અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/ભૂપેશ અધ્વર્યુ/નાથ રે દુવારકાનો
Revision as of 10:39, 20 July 2021 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|નાથ રે દુવારકાનો|ભૂપેશ અધ્વર્યુ}} <poem> દ્વારકાના મ્હેલ મહીં...")
નાથ રે દુવારકાનો
ભૂપેશ અધ્વર્યુ
દ્વારકાના મ્હેલ મહીં જાદવરાય,
દર્પણમાં દેખતાં કાનજી થાય.
રંગમ્હેલટોચ પે બેસીને મોરલો,
નાનું શું મોરપિચ્છ ખેરવી જાય.
હૈયામાં સરવાણી ફૂટી,
ને ઊમટ્યાં જમનાનાં ખળભળતાં પૂર;
કાંઠે કદંબડાળ ઊગી,
ને ગાયોએ ઘેર્યો હાં, બંસીનો સૂર.
ઝરૂખે ઝૂકીને જુએ આભલાંની કોર ભણી,
ક્યાંક, અરે, ક્યાંક પેલું ગોકુળ દેખાય?
મટુકી ફૂટી ને બધે માખણ વેરાય.
દર્પણની બ્હાર જદુરાય,
ને દર્પણમાં, છેલ ને છકેલ પેલો કાનજી.
બ્હારની રુક્મિણી મોહે
ને દર્પણની, અચકાતી દેખી ગોવાળજી.
હોઠની વચાળે હાં, બંસીનું મુખ મૂકી,
રોતી રાધિકાનું મુખડું દેખાય.
રાસ રમે વનરાની કુંજ, ને વચાળે હાં
નાથ રે દુવારકાનો એવો ઘેરાય.
(પ્રથમ સ્નાન, ૧૯૮૬, પૃ. ૫૨)