આચમની/૮

From Ekatra Foundation
Revision as of 15:17, 17 March 2026 by Meghdhanu (talk | contribs) (+૧)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

‘આનંદ, હું વૃદ્ધ છું. મારી ઉંમર પાકી ગઈ છે. મને ૮૦ વર્ષ થયાં છે. જેવી રીતે પુરાણી ગાડી બાંધી-કારવીને ચાલે તેમ તથાગતનું આ શરીર ચાપડા મારીને ચાલે છે. એટલા માટે આનંદ, તું આત્મશરણ, આત્મદીપ થઈને વિચરણ કર! ‘આનંદ, આસન ઉપાડી લે, જ્યાં ચાપાલ ચૈત્ય છે ત્યાં દિવસના ધ્યાન માટે જઈશું. ‘ચાલ આનંદ, જ્યાં મહાવન-કૂટાગાર-શાળા છે ત્યાં જઈએ. ‘ભિક્ષુઓ, થોડા સમયમાં જ તથાગતનું પરિનિર્વાણ થશે. આજથી ત્રણ માસ પછી તથાગત પરિનિર્વાણ પ્રાપ્ત કરશે. મારું આયુષ્ય પરિપક્વ થઈ ગયું છે. મારે કરવા યોગ્ય કામ મેં કરી લીધાં છે. ભિક્ષુઓ, આળસરહિત, સાવધાન, સુશીલ થાઓ, સંકલ્પને સારી રીતે સમજી પોતાના ચિત્તની રક્ષા કરો. ‘આવો આનંદ, જ્યાં કુશિનારા છે ત્યાં જઈએ.’ ‘આનંદ, મારે માટે ચટાઈ પાથરી છે, હું થાકી ગયો છું, બેસીશ. ‘આનંદ, આજ રાતના પાછલા પહોરે કુશિનારાના ઉપર્વતના નામના મલ્લોના શાલવનમાં, જોડિયાં શાલ વૃક્ષોની નીચે તથાગતનું પરિનિર્વાણ થશે. આવો આનંદ, જ્યાં કુકુત્થા નદી છે, ત્યાં જઈએ. ‘આનંદ, જોડિયાં શાલ વૃક્ષોની વચ્ચે, ઉત્તર તરફ ઓશીકું રાખી, ચારપાઈ બિછાવો. થાકી ગયો છું, આનંદ, સૂઈ જઈશ. આનંદ, કદાચ તને એમ થાય કે અમારા શાસ્તા ચાલ્યા ગયા, હવે અમારા શાસ્તા રહ્યા નહીં. એવું માનતો નહીં. આનંદ, મેં જે ધર્મ અને વિનયનો ઉપદેશ આપ્યો છે એ જ મારા પછી તમારા શાસ્તા રહેશે. ‘હન્ત ભિક્ષુઓ, હવે તમને કહું છું : સંસ્કાર નાશવાન છે, અપ્રમાદથી લક્ષ્યને પ્રાપ્ત કરો.’ બુદ્ધના પોતાના જ શબ્દોમાં તેમની અંતિમ યાત્રા અને અંતિમ વચન. મરણાધીન શરીરમાંથી ઊઠતો સતત જાગૃતિનો ગુંજાર.

***