સાહિત્ય પલ્લવ – ભાગ ૩/નિવેદન
‘સાહિત્યપલ્લવ’ના પહેલા અને બીજા ભાગમાં એના હેતુ અને વિષય પરત્વે અમારે જે કંઈ કહેવાનું છે તે કહી દીધું છે. તેથી તેની પુનરુક્તિ કરવા અહીં રોકાતા નથી. આ ત્રણે ભાગ દ્વારા આપણી સાહિત્યશ્રીનો જે યત્કિંચિત્ અણસારો આપી શકાયો છે તે અમને વિશ્વાસ છે કે આપણા સાહિત્ય માટે આપણા વિદ્યાર્થીઓમાં પ્રેમ અને ભક્તિ ઉત્પન્ન કરશે. તેમના અભ્યાસમાં ઇતર ભાષાઓની ઉત્તમ કૃતિઓનો પણ જ્યારે તેમને પરિચય થાય ત્યારે તેની સરખામણીમાં આપણો સાહિત્યવૈભવ પણ ઉવેખવા જેવો નથી એવી પ્રતીતિ તેમને અવશ્ય થશે એવી અમને શ્રદ્ધા છે.
આ ભાગમાં આપણા સાહિત્યના વિકાસનું અમે વિહંગાવલોકન આપ્યું છે તે, અમને આશા છે કે, વિદ્યાર્થીઓને એના વિકાસનો ઠીક ઠીક ખ્યાલ આપશે. એ વિહંગાવલોકન મુખ્ય પ્રવાહોનું છે, અને એથી વ્યક્તિઓને અનુલક્ષીને એ નથી લખાયું. વ્યક્તિઓનો, એમ છતાં, ક્યાંક ક્યાંક નિર્દેશ થયેલો છે તે તેમની વ્યક્તિગત કક્ષામાં નહિ, પણ કોઈ એક પ્રવાહના પ્રતિનિધિ તરીકે. પહેલા ભાગના નિવેદનમાં અમે ત્રીજા ભાગમાં વ્યક્તિઓના પરિચય આપવા સંબંધી પણ જણાવ્યું હતું; પણ લેખકોના જીવનની તારીખ, કે જન્મસ્થળ જેવી સ્થળ માહિતીથી કોઈ ખાસ વિશેષાર્થ નથી સરતો, પણ પ્રવાહનો વિદ્યાર્થીઓને ખ્યાલ આવી શકે તો તેમની દૃષ્ટિ વધુ ઝીણવટભરી અને રસપારખું થઈ શકશે એમ લાગતાં અમે પ્રવાહોનો જ પરિચય ઇષ્ટ લેખ્યો છે. એમ છતાં લેખકોના પરિચય માટે વિદ્યાર્થીઓ અને શિક્ષકોને અમે નીચેના ગ્રંથોની ભલામણ કરીએ છીએ. એ પુસ્તકો દરેક શાળામાં હોવાં જોઈએ. ૧. ગુજરાતી સાહિત્યના માર્ગસૂચક સ્તંભો (શ્રી. કૃ. મો. ઝવેરીકૃત) ૨. ગ્રંથ અને ગ્રંથકાર-બધા ભાગ. (ગુજરાત વર્નાક્યુલર સોસાયટી પ્રકાશિત.)
ઉપરાંત પ્રસંગોપાત્ત અમે નચિકેતા, એકલવ્ય, વગેરેની પૌરાણિક કથાઓ આપી છે, છતાં ‘પૌરાણિક કથાકોશ’— (ગુ. વ. સો. પ્રકાશિત)નો પણ ઉપયોગ શિક્ષકો કરશે એવી આશા રાખીએ છીએ. ‘સાર્થ જોડણી કોશ’ તો વપરાતો હશે જ એમ માની લઈએ છીએ.
કલાદર્શનના પાઠોને સાહિત્યના પુસ્તકમાં કેટલું સ્થાન? આવો પ્રશ્ન સંભવ છે કે આ પાઠ્યશ્રેણીમાંના કલાદર્શનના પાઠો જોતાં કોઈ પૂછે. એનો તો એક જ ઉત્તર હોઈ શકે – અને તે એ કે સાહિત્ય પણ એક કલા છે – અને બધી કલાઓનું આદિ સ્વરૂપ, અને આદિ પ્રેરણા તો એક જ છે, એ દૃષ્ટિએ અભ્યાસકાળ દરમ્યાન શક્ય તેટલી જુદી જુદી કળાઓ વચ્ચે સમન્વય સાધવાની દૃષ્ટિ વિદ્યાર્થી સમક્ષ રજૂ કરાય તો સારું એવું અમે માનીએ છીએ. એટલે અમે આપેલા પાઠો માત્ર અંગુલિનિર્દેશ પૂરતા જ છે. વધુ તો એ માટે યોગ્ય વાતાવરણ જમાવવું એ છે. એ માટે જો આ પાઠો નિમિત્તે પ્રેરણા મળી શકશે તો એનો હેતુ સફળ થયેલો લેખાશે.
અન્તમાં, આ સંગ્રહમાં પોતાની કૃતિઓનો સમાવેશ કરવાની મેળવી રજા આપનાર લેખકોનો, શ્રી. રોરિકનાં ચિત્રો માટે રજા આપવા બદલ શ્રી. રવિશંકર રાવળનો, અને જે જે ચિત્રકારોનાં ચિત્રો અમે અહીં આપી શક્યા છીએ તે ચિત્રકારોનો, અનેક અગવડો વેઠીને પણ આ સંગ્રહોનાં પ્રકાશનને અંગે અમને બધી અનુકૂળતા કરી આપવા બદલ આ સંગ્રહોના પ્રકાશક શ્રી. મનહરલાલ વોરાનો, અને અસાધારણ ત્વરાથી અને કાળજીપૂર્વક એનું સુઘડ અને શુદ્ધ મુદ્રણ કરી આપવા બદલ શ્રી. જીવણજી દેસાઈનો અમે અંત:કરણપૂર્વક આભાર માનીએ છીએ. આ સંગ્રહોને અંગે જો અમને કંઈ સૂચનાઓ મળશે તો તેનો સાભાર સ્વીકાર કરી તેનો પૂરતો લાભ લેવા અમે સદાય તત્પર રહીશું, એ નોંધવાની ભાગ્યે જ જરૂર હોય. આશા છે કે એવી સૂચનાઓ અમને મળશે.
ઝીણાભાઈ દેસાઈ
ઉમાશંકર જોશી
શેઠ ચી. ન. વિદ્યાવિહાર,
આંબાવાડી
અમદાવાદ, ૯-૪-’૪૧
<poem>