સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/જયંત પાઠક/કવિતા
Jump to navigation
Jump to search
ચોકની વચ્ચે ઊભી કરેલી
શૂળી પર ચઢી
હસતાં હસતાં વીંધાઈ જવાની હિંમત છે?
ધગધગતા અંગારાને
હથેળીમાં લઈને રમાડવાની આવડત છે?
ચણોઠીઓ ફૂંકી ફૂંકીને
તાપણું કરી તાપવાની ધીરજ છે?
ઊભી દીવાલમાંથી
આરપાર નીકળી જવાની હિકમત છે?
કરોળિયાના જાળામાં
આખા બ્રહ્માંડને
તરફડતું જોવાની આંખ છે?
હોય તો તું
કવિતા કરી શકે — કદાચ.
[‘કવિતા’ બે-માસિક : ૧૯૭૫]