સંકેતવિસ્તાર/થોડીક અંગત વાત

From Ekatra Foundation
Revision as of 02:32, 4 February 2026 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
થોડીક અંગત વાત

‘વિભાવના’ અને ‘શબ્દલોક’ પછી મારો આ ત્રીજો વિવેચનસંગ્રહ પ્રગટ થાય છે. અગાઉના એ ગ્રંથોની જેમ જ અહીં પણ છેલ્લાં દસપંદર વર્ષો દરમ્યાન પ્રકાશિત થયેલા મારા અભ્યાસલેખો અને ગ્રંથસમીક્ષાઓમાંથી પસંદ કરેલાં લખાણો ગ્રંથસ્થ કર્યાં છે. આ લખાણો પ્રથમ વાર ‘ગ્રંથ’, ‘પરબ’, ‘ફાર્બસ ત્રૈમાસિક’ અને ‘સ્વાધ્યાય’ જેવાં આપણા પ્રતિષ્ઠિત સામયિકોમાં પ્રકાશિત થયાં હતાં. એ સર્વ સામયિકોના તંત્રીશ્રીઓનો આજે હૃદયપૂર્વક આભાર માનું છું. એ પૈકી કેટલાંક લખાણો તેમનાં નિમંત્રણોથી તૈયાર થયાં હતાં. બીજાં મારી અધ્યયન-અધ્યાપનથી પ્રવૃત્તિમાંથી નીપજી આવ્યાં છે. અગાઉના મારા બંને ગ્રંથોની જેમ આ ગ્રંથના પ્રકાશનમાં પણ મારા મમતાળુ મિત્ર શ્રી જયંતભાઈ કોઠારીની મને બધી રીતે સહાય મળતી રહી છે. લેખોની પસંદગી, છાપકામની વ્યવસ્થા, પ્રૂફ્સની કામગીરી, જેકેટ છપાઈ એમ દરેક તબક્કે તેમની સક્રિય સહાય રહી છે. બલકે, આ આખુંય પ્રકાશન કેવળ સ્નેહ અને સદ્‌ભાવથી તેઓ ઉપાડતા રહ્યા છે. તેમની આ નિર્વ્યાજ સહાય માટે હું તેમનો ખરા હૃદયપૂર્વક આભાર માનું છું. છાપકામ અને પ્રૂફ્સના કામમાં ચિ. રોહિતનો સહયોગ પણ પ્રશસ્ય રહ્યો છે. ખૂબ ઉમળકાપૂર્વક, ખંત અને ચીવટાઈથી તેણે જે કામ કર્યું છે તેની સાનંદ નોંધ લેવી ઘટે. ૧૯૭૧ના જૂનથી ૧૯૭૯ના નવેમ્બર સુધી મેં બારડોલીની પી. આર. બી. આટર્‌સ ઍન્ડ પી. જી. આર. કૉમર્સ કૉલેજમાં ગુજરાતીના અધ્યાપક તરીકે કામ કર્યું. આ ગ્રંથમાં મુકાયેલાં લગભગ બધાં જ લખાણો મારા બારડોલીનિવાસ દરમ્યાન લખાયાં હતાં. ત્યાંના કેમ્પસ પરની બંને કૉલેજોના આચાર્યશ્રીઓ, અધ્યાપકમિત્રો, કર્મચારીગણ અને વિદ્યાર્થી ભાઈબહેનોનો – સૌનો સ્નેહ અને સદ્‌ભાવ મેળવવા હું ભાગ્યશાળી બન્યો છું. સૌએ મને સ્વજનની જેમ રાખ્યો હતો. આજે તેમની નિર્વ્યાજ લાગણીની અહીં સહૃદયતાથી નોંધ લેવા ચાહું છું. મારા અધ્યયન-અધ્યાપનમાં તેમની લાગણી હંમેશ મને પ્રોત્સાહક બની રહી હતી, આજેય એ એટલી જ પ્રોત્સાહક રહી છે. સરકારશ્રીની શિષ્ટમાન્ય ગ્રંથોના પ્રકાશન અર્થે આર્થિક સહાયની યોજના અન્વયે આ ગ્રંથને આર્થિક સહાય મળી છે. એ સહાય વિના પ્રસ્તુત પ્રકાશન વિલંબમાં જ પડી ગયું હોત, એમ નોંધવા ચાહું છું. આ તબક્કે ભાષાનિયામકશ્રી અને તેમની કચેરીના સંબંધકર્તા સર્વે અધિકારીશ્રીઓ તેમજ પસંદગી સમિતિનો – સૌનો હું અહીં અંતઃકરણપૂર્વક આભાર માનું છું.

વલ્લભવિદ્યાનગર
૨૯ સપ્ટેમ્બર, ’૮૦
પ્રમોદકુમાર પટેલ