આધુનિક સાહિત્યસંજ્ઞા કોશ/સંજ્ઞાકોશ/U
U
Ultraism અતિવાદ
માનવતાવાદના વિરોધમાં વીસમી સદીમાં અસ્તિત્વમાં આવેલી આ વિચારધારા ઉગ્રતાવાદી (Radical) સાહિત્યિક સંસ્થાઓના વલણનું સૂચન કરે છે. આ વિચારધારા મનુષ્યને કુદરત, ધર્મ વગેરેથી અલગ ગણીને ન મૂલવતાં સૃષ્ટિનાં બધાં જ તત્ત્વો સાથે સમાન ધોરણે મૂલવે છે. વૈયક્તિકને સ્થાને સાર્વત્રિક ધોરણોનો આ વાદમાં પુરસ્કાર થયેલો છે. પરાવાસ્તવવાદ, દાદાવાદ વગેરેમાં આ વિચારધારા પ્રતિબિંબિત થયેલી જોવા મળે છે.
Under-Generation અલ્પ-સંસર્જકતા
‘સંસર્જનાત્મક વ્યાકરણ’માંથી કાવ્યવિજ્ઞાનમાં આવેલી સંજ્ઞા, જો વ્યાકરણ દ્વારા ભાષાનાં કેટલાંક વાક્યો અવતરી ન શકે તો ભાષાની કેટલીક વાક્યગત સંરચનાઓ વ્યાકરણ દ્વારા નિરૂપિત થઈ નથી અને વ્યાકરણ નિયમો અપૂર્ણ છે એમ એને અર્થ થાય. સેમ્યુઅલ લેવિન આને વ્યાકરણની અલ્પસંસર્જકતા કહે છે. આથી વિરુદ્ધ, જે કેટલીક અવ્યાકરણિક શબ્દશ્રેણીએ વ્યાકરણ દ્વારા અવતરી શકે છે તો એનો અર્થ એમ થાય કે કેટલીક અવ્યાકરણિક સંરચનાઓ ભાષાની વ્યાકરણિક સંરચનાઓનાં મ્હોરાં ધારણ કરીને આવે છે. લેવિન આને વ્યાકરણની અતિસંસર્જતા (Over-generation) કહે છે.
Understatement અલ્પોક્તિ
અભિવ્યક્તિની આ એક તરેહ છે, જેના દ્વારા વસ્તુ, વિચાર કે વ્યક્તિને તેના વાસ્તવિક સ્થાનથી ઊતરતા સ્થાનનાં કે ઓછાં મહત્ત્વનાં દર્શાવવામાં આવ્યાં હોય. ‘ઠીક’, ‘સાધારણ’, ‘કદાચ’ વગેરે શબ્દોનો આ પ્રકારની અભિવ્યક્તિ માટે વિનિયોગ કરવામાં આવે છે. વાગ્મિતાકલામાં આ પ્રવિધિનો Litotes તથા Meiosis તરીકે ઉલ્લેખ મળે છે.
Unity એકતા
કલા અને સાહિત્ય પરત્વેનો આ પાયાનો સૌંદર્યલક્ષી માપદંડ છે. આ વિભાવનાની સૌ પ્રથમ રજૂઆત પ્લેટો દ્વારા થઈ. સાહિત્યકૃતિનાં બધાં ઘટક-તત્ત્વો તેમની ચોક્કસ આંતરિક વ્યવસ્થા દ્વારા કૃતિને જૈવિક સાવયવતા (Organic wholeness) પ્રદાન કરે છે, એવા સિદ્ધાન્તનું આ સંજ્ઞા પ્રતિપાદન કરે છે.
પ્લેટોના મત મુજબ કલામાં એકતા એ વિરોધી તત્ત્વોના સમન્વયના પરિણામરૂપ હોય છે. આ સંદર્ભમાં પ્લેટોએ સજીવ પદાર્થની જૈવિક એકતા અને વાક્યબંધની એકતાની સમાંતરે ચર્ચા કરી છે. તે મુજબ કૃતિમાં એકતા સિદ્ધ કરવા માટે સર્જકે કૃતિના ઘટકતત્ત્વોનો સભાનતાપૂર્વક સમન્વય કરવો અનિવાર્ય બને છે.
જુઓ : Unities, three.
Universality સાર્વત્રિકતા
કેાઈ કૃતિની ગુણવત્તા ચોક્કસ સમય, સ્થળ, પરિસ્થિતિ, ઘટના અને વ્યક્તિને એ રીતે અતિક્રમી જાય છે કે એ કૃતિ કોઈ પણ કાળે કોઈ પણ સ્થળે સર્વને માટે આનંદ આપનારી નીવડે છે. કૃતિને સાર્વત્રિક પ્રભાવ અર્પનાર આ ગુણધર્મ છે. આથી સાર્વત્રિકતાને લક્ષ્ય કરતો સર્જક મુખ્યત્વે શાશ્વત માનવપ્રકૃતિ અને વર્તનમાં રસ ધરાવતો હેાય છે.
Utilitarianism ઉપયોગિતાવાદ
અઢારમી સદીમાં અસ્તિત્વમાં આવેલી આ વિચારધારા બધાં જ માનવકાર્યોને સમગ્ર માનવસમાજની ઉપયોગિતા(Utility)ના સંદર્ભમાં મૂલવે છે. આ વિચારધારાના પ્રચારક જેરેમિ બૅન્થમ દ્વારા ઉપયોગિતાવાદ અને સુખવાદનો સમન્વય સાધવાનો પ્રયાસ થયેલો. પરંતુ આ વિચારધારાના લેખકોએ (જેવા કે જોન સ્ટૂઅર્ટ મિલ) સુખવાદને ઉપયોગિતાવાદથી ગુણવત્તાના ધોરણે અલગ તારવ્યો.
જુઓ : Humanism.
Utopia કલ્પલોક
કાલ્પનિક રાજ્ય વિશેના ટૉમસ મૂરના ‘યુટોપિયા’ નામના પુસ્તક પરથી આ સંજ્ઞા અસ્તિત્વમાં આવી. આદર્શ જીવન વ્યવસ્થાવાળા રાજ્યની મનુષ્યની કલ્પનાનો અહીં નિર્દેશ છે, જેનો સૌ પ્રથમ વિચાર પ્લેટોએ ‘રિપબ્લિક’માં કરેલો.
ટૉમસ મૂરની નવલકથાના પ્રકાશન બાદ આ પ્રકારના આદર્શ રાજ્યનું નિરૂપણ કરતી નવલકથાઓ લખવાની પ્રણાલી સ્થિર થઈ. સામાન્ય રીતે આ પ્રકારની નવલકથાઓમાં સુદૂરના પ્રદેશમાં આવી પહોંચતા સાહસિક પ્રવાસીને તે પ્રદેશમાં થતા કલ્પલોકના દર્શનનું નિરૂપણ હોય છે. વીસમી સદીમાં પણ કલ્પલોક-નવલકથાઓ લખાતી રહી છે. જેમ્ઝ હીલ્ટન કૃત ‘લૉસ્ટ હોરિઝન’ (૧૯૩૪) તેનું પ્રસિદ્ધ ઉદાહરણ છે.