સાહિત્ય પલ્લવ – ભાગ ૩/બળવંતરાય ઠાકર

From Ekatra Foundation
Revision as of 02:19, 15 April 2026 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
બળવંતરાય ઠાકોર

[પ્રસિદ્ધ રશિયન સાહિત્યકાર ટુર્ગેનીવે એક ગદા કાવ્યમાં, પોતાના નાજુક બચ્ચાને બચાવવા માટે એક શિકારી કૂતરાના મુખમાં એક પંખિણી કેવી વીરતાથી ઝંપલાવી પોતાના પ્રાણ આપે છે તેને લગતો એક અતિ મર્મસ્પર્શી પ્રસંગ વર્ણવ્યો છે - માત્ર ચૌદ પંદર પંક્તિમાં. તેમાંથી કથાવસ્તુ ઉપાડી શ્રી. બળવન્તરાય ઠાકોરે આ કાવ્ય લખ્યું છે. ભાવને અનુરૂપ કેવા નવા નવા સમાસો યોજી કવિ અર્થચમત્કૃતિ લાવી શકે છે તેનાં અનેક ઉદાહરણ આ કાવ્યમાંથી મળશે. ઉ. ત. ૧૯મીથી ૨૭મી પંક્તિ સુધીમાં કૂતરામાં હિસ્ર ભાવ પ્રગટ્યો તેનું વર્ણન જુઓ. ‘આકૃષ્ટ (લંબાયેલી) બંકિમ (વાંકી) તગી રહી ડોક ઊર્ધ્વ (ઊંચી) કેવું સચોટ ચિત્ર ખડું થાય છે! અને એ વર્ણનથી વાચકના મનને કવિ જાણે કોઈ દૃઢ ચૂડમાં પકડી રાખવા માગતા હોય તેમ આકૃષ્ટ, બંકિમ અને ઊર્ધ્વમાંના જોડાક્ષરોનો થડકો ઉચ્ચારોમાં કેવી દૃઢતા આણે છે! અને ‘મ્હોરો બન્યો તડિતતીક્ષ્ણ’ — એ કૂતરાના મુખ પરના ઝનૂની ભાવને વ્યક્ત કરતી પંક્તિ જુઓ! તડિતતીક્ષ્ણ— વીજળી જેવો તીક્ષ્ણ — એ સમાસ નોંધવા જેવો છે. એવી જ રીતે પર્ણોની ઢગલી પર પડેલા પંખીના નાજુક બચ્ચાના વર્ણનમાં કવિએ જે શબ્દોનો ઉપયોગ કર્યો છે તે બધા પણ કેવા એ ચિત્રને સુરેખ બનાવી મૂકે છે! જુઓ પંક્તિ. ૩૩-૩૪. એવી જ રીતે હિસ્ત્ર કૂતરો અને નાજુક પંખિણી એ બે વચ્ચેના વિરોધનું ચિત્ર પણ કેવું સાર્થ છે તે પંક્તિ ૪૬ થી ૪૯માં જોજો. અસિદંત (તરવારના જેવા દાંતવાળો) તરીકે એ કૂતરાનું વર્ણન અને ‘ક્યાં પંખિણી ગભરુકાય, સમીરગાત્રી!’ એ પંખિણીનું વર્ણન વિરોધનું સુન્દર દૃષ્ટાંત છે. સમીરગાત્રી (પવનનાં જેવાં અંગવાળી) સમાસ યોજી કવિએ કેવો મોટો અર્થ સાધ્યો છે! આખું કાવ્ય આ દૃષ્ટિએ વારંવાર વાંચજો. આ જ ભાગમાંથી ભાલણકૃત વૈશંપાયનની આત્મકથા પણ આ સાથે સરખાવી વાંચજો. ૧૫. મય — દારૂ ૪૯. પર – પીંછાં. ૬૪. ફૂલ – અવશેષરૂપ રહેલાં હાડકાં]