ચિત્તવિચારસંવાદ/પાઠસંપાદન

From Ekatra Foundation
Revision as of 06:36, 4 March 2026 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
પાઠસંપાદન

પાઠસંપાદનની બે પદ્ધતિઓ જાણીતી છે : એક, કોઈ એક હસ્તપ્રતને પ્રમાણભૂત ગણી અને વાચના આપવી; બે, બધી હસ્તપ્રતોમાંથી ઉત્તમ પાઠોની પસંદગી કરી ચયનાત્મક વાચના આપવી. મધ્યકાલીન ગુજરાતી કૃતિઓમાં મૌખિક પરંપરા, લેખનની અનિશ્ચિતતા આદિને કારણે પાઠની પ્રવાહિતા ઘણી દેખાય છે અને પ્રમાણભૂત પ્રતનો નિર્ણય કરવો કેટલીક વાર મુશ્કેલ થઈ જાય છે. આ પરિસ્થિતિની વીગતે નોંધ ડૉ. હરિવલ્લભ ભાયાણીએ લીધેલી છે (હસ્તપ્રતોને આધારે પાઠસંપાદન, ૧૯૮૭). સદ્‌ભાગ્યે, ‘ચિત્તવિચારસંવાદ’ની હસ્તપ્રતો રચનાસમયથી દોઢસોએક વર્ષ પછીની પ્રાપ્ત થાય છે તેમ છતાં, એમાં પાઠનું મૂંઝવે એવું વૈવિધ્ય જોવા મળતું નથી. આવી કૂટ તત્ત્વવિચારાત્મક કૃતિની બાબતમાં તો આ હકીકત ખાસ નોંધપાત્ર બને છે. આ બતાવે છે કે અખાજીને એક ચોક્કસ, આ વિષયમાં ઊંડો રસ લેનાર, સમજદાર ને સજ્જ અનુયાયીવર્ગ – જિજ્ઞાસુવર્ગ મળતો રહ્યો છે. ‘ચિત્તવિચારસંવાદ’ને સમાવતી પોથીઓમાં અખાજીની તથા બીજા કવિઓની તત્ત્વવિચારાત્મક કૃતિઓ સંઘરાયેલી છે તે પણ આવા વર્ગનું સૂચન કરે છે. આ હસ્તપ્રતોમાં જે સફાઈ અને સુઘડતા જોવા મળે છે તે પણ જૈનેતર હસ્તપ્રતોમાં બધે જોવા મળતી નથી. એટલે આ પોથીઓના લહિયા એ જિજ્ઞાસુવર્ગના જ હોય એવી છાપ પડે છે. આમ છતાં, એ દેખીતું છે કે હસ્તપ્રતો પાઠભેદો તો બતાવ્યા વિના ન રહે અને શ્રદ્ધેય પાઠ અને સંપાદનપદ્ધતિના કેટલાક નિર્ણયો તો લેવા પડે. એમ લાગ્યું કે પ્રતો એકંદરે પ્રમાણભૂત પાઠો ધરાવતી હોઈ ચયનાત્મક વાચના તૈયાર કરવા કરતાં કોઈ એક પ્રતને વિશેષ પ્રમાણભૂત માની એને આધારે વાચના આપવી એ વધારે યોગ્ય છે. મુખ્ય પ્રત નક્કી કરવાનો પ્રશ્ન જરા મૂંઝવણભર્યો હતો. બધી પ્રતો સાવ નજીકના સમયની હોઈ એ દૃષ્ટિએ કશો નિર્ણય થઈ શકે તેમ નહોતો. ઓછીવત્તી પ્રમાણભૂતતાને આધારે જ નિર્ણય કરવો પડે તેમ હતું. પ્રમાણભૂતતાની દૃષ્ટિએ વિચારતાં તરત દેખાયું કે મુદ્રિત અ બ પ્રતો ઘણેબધે સ્થાને હસ્તપ્રતોનો ટેકો બતાવતી નથી અને સંભવતઃ સુધારાયેલી પ્રતો છે તેથી એનો વિચાર કરવાનો રહેતો જ નથી. હસ્તપ્રતોના પાઠને તુલનાત્મક રીતે તપાસતાં જોવા મળ્યું કે કેટલાંક ચાવીરૂપ કૂટ સ્થાનોએ ક ગ પ્રતો જ ખરા કહી શકાય એવા પાઠ આપે છે, જેના થોડા દાખલા હવે પછી ચર્ચેલા છે. આ બે પ્રતોમાંથી ગ પ્રતનો આરંભનો થોડોક ભાગ મળ્યો નથી ઉપરાંત એમાં કેટલીક કડીઓ છૂટી ગઈ છે ને આપણે આગળ જોયું તેમ એમાં કેટલાક લેખનદોષો ઉમેરાયેલા છે, કદાચ અન્ય પરંપરાનો પ્રભાવ પડ્યો છે. એટલે એનો મુખ્ય પ્રત તરીકે સ્વીકાર કરી શકાય એમ નહોતું. આથી ક પ્રતને મુખ્ય પ્રત ગણી એને આધારે વાચના આપવાનો નિર્ણય કર્યો છે. ક કે ક ગ પ્રત અન્ય હસ્તપ્રતો કરતાં નિશ્ચિતપણે ચોખ્ખા પાઠ આપે છે તેના કેટલાક દાખલા આપણે જોઈએ : (૧) કડી ૯૬–૯૭માં દર્પણના કાચનું દૃષ્ટાંત છે તેમાં ક પ્રત ‘કલહી’ (કલઈ) શબ્દ આપે છે ત્યારે અન્ય સર્વ પ્રતો ‘સીસું’ શબ્દ આપે છે. દર્પણની એક બાજુએ સીસાનો ઢોળ ચઢે છે એટલે એ શબ્દ વધારે વ્યાપક છે. વાસણને જે ઢોળ ચઢે છે તેને ‘કલઈ’ કહેવાનું વધારે વ્યાપક છે. અરબીમાં ‘કલાઈ’ શબ્દ એ જ અર્થમાં છે અને સાર્થ જોડણીકોશ પણ એ જ અર્થ આપે છે. દર્પણના ઢોળને ‘કલઈ’ કહેવાનો પ્રયોગ ગુજરાતમાં ક્યાંક-ક્યાંક મળે છે તેમ છતાં ‘સીસું’નું પછીથી ‘કલહી’ થયું હોય એના કરતાં ‘કલહી’નું ‘સીસું’ થયું હોય એ વધુ સંભવિત છે. એટલે કે ‘કલહી’ પાઠ વધારે અધિકૃત હોવાની શક્યતા છે. (૨) કડી ૨૦૬માં ક ગ ‘ઘાટે ઘાત્ય’ પાઠ આપે છે ત્યાં અન્ય ૬ પ્રતો ‘લેખે ઘાત્ય/ઘાત’ એવો પાઠ આપે છે. ‘ઘાટે ઘાત્ય’ એટલે ‘ઘાટે ઘાલ’ એટલે ‘સમજાવ’ એ અખાજીનો એક ચાલુ પ્રયોગ છે. (‘ઘાટે બેસવું’ એ ‘સમજવું’ના અર્થમાં વારંવાર વપરાયેલ છે. આ બધા પ્રયોગો માટે શબ્દકોશ જુઓ.) ત્યારે ‘લેખે ઘાત્ય/ઘાત’ એ સંદર્ભમાં અસ્પષ્ટ પ્રયોગો છે. (૩) કડી ૩૦૫ ક ગ પ્રત ‘લૂખી દ્રષ્ટ્યે ન ટલે અંધેર’ પાઠ આપે છે તેમાં અન્ય પ્રતો ‘ન’ શબ્દ આપતી નથી. ‘લૂખી’ એટલે તેજવિહીન દૃષ્ટિથી અંધકાર દૂર થતો નથી એ અર્થ જ બંધબેસતો છે. તેથી અન્ય પ્રતોનો પાઠ સ્વીકારી શકાય તેમ નથી. (૪) કડી ૩૨૦માં ક ગ પ્રતમાં નીચેની પંક્તિઓ મળે છે : ચિત્ત કહે તે થઈ વરત્યાની કેહી પેર્ય, પંડ્ય સંહિત એકપણું કર્ય ધેર્ય. આ પંક્તિમાં અન્ય સર્વ પ્રતો ‘ધેર્ય’ શબ્દ આપતી નથી. છંદ અને પ્રાસ બંને દૃષ્ટિએ ‘ધેર્ય’ શબ્દની આવશ્યકતા છે. તે ઉપરાંત અર્થની દૃષ્ટિએ પણ તેની ઉપકારકતા છે. શરીર સાથે મૂળથી જ એકપણું છે એવું ત્યાં અભિપ્રેત છે. (૫) કડી ૩૪૧માં ક ગ પ્રત ‘ઉપતૃષ્ણે અચાનક ભોગ’ એવો પાઠ આપે છે ત્યાં અન્ય પાંચ પ્રતો ‘ઉપત્રષ્ટે’ એવો પાઠ આપે છે. એક પ્રત ‘ઉપજે દૃષ્ટે’ પાઠ પણ આપે છે. ‘ઉપજે દ્રષ્ટે’ પાઠ તો દેખીતી રીતે જ અસંગત છે અને ‘ઉપત્રષ્ટે’ અસ્પષ્ટ રહે છે. ‘ઉપતૃષ્ણે’ એટલે ‘અપતૃષ્ણે’ એટલે કે તૃષ્ણા વિના જ અચાનક ભોગ ભોગવાય છે એ અન્વય અને અર્થ અત્યંત વિશદ છે. આ ઉપરાંત ક ગ પ્રતના ‘આભા’ (૨૫૫), ‘કો ઘન’ (૨૫૯), ‘અદ્રષ્ટ્ય દૃષ્યમાન’ (૨૬૧), ‘ઠાઠ’ (૨૭૨), ‘સંકલ્પના’ (૨૭૩), ‘જે એહવો સ્યો હું’ (૨૭૮), ‘ન’કારનો અભાવ (૩૧૩), ‘તેહે જ દીપ’ (૩૩૫), ‘મૂલ’ (૩૩૬), ‘અતિગમ્ય’ (૩૬૨), ‘આલે’, (૩૯૫), ‘અહં’ (૪૦૭) વગેરે અનેક પાઠોને અન્ય સર્વ પ્રતોના પાઠોની સામે સ્વીકારવાના થાય છે તે માટે જુઓ તે-તે કડીનાં પાઠાંતરો અને પાઠચર્ચા. ક પ્રતને મુખ્ય પ્રત તરીકે નિશ્ચિત કર્યા પછી પણ બે પ્રશ્નો વિચારવાના થાય છે. જ્યાં અન્ય પ્રતોનો જુદો પાઠ ક ગ ના પાઠની જેમ જ ટકી શકતો હોય ત્યાં શું કરવું? આ સ્થિતિમાં ક ગ ના પાઠને જ વળગી રહેવાનું યોગ્ય માન્યું છે. એટલે કે ક ગ કે ક પ્રતનો પાઠ સમર્થન કરી શકાય એવો હોય ત્યાં સુધી છોડ્યો નથી, ભલે બાકીની છયે પ્રતો એકસરખો ને એ પણ સમર્થિત થઈ શકે એવો જુદો પાઠ આપતી હોય. પાઠચર્ચામાં એના દાખલાઓ જોવા મળશે. અહીં એકબે નમૂના જોઈએ : ૧. ‘જ્યાં લગે અનુભવ પરગટ નથી’ (૧૭૬)માં ‘પરગટ’ એ ક ગ નો પાઠ છે. અન્ય સર્વ હસ્તપ્રતો ‘અદ્‌ભુત’ પાઠ આપે છે. ‘જ્યાં સુધી અદ્‌ભુત અનુભવ થયો નથી’ એમ અર્થ બરાબર બેસી શકે છે, પણ ‘અનુભવ’ શબ્દ પરમતત્ત્વના અનુભવના અર્થમાં અખાજીમાં વપરાય છે એટલે ‘જ્યાં સુધી (પરમતત્ત્વનો) અનુભવ પ્રગટ થયો નથી’ એમ પણ અર્થ બેસે છે. આથી મુખ્ય પ્રતનો પાઠ છોડ્યો નથી. ૨. ‘જે પોતા માંહે વીચેવીચપણું તે સમઝાએ તો વારુ ઘણું’ (૨૩૫)માં ‘વીચેવીચપણું’ એ ક ગ નો જ પાઠ છે. અન્ય સર્વ હસ્તપ્રતો ‘વિચેં વીચણું’ ‘વેચે વેચણુ’ વગેરે પાઠો આપે છે. ‘વિચેં વીચણું’ને અખાજીના એક છપ્પાનો ટેકો પણ છે. આમ છતાં ‘વીચેવીચપણું’નું અર્થદૃષ્ટિએ સમર્થન કરી શકાય એવું લાગવાથી એ પાઠ છોડ્યો નથી. (આની વિગતે ચર્ચા માટે જુઓ એ કડીની સમજૂતી.) પરંતુ ક પ્રત સો ટકા પ્રમાણભૂત છે એમ તો કહી શકાય એવું નથી. એના પાઠ પણ પ્રાસ, અર્થ આદિની દૃષ્ટિએ સમર્થિત ન થઈ શકતા હોય એવાં સ્થાનો ઠીક ઠીક જડે છે. કેટલાક સ્પષ્ટ લેખનદોષો પણ જણાય છે. આવાં સ્થાનોએ મુખ્ય પ્રતના પાઠને ભ્રષ્ટ ગણી, છોડવાનો સંકોચ રાખ્યો નથી. જેમકે, ૩૬૭મી કડીમાં ‘દંભ’ને સ્થાને ‘દવ’, ૩૧૬મી કડીમાં ‘પૂઠ્ય’ને સ્થાને ‘પઠ્ય’, ૨૦૫મી કડીમાં ‘અંગ’ને સ્થાને ‘લ્યંગ’, ૧૯૨મી કડીમાં ‘રેહેતે’ને સ્થાને ‘રહેતો’ તથા ૧૬મી કડીમાં ‘પડિયું’ને સ્થાને ‘પડિયો’ પાઠ સ્વીકાર્યા છે અને ૨૩૧મી કડીમાં ‘નર’ શબ્દ મુખ્ય પ્રત આપતી નથી તે સ્વીકાર્યો છે. આનાં કારણોની ચર્ચા તે તે સ્થાને કરી છે. મુખ્યપ્રતનો પાઠ છોડ્યાના આવા બીજા દૃષ્ટાંત માટે કડી ૧૪, ૧૫, ૬૮, ૬૯, ૮૪, ૮૫, ૧૭૬, ૧૮૨, ૧૮૪, ૧૮૬, ૧૯૮, ૨૨૭, ૩૪૭ વગેરે. જોઈ શકાશે કે મુખ્ય પ્રતનો પાઠ છોડ્યો છે તેમાંનાં ઘણાં સ્થાનોએ લેખનદોષ થયાનું માની શકાય છે. અર્થદૃષ્ટિએ ચાવીરૂપ સ્થાનોએ આ પ્રત વધારે પ્રમાણભૂત ગણાય એવા પાઠો આપે છે તેથી આવા લેખનદોષોને કારણે એની મૂળભૂત શ્રદ્ધેયતાને આંચ આવતી ગણી નથી.