સાહિત્ય પલ્લવ – ભાગ ૩/આંધળી છોકરી

From Ekatra Foundation
Revision as of 11:10, 19 April 2026 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
આંધળી છોકરી

‘આસીમ’ રાંદેરી

તેં ચમક તારાને અર્પી, ચાંદને દીધો પ્રકાશ,
સૂર્યને પણ તે જ દેવામાં, ન તેં રાખી કચાશ!
કોણ છે સૃષ્ટિ મહીં, તુજ નૂર-વૃષ્ટિથી નિરાશ?
ઓ પ્રભુ! મુજને છતાં એની નથી ઈર્ષા કે આશ!
એક ઈચ્છા છે કે મારી માનું મુખડું જોઈ લઉં!

લોક કે’ છે કે ઘણાં રંગોથી છે દુનિયા ભરી,
લાલ, પીળો, વાદળી, લીલો, ગુલાબી, કેસરી!
આંખવાળા કાજ, એને ‘અમૃત’ ભલે હો અવતરી
મુજને એ જોવા, પ્રભુ! ઈચ્છા નથી મનમાં જરી!!
એક ઇચ્છા છે કે મારી માનું મુખડું જોઈ લઉં!

સાંભળું છું, બાગમાં ફૂલો ખીલે છે બેશુમાર,
ધ્રુવે છે, ઝાકળનાં બિન્દુ કળીઓ-મુખ પ્રત્યેક સવાર;
કે’છે સખીઓ, બાગમાં લૂંટે છે શ્રાવણની બહાર;
હું નથી કહેતી, ‘એ સૌ નિરખું!’ એ મુજ પરવરદિગાર!
એક ઈચ્છા છે કે, મારી માનું મુખડું જોઈ લઉં!

કોણ છે, મમતાથી મુજ સેવા કરી, જીવે છે જે?
શ્વાસ ઠંડા, ઠંડા મુજ ગમમાં ભરી, જીવે છે જે?
ઓ પ્રભુ! મુજમાં કંઈક આશા ધરી, જીવે છે જે!
હે! મને જિવાડવા, પોતે મરી, જીવે છે જે!
એક ઇચ્છા છે એ મારી માનું મુખડું જોઈ લઉં!

કેવી છે એ મા, અને એ મામાં શું એવું હશે?
જેના કદમોમાં છે જન્નત, તેનું મુખ કેવું હશે!
ઓ પ્રભુ લોકો કહે છે, શું બધું તેવું હશે?
તો પછી એ મુખ ખરેખર નિરખવા જેવું હશે!
એક ઈચ્છા છે એ મારી માનું મુખડું જોઈ લઉં!

મારી આંખોને લગારે નૂરની પરવા નથી,
આંધળાપણનું, જરાયે દિલમાં દુઃખ મારે નથી;
જોવાવાળી આંખની ઈર્ષા નથી, ઇચ્છા નથી;
તુજને પણ જોવાની ઈચ્છા, ઓ, પ્રભુ! હા, હા, નથી;
એક ઈચ્છા છે કે મારી માનું મુખડું જોઈ લઉં!

સ્વાધ્યાય

૧. માતા પ્રત્યેનો સ્નેહ કવિએ કેવી રીતે નિરૂપ્યો છે?
૨. શ્રી. ઠાકોરના ‘માતૃસ્નેહ’ જોડે આ કાવ્યને સરખાવો.
૩. વૈશંપાયન પોપટે અનુભવેલા વાત્સલ્ય સાથે આ કાવ્યના ભાવને સરખાવો.
૪. ‘મા’ ઉપર નિબંધ લખો.