બહુરંગી/વાત કંઈ ખોટી નથી

From Ekatra Foundation
Revision as of 03:04, 26 May 2026 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
વાત કંઈ ખોટી નથી

“ગુસ્સો તો એવો આવે છે કે આનો ડૂચો વાળીને ફેંકી દઉં બારીની બહાર.” કપડાંનું કબાટ ગોઠવતાં ગોઠવતાં પૂર્ણિમાબહેને એક શ્યામગુલાબી રંગનો બ્લાઉઝ કપડાં વચ્ચેથી બહાર ખેંચી કાઢતાં કહ્યું. હું ત્યાં જ બેઠી હતી. એટલે મારાથી બોલાઈ ગયું : “પૂર્ણિમાબહેન, આ બિચારા બ્લાઉઝ પર આટલો બધો ગુસ્સો શા માટે કરો છો?” “બિચારો બ્લાઉઝ!” પૂર્ણિમાબહેને કહ્યું, “કોણ જાણે કયા નક્ષત્રમાં મેં એ બ્લાઉઝ સિવડાવ્યો છે તે એની એકેય સાડી ટકતી નથી.” બ્લાઉઝ સિવડાવવાની અને સાડીની ટકવાના સંબંધની પૂર્ણિમાબહેનની વાત મને સમજાઈ નહિ એટલે મેં પૂછ્યું : “બ્લાઉઝ તો બરાબર છે ને?” “બ્લાઉઝ તો બરાબર જ છે ને? જોને! દેખાય છે ને નવોનકોર અને કોરોધાકોર! પણ તું નહિ માને, પણ આ બ્લાઉઝ સાથેની મારી એક નહિ, બે નહિ, ત્રણ ત્રણ સાડીઓ ખલાસ થઈ ગઈ!” “એટલે?” “જો...” પૂર્ણિમાબહેને ખુલાસો કરતાં હોય એમ મને કહ્યું : “તને ખબર છે ને કે કેટલાક પુરુષોને પાઘડીએ મંગળ હોય તો એમના નસીબમાં સ્ત્રી ટકે જ નહિ. એવાઓ લગન કરે પછી ક્યાં તો સ્ત્રી મરી જાય કે પછી કંઈક એવું થાય કે છૂટાછેડા લેવા પડે. આ મારો બ્લાઉઝ પણ મંગળિયો બ્લાઉઝ છે.” “તમેય શું પૂર્ણિમાબહેન! કપડાંને તે કંઈ ગ્રહનક્ષત્રનો બાધ હોય?” “કેમ ના હોય? બધાંયને કંઈ ને કંઈ નડતું જ હોય છે. જો, તારે મને ગાંડી ગણવી હોય તો ગણજે, પણ મારી વાત સાંભળીશને પછી તુંય મારી જેમ માનતી થઈ જઈશ.” મને પૂર્ણિમાબહેનની વાતોમાં રસ પડ્યો. એટલે મેં કહ્યું કે “કહો તો ખરાં, શી વાત છે?” પૂર્ણિમાબહેને ઉત્સાહપૂર્વક વાત કહેવા માંડી : “જો, એવું થયું કે બે વરસ પહેલાં મારા દિયર પરણ્યા ત્યારે દેરાણીના પિયરમાંથી મને એ લગન નિમિત્તે એક સાડી આપી’તી. મેં એ સાડીના મેચિંગનો આ બ્લાઉઝ સિવડાવ્યો. આ બ્લાઉઝ કંઈ સસ્તો નથી હોં! દોઢસો રૂપિયાનું કપડું ને ખાસ્સી સો રૂપિયા સિલાઈ આપી’તી!” “એ તો ભૈ! સાડી મોંઘી હોય એટલે બ્લાઉઝ પણ એવો જ કરાવવો પડે ને!” મને થયું કે પૂર્ણિમાબહેનને બ્લાઉઝની સિલાઈ વધારે પડી એનું દુઃખ હશે. પણ એ તો તરત બોલ્યાં, “એમાં કંઈ મોંઘાફોંઘાની વાત નથી. ખરી વાત એ છે કે પહેલી જ વાર આ બ્લાઉઝ સાથે પેલી સાડી પહેરીને બહાર જવા નીકળી. ગલીને નાકે પહોંચીને રિક્ષા ઊભી રખાવી. પણ હજી તો રિક્ષામાં બેસવા ગઈ ત્યાં જ મારી સાડી ‘ફસ’ દઈને ફસકી ગઈ. કોહેલું કપડું! બીજું શું?” પછી મારા કાનમાં કહેતાં હોય એમ ધીરેથી કહે, “આમેય મારી દેરાણીના પિયરિયાં કોહેલાં જ છે એટલે કોહેલી સાડી આપે એમાં નવાઈ નહીં!” આવી મોંઘી સરસ સાડી પહેલી જ વાર પહેરીએ અને ફાટી જાય એટલે જીવ બળે એ સ્વાભાવિક છે, એમ સમજીને મેં કહ્યું, “બહુ જીવ બળ્યો હશે તમારો તો!” “ના રે, એમાં જીવ શેનો બાળવાનો! આપણે ક્યાં પૈસા ખરચવા પડ્યા’તા કે જીવ બાળીએ! પણ ચીડ તો ચડી હોં! મને થયું, કે આ વેવાઈવાળાએ તો મને દેખાવમાં ભારે રૂપાળી સાડી આપીને લોકોમાં ‘વાહ, વાહ’ બોલાવડાવી પણ હવે આમ સાડી ફસકી ગઈ તે કંઈ હું લોકોને બતાવવા જવાની હતી કે જુઓ આ ચીંથરું!” “હા રે હા! મનમાં એવું લાગે તો ખરું.” મેં સહાનુભૂતિ બતાવવા કહ્યું. પણ પૂર્ણિમાબહેનને મારી સહાનુભૂતિની જરૂર નહોતી. મારી સામું જોયા વગર જ એમણે બોલવાનું ચાલુ રાખ્યું : “હું કાંઈ ઓછી નથી હોં! હું તો એ ચીંથરું ભૂલેશ્વરમાં વેચી આવી. રૂપિયા ત્રણસો આવ્યા. તેમાં બીજા બસો ઉમેરીને ત્યાંથી નવી સાડી લઈને જ ઘેર આવી. આ બ્લાઉઝ તો નવો હતો ને! એટલે ચાર દુકાને ફરીને, શોધીને બ્લાઉઝના મેચિંગની સાડી લીધી હોં! “પણ પછી શું થયું સાંભળ! પછી દિવાળી આવી એટલે મને થયું કે ચાલ, સપ્પરમે દિવસે નવી સાડી પહેરવા કાઢું. ધનતેરશને દિવસે હું તો ફક્કડ તૈયાર થઈને ‘તારા ભૈ’ સાથે બહાર ગઈ, પણ રસ્તામાં ગિરદી તે કેવી ગિરદી, બાપ રે બાપ! અને એમાંય ગામના ઉતાર જેવા છોકરા! રસ્તા વચ્ચે જ ફટાકડા ફોડે!” “તે તમને કંઈ થયું?” મેં જરા ચિંતાથી પૂછ્યું “થયું તે કેવું થયું? હું રસ્તા પરથી ચાલતી ચાલતી આમ જતી’તી ને સામેથી એક છોકરો ઊંધું ઘાલીને દોડતો દોડતો આવ્યો. એના હાથમાં સળગતું તારામંડળ ને ભટકાયો મારી સાથે! તારામંડળ એના હાથમાંથી છટકીને મારી સાડી ઉપર જ પડ્યું. અધૂરામાં પૂરું તે તે જ વખતે ફટાકડાની લૂમ ફૂટી ફટ્...ફટ્... ફટ્... હું તો એવી ગભરાઈ ગઈ કે, વાત નહીં! મને થયું કે આ સાડી સાથે હુંય આજે ચોક્કસ બળી મરવાની! મેં તો ચીસાચીસ કરી મૂકી ને સાડી કાઢીને ફેંકી આઘી. બીજું શું કરીએ આપણે એવે વખતે!” પછી પૂર્ણિમાબહેન પોતાનો હાથ લાંબો કરીને કહે, “જો, જો, એ વાત યાદ કરતાંય મારા હાથનાં રૂંવાડાં ઊભાં થઈ ગયાં દેખાય છે ને? અને છાતી પણ કેવી ધડક્ ધડક્ થાય છે!” “હાય, હાય! પછી?” “પછી તો લોકો બધાં ભેગાં થઈ ગયાં પણ એટલામાં તો ફટાકડાયે ફૂટી ગયા ને પેલા છોકરાઓયે નાસી ગયા. હું તો લગભગ રડી જ પડી. સાડી જેમ તેમ શરીરે વીંટાળીને રિક્ષામાં બેસી ગઈ ને ‘તારા ભૈ’ સાથે સીધી ઘરભેગી થઈ ગઈ.” “બાપ રે! કેવી ગભરામણ થઈ હશે નહિ?” મેં સહાનુભૂતિ બતાવતાં કહ્યું. “તે તો થાય જ ને! પણ આવું થયું ને એટલે ‘તારા ભૈ’ને બહુ ખોટું લાગ્યું. કહે કે ચાલ, નવી સાડી લઈ આવીએ. મેં બહુ ના પાડી પણ માન્યા જ નહીં, એટલે પછી મેં તો આ બ્લાઉઝ સાથેની ત્રીજી સાડી લીધી.” “તે એનું શું થયું?” ત્રીજી સાડીનો પણ કોઈ ઇતિહાસ હશે એવી મને શંકા થઈ એટલે મેં પૂછ્યું. “આ સાડી તો સાધારણ આવતાં-જતાં પહેરાય એવી જ હતી. એવામાં મારી દેરાણીની બહેનને છોકરી આવી હતી એટલે એને રમાડવા જવાનું થયું. આ નવી સાડી પહેરીને જાઉં અને વાતવાતમાં એમણે આપેલી સાડી કેવી ફસકી ગઈ એય સંભળાવતી આવું એવું મનમાં નક્કી કરીને હું તો ગઈ દેરાણીને પિયર.” “પછી તમે તો હસતાં હસતાં સંભળાવી દીધું હશે! ખરું ને?” “ના, રે ના. શું સંભળાવું! મૂઆ એ લોકો એવા ફૂવઢ કે મેં છોકરીને ખોળામાં લીધી, ત્યારે ગાદી નીચે પ્લાસ્ટિક જ નહિ રાખેલું અને છોકરીએ તો બળ્યું મારા ખોળામાં જ કર્યું ‘ભગાના ભૈ’ જેવું, મારી નવી જ સાડી લથબથ કરી મૂકી. ભીની સાડી પહેરીને ઘેર આવવું પડ્યું.” “ગુસ્સો તો આવે આવું થાય ત્યારે!” “આવે તો ખરો પણ કંઈ બોલાય છે? મોં તો હસતું જ રાખવું પડે ને! અને પછી પેલી એની મા કહે કે લો, તમને તો શુકન થયાં! બળ્યાં એનાં શુકન! મારી તો નવીનકોર સાડી બગડી. એ ધોવડાવ્યા વગર છૂટકો જ નહોતો. એટલે મેં તો ‘ડ્રાયક્લિનિંગ’ કરવા આપી દીધી.” “સારું થયું. સાડી ધોવાઈ ગઈ એ બહાને!” મેં કહ્યું. “ના રે, ધોવાની વાત કેવી? મૂઆ ધોબીડાએ સાડી જ ગુમ કરી દીધી. કહે કે ‘ખોવાઈ ગઈ’ પણ હું જાણું ને! રાખી લીધી હશે એની ધોબણને પહેરવા! હું તો બહુ લડી એની સાથે. ઠીક છે એ તો. મેં તો ખાસ્સી કિંમત વસૂલ કરી પણ પછી મને વિચાર આવ્યો કે દર વખતે આવું કેમ થાય છે? એનું કંઈ કારણ તો હોવું જ જોઈએ.” “તે જડ્યું કારણ?” “હાસ્તો! એટલે તો કહું છું કે મૂળ વાંધો છે આ બ્લાઉઝનો જ. ચોક્કસ કે એને પાઘડીએ મંગળ હશે એટલેસ્તો પહેલી વારની તો માંદી હતી તે મરી ગઈ. બીજી વારની અકસ્માતમાં દાઝી ગઈ અને આ ત્રીજી જાણે કે નાસી ગઈ. આમ, ત્રણ-ત્રણ સાડીઓ ગઈ ને તોય મારા આ ફક્કડરામ રહ્યા જેવા હતા તેવા જ.” શ્યામગુલાબી બ્લાઉઝને થોડી વાર હાથમાં પકડી રાખી એની સામું ટગર ટગર જોતાં પૂર્ણિમાબહેન થોડી વાર બેસી રહ્યાં, પછી મને કહે કે, “હવે તને ખાતરી થઈને કે મારા આ બ્લાઉઝના લગ્નસ્થાનમાં મંગળ જ પડેલો છે. કોઈ પણ સાડી સાથે એને જામતું નથી.” પછી એમના મગજમાં કંઈ નવો વિચાર સ્ફુર્યો તે મને કહે, “એઈ, તું લઈ જાને આ બ્લાઉઝ. આપણું ફીટિંગ તો સરખું જ છે ને! કદાચ તને ફાવી જાય. તને ગમે તો છે ને?” “પણ સાચું કહું? આમ તો હું ‘રેશનલ’ એટલે કે બુદ્ધિવાદી સ્ત્રી છું અને આવા વહેમોમાં માનતી નથી, પણ અમારાં પૂર્ણિમાબહેને જે અદાથી એમની સાડીઓ વિશે જે બધું કહ્યું તે સાંભળીને મારા મનમાંય શંકા ઊઠી કે ન કરે નારાયણ ને હું આ બ્લાઉઝ પહેરવાનો શોખ કરું ને મારી સાડીઓનો વીમો ઊતરી જાય તો!” પણ પ્રગટ રીતે આ વાત કહેતાં મને સંકોચ થયો એટલે મેં તો એમ જ કહ્યું : “પૂર્ણિમાબહેન! તમે આ વહેમફેમમાં ફસાવાને બદલે એમ કરો કે આ બ્લાઉઝ પણ ધોબીને ત્યાં ધોવા આપી દો. તમારો ધોબી એને બરાબર ધોશે ને એટલે એની બધીયે ગ્રહદશા - મંગળ, શનિ, રાહુ જે કંઈ હશે તે બધીય ધોવાઈ જશે.” “નહિ તો સાડીની જેમ આયે જશે એની ધોબણ પાસે?” પૂર્ણિમાબહેને મોઢું બગાડીને કહ્યું. પૂર્ણિમાબહેનની વાત સાંભળીને મને બીજો તુક્કો સૂઝ્યો. મેં કહ્યું : “તો પછી એવું કરો ને કે એક છેલ્લી ‘ટ્રાયલ’ લઈ લો. ચોથી સાડી લઈ આવો. કહેવાય છે કે ચોથી ચોક પૂરે! કદાચ નવી સાડી હેમખેમ રહે પણ ખરી!” પૂર્ણિમાબહેનને ગળે મારી વાત ઊતરી ગઈ. એમણે હસતાં હસતાં કહ્યું : “હાશ, હાશ! એવું થાય તો તમારા મોઢામાં ગોળ!” પણ ગોળ ખાવાનો વખત આવે તે પહેલાં પૂર્ણિમાબહેનના પતિને બેંગલોરમાં સરસ નવી નોકરી મળી અને પૂર્ણિમાબહેન પતિ સાથે પરપ્રાંતમાં પહોંચી ગયાં. પેલો મંગળિયો બ્લાઉઝ સાથે લઈ ગયાં છે. કદાચ કોઈ ‘દક્ષિણ ભારતીય કન્યા’ સાથે એનો મેળ બેસી જાય એવી આશાથી!

મીનાક્ષી દીક્ષિત
‘ઘેર ઘેર લીલાલહેર’માંથી