નયન હ. દેસાઈની કાવ્યસંપદા/ફોબીઅસ ગઝલ

From Ekatra Foundation
Revision as of 03:03, 23 February 2026 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
ફોબીઅસ ગઝલ

ઘર હાંફે છે, ઘર હાંફે છે, ઘર હાંફે છે ચટ્ટક લાલ,
ઉમ્બર ચત્તોપાટ પડેલો ખીંટી પર માણસની ખાલ,

બારીમાં ચિત્તાની આંખો, અંગારાશી તગતગતી,
ધડધડ વડેતા પડછાયાનાં મોજાંઓ ઊછળે વિકરાળ,

હાથોની ડાળી પર સુક્કાં પર્ણોનો ખખડાટ થયો,
પક્ષી છાતી પર બેઠું કે ટચટચ ટોચ્યાની ઘટમાળ?

આંખોના પાતાળકૂવામાં સૂરજનો પથ્થર ભચ્ચાક,
ઝાંખા પાંખા આકારો નીકળ્યા ઓઢી સ્વપ્નોની છાલ,

ફાનસના અજવાળામાં ફગફગતો લોકોનો બબડાટ,
રસ્તા પર સળગેલાં વૃક્ષોને કીકીઆરી તૂટતી ડાળ.