ધીરેન્દ્ર મહેતાની કવિતા/પ્રત્યંચાનો કમ્પ

From Ekatra Foundation
Revision as of 03:27, 20 February 2026 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
૨૮.
પ્રત્યંચાનો કમ્પ

ધનુષ્યની આ કમાન,
અને પ્રત્યંચા,
અને જો, આ રહ્યું બાણઃ
શો સંબંધ છે એમની વચ્ચે કહે,
બાણને મેં ચઢાવ્યું આ પ્રત્યંચાએ -
કમાનની અડોઅડ;
પ્રત્યંચાને ખેંચી કાન લગોલગ;
સાથોસાથ
કમાનના બેઉ છેડા
ખેંચાઈને આવી ગયા એકમેક નજદીક;
પ્રાણહીન એ બાણમાં
એ જ પળે
થયો પ્રાણસંચાર શો!
અગતિક બાણમાં એ
પુરાયો જો, કેવો વેગ!
વેગ સાથે
બાણ ગયું લક્ષ્ય ભણી,
કમાનના છેડા ગયા બે વિરુદ્ધ દિશાઓમાં...
અહીં હાથમાં તો
રહ્યો ખાલી
પ્રત્યંચાનો કમ્પ...
૩-૯-૨૦૦૨