુત છે. એણે ઘણું વાંચ્યું-વિચાર્યું છે. એના હૈયામાં જાણે સમૂળી ક્રાંતિ ઉછાળા મારે છે. (પૃ. ૮૧

)

‘ગદ્યકાર જયંત પાઠક’માં સ્મૃતિકથા ‘વનાંચલ’ તથા ‘તરુરાગ અને નદીસૂક્ત’ તથા ‘કીલીમાન્જારો’ના નિબંધોની આસ્વાદપૂર્ણ સમીક્ષા છે. લેખિકા પોતાનું નિરીક્ષણ મૂકતાં લખે છે, ‘આ ગદ્યનું આગવું વ્યક્તિત્વ ઘડવામાં સૌથી મહત્ત્વનો ભાગ ભજવે છે ટૂંકાં વાક્યો, ક્રિયાપદોનો અલ્પ ઉપયોગ.’ (પૃ. ૮૬) કવિ જયંત પાઠકના નિબંધોમાં પ્રકૃતિ સાથેના લીલામય સંબંધની કવિતા છે. કવિ-વિવેચક દક્ષા વ્યાસની કલમે કવિ-નિબંધકાર જયંત પાઠકની ગદ્યકલા વિશે વાંચવાની તક અહીં મળે છે. ઐતિહાસિક અને પૌરાણિક નવલકથાઓથી જાણીતા, મેધાવી ક. મા. મુનશીની કલમે ‘શિશુ અને સખી’ જેવી લાક્ષણિક લેખનશૈલી ધરાવતી કૃતિનું સર્જન થવું તેની પાછળ સર્જકચિત્તને સમજવાનો પ્રયાસ સૌપ્રથમ તો લેખિકાએ કર્યો છે. તેઓ લખે છે, ‘.. ઘણીવાર એવું લાગે છે કે સર્જક એકનું એક સંવેદન કૃતિએકૃતિએ વાગોળ્યા કરે છે. ખરેખર તો પૂર્ણતા એક આદર્શ છે. તેથી સતત ખોજ એ જ એની નિયતિ બને છે. સર્જક એક રીતે પોતાની કૃતિઓ દ્વારા આત્મસાક્ષાત્કાર જ કરતો હોય છે.’ (પૃ. ૯૩) એક તબક્કે લેખિકાને એમ પણ થાય છે કે મુનશીની જીવનકથાની જાણ ન હોત તો કેવું સારું થાત! ઊંડું સંવેદનતંત્ર અને વિશાળ વાચન ધરાવનાર આસ્વાદક જ લખે કે ‘કેટલીકવાર વસ્તુની જાણકારી રસવિઘ્ન ઊભું કરતી નથી, જેમ કે પ્રેમાનંદનાં આખ્યાનો. પણ કેટલીકવાર કૃતિના અણિશુદ્ધ આસ્વાદમાં સ્થૂળ વિગતની જાણકારી રસવિઘ્ન ઊભું કરે.’ (પૃ. ૯૫) કૃતિના દરેક સર્ગની ચર્ચા કરીને અંતે મુનશીના ઓજસ ગુણથી દીપ્ત ગદ્યના કાવ્યાત્મક આવિષ્કારને તેઓ પ્રશંસે છે.

આપણા પ્રથમ પંક્તિના હાસ્યનિબંધકાર બકુલ ત્રિપાઠીની કૃતિ ‘મિત્રોનાં ચિત્રો’ની રસપ્રદ ચર્ચા અહીં છે. હાસ્યનિબંધોની સમીક્ષા પણ અત્યંત રસપૂર્ણ છે. નીવડેલાં સર્જકો ઈલા આરબ મહેતાની નવલકથા ‘પાંચ પગલાં પૃથ્વી પર’, મોહન પરમારની નવલકથા ‘સંકટ’ તથા  નવીનભાઈ કા. મોદીના વાર્તાસંગ્રહ ‘દેહાંતર’, કેશુભાઈ દેસાઈની નવલકથા ‘શક્ય’ની સાથે સાગરકથાઓ દ્વારા જાણીતા બનેલા હસમુખ અબોટીની રોમાંચક નવલકથા ‘સાગરનો સાદ’, પહેલી નવલકથા આપનાર તનસુખભાઈ શાહની ‘મૌનનો દરિયો, અમે તો..’ની સમતોલ સમીક્ષા પણ અહીં છે. પંજાબનાં સુપ્રસિદ્ધ લેખિકા અજિત કૌરની આત્મકથા ‘ખાનાબદોશ’નો ચિતાર વાંચીને ભાવક દ્રવી ઊઠે!

જયંત પંડ્યા અને નરોત્તમ પલાણ આપણા વિદ્વાન લેખકો છે. જયંત પંડ્યાનું ‘ગાંધી : મહાપદના યાત્રી’ જાણીતું બનેલું પુસ્તક છે. લેખિકા યોગ્ય રીતે કહે છે કે ગાંધીને મહાત્મા બનાવનાર પરિબળોની ખોજ આ પુસ્તકના કેન્દ્રમાં છે. નરોત્તમ પલાણના ‘વ્યષ્ટિ-સમષ્ટિ’ને ‘એક બહુઆયામી ચરિત્ર-ઇતિહાસ ગ્રંથ’ તરીકે મુલવાયો છે. ભાતીગળ સ્વરૂપોનાં પુસ્તકોનો આસ્વાદ કરાવતા આ પુસ્તકનો અંતિમ લેખ શાંતિભાઈ આચાર્યના પુસ્તક ‘અમે બોલીઓ છીએ’ પર લખાયેલા લેખથી થાય છે. વિવિધ વિસ્તારની બોલીઓની વાર્તા અનુવાદ સાથે અહીં મુકાઈ છે. દક્ષા વ્યાસે આ તમામ વાર્તાઓને ઝીણી નજરે તપાસી છે. અભ્યાસવૃત્તિ, અખૂટ સાહિત્યરસ તથા લેખક અને વાચક વચ્ચે સેતુરૂપ બનવાની જિકર ‘સામીપ્યે’ શીર્ષકની સાર્થકતા નિર્દેશે છે.

{શબ્દલોક પ્રકાશન, અમદાવાદ}