અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/કરસનદાસ લુહાર/ટેકરીને
Revision as of 09:36, 17 July 2021 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|ટેકરીને|કરસનદાસ લુહાર}} <poem> ઊભી થા આળસુની પીર અલી ટેકરી! :: ચા...")
ટેકરીને
કરસનદાસ લુહાર
ઊભી થા આળસુની પીર અલી ટેકરી!
ચાલ, હવે ઝાલકોદા’ રમીએ;
પોરો ખાવાને ભલે બેઠો પવન
ઊઠ, લ્હેરખીની જેમ બેઉ ભમીએ!
ખંખેરી નાખ તારો બેઠાડુ થાક,
નાખ પથ્થરની સાંકળોને તોડી,
ઘાસલ મેદાનોમાં એવું કંઈ દોડ,
અરે એવું કૈં દોડ,
સરે લીલાછમ દરિયામાં હોડી!
ઝરણાંના ઘૂઘરાઓ પગમાં બાંધીને
ચાલ, રણવગડે ભીનું ઘમઘમીએ!
— ઊભી થા.
તું કહે તો વાયુ થઈ ડાળી પર બેસું
ને મર્મરનું જંતર હું છેડું :
ઊભે વરસાદ તારે હોય જો પલળવું તો
આખો આષાઢ તને રેડું,
સૂરજ ફેંકે છે કૂણાં કિરણોનાં તીર
ચાલ, સામી છાતીથી એને ખમીએ!
— ઊભી થા.
(અમર ગીતો, સંપા. ચંદ્રકાન્ત શેઠ, ૨૦૦૦, પૃ. ૨૪-૨૫)