બહુરંગી/મારું મંદ મંદ હાસ્ય

From Ekatra Foundation
Revision as of 03:06, 26 May 2026 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
મારું મંદ મંદ હાસ્ય

મને હસવાની ખૂબ ટેવ છે; પરંતુ કેટલાકને તે નથી ગમતી. કદાચ તેઓને તે રીતે મુક્ત હાસ્ય આવડતું નહીં હોય, તેથી પણ ઈર્ષ્યાને લીધે એમ કહેતી હોય. બહારના તો હસવામાં ટોકે, પિતાજીએ પણ મારા ખડખડાટ હાસ્ય સામે વાંધો ઉઠાવેલો. એક વાર લગ્નપ્રસંગે મંડપમાં ઘણાં બધાંની વચ્ચે હું બેઠી હતી. તે પ્રસંગે એક બહેને અવળી સાડી પહેરી હતી. તે વાત બીજી બહેનોના ધ્યાનમાં નહોતી આવી, પણ મને એ બહેનને જોઈ જોઈને ખૂબ હસવું આવતું હતું. મારો હાસ્યરસ ચાલુ હતો. પિતાજીને આ વાતની ખબર પડી, તેથી મારી પાસે આવ્યા, મને ટોકી. મારું હાસ્ય બંધ ન રહ્યું, તેથી તેમણે મને માથા પર જોરથી ટપલો મારેલો, તે પ્રસંગ હજુ મને યાદ છે, ‘મારે ખડખડાટ કેમ ન હસવું?’ મેં પ્રશ્ન કર્યો હતો, ત્યારે પિતાશ્રીએ કહ્યું હતું, ‘સ્ત્રીએ મંદ મંદ હસવું જોઈએ.’ મંદ મંદ હસવું કેવી રીતે, તે પ્રયોગ તો મને યોગ કરતાં પણ વધારે કપરો લાગ્યો છે. છતાંય પિતાજીની આજ્ઞાને માન આપી મંદ મંદ હસવાની રીત શીખવાનો મેં પ્રયત્ન કરી જોયો છે. એક ભાઈએ એક વાર રમૂજનો પ્રસંગ કહ્યો, ત્યારે શ્રોતાઓ ખડખડાટ હસી પડ્યા; પરંતુ મેં તો મારા મુખ પર મંદ સ્મિત જ રેલાવ્યું. પહેલાં તો રોજની પ્રમાણે હી....હી.... હી... હસવા જતી હતી; પરંતુ મંદ હાસ્યના ઝિંદાદિલીવાળા પ્રયોગમાં પડી હતી, તેથી ધીરે હસી. આવું મંદ હસવું તો કોઈએ મારા મુખ પર જોયું જ ન હતું, અને તેય બધાં જ જ્યારે ખી...ખી...ખી... હસતાં હોય ત્યારે! તે કારણે મારી નજીકની મિત્રે તો મારી સામું આભા બનીને જ જોયા કર્યું. તેને તો થયું, ‘મારા હૃદય પર ગંભીર ઈજા થઈ છે.’ મારું મંદ મંદ હસીને અટકી જવું, એ તો તેમને માટે મારી મૂઢ અવસ્થા જ લાગી હતી. તેથી મારી હિતેચ્છુ મિત્રે તો નક્કી કરી નાખ્યું કે મારો માનસિક ઇલાજ કરાવવો. તે હઠાગ્રહી બની અને મને માનસચિકિત્સક પાસે લઈ ગઈ! રસ્તામાં મારી બહેનપણી ખડખડાટ હસતી હતી, પણ હું તો મંદ મંદ હસતી હતી! મગજના રોગનું નિદાન કરનાર નિષ્ણાતે મને કહ્યું, “તમે ખડખડાટ હસો.” તેમણે તાળી પાડી, તોપણ હું મોટેથી હસી નહીં. ‘હસો છો કે નહીં,’ મને તેમણે તતડાવી. કૅમેરામૅન આવત, તોપણ હું ખડખડાટ હસત કે કેમ? એ પ્રશ્ન હતો. દાકતર થાક્યા અને મારો પ્રયોગ સફળ થયો, હું મંદ મંદ હસતી રહી. મિત્રમંડળ વીલું થઈ ગયું, કારણ મેં ખડખડાટ હસવાનું બંધ કર્યું, તેથી તેમને મુક્ત હસાવનાર કોઈ રહ્યું નહીં, તે કારણે કે ગમે તે કારણે - તેમણે સૌએ મને મુક્ત હસાવવા બીજું આયોજન કર્યું. તેઓએ કહ્યું, “આપણે સમૂહમાં ફોટો પડાવીએ.’ મેં હા પાડી. અમારા મિત્રોમાંની એક મિત્રે તેનો કૅમેરો કાઢ્યો. તેણે કૅમેરો હાથમાં લીધો. અમને બધાંને સમૂહમાં ખુરશી પર બેસાડ્યા. તેણે અમને સૌને કહ્યું, ‘ખડખડાટ હસો.’ કેટલીક મિત્રો એમ સમજી, ‘ખડખડાટ કરીને ધસો,’ તેથી મોટા ભાગની બહેનોએ ખુરશીઓ આઘી-પાછી કરી અને અવાજ કર્યો અને કેમેરાવાળી બહેન તરફ ધીરે રહીને, નહીં... પણ એકદમ ધસી, તેથી કેટલીક બહેનપણીઓ ખૂબ હસી, કેટલીક પેટ પકડીને હસી, કેટલીક એકબીજાને ખભે હાથ મૂકીને હસી; પરંતુ હું તો હસવા ખાતર જ હસી. આમાં હસવા જેવું હતું જ શું? હું મંદ મંદ હસી. પુન: મારી મિત્રે સૌ મિત્રોને ખુરશી પર બેસાડ્યાં, તેણે કહ્યું, ‘હસો.’ હું સમજી ‘ખસો’ તેથી સહેજ ખસી, તેથી મારી બાજુની ખુરશી પર બેઠેલ બહેનપણીએ મને હડસેલો માર્યો. તેથી હું ખુરશીમાંથી પડું પડું થઈ ગઈ. (હું આખરી ખુરશીમાં હતી, તેથી) તે કારણે પણ સર્વ સખીઓ હસી રહી; પરંતુ મેં તો ખીલતા કમળની જેમ જ સ્મિત કર્યું, તેથી મારી સર્વ સહિયરોને થયું, ખરેખર મને ખોટું લાગ્યું છે. મને મનાવવા મારું મોં પહોળું કરી મારા મુખમાં તેઓએ પીપરમીંટ મૂકી, પહેલાં આવા પ્રસંગે તો હું ખૂબ હસતી અને હસાવતી; પરંતુ આ પીપરમીંટ મળવાના પ્રસંગે પણ મારું મુખ તો બીજના ચંદ્રની જેમ જ ક્ષણો માટે મંદ મંદ હાસ્ય વેરી રહ્યું. સૌ સહિયરો હાર્યો જુગારી બમણું રમે, તેમ જેમ જેમ હું હાસ્યમાં સંયમ રાખતી રહી, તેમ તેમ તેઓ મને હસાવવા ખૂબ ખૂબ પ્રયત્નશીલ રહી. એક બહેનપણીએ મારા ગાલ પર ટપલી મારી, તોપણ મારી બત્રીસી ન દેખાઈ. બીજી બહેનપણીએ મારી અલકલટ સમારી, તોપણ હું ખડખડાટ તો ન જ હસી. એક મિત્રે ટીખળ કરી મને કહ્યું, ‘મોં ફુલાવ.’ મેં ફુગ્ગાની જેમ મોં ફુલાવ્યું. પછી તેણીએ બંને ગાલ (મારા) પર મૂઠી વડે હળવો પ્રહાર કર્યો. લજામણીના છોડને સ્પર્શતાં છોડ સંકોચાય, તેમ મારી સહિયરની મૂઠીનો સ્પર્શ થતાં મારા ગાલ સંકોચાયા. બીજી એક ટીખળી સહિયરે મારા મોંમાં આંગળાં નાંખ્યાં અને કહ્યું, તારું મોં પહોળું કર. રાત્રે ઘણી વાર (ઊંઘમાં) મારું મોં પહોળું રહે છે અને સવાર થતાં તો બધાં મારું મુખ તપાસે છે, કે મારા મોંમાં કોઈ જંતુ પેસી તો ગયું નથી ને? એક વાર તો ઊંઘમાં મને મુખમાં કંઈ સળવળતું લાગ્યું હતું તેથી મેં એક ગ્લાસ પાણી ગટગટાવ્યું હતું. જંતુ પેટમાં સડસડાટ ઊતરી ગયું હશે! એ બધું પણ મને સ્મૃતિમાં હતું. પણ દિવસે મોં પહોળું રહે તો કયા વર્ગમાં ખપી જવાય, એની સૌને ખબર છે. છતાં શું જોઈને મારી મિત્ર મને આમ કહેતી હશે? તેણે મારું મોં પહોળું કર્યું, ત્યારે હું માત્ર અડધી ક્ષણ હસી. તેના મનમાં હું હી... હી... હી.....હી... હસીશ, પણ એમ કાંઈ બન્યું નહીં. તેથી બીજી બાહોશ સખીએ એક અતિશય લાંબી વ્યક્તિનો ફોટો મારી સામે ધર્યો. મારા પર કંઈ અસર ન થઈ! તેથી એકે એક અતિકાય માનવીનો ફોટો મારી સમક્ષ ધર્યો, તોપણ ધૂળ પર લીંપણ! કાંઈ અસર નહીં. બીજી હિતેચ્છુ મિત્રે મારા મોં પર પાણીની પાઇપ ધરી. મારું આખું મુખ પાણી પાણી થઈ ગયું. થોડું મોં પણ પહોળું થઈ ગયું. પાણી પીવાઈ ગયું. એક છોડને પાણી પાય, તેમ તેણે મને પાણી પાયું. પણ ભેંસ આગળ ભાગવત! મને કંઈ હસવું આવ્યું નહીં. હસાવવાના પ્રયત્નથી હસવું આવે નહીં. હાસ્ય એ કૃત્રિમ રસ નથી, નિષ્પન્ન થયેલ વૃત્તિ નથી. તે અનાયાસ છે, તેમાં આયાસની જરૂર નથી. મારા હાસ્ય-અટ્ટહાસ્યના કાબૂ પરની વાત પિતાશ્રી પાસે પહોંચી, ત્યારે તેમણે પ્રથમ વાર મને સારી રીતે બોલાવીને કહ્યું, ‘હવે તું ખરેખર સ્ત્રી છે, સ્ત્રીઓને અટ્ટહાસ્ય નહીં, પણ મંદ હાસ્ય જ શોભે.’ ત્યાર પછી તેમણે મારા વિવાહનો વિચાર કર્યો હતો. પિતાશ્રીને રાજી રાખવા કે એમની આજ્ઞા પાળવા બહારથી હું મંદ મંદ હસવાવાળી, પણ કહું-કોઈને ન કહો તો (ખાસ પિતાજીને ના કહેશો)- હું એકલી હોઉં, ત્યારે બંધ ઓરડે ખડખડાટ હસી લઉં છું, ઊંઘમાં અને જાગૃતિમાં બંનેય શુભ સમયે. ત્યારે બહારના લોકો મને શું સમજે છે, એ માટે તમને કહેવાની જરૂર નથી!

તરુલતા પટેલ
‘તરૂવિનોદ’માંથી