મિથ્યાભિમાન/વાઘજી અને કુતુબમિયાં

From Ekatra Foundation
Revision as of 02:46, 29 October 2025 by Meghdhanu (talk | contribs) (+૧)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
વાઘજી અને કુતુબમિયાં

અંક ૫મો
વાઘજી અને કુતુબમિયાં
अंक ५ मो

ફારસ એટલે ઉપનાટક.

પાત્ર – ૧. કુતુબમિયાં. ૨. વાઘજી રજપૂત.

(પડદો ઉઘડ્યો.)

કુતુબખાં—(ખભે બતક લઈને હસવા જેવી ચાલ ચાલતાં કેડે હાથ દઈને આવે છે.)
ગાનારા—”મિયાં આવ્યારે, બડે મિયાં આવ્યારે.” (૪ વાર)
રંગલો—એસા એસા કે હો હા.
(મિયાં એક કોરે રોવા જેવું મોં કરીને ઉભા રહે છે, ત્યાં વાઘજી રજપૂત ગંભીરાઈથી આવે છે.)
ગાનારા—“ઠાકોર આવ્યારે, વાઘો ઠાકોર આવ્યા રે.” (૪ વાર.)
રંગલો૰—થેઈયાં કે થેઈથા.
વાઘજી—(વિચારે છે)અરે આવા જંગલમાં પેલો મિયાં ઊભો ઊભો રૂએ છે, તે કાંઈ મહા સંકટમાં પડેલો જણાય છે. માટે ચાલ જીવ, એને ધીરજ આપીએ. મિયાં કેમ રૂઓ છો?
કુતુબ૰—કોન રોતા હે? હમ તો રોતા નહિ હે.
વાઘ૰—તમારૂં મોઢું રોયા જેવું લાગે છે.
કુતુબ૰—એ તો ખુદાને બંદાકી સુરતાંઈ એસી બનાઈ હે.
રંગલો૰—ધન્ય વિધાતા! કેવી સુરત બનાઈ છે ને?
વાઘ૰—તમે ક્યાંથી આવ્યા?
કુતુબ૰—હમ દિલ્લીસે આયે.
વાઘ૰—તમે પરણ્યા છો કે કુંવારા છો?
કુતુબ૰—અબી ગઈ સાલમેં હમને શાદી કીની હે.
વાઘ૰—તમારે પરણતાં કાંઈ ખરચ થાય કે?
કુતુબ૰—તમારે લોક્મેં જાતભાત જોતા હે, ઓર પેસા લગતા હે, લેકીન હમારેમેં તો, મરદકી અચ્છી શીકલ દેખકે ઓરત આપસેં નીકા કરનેકું મંગતી હે. ઉસ સબબસે કુછ પેસા નહિ લગતા.
વાઘ૰—ત્યારે શું તમારૂં રુપ દેખીને બીબી મોહીને આવી?
કુતુબ૰— હા, એસાઈ.
રંગલો૰—આવા રૂપાળા વરને મોહીને કેમ ન આવે?
વાઘ૰—બીબીની ઉમ્મર કેટલા વરસની છે?
કુતુબ૰—હા, હા, હા, (હસીને) બીબીકી ઉમર, ઓર રૂપ, રંગ સબ હમારી બરાબર હે.
વાઘ૰—બીબીના મોમાં દાંત કેટલા છે?
કુતુબ૰—દાંતતો હમારે મુંમેં નહિ હે, ઓર બીબીકે મુંમેંબી નહિ હે.
રંગલો૰—ત્યારે તો મોહીને આવે, તેમાં શી નવાઈ? ‘ખોદાને બનાયા જોડા,તો એક અંધા, ઓર દુસરા ખોડા.’
વાઘ૰—આવા ઉજડ જંગલમાં એકલાં આવતાં તમને બીક લાગી નહિ?
કુતુબ૰—બંદા એકલા કીધરબી જા સકતા નહિ. લેકિન દિલ્લીમેં દુકાલ હુઆ ઉસ સબબસે હમ અઠારે ભાઈ નોકરકી ઉમેદવારીસેં ઈધર નીકલ આયેં.
રંગલો૰—જેનાં નસીબ ઉઘડ્યાં હોય, તેને આવો સારો નોકર મળે.
વાધ૰—તો તમારા બીજા ભાઈઓ ક્યાં ગયા?
કુતુબ૰—ઈધર ચુંવાલ પરગણામાં કોળી લોગકી ધાડ સાથ ગામસેં દૂર દો ખેતરવા બડા જંગલમેં લઢાઈ હુઈ. તબસેં સબ ભાઈ જીધર તીધર ભાગ ગયે.ઓર હમ એકીલા બડા હીમતદાર સો ઈધર નીકલ આયે.
વાઘ૰—કોળીની ધાડ સાથે શી રીતે લડાઈ થઈ?
કુતુબ૰—હમ અઠારે ભાઈ એકીલે, ઓર સામને દો કોલીકી ઝુકમ આઈ.
રંગલો૰— વાહ! વાહ!!
કુતુબ૰—રામપરા ભંકોડાકા પાદરમેં બડા ઉજડ જંગલમેં આવતીકને હુઈ,સો ક્યા બાત કહું મિયાં? હુઈ સો હુઈએ. એસી લડાઈ તો દિલ્લીકા તખ્ત લેનેકી બખ્ત બી નહિ હુઈ હોઈગી. કોલી ભાઈકી ડાંગાં,ઓર સિપાઈ ભાઈ કી ટાંગા, કોલીભાઈકા ઝરડા ઓર સિપાઈ ભાઈકા બરડા. પીછે કપડાં, હથિઆર સબ કોલીકું દેકેં, કોલીકું હરવાઈ કે નસાઈ દીએ.
રંગલો૰—કોલીને ભલા હરાવ્યા!!
કુતુબ૰—પીછે અઠારે ભાઈ છૂટે પડ ગયે,સો માલુમ નહિ કે કીધર ગયે?
વાઘ૰—તમારાં હથિયાર ક્યાં ગયાં?
કુતુબ૰—હથિઆર ઓર પઘડી હમને કોલી લોકકું દે દીયા. હમ ખાનદાનકે ફરજંદ હે, હમ મખીચુસ નહિ હે,કે કીસીકું નહિ દેવે. “સીર સલામત,તો પઘડી બોતેરી.”
રંગલો૰—આ વખતમાં ભીલપલટ્ટણના કોળી લોકોએજ સિપાઈઓનાં હથિયાર છોડાવ્યાં છે.
વાઘ૰—તમારૂં નામ શું?
કુતુબ૰—તુમારા નામ ક્યા?
વાઘ૰—મારૂં નામ તો વાઘજી.
કુતુબ૰—મેરા નામ કુતુબ—
રંગલો૰—તમારૂં નામ કુત્તા.
કુતુબ૰—નહિ નહિ,અબી મેં કહેતા હું. (અવળું જોઈને વિચારે છે.) અરે ખુદા! ઈસકા નામ વાઘ, ઓર મેરા કુતુબ, ઓ તો બડી શરમકી બાત. એસા નામ કેસે કહું?
વાઘ૰—કેમ મિયાં? તમારૂં પોતાનું નામ તમે ભૂલી ગયા કે શું?
કુતુબ૰—સુનો મેરા નામ મેં અબી કહેતા હું..
વાઘ૰—હાં, કહો.
રંગલો૰—વિચારીને કહેજો હો, મિયાંનું નામ કાંઈ જેવું તેવું નહિ હોય?
કુતુબ૰—મેરા નામ “પાંચ સાત સાપોલિયાં, દસે બારે હાથી, ઓર દસ બીસ બાઘખાં” એસા હમારા નામ હે.
વાઘ૰—વારૂ, ચાલો આપણે સોબતે ચાલ્યા જઈએ.
કુતુબ૰—તુમારે કીધર જાના હે? ઓર ક્યા કામકું જાતે હો?
વાઘ૰—કચ્છના રાવસાહેબની [1]હું નોકરી કરૂં છું, તે એક મહિનાની રજા લઈને ગયો હતો, પણ સિંધના સુમરા લોકો ઉપર રાવસાહેબને ચડાઈ કરવી છે, માટે મારા ઉપર તાકીદનો હુકમ આવ્યો તેથી હું હજુરમાં જાઉં છું.
કુતુબ૰—અચ્છા, તુમેરા રાવસાહેબ અમકું નોકર રખેગા?
રંગલો—ત્યારે તો પછી રાવસાહેબને બીજી ફોજ રાખવાની જરૂરજ પડે નહિ!
વાઘ૰—તમે શું કામ કરશો? દફતરખાનામાં ઝાડુ કાઢવા રહેશો?
કુતુબ૰—હમ પઠાનકી ઓલાદકા હે. એસી હલકી નોકરી કબી કરનેવાલે નહિ. હમ તો શમશેર બજાનેકી નોકરી કરેંગા. હમ જેસે તેસે નહિ હે. એકી બખત હજાર સ્વારૂંકા લશ્કર સામી લડનેકું આવે, લેકીન હમ હઠનેવાલે નહિ.
વાઘ૰—ઠીક છે, ત્યારે તમને નોકરીમાં રાખશે.
કુતુબ૰—(ચાલતાં) અબ તો પાનીકી પ્યાસ બોત લગી હે, મેરા જાન જાતા હે.
રંગલો—પણે પેલો પાડો મુતરે છે તે જઈને પીઓ.
વાઘ૰—હમણાં આગળ જતાં એક વાવ આવશે, તેમાંથી નિર્મળ પાણી પીજો.
કુતુબ૰—અરે ખુદા અબી તો કેતે દૂર વાવ હોયગી. મેં તો પ્યાસસેં મર જાતા હું.
રંગલો—પાણી પાણી કરતાં મરશે તો મિયાં ભૂત થશે.
વાઘ૰—અરે, “પાંચ સાત સાપોલિયાં, દસે બારે હાથી, ઓર દશ વીશ વાઘખાં” સાહેબ, હિંમત રાખો. હવે આ વાવ નજદિક આવી તેમાંથી તમારી બતક ભરી લેજો.
કુતુબ૰—હાં આઈ[2] તો ખરી, તુમેરે પાની પીના હે?
વાઘ૰—મેં તો હમણાંજ પેલા કૂવામાંથી પીધું છે. માટે હું આંહી ઊભો છું, તમે વાવમાં જઈને પી આવો.
કુતુબ૰—અચ્છા, તુમ ખડા રહીઓ. મેં જાતા હું. (મિયાં વાવ તરફ[3] જઈને પાછા આવે છે.)
વાઘ૰—કેમ મિયાં? પાણી પીધું કે નહિ?
કુતુબ૰—(ધ્રુજતો ધ્રુજતો) અબી મેરેકું બોત પ્યાસ લગી નહિ હે. ચલો આગેં કે ગામમેં પાની પીએગા.
રંગલો—રામપરા ભંકોડાના કોળી બોળી વાવમાં છે કે શું?
વાઘ૰—અરે પણ તમે પાછા કેમ આવ્યા? કહો તો ખરા? વાવમાં વાઘ બાઘ બેઠો છે કે શું?
કુતુબ૰—હે તો એસા સહી.
રંગલો—હાય! હાય! મિયાંને વાઘ ખાઈ ગયો હોત તો?
વાઘ૰—વાવમાં શું છે?
કુતુબ૰—વાવમેં જરૂર દસ બીસ વાઘ હે.
વાઘ૰—તમે શાથી જાણ્યું?
કુતુબ૰—હમ વાવપર ચડા તબ વાં દૂર, પાનીકે નજદિક, ઓ સાલા બડા અવાજ કરને લગા.
વાઘ૰—કેવો અવાજ કરવા લાગ્યા?
કુતુબ૰—(ડોકી નમાવી નમાવીને) ડરાં! ડરાં! ડરાં! એસા અવાજ કરતા થા.
રંગલો—(ચાળા પાડે છે.) વાઘ ડરાં! ડરાં! બોલતો હતો.
કુતુબ૰—ઓ તો હમ બડા સમશેર બહાદૂર હે, સો ઉસકું રોકડા જવાબ દેકર આયા. દુસરેકી ક્યા મગદુર, કે જવાબ દે શકે મિયાં!
વાઘ૰—તમે શો જવાબ દીધો?
કુતુબ૰—હમને કીયા કે સાલે ડરાં! ડરાં! ક્યા કરતે હો? હમ ડરને વાલા નહિ; ડરે ઓ તો દુસરા. હમારા બાવા બડી લડાઈમેં મર ગયે હે. જો મેરેકું પાની ભરના હોય, તો વાં તેરી નજદિક આકે પાની ડખોલકે ભર લેઉં. લેકિન જા, તુજે છોડ દેતા હું. એસા જવાબ દેકે હમ પીછા આયા.
વાઘ૰—ચાલો, હું તમારી સાથે આવું; એને તમે પાણી પીઓ.
કુતુબ૰—અપનેકું તો અબી પ્યાસ લગી નહિ હે. હમ વાવમેં પેઠને વાલા નહિ.
રંગલો—પચાશ વરસની ન્હાની બાળાક બીબી રંડાઈ બેસે!
વાઘ૰—લાવો તમારી બતક હું ભરી આવું.
કુતુબ૰—લો, ભર લાઓ. (તે જઈને પાણી લાવે છે.)
વાઘ૰—એ તો દેડકો બોલતો હતો.
કુતુબ૰—મેં તો જાના કે વાઘ હે.
વાઘ૰—પાણી પીને ચાલો હવે બેક ઉતાવળા. (ચાલે છે.)
કુતુબ૰—(ચાલતાં) ઠાકોર, તુમકું ક્યા પગાર મિલતા હે?
વાઘ૰—મને મહિને પચાસ રૂપૈઆ રાવસાહેબ પગાર આપે છે.
કુતુબ૰—જબ તુમકું દુસરી નોકરી પર રખે, ઓર મેરેકું રૂ. ૫૦) કા પાગરકી તુમેરી જગા પર રાવસાહેબ ના રખે? હમબી તુમારે જેસી એક તલવાર રખેગા; ઓર હમકુ ઘોડે પર બેઠનેકુંબી આતા હે.
રંગલો—

उपजाती वृत्त

स्वशक्तिनो संभव ते न जाणे,
अनेक वाते अभिलाख आणे;
मानी जनो थै मगरुर माले,
हरेक कामे नीज हाथ घाले. ५८

કુતુબ૰—હમબી સબ કામમેં વાકેફગાર હે.
રંગલો૰—તમે વાઘજી સાથે કુસ્તી કરીને તેને જીતો, તો તેની જગા તમને મળે.
કુતુબ૰—દેખ્યા તેરા વાઘલા. એક વાઘલા તો ક્યા? લેકીન વાઘલા જેસા દસકે સાથ એકી બખ્ત મેં કુસ્તી કરૂં.
વાઘ૰—(સાંભળીને ચમકે છે.)
રંગલો—

दोहरो

तेजी चमके चाबुके, टूंकारे रजपूत;
वधघट भावे वाणियो, डाक अवाजे भूत. ५९

હવે રજપૂતનો દીકરો બાયલાની પેઠે સાંભળી રહેશે નહિ.
વાઘ૰—આવો ત્યારે, આ મેદાનમાંજ આપણે બે કુસ્તી કરીએ.
કુતુબ૰—આ જાઓ અબ.
રંગલો—

उपजाती वृत्त

डरे दिले दूरथी देडकाथी,
वाणी वदे जे वदुं वाघलाथी;
करे खरेखात विचार खोटा,
मिथ्याभिमानी नर मुर्ख मोटा. ६०

(બંને જણા કુસ્તી કરે છે.)
રંગલો—શાબાશ! શાબાશ! જોઈએ હવે કોણ હેઠલ પડે છે, અને કોણ ઉપર ચડી બેસે છે?
કુતુબ૰—મેં કબી નીચે ગીરનેવાલા નહિ.
રંગલો—વાહ! વાહ! જાણે કે ગાયકવાડના પાડા બાઝ્યા. જો ગાયકવાડ મહારજની સ્વારી આટલામાં આવતી હોય અને દેખે, તો બંનેને રાતપ બાંધી આપે. વડોદરાના ચૌતામાં બે આખલા લડતા હતા, તેને જોઈને ગાયકવાડે ખુશી થઈને રાતબ બાંધી આપી હતી.
કુતુબ૰—દેખ લે. અબી નીચે ડાલકે ઉપર ચડ બેસતા હું. (ત્યાં તો મિયાંને હેઠા નાંખીને રજપૂત ઉપર ચડી બેસે છે.)
રંગલો—મિયાં હવે શું કરવા મહેનત કરો છો? તમે હેઠા પડ્યા, અને ઠાકોર તમારા ઉપર ચડી બેઠા, માટે તમે હારી ચૂક્યા.
કુતુબ૰—(પગ ઊંચો કરીને) અબી દેખને મેરી ટંગડી ઊંચી હે કે નહિ?
રંગલો૰—ખરી વાત; મિયાં નીચે પડ્યા, પણ મિયાંની ટંગડી હજી ઊંચી છે.

उपजाती वृत्त

खत्ता मळे तोपण खेल खेले,
मिथ्याभिमानी ममता न मेले;
काढे कशा उत्तर केरी कूंची,
पड्या मियां तोपण टांग उंची. ६१

(પડદો પડ્યો.)

ગાનારા ગાય છે.


  1. જ્યાં નાટક થતું હોય ત્યાંના રાજાનું નામ લેવું
  2. પડદાની પાછળ વાવ છે એવી કલ્પના કરવી
  3. જો દેડકો બોલાવતાં કોઈને આવડતો હોય તો, પડદા પાછળ રહીને બોલાવવો, તે સાંભળીને મિયાં ભયભીત થાય.

Lua error in package.lua at line 80: module ‘strict’ not found.