સફરના સાથી/કિસન સોસા

From Ekatra Foundation
Revision as of 06:30, 28 December 2025 by Meghdhanu (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
કિસન સોસા

‘ગુજરાત મિત્ર’ના તંત્રીમંડળમાં હતો. કૉલમો તો ઘરેથી લખીને લાવતો, પણ પછી સોમવારની પૂર્તિનું સ્વતંત્ર સંપાદન આવ્યું. એક જ માણસે, લેખકે, અનુવાદકે, તારણ કરનારે પૂર્તિ તૈયાર કરવાની. પુરસ્કાર આપવાનો એટલે કે, સૂચવવાનો અધિકાર નહીં. એટલે જે સામેથી આવે, આપે તેમાંથી પસંદગી કરવાની. તંત્રીની બધી ચિંતા નવી શરૂ કરેલી રવિવારની પૂર્તિને આકર્ષક અને ઉપયોગી કરવાની_ તે માટે પુરસ્કાર આપવા સુધીની, જાણીતા લેખકો, કૉલમિસ્ટોને નોતરવાની તત્પરતા. એમના મનમાં વિચાર હશે કે આ રવિવારની પૂર્તિ સ્થિર થયા પછી સોમવારની પૂર્તિ રહે તો એક પાંખી પરંપરારૂપે, પણ મને એવો કંઈ ખ્યાલ નહીં. કાર્યવાહક તંત્રી દ્વારા મારા સુધી ગળાઈ, ચળાઈને આવે તેમાં વળી ક્યારેક જ કંઈ પસંદ કરવા જેવું લાગે. એમાં કિસન સોસાની ગઝલ આવે તે મૂકું. એવી કોઈ અજાણ્યાની કવિતા, ગઝલ આવે તે મૂકું. ત્યારે આંતરિક ગણગણાટ એવો કે આ અમુકને જ મહત્વ આપે છે, પણ પુરસ્કાર આપી ન શકનારો હું કોને સામેથી નોતરું? ચાર ચાર કૉલમ, જુદાં જુદાં સ્તરની જુદાં જુદાં નામે ને જાતે ખરીદેલું પરભાષામાં પ્રગટ થયેલું સાહિત્ય મેળવું અને ખૂબ ગમે તેનો એક વાર્તાનો અનુવાદ આપું. અનુવાદ નનામો, નામ માત્ર મૂળ લેખકનું. કાવાબાતાની જાપાની વાર્તા ખૂબ ગમી, અનુવાદ કરી છાપી. કાર્યાલય પર સુરેશ જોષીનો પુછાણ કરતો પત્ર આવ્યો. આ વાર્તાનો અનુવાદ કોણે કર્યો છે? અને અમારા છેવટ સુધીના સંબંધની એ શરૂઆત બની. આમ, મારે માટે થોડાક ગણગણાટ છતાં એ સંપાદન મને કેળવણી આપનારું તે સાથે એક અવિરામ સંબંધનું નિમિત્ત પણ બન્યું. ઑફિસઅવર આપણે ખુરસી પરથી ઊઠીએ ત્યારે જ પૂરો થયો ગણાય. એક સાંજે કાર્યાલયની બહાર આવ્યો. એક વિનમ્ર જુવાન રાહ જોતો ઊભો હતો કહેઃ “હું કિસન સોસા’ માત્ર ગઝલ ટપાલમાં મળતી તેનો સર્જક સદેહે મળ્યાનો આનંદ થયો. કહે, ‘સૈયદપરે રહું છું.’ મારા આગલા જરી કામને વ્યવસાયે રોજ સૈયદપરે અચૂક જવાનું થાય એટલે મને લાગ્યું કે આ તો જાણે મારી શેરીનો પરિચિત માણસ, પછી તો ગાઢ મૈત્રી થઈ, ઘણી સાંજો એની ને હેલ્પર ક્રિસ્ટી સાથે નજીકના તાપીકાંઠે આવેલા કસ્તૂરબા ગાર્ડનમાં કિનારા નજીકના બાંકડે સાહિત્યિક ચર્ચામાં પસાર થઈ. એ દોર તો કવિમિત્રોની સંખ્યા વધતાં, આત્મીયતા વધતાં ઘર સુધી પહોંચ્યો. મારી ઉત્સુકતા કિસન સોસા સુધરાઈના છાપખાનામાં એ કામ કરતાં ત્યાં સુધી મને લઈ ગઈ. હુંયે એક કાળે એવા જ વાતાવરણમાં કામ કરતો કામદાર હતો. એમની યોગ્યતા, કવિ તરીકેની એની ખ્યાતિ અને યોગ્યતા જોઈ એને પબ્લિક રિલેશન ઑફિસમાં સ્થાન અપાયું અને એ જ સ્થાનમાંથી નિવૃત્ત થયો. કુટુંબનો એક જ કમાતો માણસ નિવૃત્ત થાય તો પૅન્શનની ટૂંકી રકમે કુટુંબ ચાલે? આ પ્રશ્નનો જવાબ હવે એ નિવૃત્ત કવિ આપે છે. આ માણસે કશા આવેશ, અભિનિવેશ વિના સ્ફુરી તે ગઝલ, ગીત ને નિવૃત્તવયે બાળકવિતા પણ લખેલી. એમના હરિજનવાસે પણ ગયો છું. ને સાહસિક પરિચિતતા અનુભવી છે. પોતાની, આસપાસની આબોહવા, દર્શન બધું, પોતીકી ભાષામાં ગઝલ- ગીતમાં ઊતર્યાં કરે છે. એટલે, આપણે કોઈ વિશેષતા ઓઢી ન લીધી હોય તો શાંત અપીલ જેવી સંભળાય છે. સ્પર્શે છે. પરંપરાના ગઝલકાર છતાં એ પોતાની, આસપાસની, પરિચિત ભાષાની, ભાવ, લાગણીને અનુસરે છે એમ નહીં, એમનું સર્જન કર્તા સાથે એ સૌને અનુસરે છે અને માનશો? લલિત નિબંધો તરફ અનાયાસ દૃષ્ટિ હવે ગઈ છે ત્યારે મને એમની એક તાજી બાળકવિતામાં રસ પડ્યો.

ભાઠાની રેતમાં

ભાઠાની રેતમાં અમે ઈસ્કૂલ દાટતા,
તરતા વમળના વહેણમાં બેટ ઝાલતા.

છસાત ભેરુબંધ અમે હાર્યે હાલતા,
ખૂંદી નદી, તળાવ ઘેર આવતા.

મારે, વઢે ન કોઈ ઘરે એટલે અમે,
ખિસ્સામાં રામવૃક્ષનું એક પાન રાખતા.

એ સાથ તો વહી ગયો ભવરણ લસોટતો.
આજે અમે અહીં પડ્યા આ ધૂળ ચાટતા.

ચિત્રનો ઉઘાડ તો આપણા જીવનના, બાળપણના ઉઘાડ જેવો. વિસ્મયની લીલા, કવિતા જેવો નથી? છે... છેલ્લી કડી સૉનેટની છેલ્લી કડી જેવી, પટાક્ષેપની છે. જાણે પાતાળસુંદરીના લોકમાંથી ઉપર નકરી જમીન પર આવી ગયાં. ‘રડો ન મારા મોતને’ કહેતા કવિને કહેવાનું મન થાય છે. બાળપણ, કેશોર્યના મરણ તો ડૂસકાં ભરાવે છે. સ્મૃતિ એ તો જીવન છે. અને સ્મૃતિ તો બાળપણ – કેશોર્યની હોય, કારણ કે એમાં લીલાનું કાવ્ય હોય છે. ટાંકી છે એ બાળકવિતા નથી, કવિતા છે. મેં એમને ઘણીવાર કહ્યું છે : ‘અફસોસ. અન્યાય – આ બધું પીડે તેનો કવિતામાં મોક્ષ થઈ ગયો. શેષ તો કવિતા જ રહી છે અને મેંય તમારા કરતાં કંઈ સરખામણીએ સારો સમય નથી ગાળ્યો. નથી ગાળતો. ‘ચારો દિશા જાગીરીમેં’ એવો વૈભવ છે. તમે કવિ છો, દલિત કવિ નહીં કોઈક સમયગાળે દલિત કવિ થવાનીયે શી જરૂર કવિતા, લગભગ ખંડકવિતા ન બની ગઈ? રહી તો માત્ર કવિતા.’ મારા સમકાલીન સુરતી કવિમિત્રોમાં આ સોસાના જ આઠ કાવ્યસંગ્રહ પ્રગટ થયા છે. કોઈ કોઈને તો ઇનામ, એવોર્ડ પણ મળ્યા છે. હું તો જમીન પર નહીં એટલું પાણી જોઉં છું તળ અને આકાશની સહોપસ્થિતિ એ જ તો માણસની દુનિયા છે. ‘મારી વ્યથાએ જ મને વેદ કર્યો છે.’ કહેવામાં સોસા સાચા છે. વાસ્તવમાં સમકાલીન અજંપાએ અહીં માણસ વિકસ્યો છે અને કહેવાતા વિકાસે માણસનો અજંપો પણ વિકસાવ્યો છે. અજંપો હોય ત્યારે જ તો માણસ જીવતો હોય છે. બાકી તો ઉદ્દીપનોનાં તોફાન અને ઘેન જ હોય છે. એકેએક પયગંબરે, એકેએક ઈશ્વરાવતારે આ જગતને, માણસને સુધારવા, એની જોડણી, સ્પેલિંગ, ઉચ્ચાર સુધારવા કામ કર્યું છે, એવી નાપાસ વિદ્યાપીઠ પાસેથી ખોટું પ્રમાણપત્ર, માર્કશીટ મેળવવાની હોય? સાંજના હેલ્પર સહિતનાં મિલનો, રવિવારે એમના જેવા જ ઉત્સુક ને નવું જાણવા અજંપઉત્સુક જુવાન મિત્રો મારા ઘરે સૂક્ષ્મ સ્તરે પહોંચતી ચર્ચા માટે ભેગા મળતા, સુરેશ હ. જોષી સુરત આવે ત્યારે મારા ઘરે મારે માટે નહીં એટલા સાહિત્યિક ચર્ચા, ગોઠડી માટે આવે ત્યારે એ મંડળીમાં સોસા, હેલ્પર હોય જ. મહાગુજરાત ગઝલમંડળનો કાર્યકાળ ‘બેકાર’ની વિદાય સાથે પૂરો થયો હતો, પણ ‘કંકાવટી’ના નવપ્રસ્થાન સાથે ‘શ્રેયસ’ સાહિત્યસંસ્થા સ્થાપી સાહિત્યકારો સાથેના વાર્તાલાપમાંય એ હેલ્પર સાથે હોય જ. કામ પણ ચાલે અને ચિત્તમાં કવિતા ચાલે, શબ્દો ગોઠવાતા જાય એવી બારાખડી આ માણસને સાંપડી છે. ‘કંકાવટી’માં એમનાં તાન્કાકાવ્યો છપાયાં, એમણે તો નાનકડો સંગ્રહ થાય એટલા તાન્કા લખ્યાં હતાં. ઘણાખરાં અપ્રગટ. એમને વિચાર આવ્યો સંગ્રહ પ્રગટ કરીએ તો કેમ? બસ, એ જ પ્રેસમાં એ સંગ્રહ છપાયો, પ્રગટ થયો અને એનો આદર થયો. નિજી અજંપાના ભાવને ઋજુ કોમળતાએ પ્રગટ કરતી ઋજુતા તો એમનામાં છે જ. એ તાન્કા માટે અનુકૂળ બની. માણસ અંગતતાએ જ જગતને જુએ છે, પણ અંગતતાનું વિસ્તરણ થતાં એ વ્યાપ જ સમાજીકરણ બને છે. બધું અંગત કંઈ ‘હું’ નથી હોતું. કવિતામાં તો ‘હું’ પોતે રહીને વિસ્તરે છે. કવિ માણસ છે અને સમાજ માણસોનો છે. એમના ગઝલમાં હોંકારા, પડકારાની ફોનેટિક ઉગ્રતા નથી. પડછંદાના છેદ નથી, એ ઋજુતા માટે તાન્કા અનુકૂળ માધ્યમ બને અને બન્યું. સુ. જો. ના આગમ સાથે બંધિયાર જેવા ગુજરાતી સાહિત્યમાં જે વૈશ્વિક હવામાન ફેલાયું, તેમાં અછાંદસ કાવ્યો તો આવ્યાં જ, પણ જાપાની મુક્તક સ્વરૂપના તાન્કા અને હાઇકુ પણ લખાવા માંડ્યાં. એમાં કેટલાયની સુપ્ત પ્રતિભા નિજી સ્વરૂપે તો ઘણાકની અનુકરણ સ્વરૂપે પણ પ્રગટ થઈ. આમેય ગુજરાતી ગઝલનું પરંપરિત સ્વરૂપ દૃઢ થયા પછી એમાં રહેલી શક્યતા પ્રગટ થઈ જ છે. એનો ન્યાય તો સમય કરશે. એ સોસાનું બાળપણ તો સુરતમાં જ વીત્યું લાગે છે, પણ એમનુ કુટુંબ તો સૌરાષ્ટ્રથી પોતાના સંસ્કાર, પોતાની ભાષા સાથે આવ્યું. ગુજરાતી ગઝલમાં જે વૈવિધ્ય, રૂઢથી ઊફરી નહીં, પણ સ્વતંત્ર ભાતીગળતા અરૂઢ બાની દેખાય છે. આમ કેમ બન્યું? શયદા જૂના અપ્રાપ્ય પુસ્તકના શોધનારા અને વાંચનારા હતા. આ લખનાર વણકર, અમીન આઝાદ સાઇકલ રિપેરર, ગનીભાઈ દરજી, સીરતી ખેડૂત, શેખચલ્લી નામું લખનાર, સોસા મેઘવાળ કુટુંબના વ્યવસાયે શરૂમાં છાપખાનામાં, કોઈનાય કુટુંબમાં વારસા જેવી સાહિત્યિક પરંપરા નહીં. એટલે ગઝલની પરંપરામાં એ સૌ જોડાય છે, પોતાપણા સાથે. ગઝલ લોકભોગ્ય પણ બની, તે પાઠયપુસ્તક સુધી પહોંચી, પણ ગઝલ પોતે વિદ્યાપીઠના પરંપરિત સંસ્કાર તેમ વળગણીથી પર વિવિધ સ્વરૂપે પ્રગટ થઈ. બોલચાલની ભાષા એ ગઝલની ખાસ શરત રહી છે તે ભણતરની તેમ સાહિત્યની રૂઢ ભાષાને ઊંડા સંસ્કારથી પર એવા, લોકજીવન સામે સંલગ્ન એવા ગઝલકારો દ્વારા અનાયાસ પળાવા લાગી. એવો ગઝલકાર સાહિત્યના તેમાં થતાં પરિવર્તનના સંપર્કમાં વિકાસની પ્રક્રિયામાં આવે જ છે. ત્યારે તે વિદેશી સાહિત્યસ્વરૂપને પણ નિજી સ્પર્શ અને રૂપ આપે છે. ધર્મની સરમુખત્યારીવાળા દેશમાં કેટકેટલા અન્યાયો રૂઢ અને અણલખ્યા છતાં પળાતા કાયદા બની ગયા, રહ્યા. એમાંથી શી શી કરુણતા આપોઆપ જન્મી એ સમાજસુધારકો અને બંડખોરોએ પોતપોતાનાં કાર્યો અને ભાષામાં વ્યક્ત કરી છે, તે છતાં ‘અંજુમ’ કહે છે તેમ, કોઈ અન્યાયોની કબર ખોદી શક્યું નથી. આ કહેવાતા સૂર્યલોકમાં કેટકેટલા અસૂર્યલોક છે. ‘મરીઝ’નો એક ગઝલસંગ્રહ એક શ્રીમંત અકવિના નામે પ્રગટ થવામાં છે. એ વાત ફૂટી અને સંગ્રહ અંધારે રહી ગયો, પણ સોસાનો એક સંગ્રહ અન્યને નામે પ્રગટ થઈ ગયો એ બહુ ઓછા જાણે છે, પણ કોણ બોલે? મરીઝની અસહાયતા તે એઓ કોઈ રૂઢ કામના ચોકઠામાં બંધબેસના ન થાય એવા એ હતા તે (જોકે છેવટે પત્રકારત્વના કામે થોડો સમય લાગેલા ખરાં) પણ સોસા તો જીવનભર લાંબો કાળ વૈતરું અને છેલ્લા સમયમાં સારા પદે કામ કરતા રહ્યા છતાં :

ભરડે ભીંસાતું જાય સતત રંક ખોરડું,
હતપ્રભ બધાંય, કોણ કોની ભાળમાં જીવે.
કંપ્યા કરે છે બીકમાં હર ડાળ વૃક્ષની,
વંટોળિયાનો દેશ અને ઢાળમાં જીવે.

મરમી સમક્ષ બધું કારુણ્ય પ્રગટ થઈ જાય એવી ભાષામાં કવિ વર્ણવે છે. ‘વંટોળિયાનો દેશ અને ઢાળમાં જીવે’, આ સાંકેતિક ભાષા સોસાની જ હોય, એમ કહેવત જેવી વ્યાપકતા અને બોલીની સનાતનતા નથી. એવા વળાંક પર ગઝલ અને એવી સ્મરણીય કેટલીક ગઝલ પ્રથમ ‘કંકાવટી’માં પ્રગટ થઈ હતી એ પક્ષપાત નહોતો. દોસ્તીનો નહીં, કવિતાનો પ્રભાવ હતો. ‘કવિતાને’ સમજવા ‘કવિની ભૂમિએ જવું પડે.’ એવું ઉ. જો. કહી તો ગયા, પણ કોણ જાય છે? વિવેચકો પણ જાય છે ખરાં? બેએક સિવાયના છ-છ કાવ્યસંગ્રહો આ કવિએ નિજી ખર્ચે શી રીતે પ્રગટ કર્યાં, કઈ અદમ્યતાએ પ્રગટ કર્યું એનું આશ્ચર્ય તો હોય, પણ એટલેથી અટકી જવાય ખરું? સોસાની કવિતા, ગઝલો અવાજ કોઈ આંદોલન કે ચળવળિયાનો નથી. સહાનુભૂતિ ઉઘરાવનારનો નથી. સત્ય પક્ષ બને છે, પણ કવિ તટસ્થ અનુભવાય છે. અને એ તટસ્થતા જ આપણામાં રહી હોય તો, તે કારુણ્યસ્પર્શની કસોટી કરે છે. આપણે આધુનિક સુખસગવડ, સાધનોમાં પ્રગતિ કરી છે કે ‘માનવો હજી પાછલા બારણે જ છેલ્લી ભીંતની ઓથમાં’ એવો પ્રશ્ન ઊઠ્યા વિના રહેતો નથી.

એવા વળાંક પર

એવા વળાંક પર હવે ઊભો છે કાફલો,
અહીંથી જવાય રણ તરફ, અહીંથી નદી તરફ.

અહીંથી હું શ્વેત શ્વેત કંઈ સ્વપ્ને સજી શકું,
અહીંથી અંધકારની ખીણે ખરી શકું.
અહીંથી હું ભવ તરી શકું, અહીથી ડૂબી શકું.

અહીંથી જવાય ક્ષણ તરફ, અહીંથી સદી તરફ,
અહીંથી જવાય રણ તરફ, અહીંથી નદી તરફ.

અહીંથી ઉમંગ ઊડતા અવસરમાં જઈ શકું.
કે કાળમીંઢ વેદનાના દરમાં જઈ વસું.
અહીંથી હું કબ્રમાં કે ઘરમાં જઈ વસું.
અહીંથી જવાય હમણાં તરફ, અહીંથી કદી તરફ,
અહીંથી જવાય રણ તરફ, અહીંથી નદી તરફ.

સહરા

ભરે છે ઝાંઝવાંના ઘૂંટ, તડકો ખાય છે સહરા,
નિશાએ ઓઢીને ચાદર, પોઢી જાય છે સહરા.

નથી સંતાઈ એ શકતો, ઘણો સંતાય છે સહરા,
સમંદર ફેરવે પડખું, છતો થઈ જાય છે સહરા.

લલાટે કોઈના લખાઈ લૂ નથી હોતી,
કદી તો ચાંદનીના શીત જળમાં ન્હાય છે સહરા.

સ્વજન ના આમ તો એનું ભર્યા ભેંકારમાં કોઈ,
સહારે વીરડીને એક જીવ્યે જાય છે સહરા.

તમે જ્યાં આંખ માંડો છો તહીં લહેરાય છે ઉપવન,
તમે જ્યાં ફેરવી લ્યો આંખ, ને સર્જાય છે સહરા.

હવે હું રોઉં તો મુજ નેણથી વરસી રહે રેતી,
હવે ધીરે ધીરે માનસ મહીં પથરાય છે સહરા.

તારી યાદ

દાટી તળાવમાં તો સરસિજ થઈને ફૂટી,
ખુશબૂ બનીને મારા હરશ્વાસથી વછૂટી:

પૂરી, હીરે જડેલા સોનાના પીંજરામાં,
તો કંઠથી રૂપેરી ટહુકો થઈને તૂટી.

અંબોડલામાં બાંધી દીધી જો કસકસાવી,
તો લટ થઈ અલકની ધીમેશથી વછૂટી.

ખોવાયેલા શિશુ શી આવી છે પાસ મારી,
ચિક્કાર ભીડમાં જો પાડી દીધી વિખૂટી.

શીતળ વસંત પ્રાતે; કે ઉષ્ણ ગ્રીષ્મ રાતે,
આઠે પ્રહર એ મારું અસ્તિત્વ જાય લૂંટી.

કો ફૂલ સાંભળું કે ટહુકારને હું પેખું,
મુજ મન-હૃદયને મલકી ખણતી મધુર ચૂંટી.

સહરા મેં પાર કીધો, સાગર તરી ગઈ છું,
પણ વેંત એક કેડી તુજ યાદની ન ખૂટી.