ધીરેન્દ્ર મહેતાની કવિતા/ભૂકમ્પ પછી

From Ekatra Foundation
Revision as of 02:46, 21 February 2026 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
૩૧.
ભૂકંપ પછી


પ્રથમ રાત્રિ
આ ધરતી જેવી
જન્મજન્માન્તરોથી
જે હતી માતા -
ગોદમાં રમાડ્યો ને પોઢાડ્યો,
ખોળો ખુંદાવ્યો,
પગલીઓ પડાવી ટેકો દઈને...
ડગી ગઈ.
પછી આકાશનો શો ભરોસો,
જેની નીચે સૂતો છું.
}*
 
બીજી રાત્રિ
તમરાં-કંસારી અને આગિયાઓએ
જર્જર કરી મૂકેલી અંધકારની ચાદર ઓઢીને સૂતેલા
સન્નાટાનાં નસકોરાં બોલે છે આખી રાત.
આ કયા ઇલાકામાં
ખંડિયેર બની ગયેલા
ઘરની પછીતે નીકળેલો ચાંદો
નાનામોટા ટીંબાઓની વચ્ચે
અટવાઈ ગયો આખી રાત;
સવારે નીકળ્યો છે
મારા તંબૂની પાછળ.
}*

ત્રીજી રાત્રિ અને સવાર
ચાંદતારાનાં
નાનાંમોટાં ગાબડાંથી
ખંડિયેરમાં ફેરવાઈ ગયું છે રાત્રિનું આકાશ;
પેટાળમાંથી વછૂટેલો
લાવાનો પ્રચંડ ગોળો
ચોંટ્યો છે આકાશની છાતી પર.
૨૩-૩-૦૧