ગુજરાતી બાળવાર્તા સંપદા/પથરો માર્યાનું ઇનામ

From Ekatra Foundation
Revision as of 14:05, 9 November 2025 by Meghdhanu (talk | contribs) (+૧)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
પથરો માર્યાનું ઇનામ

જયંતી ધોકાઈ

એક હતો રાજા. રાજાનું નામ રણજિતસિંહ. ઇતિહાસમાં તમે પંજાબના વીર રાજા રણજિતસિંહ વિશે તો વાંચ્યું જ હશે. એની આ વાત છે. રાજા રણજિતસિંહ પોતાના ઘોડા ઉપર બેસીને મુસાફરી કરી રહ્યા હતા. સાથે હતા તેમના કેટલાક ચુનંદા સૈનિકો. આગળ રાજા ને પાછળ હથિયારબંધ સૈનિકો... થોડેક આગળ જતાં એક તરફ નાનકડું ગામ આવ્યું. ગામની બહાર વૃક્ષોની હારમાળા હતી. લાઇનબંધ ઘણાંબધાં વૃક્ષો હતાં. જેવો એ રાજાનો ઘોડો એક વૃક્ષ પાસેથી પસાર થતો હતો કે...ધબ્ કરતોક એક પથ્થર આવ્યો ને સીધો જ રાજાના કપાળે વાગ્યો ! રાજાના કપાળમાંથી તો લોહીના ધાર વહી ચાલી...! એક બે સૈનિકો રાજાની સારવારમાં રોકાયા, પાટાપિંડી કરવા લાગ્યા ને બીજા દોડ્યા પથ્થર મારનારને શોધવા... પણ કોઈ ગુનેગાર હોય તો જડે ને ? ચકલુંય ના ફરકે ત્યાં સૈનિકો કોને પકડે ? સાવ સૂનકાર ! ડરાવતી શાંતિ !! એમ કરતાં કરતાં એક ઝાડની ઓથેથી કોઈ નાનકડા બાળકનો ધીમું ધીમું રડવાનો અવાજ સંભળાયો...એં..એં...એ..! કાન સરવા કરી સૌ સૈનિકો ખુલ્લી તલવારે એ તરફ દોડ્યા... જોયું તો એક ડોસીમા બેઠાં બેઠાં એક નાનકડા બાળકને રમાડે છે, ફોસલાવે છે, ને ઝાડનાં ઝીણાંમોટાં પાંદડાં ખવડાવે છે !! ‘ખબરદાર !....તુમ કોન હો ડોસલી !!’ સૈનિકોએ ત્રાડ નાખી. બિચારી ડોસી તો સાવ હેબતાઈ જ ગઈ ! ને પેલું બાળક તો રડતું રડતું સાવ ચૂપ ! ડોસી તો રડતી ને ધ્રૂજતી ઊભી થઈ ગઈ ને પૂછ્યું : ‘શું છે ભઈ ! કોનું કામ છે તમારે ?’ ‘હવે કોનું કામ વાળી ! ઝાઝું ડહાપણ રહેવા દે, ને કહી દે કે હમણાં પથરાનો ઘા તેં જ કર્યો ને?’ સૈનિકોમાંથી એકે તોછડાઈથી ડોસીને ધમકાવતાં કહ્યું. ‘હા...આ...આ...તી...?!’ બિચારી ડોસીએ તો સાવ સાચું કહી દીધું. સિપાઈઓ ડોસીને બાંધીને લઈ ચાલ્યા રાજા પાસે... રાજા રણજિતસિંહ પણ આ વૃદ્ધ ગુનેગારને જોઈને નવાઈ પામ્યો ! તેને થયું આ ઘરડી ડોસીએ શા માટે આવો ભયંકર અપરાધ કર્યો હશે ? તેણે તો ડોસીને પૂછ્યું : ‘તને ખબર છે ખરી કે હું કોણ છું ?’ ડોસીએ આંખો ઝીણી ને પહોળી કરીને જોઈ લીધું કે આ તો પોતાના જ પ્રદેશના રાજા રણજિતસિંહ છે ! બિચારી રડવા જેવી થઈને કહેવા લાગી : અન્નદાતા ! માફ કરો, મેં જે પથરાનો ઘા માર્યો એ આપને નહિ પણ પેલા ઊંચા ઝાડને માર્યો હતો. એ ઝાડને આમ પથરા મારી મારીને જે બે પાંચ પાંદડાં નીચે ખરે છે એ ખવડાવીને હું મારા આ નાનકડા બાળકનું પેટ ભરું છું, અન્નદાતા ! આ બાળક ક્યારનુંય ભૂખના દુઃખથી રડે છે. આ પાંદડાં સિવાય એને ખવડાવવા મારી પાસે બીજું કંઈ નથી અન્નદાતા !’ કહીને ડોસીની આંખમાંથી દડ દડ આંસુ પડવા લાગ્યાં. રાજા રણજિતસિંહનું કોમળ દિલ આ વીતક સાંભળી પીગળી ગયું. પોતાની પ્રજાની આટલી હદ સુધીની કંગાળ દશા તેણે કલ્પી નહોતી. તેણે તરત એક હજાર રૂપિયા ડોસીને આપ્યા, ને તેના ઘર સુધી મૂકી આવવા સૈનિકોને હુકમ કર્યો. હરખનાં અને દુ:ખનાં આંસુડાં લૂછતી લૂછતી ડોસી પોતાને ઘેર પહોંચી ગઈ... સૈનિકોની નવાઈનો પાર નહોતો ! આવા ભયંકર અપરાધીને કડક શિક્ષા કરવાને બદલે આવડી મોટી બક્ષિસ !! સૈનિકોની આ મૂંઝવણ તથા આશ્ચર્ય રાજા કળી ગયો, તેથી તેઓને સમજ આપતાં રાજાએ માત્ર એટલું જ કહ્યું: ‘આ બુદ્ધિહીન જડ ઝાડ પણ જો પથરા લાગવાથી ખાવાનું આપે છે તો પછી... હું તો રહ્યો રાજા, પ્રજાનો રક્ષણહાર ને પાલક રાજા ! મારાથી એ ઝાડથી પણ ઊતરતી કક્ષામાં કેમ થવાય ? ઝાડને પથરો મારવાથી જો તે ફળ ને પાંદડાં આપી શકે તો...મારે પણ કંઈક વિશેષ આપવું જોઈએ ને !’ સૈનિકો રાજાનો આ પ્રજાપ્રેમ જોઈ તેમને વંદન કરી રહ્યા.