અનુભાવન/લાભશંકરની કવિતાનું રચનાશિલ્પ

From Ekatra Foundation
Revision as of 16:14, 26 November 2025 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
લાભશંકરની કવિતાનું રચનાશિલ્પ

(ચાર કૃતિઓનું વિશ્લેષણ)

આપણી સ્વાતંત્ર્યોત્તર કવિતામાં લાભશંકરનો કવિસ્વર ઠીક ઠીક નિરાળો તરી આવે છે. તેમની આરંભની કવિતામાં કેટલાંક રંગદર્શી વલણો ઉત્કટપણે પ્રગટ થયાં હતાં. ‘વહી જતી પાછળ રમ્ય ઘોષા’માં પ્રકૃતિની તેમ માનવજીવનની કેટલીક રંગીન અને મોહક રેખાઓ અંકિત થઈ હતી. પણ આ કવિ બહુ જ ટૂંકા સમયમાં અસ્તિત્વની વિષમતા પ્રતિ સભાન બની જતા દેખાય છે. ‘વહી જતી’ની કેટલીક પાછળની કૃતિઓમાં જ એનો અણસાર મળવા માંડે છે. ‘સૂર્યને શિક્ષા કરો’ જેવી કૃતિમાં આ દિશાનો સ્પષ્ટ સંકેત મળી રહે છે. પછીથી કવિ નિર્ભ્રાન્ત દશા તરફ ધકેલાતા રહ્યા છે. ‘મારે નામને દરવાજે’ની લગભગ બધી જ રચનાઓમાં કોઈ ને કોઈ રૂપે અસ્તિત્વની વિષમતા વંધ્યતા કે નિસ્સારતાનો ભાવ તેઓ પ્રગટ કરે છે, કે નિર્ભ્રાન્ત દશાનો અણસાર બતાવે છે. આ તબક્કે કવિતાની-કવિના શબ્દની-શોધ અસ્તિત્વની ખોજની દિશામાં વળી જતી (અને ભળી જતી) દેખાશે. લાભશંકરની કવિતાની આ રીતે બદલાતી ગતિવિધિનું, તેમનાં નવાં ભાવસંવેદનો, તેને પ્રગટ કરનારી નવી કલ્પનશ્રેણિઓ, અને નવા રચનાબંધમાં સ્પષ્ટ પ્રતિબિંબ પડ્યું છે. અલબત્ત, આપણા કાવ્યરસિકોમાં એવા અનેક રસિકો મળી આવશે, જેમને લાભશંકરની આરંભકાળની લલિત કોમળ અંશોવાળી રચનાઓ વધુ પસંદ હોય; જ્યારે બીજા એવા રસિકો હશે જેમને પાછળના તબક્કાની, વિશેષ કરીને, ‘મારે નામને...’ની કૃતિઓ માટે પક્ષપાત હોય. આ પૈકી, કોઈ પણ સામે, આપણે વાંધો ન હોય પણ એટલું જરૂર નોંધીશું કે ‘મારે નામને...’ની કવિતાને આપણી આધુનિકતાવાદી કવિતાની ચેતના સાથે વધુ ગાઢ સંબંધ રહ્યો છે. લાભશંકરનો કવિસ્વર એમાં વધુ પ્રબળ અને પ્રખર બન્યો છે; કેટલીક વાર કદાચ વધુ પડતો મુખર પણ. પોતાની કાવ્યપ્રવૃત્તિના આરંભથી જ લાભશંકર કવિકર્મ વિશે જાગૃત રહ્યા જણાય છે. કાવ્યસંવેદનની ક્ષણને બને તેટલી સુરેખ અને સુગ્રથિત રૂપમાં પ્રસ્તુત કરવાનો તેમનો જાગૃત પ્રયત્ન દેખાય છે. કલ્પનો અને પ્રતીકોનો સુભગ વિનિયોગ તેમણે આરંભથી જ કર્યો છે. હૃદયના કોઈ એક સ્થાયીભાવનું વર્ણન કરવા કરતાંયે બહાર કે અંદરની સૂક્ષ્મ ઘટના આલેખવાનું તેમને વધુ ગમ્યું જણાય છે. ‘વહી જતી...’ની મોટા ભાગની રચનાઓના કેન્દ્રમાં કોઈ ને કોઈ ‘બનાવ’નું તત્ત્વ રહ્યું છે. ‘ચાંદરણું’, ‘અશુંકશું’, ‘ભીના ભીના...’, ‘સ્મૃતિ’, ‘વિમોચન’, ‘બારી બહાર જોતો વૃદ્ધ’, ‘ફેરિયો’, ‘અશબ્દ બપોરે’, ‘સૂર્યને શિક્ષા કરો’ – જેવી કોઈ પણ કૃતિ લોઃ એના હાર્દમાં કશીક રહસ્યભરી પરિસ્થિતિ પડી હશે, એમાં કશુંક સૂક્ષ્મ રીતે બની જતું હશે. પરિચિત પરિવેશ વચ્ચે પાત્રોના ચિત્તમાં એકાએક જન્મતી સ્મૃતિ ઝંખના કે સ્વપ્નિલતા, અંદરના જગતમાં જન્મતી કોઈ ચમત્કૃતિભરી ઘટના, કે રોમાંચક ક્ષણમાં સંભવતી ચૈતન્યની વિવર્ત લીલારૂપ ઘટના, કે ચેતનાના જ બે ભિન્ન અંશો વચ્ચેના વ્યવહારની ઘટના – આવી કોઈક સૂક્ષ્મ ઘટનામાંથી જાણે કે તેઓ કાવ્યક્ષણ મેળવી લે છે. આ પ્રકારનો કાવ્યાત્મક ઉપક્રમ બીજા કવિઓમાં ય મળશે. પણ લાભશંકરમાં એ કંઈક વિશેષ ધ્યાન ખેંચી રહે છે. નીચે ચાર કૃતિઓનું વિશ્લેષણ રજૂ કરીએ છીએ. તેમાંથી આ મુદ્દો સ્પષ્ટ થઈ આવે તો સારું.

[૧]

વિમોચન

પગથિયા પર સાંજનો તડકો પડેલો
શબ સમો નિશ્ચેતઃ બેઠો કાગડો
મૂંગો મૂંગો ત્યાં વાડ પરના થાંભલે
ને શિરીષનું વૃક્ષ ઊભું ચૂપ.
પેલો સ્થિર કાચિંડો,
સાંજની ગમગીન વેળાના ભયાનક ભારમાં
અસ્તિત્વ આ કચડાય તે પહેલાં
ક્યહીંથી
લ્હેર નાજુક રેશમી સૂરો લઈ
સ્પર્શી મને બસ સ્હેજ
ને ઊંચકી ગઈ
કલકલ નદીને તીર, વેકુર સ્નિગ્ધ ભીની,
વાયરો, પગલાં શિશુનાં, છીપલાં,
હોડી અને ઘેરો છલકતો કંઠ માછીમારનો,
હાથમાં લઈ જ્યેષ્ટિકા
ધીમે પગે ભીની નદીની રેતમાં
હું ચાલતો... ને વાયરે
ફરફર ફરકતાં વસ્ત્ર મારાં...
(‘વહી જતી..’ પૃ. ૨૮)

કલ્પનશ્રેણિઓના સંવિધાનની રીતિ અહીં અવલોકનપાત્ર છે. કવિચિત્તમાં જાગતા કોઈ અમૂર્ત વિચાર કે ભાવનું નહિ, અંતરની કોઈ એક સ્વચ્છ સુરેખ ઊર્મિનું પણ નહિ, ચેતનાની સ્થિતિગતિનું આ પ્રતીકાત્મક આલેખન છે. ત્રીશીની કાવ્યરીતિથી આ ભિન્ન રીતિ છે, આખો ઉપક્રમ અહીં જુદો છે. પરંપરાગત કવિ ઘણી વાર પોતાને ઇષ્ટ એવો વિચાર ભાવના કે ઊર્મિનું આલેખન કરવા પ્રવૃત્ત થાય છે, ત્યારે એ વિચાર ભાવના કે ઊર્મિતત્ત્વ જ તેની કૃતિનું પ્રેરક અને સંવિધાયક બળ બની રહે છે. એમાં જો કોઈ પ્રસંગ રજૂ થાય, એના કથન વર્ણનની વિગતો રજૂ થાય, કે અલંકારોનો આશ્રય લેવામાં આવે, તો તે પેલા મૂળના વિચાર આદિ તત્ત્વના દૃષ્ટાંતીકરણ અર્થે જ તે આવે છે. તાત્પર્ય કે મૂળ ‘વસ્તુ’ની નિકટતમ રહીને કવિ તેને પ્રસ્તુત કરવા ચાહે છે. આ રીતની રજૂઆતમાં કથનવર્ણનના સ્તરેથી, તાર્કિક અંકોડાય મળી આવે. એ રીતે એમાં દુર્બોધતાના એવા કોઈ ખાસ કૂટ પ્રશ્નો ઊભા થતા નહોતા. પણ ચાળીસ પછી, વિશેષતઃ પચાસ પછી, કવિતાના રચનાસંવિધાનમાં સંકુલતા આવતી ગઈ. તરુણ પેઢીના કવિઓ કલ્પનો પ્રતીકો અને પુરાણકથાઓ જેવાં ઉપકરણોનો વધુ ને વધુ સભાનપણે વિનિયોગ કરતા થયા છે. એક અર્થમાં તેઓ સ્પષ્ટ ‘કાવ્યવિષય’ કે ‘કાવ્યવસ્તુ’ ધરાવતા નથી. અથવા, એમ કહો કે કાવ્યસંવેદનની ધૂંધળી અસ્પષ્ટ સામગ્રીનો આરંભબિંદુ તરીકે સ્વીકાર કરીને તેઓ ચાલે છે, અને તો પણ તેમનો પ્રયત્ન તો મૂળ વસ્તુથી ‘દૂરતા’ કેળવીને તેનું આલેખન કરવાનો રહ્યો છે. પ્રતીકાત્મક રૂપ નિર્માણ માટેનો તેમનો એ ઉદ્યમ રહ્યો છે. એમાં આરંભના ભાવપુદ્‌ગલનું અમુક રીતે અમૂર્તીકરણ થાય છે, તો અન્યથા તેનું ઘનીભવન થાય છે. માનવ હૃદયને પરિચિત લાગણીનું એક વધુ અમૂર્ત અને છતાં એ સ્તરેથી ય આગવી ઘનતાવાળું રૂપ એમાં પ્રાપ્ત થાય છે. તરુણ પેઢીના બીજા અનેક કવિઓની જેમ લાભશંકરનો ઉપક્રમ પણ આ દિશાનો રહ્યો છે. ‘વિમોચન’માં ચેતનાની એક વિરલ ક્ષણ રજૂ થઈ છે – જીવનસંધ્યાની આ એક એવી ક્ષણ છે, જ્યારે અંદરનું જગત થીજી જાય છે, કશીક જડતાની દશાનો બોધ થાય છે, અને ...ત્યાં એકાએક જ કોઈક અદીઠ દિશામાંથી ચેતનની લહર વહી આવે છે, જડવત્‌ જગતમાં નવસંચાર થાય છે, મુક્તિની, પ્રસન્નતાની લાગણી અંદરબહાર વ્યાપી વળે છે. આ કૃતિનું સંવિધાન, અલબત્ત, સરળ અને સુગ્રાહ્ય છે. ચેતનની સ્થિતિગતિના બે તબક્કાઓ અહીં તરત પ્રત્યક્ષ થઈ જાય છે. કૃતિની આરંભની પંક્તિઓ ચેતનાની નિશ્ચેતન દશાનો સંકેત કરે છે. ‘પગથિયા પર સાંજનો તડકો પડેલો/શબ સમો નિશ્ચેત’ – આરંભનું અલંકારગર્ભ એવું કલ્પન ઘણું વ્યંજનાસભર છે. ‘સાંજનો તડકો’ શબ્દો એની આસપાસના સંદર્ભના બળે અસ્ત થતા જીવનનું સૂચન કરી રહે છે. ‘શબ સમો નિશ્ચેત’ એ શબ્દોથી થીજી જતી ચેતનાનો ખ્યાલ પ્રાપ્ત થાય છે. ‘નિશ્ચેત તડકા’માં મૃત્યુની ફિક્કી સફેદી પ્રત્યક્ષ કરી શકાય. ‘પગથિયા’ પર એની હસ્તી પણ સૂચક છે. કદાચ અંદરના ખંડમાં વસવાનું ગમતું નથી એ કારણ હોય. ‘મૂંગા કાગડા’નું બીજું કલ્પન આ ભાવપરિસ્થિતિને વિશેષ ઉઠાવ આપે છે. બીજી પંક્તિમાં ‘શબ સમો નિશ્ચેતઃ બેઠો કાગડો’ એ રીતનું Juxtaposition પણ અર્થસૂચક બની શકે છે. કાગડાનું મૂંગાપણું વાતાવરણને ગમગીન અને ભારેખમ બનાવી મૂકે છે. ‘શિરીષ વૃક્ષ’ પણ આ ક્ષણે ચુપકીદી સેવી રહ્યું છે. પોતાની સૌરભ વહેવડાવવાનું તેણે બંધ કર્યું હશે? સતત રંગ બદલતો ‘કાચિંડો’ પણ સ્થિર બેઠો છે! બધાં જ તત્ત્વો જાણે કે જડ નિષ્ક્રિય બની ગયાં છે. અથવા, થીજી ગયેલી ચેતના માટે બહારનું આ વિશ્વ જડવત્‌ બન્યું છે! આ આખીય પરિસ્થિતિ થીજેલી ચેતના પર – તેના અસ્તિત્વના થરેથર પર – ઓથાર બનીને તોળાઈ રહી છે. ત્યાં અગમ્ય ખૂણામાંથી અચાનક ચેતનનો સંચાર થઈ ઊઠે છે, અને તે સાથે ઊઘડી જાય છે અંતરના ઊંડાણમાં પડેલી સ્મૃતિઓનું વિશ્વ અને તેમાં ભળે છે ઝંખનાઓનું વિશ્વ – ‘કલકલ નદીને તીર’ ‘વેકુર સ્નિગ્ધ ભીની’ ‘વાયરો, પગલાં શિશુનાં, છીપલાં’ એમ ચિત્રો ત્વરિતપણે પ્રત્યક્ષ થઈ ઊઠે છે. ચૈતન્યના નવસ્ફુરણની ચંચલતા અને સ્ફૂર્તિ અહીં સરસ રીતે વ્યક્ત થઈ ગયાં છે. ‘હોડી અને ઘેરો છલકતો કંઠ માછીમારનો’-એ કલ્પન ઘણું જ સમૃદ્ધ છે. જીવનનદી મસ્તીથી પાર થઈ રહી છે, થશે, એવી કશીક આશાનો શ્રદ્ધાનો, ઝંખનાનો પ્રક્ષેપ અહીં જોઈ શકાશે. અંતનું કલ્પન પણ અનોખી ચમત્કૃતિ લઈ આવ્યું છે. ‘ધીમે પગે ભીની નદીની રેતમાં/હું ચાલતો... ને વાયરે/ફરફર ફરકતાં વસ્ત્ર મારાં’ – એમાં અનોખી પ્રસન્નતા સૂચવાઈ જાય છે. માર્ગ રેતીનો છે, પણ અહીં ભીની રેતી છે. એમાં દાઝવાનો પ્રશ્ન નથી, કૃતિના અંત ભાગમાં આ કલ્પન સુધી ‘હું’ રૂપ વ્યક્તિનો નિર્દેશ નહોતો. આ કલ્પનમાં પ્રસન્નતાનો અનુભવ ‘હું’ને થાય છે! તો, થીજી ગયેલી ચેતનામાં એટલી અસ્મિતા જાગી, એમ કવિને અભિપ્રેત હશે? અહીં પરંપરિત હરિગીતનો લય, ભાવસ્થિતિ અને ગતિને અનુકૂળ બનતો દેખાય છે.

[૨]

તડકો

પરોઢનાં ઝાકળમાં તડકો
પીગળે
પીગળે પીગળે પડછાયાના પ્હાડ
ને આંસુમાં
ડૂબતી તરતી
તરતી ડૂબતી
અથડાતી ઘુમરાતી આવે,
થોર તણી કાંટાળી લીલી વાડ,
વાડ પરે એક બટેર બેઠું બટેર બેઠું બટેર બેઠું
ફફડે ફફડે ફફડે એની પાંખ
દાદાની આંખોમાં વળતી ઝાંખ,
ઝાંખા ઝાંખા પરોઢમાંથી પરોઢમાંથી
આછા આછા
અહો મને સંભળાતા પાછા અહો મને સંભળાતા પાછા
ઠક્‌ ઠક્‌ ઠક્‌ ઠક્‌ અવાજમાં
હું ફૂલ બનીને ખૂલું
ખૂલું
ઝાડ બનીને ઝૂલું
ઝૂલું
દરિયો થૈને ડૂબું
ડૂબું
પ્હાડ બનીને કૂદું
કૂદું
આભ બનીને તૂટું
તૂટું તડકો થઈને
સવારના શબનમસાગરને તળિયે જઈને અડકું
મારી કર કર કોરી ધાર પીગળતી જાય,
પીગળે પીગળે પડછાયાના પ્હાડ!
(‘વહી જતી...’, પૃ. ૭૪–૭૫)

કવિતા એ ‘કાનની કળા’ છે (–બહારના કાનની ખરી પણ તેથી યે વધુ તો અંદરના કાનની) એ વસ્તુનું રહસ્ય ‘તડકો’ જેવી કૃતિમાં ઘણી ઉત્કટતાથી પમાય છે. લાભશંકરના કવિકર્મનો વિશેષ અહીં વિવિધ રૂપનાં કલ્પનોના લયસંવાદી સંયોજનમાં રહ્યો છે. કટાવની ગતિશીલતા અહીં સમર્થ રીતે ખપમાં લેવાઈ છે. આ પ્રકારની રચનાઓમાં કાવ્યવિષયને તારવવાની પ્રવૃત્તિ વંધ્ય જ બની રહેવાની. છતાંય જોખમનો સામનો કરીને કહી શકાય કે ચૈતન્યના વિગલનની ક્ષણે ઊઘડતા શિશુવિશ્વની આ રચના છે. કૃતિમાં સંયોજિત થતાં બધાં જ કલ્પનો ગતિશીલતાનો અનુભવ કરાવે છે. ક્રિયાઓનું સૂચન કરતાં વિભિન્ન પદોનો વિન્યાસ અહીં ખાસ ધ્યાનપાત્ર છે. એ જ રીતે કેટલાક શબ્દો કે શબ્દસમૂહોનાં લયને અનુરૂપ આવર્તનો પણ એટલાં જ ધ્યાનપાત્ર છે. ચેતનાના વિગલનની ક્ષણે સાક્ષીભૂત સંપ્રજ્ઞતા જે રીતે પોતાને રૂપાંતર પામતી નિહાળે છે, તેની આ કવિતા છે. કૃતિનું પ્રથમ કલ્પન છે : ‘પરોઢનાં ઝાકળમાં તડકો/પીગળે.’ લાભશંકર પાસેથી પ્રાપ્ત થયેલું આ એક અતિ રમણીય કલ્પન છે. આખી કૃતિનો એ આદિસ્રોત પણ છે. પહેલી પંક્તિ ત્રણ પદોની છે : એથી એક રમણીય દૃશ્યરૂપ પ્રગટ થાય છે. પણ બીજી પંક્તિ ક્રિયા સૂચવતા શબ્દ ‘પીગળે’ની બની છે. એ શબ્દ એકાકી ઊભો છે. પ્રથમ પંક્તિમાં દૃશ્યરૂપ પૂરું પ્રત્યક્ષ થઈ રહે, તે પછી જ ‘પીગળવાની’ ક્રિયા કવિને સૂચવવી હશે. પ્રથમ પંક્તિના દૃશ્યરૂપની ક્ષણ-ક્ષણાર્ધની સ્થિતિ રજૂ થાય તે પછી ચૈતન્યવિગલનની ગતિ કવિને રજૂ કરવી હશે, એમ લાગે છે. ‘પીગળે’ ક્રિયાવાચક શબ્દની શ્રુતિ સાથે કશીક દૃશ્યાત્મકતાનો સંસ્કાર જડાયેલો છે. ખરેખર તો આ એક અનોખું સંકુલ કલ્પન છે. ‘પરોઢનાં ઝાકળમાં તડકા’ની ઉપસ્થિતિ અહીં ચમત્કૃતિ રચે છે. સામાન્ય રીતે તડકો ઝાકળબિંદુનું શોષણ કરે છે. પણ અહીં ‘તડકો’ પોતે જ ઝાકળબિંદુમાં રહ્યો છે! નિર્મલ ચંચલ અને તરલ ઝાકળબિંદુની હસ્તી કેવી તો ક્ષણભંગુર નીવડતી હોય છે! પણ એ બિંદુમાં યે ‘તડકો’ વસ્યો! ‘તડકા’થી સૂર્યપ્રકાશનું – જીવનના આદિસ્રોતરૂપ તેજપુંજનું, અગ્નિ સ્ફુલ્લિંગનું – સૂચન થાય છે. ‘તડકો’, આમ જુઓ તો, અમૂર્ત અને અગ્રાહ્ય સ્વરૂપનું તત્ત્વ છે. પણ ઝાકળબિંદુમાં તેને રંગીન ઝાંય મળે છે, અને મૂર્તરૂપતા પણ. અને તેથી જ આ ‘તડકા’નું ‘પીગળવું’ જાણે કે રહસ્યભરી ઘટના બની રહે છે! આ ક્રિયાબોધ સાથે ‘તડકા’નું રૂપ વધુ મૂર્ત બની રહે છે. ‘પીગળે’ ક્રિયાપદ ત્રીજી પંક્તિના આરંભે બે વાર પુનરાવર્તન પામે છે. તે સાથે પ્રથમ કલ્પનનો ભાવપ્રવાહ જોડાઈ જાય છે. ‘પીગળવાની’ ક્રિયા હવે ‘પડછાયાના પ્હાડ’ સાથે સંકળાઈ રહે છે. પૃથ્વીપટ પરના કોઈ ભૌતિક પહાડના પીગળવાની વાત હોત તો એમાં ય કશીક રમણીયતા જરૂર પ્રતીત થાત. પણ આતો ‘પડછાયાના પ્હાડ’ છે! મૅટાફરને આશ્રયે આ કલ્પન ઊભું છે. ‘પડછાયા’ જે સામગ્રીરહિત આકાર છે, આભાસ માત્ર છે, અવાસ્તવિકતા છે, તો એની સામે ‘પ્હાડ’ એ એટલી જ અચલ નક્કર અને દુર્ભેદ્ય સત્તા પ્રતીત થાય છે. પણ, આ કલ્પનમાં આ બે તત્ત્વોના રસાયણમાંથી ચમત્કૃતિભર્યો એક નવો જ અર્થ પમાય છે. ‘પડછાયા’ના ખાલી આકારો પણ અહીં પર્વતની બોજિલતા ધારણ કરે છે! અથવા, એમ કહો કે આ કૂટ દુર્ભેદ્ય પર્વતો પણ અન્ય કોઈ સત્તાની તુલનામાં પડછાયા-શા આભાસમાત્ર લાગે છે! પ્રથમ કલ્પનમાં માત્ર ‘તડકા’ના પીગળવાની વાત હતી : આ સંદર્ભમાં ‘પડછાયાના પ્હાડ’ પીગળવાની વાત છે. આ એક જુદી જ ઘટના છે. અસ્તિત્વના આભાસરૂપ અંશો ઓગળી રહ્યા છે, એમ અહીં જોઈ શકાય. ચોથી પંક્તિમાં સંદર્ભ બદલાય છે. ચેતનાનું વિગલન ‘આંસુ’ રૂપે વહેતું થાય એ સમજાય તેવી વાત છે. પાંચમીથી આઠમી પંક્તિ જળપ્રલયનું દૃશ્ય રજૂ કરે છે. એમાં પહેલી ત્રણ પંક્તિઓ માત્ર ક્રિયા સૂચવતાં પદોની છે. ‘ડૂબતી તરતી’ પછીનો ક્રમ ‘તરતી ડૂબતી’ એ રીતે યોજાયો છે. એથી દૃશ્યરૂપ અને શ્રૃતિરૂપ બંને આકારો પ્રત્યક્ષ થઈ ઊઠે છે. ‘થોરની વાડ’ સ્મૃતિમાં સૂચવાયેલી વિષમ પરિસ્થિતિનો નિર્દેશ કરે છે. નવમી અને દશમી પંક્તિમાં ‘વાડ’ પર પાંખ ફફડાવતા ‘બટેર’નું દૃશ્યરૂપ અને શ્રૃતિરૂપ એવું સંકુલ સંવેદન પ્રત્યક્ષ થાય છે. પૂરમાં ઘસડાતી આવતી ‘થોર’ની ‘વાડ’નું ‘બટેર’ના આશ્રયસ્થાનમાં જાણે કે રૂપાંતર થાય છે. ચેતનાના પ્રાણોદ્રેકનું, ઉડ્ડયનનું એ અતીવ રમણીય ચિત્ર છે. પ્રતીકનું મૂલ્ય એમાં પ્રતીત થાય છે. ‘દાદાની આંખો...’ એ પંક્તિ સ્પષ્ટપણે શિશુવિશ્વનો સંદર્ભ રજૂ કરે છે. અગિયારમી પંક્તિ અહીં દશમીની સામે અનાયાસ (?) સમાંતરતા રચે છે. ‘પાંખ’ અને ‘ઝાંખ’ એ પ્રાસયોજના ઘણી અસરકારક છે. વિસ્મૃતિના, અતીતના, ધૂંધળા પ્રાંતમાંથી ‘ઠક્‌... ઠક્‌... ઠક્‌... ઠક...’ અવાજો વહી આવે છે. એ સાથે જ શિશુદૃષ્ટિમાં તરતી વિસ્મયભરી સૃષ્ટિ ઊઘડવા લાગે છે. સાક્ષીભૂત ચેતના હવે શૈશવનાં ક્રીડનોમાં રાચવા લાગે છે. સોળમી પંક્તિનું ‘હું ફૂલ બનીને ખૂલું’ એ એક અદ્‌ભુત કલ્પન છે. ફૂલની દાંડીમાંથી પાંખડીઓમાં જે જીવનરસ પ્રસરી રહ્યો છે, મ્હોરી રહ્યો છે, તેની સાથે સાક્ષીભૂત ચેતનાનું અનુસંધાન થાય છે. સત્તરમી પંક્તિમાં એકાકી ક્રિયાવાચક પદ ‘ખૂલું’ લયલચકની દૃષ્ટિએ મહત્ત્વનો ભાગ ભજવે છે. પણ તેથી વિશેષ – પછીની પંક્તિના કલ્પન જોડે – એમાંના ‘ઝૂલું’ પદ જોડે – પ્રાસબંધથી માર્મિક રીતે સાંકળી આપે છે. ‘દરિયો થૈને ડૂબું’ – વીસમી પંક્તિનું એ કલ્પન પણ એટલું જ આકર્ષક છે, દેખીતી રીતે જ ભૂગોળના પ્રદેશમાં આવતા કાઈ ભૌતિક ‘દરિયા’ની આ વાત નથી. બલકે, કાવ્યચેતના ‘દરિયા’ જેટલી અનંત વિસ્તરીને પોતાના અંદરના વિશ્વમાં જે રીતે ગરકાવ થવા ઝંખે, તેની આ વાત છે. પછી ‘પ્હાડ બનીને કૂદું’ – ‘આભ બનીને તૂટું’ – એવી આંતરિક ઝંખના પ્રગટ થાય છે, અને છેવટે ‘શબનમસાગરને તળિયે’ સ્પર્શ કરવાની તીવ્રતમ આરત વ્યક્ત થઈ જાય છે. કૃતિના આરંભે ‘તડકો’ એક અલ્પ ‘ઝાકળબિંદુ’માં ઊતર્યો હતો, તેને હવે વિરાટ ‘શબનમસાગર’ની ઝંખના જાગી છે. અસ્તિત્વમાં નિહિત રહેલા આભાસી અંશો હવે પીગળી રહ્યા છે, એવી સંપ્રજ્ઞતાની ક્ષણે આ રચના પૂરી થાય છે. ‘તડકો’ અહીં પ્રતીક તરીકે કૃતિના સંવિધાનમાં કેન્દ્રસ્થાને છે. અગાઉ નિર્દેશ કર્યો છે તેમ, ‘મારા નામને દરવાજે’માં લાભશંકર અસ્તિત્વની વિષમતાના ભાવો પ્રગટ કરવા ચાહે છે. રંગદર્શી વૃત્તિવલણો, રંગીન છટાઓ કે લયની અભિરામ છટાઓથી તેઓ હવે ઘણા અળગા બની રહ્યા છે. કલ્પનવાદી અને સર્‌રિયલ રચનાનાં તત્ત્વો અહીં અનેક સંદર્ભે પ્રબળપણે ક્રિયાશીલ બન્યાં દેખાય છે.

[૩]

તમરાંનો
સૂકા પાંદડા જેવો
તૂટી ગયેલો અવાજ
વાતાવરણમાં સતત અથડાયા કરે છે.
રાતની એકલતામાં
આવતી કાલે ઊગનારા
ઘાસનો મૂક સળવળાટ
માટીના કણોમાં અનુભવીને
આપણે બેઠા છીએ.
સુકાં પાંદડાંના
તૂટી ગયેલા અવાજના
એક સૂરીલા લયમાં
મૃત્યુના પદધ્વનિ પડઘાય છે.
એની પ્રતીતિ આપણને થઈ ચૂકી છે.
હમણાં પરોઢ દોડી આવશે
અને
અત્રતત્ર ઊગી નીકળેલી
કંપતી
તૃણટોચો પર
ઝૂલતાં
સહસ્ર આકાશોમાં
ઊડતાં પંખીઓના કલરવથી
વાતાવરણ
રોમાંચ અનુભવતું હશે!
હવે ઝાઝી વાર નથી!
(‘મારે નામને...’ પૃ. ૧૪–૧૫)

પૃથ્વીના પટ પર વસતી માનવજાતિની નિયતિ અંગેનું એક સંકુલ સંવેદન અહીં રજૂ થયું છે. એક રીતે માનવઅસ્તિત્વની સાથે જડાયેલી વિષમતાનું, કહો કે એબ્સર્ડિટીની લાગણીનું આ કાવ્ય છે. રચના અછાંદસ રૂપની છે. આ કૃતિ નાનીમોટી ચાર કંડિકાઓની બની છે. દરેક કંડિકા માનવપરિસ્થિતિનું એક પાસું રજૂ કરે છે. કવિએ વિશાળ માનવજીવનને જાણે કે અહીં વ્યાપમાં લેવા ચાહ્યું છે. અંતની કડી અગાઉની ત્રણ કંડિકાઓને દૃઢપણે સાંકળી આપે છે. અહીં ‘બનાવ’ રૂપે એકદમ સ્પષ્ટ ઘટના જેવું અંતની કંડિકામાં જ દેખાશે. પણ આખીય માનવજાતિની ‘કથા’ અહીં સૂચવાઈ જાય છે. પહેલી આખીય કંડિકા, આમ જુઓ તો, એક જ વાક્યરૂપ છે. એમાં એક સંકુલ કલ્પન નિહિત રહ્યું છે. ‘તમરાંના અવાજ’ રાત્રિનો નિર્દેશ કરે છે. અહીં ‘અવાજ’ના વિશેષણ તરીકે આવતા શબ્દસમૂહો ‘સૂકાં પાંદડાં જેવો/તૂટી ગયેલો અવાજ’ આખાય કલ્પનને વ્યંજનાનું અનોખું પરિમાણ અર્પે છે. ‘સૂકાં પાંદડાં જેવો’ શબ્દસમૂહ ‘અવાજ’ની શૂન્યતા બરડતા નિર્જીવતા રુક્ષતા ક્ષણભંગુરતા એમ અનેક વ્યંગ્યાર્થો સૂચવે છે. આની સામે ‘તમરાં’ એ ક્ષુદ્ર જંતુ રહેતાં નથી! માનવજાતિના ભાવિ વિશે ચિંતા અને ચિંતન કરનારા અસંખ્ય પેગંબરો સંતો દૃષ્ટાઓ ચિંતકો વગેરે એથી સૂચિત થાય છે. પણ એ સર્વ ‘તમરાંઓ’ રાત્રિનો અંધકાર મિટાવી શક્યાં નથી! તેમના સૌના અવાજ ‘તૂટી ગયેલા’ અનુભવાય છે, પોલા અને બોદા પ્રતીત થાય છે. સૂકાં પાંદડાં રઝળે છે ત્યારે કે તૂટી જાય છે ત્યારે એનો જે અતિ અલ્પ મંદ અવાજ જન્મે છે તે સાંભળવા જેટલી સંવેદનશીલતા અહીં ભાવકે કેળવી હોવી જોઈએ. આમેય, ‘સૂકું પાંદડું’ સજીવરસ વહાવતા વૃક્ષથી વિચ્છિન્ન અને દિશાશૂન્ય બની ચૂક્યું હોય છે. પવનને ઝોકે ઝોકે તે આમ તેમ રઝળ્યા કરે છે. એવું ‘પાંદડું’ મૂળ તત્ત્વ જોડેનો વિચ્છેદ સૂચવે છે, તે પણ નોંધવું જોઈએ. બીજી કંડિકા માનવપરિસ્થિતિનું એક બીજું પાસું આલેખે છે. આપણે આ પૃથ્વીના વાસીઓ ‘રાતની એકલતા’માં બેઠા છીએ. ‘આવતી કાલે ઊગનારા/ઘાસનો મૂક સળવળાટ/માટીના કણોમાં અનુભવી’ને બેઠા છીએ! કદાચ માટીની જીવનદાયિની શક્તિનો fertilityનો – કંઈક અંદાજ આવી ગયો હશે, એટલે આવતી કાલે એમાં ‘ઘાસ’ ઊગશે એવી આશા પણ બંધાઈ રહી છે. આવતી કાલે ઊગનારા ‘ઘાસનો મૂક સળવળાટ’ સાંભળવા જેટલી સક્ષમ સંવેદનશીલતા પણ જન્મી છે (સમસ્ત પ્રજાના મુખ સમા કવિઓએ તો એવી સંવેદનશીલતા પ્રાપ્ત કરી જ હોય છે.) એ રીતે કોઈક આશામાં અહીં સૌ જીવી રહ્યાં છીએ. એક સંકુલ કલ્પન આ કંડિકામાં રજૂ થયું છે. માનવજાતિના અંતરમાં દૃઢ પ્રતીતિરૂપે જે વાત પડી છે તે તો મૃત્યુની અફરતાની. ત્રીજી કડીમાં લાભશંકર ‘મૃત્યુના પદધ્વનિ’નું સંવેદન રજૂ કરે છે. આ પદધ્વનિઓ ‘સૂકાં પાંદડાંના/તૂટી ગયેલા અવાજના/એકસૂરીલા લયમાં’ સતત પડઘાતા રહ્યા છે. પહેલી કડીના સંકુલ કલ્પનનો જ એક ધ્વનિસભર અંશ લાભશંકરે અહીં નવા અર્થમાં – નવા સંદર્ભમાં – સાંકળી આપ્યો છે. કૃતિનો બંધ એ રીતે વધુ દૃઢ રીતે જોડાયો છે. ‘તૂટી ગયેલા અવાજનું એકસૂરીલાપણું’—તે વિચારો, અનુભવો, વગેરેનું એક જ જાતનું રટણ સૂચવે છે. સ્થગિતતા, જડતા એટલે જ મૃત્યુ! ચોથી કડી માનવજાતિના અંતરમાં ઊંડે ઊંડે સેવાઈ રહેલી કોઈક ઝંખના કોઈક સ્વપ્ન અને આશાને મૂર્ત કરવા આવી છે. આ ‘રાત્રિ’ – એટલે કે અજ્ઞાનરૂપ રાત્રિ – હવે પૂરી થવામાં જ છે! અંતની પંક્તિ છે : ‘હવે ઝાઝી વાર નથી!’ (અહીં પંક્તિને અંતે મૂકેલું આશ્ચર્યચિહ્ન વ્યંગભાવ જગાડે છે.) આનંદકિલ્લોલ કરતું, માનવજાતિની ઝંખનાનું, એ વિશ્વ કેવું હશે?—તો કે, ‘સહસ્ર આકાશોમાં ઊડતાં પંખીઓના કલરવથી/વાતાવરણ/રોમાંચ અનુભવતું હશે!’ પણ આ કવિ અસ્તિત્વની વિષમતાથી તીવ્રપણે અભિજ્ઞ બન્યા છે. આવી ઝંખનાની સૃષ્ટિ એ માનવજાતિનું કેવળ સ્વપ્ન હોઈ શકે. કદાચ, એ ક્ષણભંગુર રચના હોઈ શકે, કદાચ એ આભાસ માત્ર હોઈ શકે. એટલે જ કવિ કહે છે – કલરવ કરતાં એ ‘પંખીઓ’ જે ‘સહસ્ર આકાશોમાં વિહરતાં હશે તે ‘અત્રતત્ર ઊગી નીકળેલી/કંપતી/તૃણટોચો પર/ઝૂલતાં’ હશે! તો તો આ ‘સહસ્ર આકાશો’ની હસ્તી એ ક્ષણભંગુર નિર્માણ નહિ ઠરે? બીજી કડીમાં ‘આવતી કાલે ઊગનારા ઘાસ’નો સંદર્ભ છે. આ કડીમાં માત્ર ‘અત્રતત્ર’ થોડાંક ઊગી નીકળેલાં ‘તૃણો’ જ જોવા મળે છે! પરિસ્થિતિ કેવી તો ઠગારી પુરવાર થાય છે તેનું સૂચન અહીં મળી જાય છે. ચોથી કડીમાં રજૂ થતી કલ્પનસૃષ્ટિ અગાઉની અલગ અલગ લાગતી ત્રણેય કડીઓને માર્મિક રીતે સાંકળી આપવા સમર્થ બની છે. હવે બીજી એક કૃતિ જુઓ :

શૈશવમાં
ઊંઘમાં
તીવ્ર હેષાથી
વનસ્થલીમાં દોડતો
એક સફેદ ઘોડો જોયો હતો.
આજે
વર્ષાના ગાંડાતૂર તોફાનમાં
ઘરની પછીત
તૂટી પડી
એ પછીતની ધોળાશમાંથી
સ્વપ્નનો સફેદ ઘોડો
દોડી ગયો.
નગરમાં
ચારે બાજુ
સહસ્ર ઘોડાઓની
તીવ્ર હેષા સાથેની
પૂરપાટ દોડ,
જમીન-દોસ્ત
મકાનો પર
ધરતીના પેટાળમાં
અદૃશ્ય થયેલા
લીલા ઘાસનો પુનર્ભવ
તૃણાંકરોની પૂંઠે
હરિણનો પુચ્છવિકંપ
બીજે દિવસે
કડિયા આવી ગયા હતા
અને
પછીત ચણાતી હતી!
{(‘મારે નામને...’ પૃ. ૯–૧૦)

– અછાંદસ રીતિની આ રચના પાંચ કંડિકાની છે. વત્તેઓછે અંશે આ કૃતિ દુર્બોધ પણ લાગશે. એનું એક કારણ એ કે ‘સફેદ ઘોડા’ના પ્રતીકબોધની કંઈક મુશ્કેલી છે. એક પ્રતીક લેખે ઘોડાને અનેકવિધ અર્થો અને સાહચર્યો પ્રાપ્ત થયાં છે. એટલે આ કૃતિમાં એનો સદ્યબોધ થતો નથી. આ કૃતિના સમગ્ર સંદર્ભમાં પ્રસ્તુત બની રહે એ રીતે એનાથી વ્યંજિત થતા ભાવસંકુલનું ગ્રહણ કરવામાં બીજી વિગતો કદાચ એટલી દ્યોતક બની શકી નથી. (અથવા કવિને ઇષ્ટ અર્થ આ લખનાર પોતે કદાચ ગ્રહણ કરી શક્યા ન હોય!) અને, આમ જુઓ તો, ‘ઘોડા’નું પ્રતીક અત્યંત સંકુલ અને સંદિગ્ધ રહ્યું છે. પરંપરામાં એની સાથે પરસ્પરભિન્ન અને પરસ્પરવિરોધી એવા અનેક અર્થો અને સાહચર્યો સંકળાયાં છે. ‘ઘોડો,’ આમ જુઓ તો, પ્રાણશક્તિનું – ચૈતન્યનું – પ્રતીક છે. પૃથ્વી પરના જીવનનો આદિસ્રોત જે સૂર્ય છે, તેનો વાહક પણ ‘ઘોડો’ છે. વિશ્વજીવનની પાછળ રહેલી પ્રચંડ શક્તિ અથવા અંધ આદિમ્‌ સત્તા પણ એથી સૂચવાય છે. જન્મસ્થિતિમરણના ઘટનાચક્રને પ્રેરક અને સંચાલક બળ પણ એમાં સૂચિત છે, તો વિદ્યુત જેવાં પ્રાકૃતિક બળો પણ એથી સૂચવાય છે. ‘સફેદ ઘોડો’ જીવનનું અને ‘કાળો ઘોડો’ મૃત્યુનું પ્રતીક ગણાય છે. માનવીમાં રહેલી પશુતા, અંધારા મનની હીન વૃત્તિઓ, અને જાતીયવૃત્તિ પણ એથી સંકેતાય છે. સ્વપ્નમાં ઘોડાનું દર્શન એ દૃષ્ટાનું –theriomorphic symbol of the self – સ્વનું અર્ધમાનવ-અર્ધપશુરૂપનું પ્રતીક છે. સ્વપ્નમાં ફિક્કા સફેદ ઘોડાનું દર્શન મૃત્યુની અમંગળ આગાહીનો સંકેત કરે છે. ‘ઘોડા’માં શક્તિનો ઉદ્રેક, ઉડ્ડયન, આદિ પણ અભિપ્રેત છે. આટલી ભૂમિકા લક્ષમાં રાખીને હવે કૃતિનો મર્મતંતુ પકડવાનો પ્રયત્ન કરીએ. પહેલી કંડિકા ‘શૈશવમાં’ અને ‘ઊંઘમાં’ એવા બે શબ્દો સાથે ઊઘડે છે. આ બે અવસ્થાઓમાં કાવ્યનાયકે ‘વનસ્થલી’માં ‘તીવ્ર હેષા’ સાથે ‘સફેદ ઘોડા’ને દોડતો જોયો હતો. શૈશવ એ મુગ્ધ નિર્દોષ સમય છે. ઊંઘની અવસ્થા વ્યવહારના જાગૃત મનથી સાવ ઊલટી અવસ્થાનો સંકેત કરે છે. ‘વનસ્થલી’ એ પરિચિત જગતથી દૂર રહેલું રમણીય ઉપવન છે. શિશુચિત્તમાં સુષુપ્તરૂપે સચવાયેલું એ સ્વપ્નજગત પણ ખરું; પણ ‘સફેદ ઘોડા’નો પ્રતીક તરીકેનો વિશિષ્ટ અર્થબોધ પકડવાનું અહીં હજી કંઈક મુશ્કેલ છે. કદાચ જીવનની સ્વપ્નશીલતા, મોહિનીરૂપતા, ચૈતન્યરૂપતા, કદાચ જાતીય ઇચ્છા, કદાચ મૃત્યુની ઝંખના એ બધું અહીં વ્યંજિત થઈ જાય છે. બીજી કંડિકા વર્તમાનની ક્ષણોને અનુલક્ષે છે. વરસાદ ગાંડાતૂર તોફાન સાથે ઝીંકાયો છે. આ ઝંઝાવાતમાં ‘ઘરની પછીત’ તૂટી પડે છે! (‘ઘર’ તે વ્યક્તિના ભૌતિક જીવનનો જ ભાગ છે? માનવ સમાજની જીવનવ્યવસ્થા છે? સંસ્કૃતિનું નિર્માણ છે?) એ ‘પછીતની ધોળાશમાંથી’ ‘સ્વપ્નનો સફેદ ઘોડો’ નીકળી નાસે છે! ‘પછીતની ધોળાશ’માંથી ‘સફેદ ઘોડો’ બહાર આવે છે – એ ઘટના અહીં રહસ્યમય રહે છે. આ રીતે ‘સકેદ ઘોડા’નું પ્રગટ થવું એ ઘટના એના દૃષ્ટા માટે કેવળ ભ્રાન્તિ તો નહિ હોય? (પહેલી કંડિકામાં ‘શૈશવમાં’ ‘ઊંઘમાં’ નિહાળેલો ઘોડો ‘વનસ્થલી’માં હતો, આજે તે ‘ઘરની પછીત’માંથી નીકળે છે. એ રીતે આગળની કડી જોડે આ કડી સંધાઈ જાય છે.) પણ ‘પછીતનું પડવું’ અને ‘સફેદ ઘોડા’નું પ્રગટ થવું એ બે બનાવો શી રીતે સાંકળી શકાશે? ‘ઘર’નો વિનાશ થતાં તેમાં આશ્રય લેતો એ ‘ઘોડો’ હંમેશ માટે દૂર થયો એમ ઘટાવીશું? કે ‘ઘોડો’ એ વિનાશનું નિમિત્ત બન્યો હતો? ત્રીજી કંડિકા સર્‌રિયલ પરિવેશ ધરાવતું દૃશ્ય રજૂ કરે છે. ‘સહસ્ર ‘ઘોડાઓ’ ‘તીવ્ર હેષા’ સાથે એ આખાય નગરમાં પૂરપાટ ઘૂમી વળે છે. કોઈ નિરંકુશ બળો નગરમાં હાહાકાર મચાવી રહ્યાં હોય એવો સંકેત મળે છે. ચોથી કંડિકામાં નગરનાં અનેક મકાનો જમીનદોસ્ત થઈ ચૂક્યાં હોવાનો ઉલ્લેખ છે. એ રીતે મકાનોનો વિનાશ અને મુક્ત થયેલા ઘોડાઓની બેફામ દોટ – એ બે વચ્ચે ક્યાંક સંબંધ હોવાનું સમજાય છે. પણ આ વિનાશ પછી પ્રકૃતિમાં નવજીવનનો સંચાર થઈ જાય જ છે! માટીમાં દટાયેલાં ખંડિયેરો ઉપર લીલું તૃણ ફરીથી ઊગી નીકળે છે! આનંદમગ્ન બની પુચ્છ હલાવતાં હરણનાં વૃંદ ત્યાં તૃણ ચરતાં હાજર થઈ ગયાં છે. છેલ્લી કડીમાં મકાનની પેલી ‘પછીત’ ફરીથી ચણાવી શરૂ થઈ છે. માનવજાતિ પણ સંસ્કૃતિની રચના અર્થે સક્રિય બની ગઈ છે. પણ, પેલા ‘સ્વપ્નના’ ‘સફેદ ઘોડા’નું શું? માનવી દ્વારા ચણાતી ‘પછીત’માં તેનો પુનઃ પ્રવેશ થશે ખરો? કે નવી ‘પછીત’માં એની કોઈ સંભાવના જ નહિ હોય? ગમે તે હો, પ્રતીકબોધની મુશ્કેલી આ કૃતિના હાર્દને પામવામાં ક્યાંક અંતરાય રચે છે. પણ આ જાતના esoteric symbolને પામવા કૃતિના સંદર્ભ સિવાય બીજું કયું સાધન ભાવકને ઉપયોગી થાય?