ગુજરાતી નારીસંપદા : કવિતા/આનંદનાં ફુવારા

From Ekatra Foundation
Revision as of 00:45, 23 April 2026 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
આનંદના ફુવારા

ભૂમા વશી

ઉમટે આનંદનાં ફુવારા રે ભીતરથી
ઉછળે સુગંધનાં ફુવારા,
એક એક દીવાની જ્યોત બધે દીસે છે
ઉમટે અજવાસનાં ફુવારા,
રે આજ સખી ઉમટે આનંદનાં ફુવારા-

ઉમટે ઉમંગના ફુવારા રે ભીતરથી
થનગન ચાલે છે પાય મ્હારાં,
કલરવ છે, ટહુકા છે, કિલકારી ચારે કોર
સંભળાતા સૂર બધાં તારાં,
રે આજ સખી ઉમટે આનંદનાં ફુવારા-

આખું યે આભ મારી ભીતર દેખાય મને
ચમકંતા તેજનાં સિતારા,
છલકંતા, વિસ્તરતાં, ફેલાતાં જાય હવે
ભીતરનાં વ્હાલનાં ફુવારા,
રે આજ સખી ઉમટે આનંદનાં ફુવારા-

મઘમઘતાં રંગભર્યાં ફૂલોની સંગ ખીલી,
મહેકાવું એક એક ક્યારા,
ભીંજાણી એવી આજ અનહદ ભીંજાણી,
હવે સઘળાં લાગે છે મને પ્યારા,
રે આજ સખી ઉમટે આનંદનાં ફુવારા-

***