આચમની/૨૦

From Ekatra Foundation
Revision as of 15:54, 17 March 2026 by Meghdhanu (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
૨૦

સત્ત્વસંશુદ્ધિ એટલે અંતઃકરણની શુદ્ધિ અને લોકો સાથે શુદ્ધ વ્યવહાર. પણ એનો અર્થ એટલો મર્યાદિત જ થતો નથી. સત્ત્વ એટલે પ્રાણવાન શરીર. ગર્ભમાં બાળક હોય ત્યારે માતા ‘સસત્ત્વ’ કહેવાય છે. સત્ત્વહીન એટલે પ્રાણહીન. શારીરિક સત્ત્વને પ્રાપ્ત કરવા માટે યોગ્ય શ્વાસ-ઉચ્છ્વાસ અને માનસિક સત્ત્વને મેળવવા માટે યોગ્ય સંકલ્પ-વિકલ્પનો ચરખો ચાલવો જોઈએ. અભયપદ માટે આ ક્રિયામાર્ગ છે. ક્રિયાયોગ છે. સત્ સંકલ્પનું ગ્રહણ અને અસત્ સંકલ્પનો ત્યાગ, એમ ગ્રહણ અને ત્યાગનું તંત્ર યોગ્ય રીતે ચાલે ત્યારે સત્ત્વસંશુદ્ધિ અનાયાસ આવી મળે છે. ભયનો નાશ કરવાનું આ અમોઘ સાધન છે. ભગવાન બુદ્ધે ‘ભયભેરવસુત્ત’માં પોતે કેવી રીતે ભયનો સમૂળગો નાશ કર્યો હતો તેનું વર્ણન છે. રાજાના પુરોહિત જાનુસ્સોણિના પ્રશ્નના જવાબમાં બુદ્ધે પોતાનો અનુભવ વર્ણવ્યો છે. પોતાનાં પરિશુદ્ધ વાક્કર્મ, મન:કર્મ અને આજીવ એટલે કે ઉપજીવિકાનાં કર્મને લીધે જ પોતાને ગાઢ અને ભયાવહ અરણ્યમાં પણ અત્યંત નિર્ભયતા લાગતી હતી. આ માટે તેઓ કેવા પ્રયોગો કરતા હતા તેનું વર્ણન છે. તેમાંથી થોડો અંશ જોઈએ :

ભગવાન બોલ્યાઃ ‘હે બ્રાહ્મણ, આઠમ, ચૌદશ, પૂનમ અને અમાસની રાતો (ભયભેરવ માટે) પ્રસિદ્ધ છે. આવી રીતે લોકો જે ઉદ્યાનમાં, જે અરણ્યમાં કે જે વૃક્ષો નીચે દેવતાઓને બલિદાન આપે છે, જે સ્થળો અત્યંત ભયંકર છે એમ મનાય છે, તે જગ્યાએ હું રહેતો, કારણ કે ભયભેરવ કેવું હોય છે તે જોવાની મારી ખૂબ ઇચ્છા હતી. આવી જગ્યાએ જ્યારે હું રહેતો ત્યારે કોઈવાર કોઈ હરણ ત્યાં આવતું, કોઈ મોર સુકાઈ ગયેલું લાકડું નીચે પાડતો અથવા તો પવનને લીધે ઝાડનાં પાંદડાં હલતાં. તે વખતે મને લાગેલું કે આ જ તે ભયભેરવ છે અને હું કહેતો કે અરે, ભયભેરવની ઈચ્છા રાખીને જ હું અહીં આવ્યો છું. જે સ્થિતિમાં આ ભયભેરવ આવ્યું છે તે સ્થિતિમાં રહીને જ આ ભયભેરવનો મારે નાશ કરવો છે.’

(પચ્ચાસ ધર્મસંવાદો, અનુવાદક ધર્માનંદ કૌસંબી: પાનું ૧૯.)

ભગવાન બુદ્ધે આવો દૃઢ વિચાર કરીને ચાલતાં ચાલતાં, ઊભા રહેતાં, બેસતાં, સૂતાં, પથારીમાં પડતાં - એમ જે સ્થિતિમાં હોય તેમાં જ રહીને ભયનો નાશ કર્યો. આવા અભયની દીક્ષા તેમને સત્ત્વસંશુદ્ધિ કેળવવામાંથી જ મળી હતી. વાક્શુદ્ધિ, કાયશુદ્ધિ અને આજીવિકા-શુદ્ધિ રાખવામાં આવે તો ગમે તેવા ભયનો ઉચ્છેદ કરી શકાય છે એ બુદ્ધની અનુભવ-વાણી છે. મનસા, વાચા, કર્મણા પરિશુદ્ધિ એ સદાસર્વદા અભયપદ માટેની પૂર્વભૂમિકા છે.

***