ચિત્તવિચારસંવાદ/પ્રતપરિચય
અહીં યોજવામાં આવેલ સંકેતસંજ્ઞાઓ સાથે નીચે પ્રતપરિચય આપવામાં આવ્યો છે.
ક પ્રત
યોગીન્દ્ર ત્રિપાઠી, વડોદરા, હસ્તપ્રત ક્રમાંક ૨૪. હસ્તપ્રત ચોપડા પ્રકારે ઊભી વચ્ચેથી સીવેલી છે. પ્રત ઊધઈથી ખવાયેલી ખૂબ કાણાંવાળી છે છતાં એકંદરે સારી રીતે વાંચી શકાય છે. પ્રતનાં પાનાંનું ઊભું માપ ૧૯ સેં.મિ. અને આડું મા૫ ૧૨.૫ સેં.મિ. છે. બંને બાજુ હાંસિયો છે પરંતુ હાંસિયાનું માપ એકસરખું રહ્યું નથી. હાંસિયો લાલ શાહીથી કરેલો છે. પ્રતમાં દરેક પાનાની ઉપર ૨ સેં.મિ. અને નીચે ૨ સેં.મિ. જેટલી જગ્યા છોડેલી છે. પ્રતમાં કૃતિઓને સળંગ પૃષ્ઠાંક આપેલા છે. પૃષ્ઠાંક પાછળની બાજુએ ઉપરના ડાબે ખૂણે હાંસિયામાં લખ્યા છે. નીચે જમણી બાજુ હાંસિયામાં ‘કૃષ્ણ’ લખેલું છે. તેની ઉપર કૃતિના સંક્ષેપાક્ષર જેમકે ‘ચિત્ત વિ.’ લખેલા છે. પ્રતમાં દરેક ચરણને અંતે લાલ શાહીથી બે દંડ કરેલા છે. કેટલાંક ચરણને અંતે દંડની જગ્યા રહી ગઈ છે. અક્ષર મોટા, ચોખ્ખા અને મરોડદાર છે. લખતાં-લખતાં પ્રત ક્યાંક સુધારેલી છે. પ્રતની લિપિ જૈન છે. ‘એ’ ને સ્થાને ‘ઐ’ લખાયો છે. ‘ખ’ને સ્થાને ‘ષ’ લખાયો છે. લેખનમાં અનુસ્વારનું પ્રાચુર્ય છે. પ્રતનાં શરૂઆતનાં ૮ અને પાછળનાં ૬ પૃષ્ઠ કોરાં છે. ‘ચિત્તવિચારસંવાદ’નાં ૧ થી ૩૭ પૃષ્ઠ છે. દરેક પૃષ્ઠ પર મોટે ભાગે ૧૮ લીટી છે, કવચિત ૧૭ લીટી ૫ણ છે. પૃ. ૩૭મા ઉપર ૧ + ૪ લીટી પુષ્પિકાની એમ પાંચ લીટીએ કૃતિ પૂરી થાય છે. દરેક લીટીમાં ૧૪થી ૧૬ અક્ષર છે. પ્રતમાં બીજી કૃતિઓ આ પ્રમાણે છે : ‘અખાજીના કક્કા’ પૃ. ૩૭ થી ૪૦, ‘બારમાસ’ પૃ. ૪૦ થી ૪૩, ‘સાતવાર’ પૃ. ૪૩થી ૪૪. ‘ચિત્તવિચારસંવાદ’ કૃતિની લે. સં. ૧૮૬૭ કારતક સુદ ૧૪ શનિવાર મળે છે. કૃતિનો આરંભ આ પ્રમાણે છે : શ્રી પરમાત્મને નમઃ. અથ ચિતવિચાર-સંવાદ લિખ્યતે ચોપઈ. પુષ્પિકા આ પ્રમાણે છે : ઇતિ શ્રી ચિતવિચાર સંપૂર્ણ. સંવત્ ૧૮૬૭નાં વર્ષે મિતિ કાર્તિક સુદિ ૧૪ સનેઉ. આ હસ્તપ્રતમાં છેલ્લો કડી ક્રમાંક ૪૧૨ છે પરંતુ ક્રમાંક ૧૬ અને ૩૮૯ અપાયો નથી તથા ક્રમાંક ૩૧૬ બે વાર અપાયો છે. એટલે ખરેખર કડી સંખ્યા ૪૧૧ થાય છે. ક્રમાંક લખવામાં બીજી કેટલીક ભૂલો પણ થયેલી છે. પણ આ બધા લેખનદોષો હોઈ કડી સંખ્યાની ગણતરીમાં કશો ફેર પડતો નથી. ‘પરાત્પર બ્રહ્મ તેણે લહ્યો’ એ ચરણથી શરૂ થતી ૩૫૪ ક્રમાંકવાળી કડી ભૂલથી ૩૫૨ અને ૩૫૩ ક્રમાંકવાળી કડીની વચ્ચે બીજી વાર લખાઈ ગયેલ છે.
ખ પ્રત
ભો. જે. વિદ્યાભવન, અમદાવાદ. હસ્તપ્રત ક્રમાંક ૭૫૪. હસ્તપ્રત આડી ચોપડાપ્રકારે વચ્ચેથી સીવેલી છે. પ્રતનાં પાનાંનું ઊભું મા૫ ૧૫ સેં. મિ. તથા આડું મા૫ ૧૪.૫ સેં. મિ. છે. બંને બાજુ ૨.૫ સેં. મિ. જેટલો હાંસિયો છે. આ હાંસિયો લાલ શાહીથી કરેલો છે. પ્રતમાં દરેક પાનાની ઉપર ૨ સેં. મિ. અને નીચે પણ ૨ સેં. મિ. જેટલી જગ્યા છોડી છે. પ્રતમાં થોડીક કૃતિઓને સ્વતંત્ર પૃષ્ઠાંક આપ્યા છે. બાકીની થોડીક કૃતિઓમાં સળંગ પૃષ્ઠાંક આપ્યા છે. પૃષ્ઠાંક પાછળની બાજુએ ઉપરના ડાબે ખૂણે અને નીચેના જમણા ખૂણે હાંસિયામાં લખ્યા છે. ક્રમાંકની ઉપર કૃતિનો સંક્ષેપાક્ષર લખેલો, જેમકે ‘ચિ ત્ત’. પ્રતમાં દરેક ચરણને અંતે લાલ શાહીથી બે દંડ કરેલા છે. અક્ષર મોટા, ચોખ્ખા અને મરોડદાર છે. પ્રત લખતાંલખતાં જ ક્યાંક સુધારેલી છે. પ્રતની લિપિ જૈન છે. ‘ચિત્તવિચારસંવાદ’ હસ્તપ્રતમાં બીજી કૃતિ છે. તેના પૃષ્ઠાંક ૧ થી ૮૧ છે. ૮૧મા પૃષ્ઠ પર ૨ લીટી + ૫ લીટી પુષ્પિકાની છે. બાકીના દરેક પાના પર ૯ લીટી છે. દરેક લીટીમાં લગભગ ૧૪ અક્ષર છે. પ્રતમાં બીજી કૃતિઓ આ પ્રમાણે છે : ‘અખેગીતા (અખાજીકૃત) પૃ. ૧થી ૮૫, ‘સુરતીબાઈનો વિવાહ’ (ધીરાકૃત) પૃ. ૧થી ૧૪, ‘પદ’ (નરસિંહમહેતાકૃત) પૃ. ૧થી ૩૦, ‘તિથિ’ (ખીમસ્વામીકૃત) પૃ. ૩૧થી ૩૬, ‘ચિંતામણિ’ (સુંદરદાસકૃત) પૃ. ૩૭થી ૪૨, ‘ચિંતામણિ’ (પ્રીતમદાસકૃત) પૃ. ૪૩થી ૪૮, ‘આરતી’ (અખઈદાસકૃત) પૃ. ૪૮, ‘પદ’ (કબીર, કૃષ્ણ, ધીરાનાં) પૃ. ૪૯થી ૫૮. હસ્તપ્રતના લેખનસંવતનો નિર્દેશ થયો નથી પરંતુ પ્રત સં. ૧૮૫૦ આસપાસ લખાયેલી ગણી શકાય. કૃતિનો આરંભ આ પ્રમાણે છે : શ્રી ગણેસાય નમઃ. શ્રી સારદાય નમઃ. અથ શ્રી ચિતવિચારસંવાદ લિખ્યતે. પુષ્પિકા આ પ્રમાણે છે : ઇતિ શ્રી ચિત્તવિચાર માહાબ્રહ્મવિદ્યા કૈવલ્ય મોક્ષદાયિની ચિત્તચિદસ્વરૂપ અખાજીકૃત ભાષ્ય સર્વે શાસ્ત્રનું સિદ્ધાંત સંપૂરણં સમાપ્તઃ. શ્રી રુઘનાથજી સત્ય છે : આ પ્રતમાં છેલ્લો કડી ક્રમાંક ૪૧૦ છે પરંતુ ક્રમાંક ૩૮૮ બે વાર અપાયો છે. તેથી ખરેખરી કડીસંખ્યા ૪૧૧ થાય છે. મુખ્યપ્રતની (અને સંપાદિત વાચનાની) કડીઓ ૩૦૮ અને ૩૦૯ આ પ્રતમાં આગળપાછળ થયેલી છે.
ગ પ્રત
ભો. જે. વિદ્યાભવન, અમદાવાદ હસ્તપ્રત ક્રમાંક ૬૨૬. હસ્તપ્રત ઊભી ચોપડાપ્રકારે વચ્ચેથી સીવેલી છે. પ્રતનાં પાનાંનું ઊભું મા૫ ૨૨ સેં. મિ. અને આડું મા૫ ૧૧ સેં. મિ. છે. બંને બાજુ ૧.૫ સેં. મિ. જેટલો હાંસિયો છે પરંતુ આ હાંસિયો ૬-૭ પાનાં સુધી જ છે. પછી આજુબાજુની જગ્યા ઓછી થઈ ગઈ છે. પ્રતમાં દરેક પાનાની ઉપર ૨ સેં. મિ. અને નીચે ૨ સેં. મિ. જેટલી જગ્યા છોડી છે. પૃષ્ઠાંક પાનાની પાછળની બાજુએ જમણા હાંસિયામાં લખ્યા છે. પ્રતમાં દરેક ચરણને અંતે મોટે ભાગે ૨ દંડ લાલ શાહીથી કર્યા છે. ક્વચિત એક પણ થયો છે. હસ્તપ્રત એક જ લહિયાના અક્ષરમાં લખાયેલી છે. અક્ષર સુવાચ્ય છે. પરંતુ પાછળથી થોડા બગડ્યા છે. લેખનદોષ ઘણા રહ્યા છે પરંતુ પાઠ કેટલેક ઠેકાણે વધારે સાચા છે. ક્યાંક આખી પંક્તિ તો ક્યાંક ચરણ લખવાનાં રહી ગયાં છે. હસ્તપ્રતની લિપિ જૈન છે. ‘એ’ને ઘણી વાર માત્રાવાળો ‘ઐ’ લખ્યો છે. વધારનો રેફ પણ મળે છે : ‘ર્પણ’, પ્રવૃર્તિ’. હસ્તપ્રત ખંડિત છે. કુલ ૨૦ પૃષ્ઠની પ્રત છે. પણ પહેલું પૃષ્ઠ નથી ને કૃતિ ૮મી કડીથી શરૂ થાય છે. દરેક પાના પર ૨૫થી ૨૬ લીટી છે. દરેક લીટીમાં શરૂઆતનાં પૃષ્ઠોમાં ૧૫ અને પછીથી ૨૧ જેટલા અક્ષર છે. હસ્તપ્રતની લેખનસંવતનો ક્યાંય નિર્દેશ થયેલો નથી. પરંતુ પ્રત સં. ૧૯૦૦ આસપાસ લખાયેલી જણાય છે. અખાજીકૃત ‘ચિત્તવિચારસંવાદ’ એ એક જ કૃતિ આ પ્રતમાં છે. કૃતિનો આરંભ નથી. પુષ્પિકા આ પ્રમાણે છે : ઇતિ શ્રી અખાસ્વામીકૃત ચિત્તવિચારસંવાદ સંપૂર્ણઃ. આ હસ્તપ્રતનો છેલ્લો કડી ક્રમાંક ૪૧૨ છે. પરંતુ ૫૪, ૩૧૭, ૩૬૧ અને ૩૮૭ એ ક્રમાંક બે વાર અપાયા છે અને ૧૮, ૫૫, ૩૫૮, ૩૮૮, ૩૯૪ એ ક્રમાંક અપાયા જ નથી. એટલે ખરેખર કડીસંખ્યા ૪૧૧ થાય છે. કેટલીક કડીઓનાં કેટલાંક ચરણો લખવાનાં રહી ગયાં છે : કડી ૨૦૪ (સં. વા. ૨૦૩)નાં ચરણ ૨ અને ૩, કડી ૨૬૨ (સં. વા. ૨૬૧)નું ચરણ ૪, કડી ૨૬૮ (સં. વા. ૨૬૭)નાં ચરણ ૧ અને ૨, તથા કડી ૪૦૪ (સં. વા. ૪૦૩)નું ચરણ ૨. કેટલીક કડીઓ આ પ્રતમાં લખવાની રહી ગઈ છે : ૧૬મી, ૬૪ (સં. વા. ૬૩)મી, ૬૫મી (સં. વા. ૬૪મી) તથા ૬૭ (સં. વા. ૬૬)મી.
ઘ પ્રત
ફાર્બસ ગુજરાતી સભા, મુંબઈ, હસ્તપ્રત ક્રમાંક ૩૩૬. હસ્તપ્રત ચોપડાપ્રકારે વચ્ચેથી ઊભી સીવેલી છે. પ્રતનાં પાનાંનું ઊભું માપ લગભગ ૨૩ સેં. મિ. અને આડું મા૫ ૧૪ સેં. મિ. છે. પાનાની બંને બાજુ આશરે ૨-૨ સેં. મિ.નો હાંસિયો છે, જે લાલ શાહીથી કરેલો છે. હસ્તપ્રતમાં ઉપર અને નીચે થોડી જગ્યા છોડી છે. પ્રતમાં પૃષ્ઠાંક સળંગ આપેલા છે. પૃષ્ઠાંક પાછળની ડાબી બાજુના હાંસિયામાં મથાળે લખેલા છે, ને તેની ઉપર કૃતિનામના સંક્ષેપાક્ષર છે, જેમકે ‘ચી’. ‘અથ’ ‘ઇતિ’ની પંક્તિઓ તથા બે દંડ લાલ શાહીથી કરેલા છે. પ્રત એક જ લહિયાના અક્ષરમાં લખાયેલી છે. અક્ષર ચોખ્ખા, મરોડદાર ને સુંદર છે. ક્યાંકક્યાંક પ્રત પાછળથી સુધારેલી છે. પ્રતની લિપિ નાગરી જૈન છે. ‘ખ’ને સ્થાને ‘ષ’ અને ‘વ’ને સ્થાને ‘બ’ લખાયો છે, જેમકે વલતા – બલતા. ‘એ’ની ઉપર વધારાની માત્રા થયેલી છે, જેમ કે ‘ઐ’. પ્રતની સ્થિતિ સારી છે. બેત્રણ જાતના કાગળ ઉપયોગમાં લીધા છે. વચ્ચેના કાગળ જૂના લાગે છે. ૩૯૦ પૃષ્ઠાંક આપેલા છે, તેમાં ૩૮૭ સુધીના પૃષ્ઠાંકના કાગળ એક સરખા છે. ૩૮૮થી ૩૯૦ એ ત્રણ પૃષ્ઠાંકના કાગળ હસ્તપ્રતમાં આગળ અને પાછળ બંને બાજુ પાછળથી થોડાં પાનાં ઉમેરાયાં છે તે માંહેના છે. આ ઉમેરેલાં પાનાંમાં લખાણ પાછળથી થયેલું જણાય છે, જે ગુજરાતી લિપિમાં છે. ‘ચિત્તવિચારસંવાદ’ કૃતિ પૃ. ૫૬ની આગલી બાજુની ૩જી લીટીથી શરૂ થાય છે અને પૃ. ૭૦ની આગલી બાજુના અંતે પૂરી થાય છે. દરેક પૃષ્ઠ પર ૨૭ લીટી છે. દરેક લીટીમાં ૨૩થી ૨૫ અક્ષર છે. હસ્તપ્રતમાં ક્રમશઃ બીજી કૃતિઓ આ પ્રમાણે છે : ‘સુંદરવિલાસ’ (સુંદરદાસકૃત – હિન્દી) પૃ. ૧થી ૪૯; ‘વિચારમાલા’ (સુંદરદાસકૃત - હિન્દી) પૃ. ૪૯થી ૫૬; ‘ચિત્તવિચારસંવાદ’ (અખાજીકૃત) પૃ. ૫૬થી ૭૦; ‘અખેગીતા’ (અખાજીકૃત) પૃ. ૭૦થી ૮૬; છપ્પા (અખાજીકૃત) પૃ. ૮૬થી ૧૦૭; ‘ચોપદી – સાખી’ (અખાજીકૃત) પૃ. ૧૦૭થી ૧૩૨; ‘ગુરુશિષ્યસંવાદ’ (અખાજીકૃત) પૃ. ૧૩૨થી ૧૪૬; ‘દુહા’ (અખાજીકૃત) પૃ. ૧૪૬થી ૧૫૪; ‘અનુભવબિંદુ’ (અખાજીકૃત) પૃ. ૧૫૪થી ૧૫૮; ‘બારમાસ’ (અખાજીકૃત) પૃ. ૧૫૮–૫૯; ‘દીનમણિ’ (પ્રાગજીભાઈકૃત – હિન્દી) પૃ. ૧૫૯થી ૧૬૭; ‘ચેતામણિ’ (પ્રાગદાસકૃત – હિન્દી) પૃ. ૧૬૭–૬૮, ‘રામ રસાયન ગ્રંથ’ (પ્રાગદાસકૃત – હિન્દી) પૃ. ૧૬૯થી ૭૧; ‘માસ’ (પ્રાગદાસકૃત) પૃ. ૧૭૧થી ૭૩; ‘તિથિ’ (પ્રાગદાસકૃત) પૃ. ૧૭૪થી ૭૬; ‘સર્ગ’ (રત્નેશ્વરકૃત) પૃ. ૧૭૬–૮૩, ‘રાંકા વાંકાની પરચરી’ (અનંતદાસકૃત – હિન્દી) પૃ. ૧૮૩થી ૮૯, ‘કક્કો’ (અખાજીકૃત) પૃ. ૧૮૯થી ૯૦; ‘કક્કો’ (દેવીદાસકૃત) પૃ. ૧૯૦થી ૧૯૨; ‘કક્કો’ (રણછોડદાસકૃત) પૃ. ૧૯૨થી ૯૩; ‘ચેતામણી’ (રણછોડકૃત) પૃ. ૧૯૩થી ૯૬; ‘ચેતામણી’ (સુંદરદાસકૃત) પૃ. ૧૯૬થી ૯૭; ‘અજગર પ્રહલ્લાદ સંવાદ’ (ભાણદાસકૃત) પૃ. ૧૯૮થી ૯૯; ‘ચાતુરી’ (નરસિંહકૃત) પૃ. ૧૯૯થી ૨૧૨; ‘પદ’ (નરસિંહકૃત) પૃ. ૨૧૨થી ૨૬; ‘પદ’ અખાકૃત) પૃ. ૨૨૬થી ૩૯; ‘પદ’ (નરસિંહકૃત) પૃ. ૨૩૯થી ૪૫; ‘પદો’ (અખો, નરસિંહ, રણછોડકૃત) પૃ. ૨૪૫થી ૪૬; ‘સાખી’ (દાદુદયાલકૃત) પૃ. ૨૪૬થી ૩૨૪; ‘પદ’ (દાદુદયાલકૃત) પૃ. ૩૨૪થી ૭૫; ‘પંચીકરણ’ (અખાકૃત) પૃ. ૩૭૬થી ૭૯, ‘દુહા’ (અખાકૃત) પૃ. ૩૮૦થી ૮૨; ૩ ‘કક્કા’ (પ્રાગજીભાઈકૃત) પૃ. ૩૮૩થી ૮૮; ‘કક્કો’ (પ્રીતમકૃત) પૃ. ૩૮૮થી ૮૯; ‘અવસ્થાનિરૂપણ’ (અધૂરી કૃતિ) પૃ. ૩૮૯થી ૯૦. પ્રતમાં ક્યાંય લેખનસંવત નથી પણ અનુમાને સં. ૧૮૫૦ આસપાસમાં લખાયેલી હોવાનું અનુમાન થઈ શકે તેમ છે. કૃતિનો આરંભ આ પ્રમાણે છે : શ્રી ગુરુભ્યો નમઃ. અથ ચિતવીચ્યાર ગ્રંથ લીખ્યતે. પુષ્પિકા આ પ્રમાણે છે : ઇતિ શ્રી ચિતવીચ્યાર સંવાદ સંપૂર્ણ : શ્રી શુભં ભવતુઃ. આ હસ્તપ્રતમાં છેલ્લો કડીક્રમાંક ૪૧૨ છે. હસ્તપ્રતમાં કડીક્રમાંક બધા સળંગ ચાલે છે. ચરણવ્યવસ્થા પણ મુખ્ય પ્રત ક જેવી જ છે. માત્ર ૨૯૬મી કડીનું બીજું ચરણ લખવાનું રહી ગયું છે. હસ્તપ્રતમાં છેલ્લી એક ૪૧૨મી કડી મુખ્ય પ્રત ક કરતાં વધારાની મળે છે, જે સંપાદિત વાચનમાં પાઠાંતરમાં નોંધી છે.
ચ પ્રત
ફાર્બસ ગુજરાતી સભા, મુંબઈ, હસ્તપ્રત ક્રમાંક ૩૬૨. હસ્તપ્રત આડી ચોપડા પ્રકારે વચ્ચેથી સીવેલી છે. પ્રતનાં પાનાંનું ઊભું માપ ૧૩.૫ સેં. મિ. અને આડું માપ ૨૦ સેં. મિ. છે બંને બાજુ ૨-૨ સેં. મિનો હાંસિયો છે જે લાલ શાહીથી કરેલો છે. પ્રતમાં દરેક પાનાની ઉપર ૨ સેં, મિ અને નીચે ૨ સેં. મિ. જેટલી જગ્યા છોડી છે. પ્રતની કેટલીક કૃતિઓનાં પૃષ્ઠાંક સ્વતંત્ર છે તો કેટલીક કૃતિઓને સળંગ પૃષ્ઠાંક આપ્યા છે. પૃષ્ઠાંક દરેક પાનાની બાજુએ ઉપરના ડાબે ખૂણે હાંસિયામાં લખેલા છે, ને તેના પર કૃતિનામનો સંક્ષેપ છે, જેમ કે ‘ચીત; પ્રતમાં આવતાં ‘અથ’ ‘ઇતિ’ તથા દંડ લાલ શાહીથી કરેલા છે. પ્રત એક જ લહિયાના અક્ષરમાં લખાયેલી છે. અક્ષર સુંદર ન કહેવાય એવા પણ સુવાચ્ય છે. પ્રતની લિપિ જૈનેતર છે. અને અર્વાચીનની નજીકની છે. ‘ખ’ને બદલે ‘ષ’ લખાયો છે. ‘ચિત્તવિચારસંવાદ’ કૃતિનાં પૃષ્ઠ ૧થી ૪૯ છે. ૪૯ પૃ. પર પાછળની બાજુએ ૬ લીટી છે. બાકીના દરેક પાના પર ૯ લીટી છે. દરેક લીટીમાં આશરે ૨૦થી ૨૨ અક્ષર છે. આ કૃતિની લે.સં. ૧૮૬૯ કારતક સુદ ૭ ગુરુવાર મળે છે. હસ્તપ્રતમાં અન્ય કૃતિઓ ક્રમશઃ આ મુજબ છે : ‘સંતપ્રિયા’ (અખાજી-કૃત – હિન્દી), પૃ. ૧થી ૩૦; ‘જ્ઞાનગીતા’ (અજ્ઞાત કવિની કૃતિ – સંસ્કૃતમાં) પૃ. ૧થી ૩; ‘છપ્પા’ અથવા ‘અનુભવબિંદુ’ (અખાજીકૃત) પૃ. ૧થી ૯; ‘અખેગીતા’ (અખાજીકૃત) પૃ. ૧થી ૫૪; ‘ગુરુશિષ્યસંવાદ’ (અખાજીકૃત) પૃ. ૫૫થી ૯૩; ‘છપ્પા’ (અખાજીકૃત) પૃ. ૯૪થી ૧૮૧; ‘સાખી’ (અખાજીકૃત) પૃ. ૧૮૨થી ૨૮૪ (આ ૧૮૨થી ૨૮૪ પૃષ્ઠાંક પ્રતમાં લખાયા નથી.); ‘વશિષ્ટસારગીતા’(નરહરિદાસકૃત) પૃ. ૨૮૪થી ૩૬૧, લે. સં. ૧૮૬૪. કૃતિનો આરંભ આ પ્રમાણે છે; શ્રી ગુરુભ્યો નમઃ. અથ ચિતવિચાર ગ્રંથ લિખ્યતે. ચોપૈ. પુષ્પિકા આ પ્રમાણે છે : ઈતિ શ્રી અખાસ્વાંમીવિર્ચિત ચીતવીચારગ્રંથ સંપૂર્ણમ્. સંવત ૧૮૬૯ વર્ષે કાર્તિક માસે શુકલ પક્ષે સપ્તી ગુરુવાસરે સંપૂર્ણં. આ હસ્તપ્રતમાં છેલ્લો કડી ક્રમાંક ૪૧૦ છે. પરંતુ ક્રમાંક ૩૧૩, ૩૩૮ બે વાર અપાયા છે તથા ક્રમાંક ૩૭૮ અપાયો નથી. એટલે ખરેખર કડીસંખ્યા ૪૧૧ થાય છે. આ પ્રત ચરણવ્યવસ્થાનો એક ફેરફાર બતાવે છે : ૨૦૫મી કડીમાં ‘એમ સમઝે થઈયે સાક્ષાત, સો વાતની એક જ વાત’ આ બે ચરણ આરંભમાં વધારાનાં છે. તેથી ૬ ચરણની કડી બને છે.
છ પ્રત :
ફાર્બસ ગુજરાતી સભા, મુંબઈ, હસ્તપ્રત ક્રમાંક ૮૨૬. હસ્તપ્રત આડી ચોપડા પ્રકારે સીવેલી છે. પ્રતમાં ઊધઈથી થયેલાં કાણાં છે પણ એનું પ્રમાણ ઓછું છે. પ્રતના પાનાનું ઊભું મા૫ ૧૭ સેં. મિ. અને આડું માપ ૧૩ સેં. મિ. છે. બંને બાજુ આશરે ૨ સેં. મિ જેટલો હાંસિયો છે જે લાલ શાહીથી કરેલો છે. પ્રતમાં દરેક પાનાની ઉપર અને નીચે લગભગ ૨-૨ સેં. મિ. જગ્યા છોડી છે. પ્રતમાં દરેક કૃતિને સ્વતંત્ર પૃષ્ઠાંક આપ્યા છે. પૃષ્ઠાંક પાછળની બાજુએ ઉપરના ડાબે ખૂણે હાંસિયામાં લખેલા છે. ઉપરના ખૂણામાં ક્રમાંકની ઉપર કૃતિનો સંક્ષેપાક્ષર જેમકે ‘ચિત.’ લખેલો છે. પ્રતમાં દરેક ચરણને અંતે લાલ શાહીથી બે દંડ કરેલા છે. અક્ષર સુંદર ન કહેવાય એવા પણ મોટા, ચોખ્ખા અને સ્પષ્ટ છે. પ્રતની લિપિ જૈનેતર છે. ‘ખ’ને સ્થાને ‘ષ’ લખાયો છે. હસ્તપ્રતમાં ૫મી કૃતિ ‘ચિત્તવિચારસંવાદ’ છે. જેનાં ૧થી ૬૦ પૃષ્ઠ છે. ૬૦મા પાના પર ૬+૫ પુષ્પિકાની એમ ૧૧ લીટી છે. બાકીના દરેક પાના પર ૧૨ લીટી છે. દરેક લીટીમાં લગભગ ૧૨ અક્ષર છે. આની લે. સં. ૧૮૬૮ શ્રાવણ સુદ ૪ મંગળવાર મળે છે. આ કૃતિના આરંભે ‘અખેગીતા’ લખ્યું છે તે ભૂલ થઈ છે. હસ્તપ્રતમાં અખાજીની બીજી કૃતિઓ છે, જે આ પ્રમાણે છે : ‘સોરઠા’ પૃ. ૧થી ૩૨; ‘છપ્પા’ પૃ. ૧થી ૧૫; ‘અખેગીતા’ પૃ. ૧થી ૫૬, લે. સં. ૧૮૬૮ કારતક સુદ ૨; ‘ગુરુશિષ્યસંવાદ’ પૃ. ૧થી ૪૭ લે. સં. ૧૮૬૬ અશ્વિન ૧૧, બુધવાર; ‘ષટપદી’ (છપ્પા), લે. સં. ૧૮૬૮ અષાડ સુદ ૧૪. આ ષટપદી જે પૃષ્ઠો પર છે તે પૃષ્ઠોને ક્રમાંક આપ્યા નથી. પરંતુ તેનાં ૭૭ પૃષ્ઠ છે. દંડ કરીને પૃષ્ઠાંક લખવાના બાકી રાખ્યા છે. હસ્તપ્રતમાં આરંભનાં થોડાં પાનાં કોરાં છે. પછી ૫ કડીની એક કૃતિ અને હિન્દીમાં સવૈયા છે. પછી ૭ પાનાં કોરાં છે, જેમાં પાછળથી થોડું લખાયેલું છે. પ્રતમાં પાછળનાં પણ ૪૦ જેટલાં પાનાં કોરાં છે. કૃતિનો આરંભ આ પ્રમાણે છે : શ્રી ગુરુભ્યો નમઃ. અથ અખેગીતા લીખ્યતે. રાગ ધન્યાશ્રી. પુષ્પિકા આ પ્રમાણે છે : ઈતિ શ્રી અખાસ્વામી કૃત ચીતવીચારગ્રંથ સંપૂણમ્. સંવત ૧૮૬૮ના વર્ષે શ્રાવણ માસે કૃષ્ણ પક્ષે ચતુર્થિ મંગલવાસરે સંપૂર્ણાં. શ્રી રામ શ્રી રામ. આ પ્રતમાં છેલ્લો કડી ક્રમાંક ૪૧૨ છે, પરંતુ ક્રમાંક ૨૪૭ અને ૨૮૭ અપાયા નથી તથા ક્રમાંક ૨૫૦ બે વાર અપાયો છે. તેથી ખરેખર કડીસંખ્યા ૪૧૧ છે. મુખ્ય પ્રત કમાં છે તેવાં કેટલાંક ચરણોનો આ પ્રતમાંથી લોપ થયો છે તો કેટલાંક નવાં ચરણ ઉમેરાયાં છે જેમકે, ૨૦૫મી કડીમાં ચરણ ૧, ૨ ‘એમ સમઝે થઈએ સાક્ષાત, સો વાતની એક જ વાત’ મુખ્ય પ્રત કમાં નથી તેવાં વધારાનાં છે. તેથી મુખ્ય પ્રત કનાં ચરણ ૧, ૨ અહીં ૩, ૪ બન્યાં છે. મુખ્ય પ્રત કનાં ૩, ૪ ચરણ ૨૦૬મી કડીનાં ૧, ૨ ચરણ તરીકે છે. આમ આ પ્રત મુખ્ય પ્રત કથી બે ચરણનો ફેરફાર બતાવે છે જે કડી ૨૦૮ સુધી ચાલુ રહે છે. પછી મુખ્ય પ્રત કની ૨૦૮મી કડીનાં ‘ભગલિંગ દેખી ભરમેં બહુ, આકાર્યેં વલગા છે સહુ’ આ બે ચરણોનો લોપ થતાં ૨૦૯મી કડીથી ચરણવ્યવસ્થા મુખ્યપ્રત ક મુજબ થઈ જાય છે. કડી ૨૫૩માં ૩, ૪ ચરણ મુખ્યપ્રત કરતાં ઊલટાંસૂલટાં છે. કડી ક્રમાંક ૩૦૯ અને ૩૧૦ મુખ્ય પ્રત કથી આગળ પાછળના ક્રમે છે. કૃતિના છેલ્લા પાના પર ઉપરની અને નીચેની કોરી જગ્યામાં સમાપન-રૂપ બે કડીઓ પેન્સિલથી લખેલી છે. તે શિરોરેખાવાળી નાગરીલિપિમાં છે પરંતુ તેમાં અત્યારના ગુજરાતી મરોડ પણ આવી ગયા છે અને અર્વાચીન સમયનો જ ઉમેરો હોય એમ જણાય છે. અબ અને ઘઝમાં મળતી વધારાની કડીઓથી આ જુદી જ કડીઓ છે. તેની નોંધ લેવાની જરૂર નથી.
જ પ્રત
ફાર્બસ ગુજરાતી સભા, મુંબઈ, હસ્તપ્રત ક્રમાંક ૩૪૯. હસ્તપ્રત આડી ચોપડાપ્રકારે વચ્ચેથી સીવેલી છે. પ્રતના પાનાનું ઊભું માપ ૧૧.૫ સેં. મિ. છે, આડું મા૫ ૧૮.૫ સેં. મિ. છે. પાનાની બંને બાજુ ૨–૨ સેં. મિ.નો હાંસિયો છે. આ હાંસિયો લાલ શાહીથી કરેલો છે. પ્રતમાં દરેક પાનાની ઉપર ૧.૫ સેં. મિ. અને નીચે પણ ૧.૫ સેં.મિ. જેટલી જગ્યા છોડી છે. પ્રતમાં પૃષ્ઠાંક બે તબક્કે આપ્યા છે. પહેલા ૧થી ૭૦, ફરી પછી પાછા ૧થી ૨૬૯. છેલ્લા થોડાક પૃષ્ઠાંક ક્રમાંક વિનાના છે. પૃષ્ઠાંક દરેક પાનાની પાછળની બાજુએ ઉપરના ડાબે ખૂણે હાંસિયામાં લખ્યા છે. ક્રમાંકની ઉપર કૃતિનામનો સંક્ષેપાક્ષર લખેલો છે, જેમકે ‘ચિત્ત.’ પ્રતમાં દરેક ચરણને અંતે લાલ શાહીથી બે દંડ કરેલા છે. પ્રત સુંદર ન કહેવાય એવા પણ મોટા, ચોખ્ખા અને સ્પષ્ટ અક્ષરમાં લખાયેલી છે. લખતાં-લખતાં પ્રત ક્યાંક ક્યાંક સુધારેલી છે. પ્રતની લિપિ જૈનેતર છે. ‘ખ’ને સ્થાને ‘ષ’ લખાયો છે. પ્રતનું પહેલું પાનું ફાટીને નીકળી ગયું છે. ‘ચિત્તવિચારસંવાદ’ કૃતિ ૭મી કડીથી શરૂ થાય છે. દરેક પાના ૫૨૮ લીટી છે અને દરેક લીટીમાં ૨૦–૨૧ અક્ષર છે. પૃષ્ઠાંક ૪થું પહેલી બાજુ અને પૃષ્ઠાંક ૬૨મું બીજી બાજુ કોરું છે. આરંભનાં ૩ અને અંતનાં ૬ પૃષ્ઠ પણ કોરાં છે. પ્રતમાં અખાજીકૃત કૃતિઓ ક્રમશઃ આ મુજબ છે : ‘ચિત્તવિચારસંવાદ’ પૃ. ૧થી ૬૨; ‘અવસ્થાનિરૂપણ’ પૃ. ૬૩થી ૬૮; ‘બ્રહ્મલીલા’ પૃ. ૬૮થી ૭૪; ‘અમૃતકલારમેણી’ પૃ. ૭૫થી ૭૭; ‘અખેગીતા’ લે. સં. ૧૮૬૩ કારતક વદ, પૃ. ૨થી ૬૦; ‘ગુરુશિષ્યસંવાદ’ પૃ. ૬૦થી ૧૦૭; ‘ષટપદી’ પૃ. ૧૦૮થી ૧૮૨; સાખી-દુહા પૃ. ૧૮૨થી ૨૬૯. ત્યાર પછી ‘કવિત’ (કબીર, તુલસી, અખાજીકૃત) પૃષ્ઠાંક આપ્યા નથી, પરંતુ એ ૪૧ પાનાં છે. કૃતિનો આરંભ નથી. અંતભાગમાં પણ કશું નથી. આ હસ્તપ્રતમાં છેલ્લો કડી ક્રમાંક ૪૧૧ છે પરંતુ ક્રમાંક ૩૧૫ બે વાર અપાયો છે. એટલે ખરેખર કડીસંખ્યા ૪૧૨ થાય છે. ક્રમાંક લખવામાં બીજી કેટલીક ભૂલો પણ થયેલી છે પરંતુ આથી કડી-સંખ્યાની ગણતરીમાં કશો ફરક પડતો નથી. મુખ્ય ક પ્રતથી આ પ્રત કડીસંખ્યામાં ૧નો વધારો બતાવે છે તે આ રીતે ઊભો થયેલો છે : ૧૫૫ ક્રમાંકવાળી બે કડીમાંથી પહેલી કડી (સં. વા. ૧૫૪)માં આરંભમાં ‘તે તે શું ને ક્યમ ઉપજે, તે પાછો નર ૫ દેહ ભજે’ એ બે વધારાનાં ચરણ લખીને રદ કરેલાં છે અને તેથી કડી માત્ર મુખ્ય પ્રતના ૧, ૨ ચરણની જ બનેલી છે. મુખ્ય પ્રતનાં બાકીનાં બે ચરણ પછીની કડીમાં ગયાં છે. ચરણ–વ્યવસ્થાનો આ જાતનો ફેરફાર આ પ્રતની ૨૦૫મી કડી સુધી ચાલે છે. ૨૦૫મી (સં. વા. ૨૦૪) કડીમાં ‘જો જન સમઝે તો લક્ષ ઝાલ, અખેપદ કહ્યું અજમાલ’ આ બે ચરણ પછી ‘એમ સમઝે થઈએ સાક્ષાત, સો વાતની એક જ વાત’ એ વધારાનાં ચરણો આવે છે. તેથી આ પ્રતની ૨૦૬મી (સં. વા. ૨૦૫મી) કડીથી ચરણવ્યવસ્થા મુખ્ય પ્રત ક મુજબ થઈ જાય છે. પરંતુ બે ચરણ આગળ ખસેડાઈને તેમાં બે ચરણ ઉમેરાવાથી આ પ્રતમાં ૧ કડી વધી ગઈ છે. ચરણવ્યવસ્થાનો આ જાતનો ફેરફાર બીજે એક ઠેકાણે પણ થયો છે. આ પ્રતની ૨૧૫મી (સં. વા. ૨૧૪)મી કડીમાં મુખ્ય પ્રતના ૧, ૨ ચરણ નથી અને પછીની કડીનાં પહેલાં બે ચરણ અહીં ૩, ૪ ચરણ તરીકે આવીને આ કડી બનેલી છે. ચરણવ્યવસ્થાનો આ જાતનો ફેરફાર આ પ્રતની ૨૩૬મી (સં. વા. ૨૩૫મી) કડી સુધી ચાલે છે. એ કડી ‘જે પોતામાંહાં વેચે વેચણુ, તે સમઝાય તો વારુ ઘણું’ એ બે ચરણથી બનેલી છે એટલે પછીની કડીથી ચરણ-વ્યવસ્થા મુખ્ય પ્રત ક મુજબ થઈ જાય છે. ચરણવ્યવસ્થાના આ ફેરફારમાં મુખ્ય પ્રત કનાં ૨ ચરણ લુપ્ત થયાં છે. પણ સામે બે જ ચરણની એક કડી બની છે તેથી કડીસંખ્યામાં કશી વધઘટ થતી નથી. ત્રણ સ્થાને અહીં કડીઓના ક્રમ આગળપાછળ થયા છે : સંપાદિત વાચના ૨૪૨ અને ૨૪૩ (અહીં ૨૪૪ અને ૨૪૩), સંપાદિતવાચના ૨૭૧ અને ૨૭૨ (અહીં ૨૭૩ અને ૨૭૨) તથા સંપાદિતવાચના ૩૦૮ અને ૩૦૯ (અહીં ૩૧૦ અને ૩૦૯). ૮૧મી કડીના ચરણ ૩, ૪ મુખ્યપ્રતથી ઊલટા ક્રમમાં છે.
ઝ પ્રત
પ્રાચ્યવિદ્યામંદિર, વડોદરા, હસ્તપ્રત ક્રમાંક ૨૬૪૫૨. હસ્તપ્રત ઊભી ચોપડા પ્રકારે વચ્ચેથી સીવેલી છે. પ્રત ધાર પરથી કપાયેલી છે. પ્રતના પાનાનું ઊભું મા૫ ૨૩.૫ સેં.મિ. અને આડું માપ ૧૪ સેં.મિ. છે. બંને બાજુ ૨–૨ સેં.મિ.નો હાંસિયો છે. હાંસિયો લાલ શાહીથી કરેલો છે. પ્રતમાં દરેક પાનાની ઉપર ૨ સેં.મિ. અને નીચે ૨ સેં.મિ. જેટલી જગ્યા છોડી છે. પ્રતમાં કેટલીક કૃતિઓને સ્વતંત્ર પૃષ્ઠાંક આપ્યા છે તો કેટલીક કૃતિઓમાં સળંગ પૃષ્ઠાંક આપ્યા છે. પૃષ્ઠાંક દરેક પાનાની પાછળની બાજુએ ડાબી બાજુ મથાળે હાંસિયામાં લખ્યા છે. ક્રમાંકની ઉપર કૃતિનામનો સંક્ષેપાક્ષર લખેલો છે, જેમકે ‘ચિત.’ કેટલેક ઠેકાણે નીચે પણ એ મુજબ છે. બધે એકસરખી પદ્ધતિ નથી. જમણી બાજુ નીચેના ભાગમાં જે પૃષ્ઠાંક છે તે સ્વતંત્ર છે. પૃષ્ઠાંકની સાથે કેટલેક ઠેકાણે ‘રામ’ લખેલું છે. પ્રતમાં દરેક ચરણને અંતે લાલ શાહીથી બે દંડ કરેલા છે. હસ્તપ્રતમાં સામાન્ય રીતે એક જ લહિયાના અક્ષર છે જે સુવાચ્ય છે. પ્રત લખતાં-લખતાં ક્વચિત સુધારેલી છે. પ્રતની લિપિ જૈનેતર છે. અખાજીકૃત ‘ચિત્તવિચારસંવાદ’નાં ૩૧ પૃષ્ઠ છે. પૃષ્ઠાંક ૩૧ (બીજી બાજુ) પર ૭ લીટી છે. બાકી દરેક પાના પર સામાન્ય રીતે ૨૦ લીટી છે. દરેક લીટીમાં ૧૬થી ૧૮ અક્ષર છે. પ્રતમાં કૃતિઓ ક્રમશઃ આ મુજબ છે : ‘છપ્પા’ અથવા ‘અનુભવબિંદુ’ (અખાજીકૃત) પૃ. ૧થી ૭; ‘ચિત્તવિચારસંવાદ’ (અખાજીકૃત) પૃ. ૧થી ૩૧; ‘ગીતા’ (પ્રીતમદાસકૃત) પૃ. ૧થી ૬૦ લે. સં. ૧૮૭૨; ‘વશિષ્ટસારગીતા’ (નરહરિદાસકૃત) પૃ. ૧થી ૧૨૦ લે. સં ૧૮૭૨; ‘વિચારમાલ’ (અનાથકૃત) પૃ. ૧૨૦થી ૧૩૦; ‘ચાતુરી’ (રણછોડકૃત) પૃ. ૧૩૭થી ૧૫૦. કૃતિનો આરંભ આ પ્રમાણે છે : શ્રી રામાય નઃ. અથ શ્રી અખાજીક્રત ચીતવીચારપ્રારંભ. પુષ્પિકા આ પ્રમાણે છે : ઈતિ શ્રી અખાજીક્રત ચીતવીચારસંવાદ સંપૂર્ણ. સમાપ્તે. સુભં ભવતુ. આ હસ્તપ્રતમાં છેલ્લો કડીક્રમાંક ૪૧૨ છે અને ખરેખર કડીસંખ્યા પણ ૪૧૨ છે. પ્રતમાં ક્રમાંક લખવામાં કેટલીક ભૂલો થયેલી છે પરંતુ આથી કુલ કડી-ક્રમાંકમાં કશો ફરક પડતો નથી. મુખ્ય પ્રત ક કરતાં ૧ વધારાની કડી મળે છે, જે સંપાદિત વાચનાના પાઠાન્તરમાં આપેલી છે. શરૂઆતમાં મુખ્ય પ્રત કમાં નથી તેવાં નવાં ૨ ચરણ ‘એમ સમઝે થઈએ સાક્ષાત, સો વાતની એક જ વાત’ આ પ્રતની ૨૦૫મી કડીમાં વધારે આવવાથી મુખ્ય પ્રત ક સાથે બે ચરણનો ફરક શરૂ થાય છે પરંતુ આ પ્રતની ૨૦૮મી કડીમાં ૪ને બદલે ૬ ચરણ આવતાં ૨૦૯મી કડીથી ચરણવ્યવસ્થા મુખ્ય પ્રત ક મુજબ થઈ જાય છે. કડી ૮૧ અને ૨૧૭નાં ત્રણ, ચાર ચરણ મુખ્ય પ્રતથી ઊલટાંસુલટાં છે. કડી ૨૭૩નું ચોથું ચરણ નથી. ૨૭૧ અને ૨૭૨ અને ૩૦૮ અને ૩૦૯ કડીઓ અહીં ઊલટાસુલટા ક્રમે છે.
અ પ્રત
‘અખાની વાણી’ (પ્રકા. સસ્તું સાહિત્ય વર્ધક કાર્યાલય, અમદાવાદ, વિ. સં. ૨૦૦૦, આવૃત્તિ ત્રીજી)માં પૃ. ૩૨૮થી ૩૬૯ પર મુદ્રિત થયેલો પાઠ. આ મુદ્રિત પ્રતમાં છેલ્લો કડીક્રમાંક ૪૧૩ છે. આ પ્રત મુખ્ય પ્રત કમાં નથી એવી ત્રણ વધારાની કડી આપે છે. જુઓ સંપાદિત વાચનાની કડી ૧૭૦, ૨૦૯ અને ૪૧૧ના પાઠાંતરની નોંધ. સંપાદિત વાચનાની ૩૧૪મી કડી આ હ. પ્ર.માં નથી. મુખ્ય પ્રત કમાં છે તેવાં કેટલાંક ચરણોનો આ પ્રતમાંથી લોપ થયો છે તો કેટલાંક નવાં ચરણ ઉમેરાયાં છે. જેમકે, સંપાદિત વાચનાની ૧૧૧મી કડીમાં દરેક પંક્તિ પછી બીજી એક પંક્તિ ઉમેરીને બે કડી થયેલી છે તેથી એ કડીના ક્રમાંક આ પ્રતમાં ૧૧૧–૧૨ થાય છે. આમ અહીં એક કડી વધે છે.
સંપાદિત વાચનાની કડી ૧૩૯નાં પહેલાં બે ચરણ આ પ્રતમાં નથી અને પછીની કડીનાં પહેલાં બે ચરણ અહીંયાં ૩, ૪ ચરણ તરીકે આવતાં આ પ્રતની ૧૪૦મી કડી પૂરી થાય છે. આ સ્થિતિ આ પ્રતની ૧૪૫મી કડી (સંપાદિત વાચનાની કડી ૧૪૪) સુધી ચાલુ રહે છે. એ કડીમાં સંપાદિત વાચનાની પછીની કડીનાં ૧, ૨ ચરણ આવી ગયાં છે અને ૩, ૪ ચરણ છોડી દીધાં છે. તેથી મુખ્ય પ્રત સાથે તેનાં ચરણોનો મેળ પછીની કડીથી બેસતો રહે છે. પરંતુ આ કારણે મુખ્ય પ્રત કરતાં ૧ કડી ઓછી થાય છે. એ રીતે આગળ જતાં ૨૯૮મી કડીમાં (સંપાદિત વાચના ૨૯૬) આ પ્રતમાં પહેલાં બે ચરણ ‘દયા ધર્મ એ સઘળા જેહ, વર્ણવું શું તુજ આગળ તેહ?’ આરંભમાં વધારાનાં આવે છે અને મુખ્ય પ્રત ક નાં ૩, ૪ ચરણ પછીની કડીમાં જાય છે. આ જાતનો ફેરફાર આ પ્રતની ૩૦૧મી કડી સુધી (સંપાદિત વાચના ૨૯૯) ચાલુ રહે છે, જ્યાં આગળની કડીનાં છેલ્લાં બે ચરણ સાથે ૬ ચરણની કડી બનેલી છે. કડી ૧૪૬ (સંપા. ૧૪૬)નાં ચરણ ૩, ૪ મુખ્ય પ્રત કરતાં ઊલટાંસૂલટાં થયેલાં છે. કડી ૧૫૬ (સં.વા. ૧૫૫) અને કડી ૧૬૬ (સં. વા. ૧૬૫)નાં ચરણ ૧–૨ ને ૩–૪ એકબીજાથી ઊલટા ક્રમે છે. કડી ૨૭૨ (સં. વા. ૨૭૦)માં ૩, ૪ ચરણ ૧, ૨ ચરણને સ્થાને છે. પછીનાં બે ચરણ ક પ્રત કરતાં જુદાં છે : ‘ચામખેડા પઠે ભક્તિભેદ, સર્વતોગોચર હોએ વેદ.’ કડી ૨૯૮ (સં. વા. ૨૯૬)મી કડીનાં ૧, ૨ ચરણ ‘દયાધર્મ એ સઘળા જેહ, વણવું શું તુજ આગળ તેહ?’ વધારાનાં છે. તેથી મુખ્ય પ્રતનાં છેલ્લાં બે ચરણ પછીની કડીમાં ગયાં છે, જે ફેરફાર ૩૦૧મી (સં. વા. ૨૯૯) કડી સુધી ચાલુ રહે છે. ત્યાં કડી છ ચરણની થતાં મુખ્ય પ્રત સાથેનો મેળ બેસી જાય છે.
બ પ્રત :
‘બૃહત્ કાવ્યદોહન’ ગ્રંથ ૩ (પ્રકા. ઇચ્છારામ સૂર્યરામ દેસાઈ, મુંબઈ, ૧૮૮૮)માં પૃ. ૧૮૬થી ૨૧૪ પર મુદ્રિત પાઠ. આ મુદ્રિત પ્રતમાંના નીચેના ફેરફાર સિવાયના બાકીના બધા જ ફેરફારો અ પ્રત મુજબના છે. અ પ્રતમાં ૨૯૮થી (સંપાદિત વાચના ૨૯૬થી) શરૂ થયેલો ફેરફાર ૩૩૧મી કડી (સં. વા. ૩૩૦) સુધી અહીં ચાલુ રહે છે. ત્યાં કડી છ ચરણની બને છે.