યુરોપ-અનુભવ/પીસાનો ઢળતો મિનાર
ફ્લૉરેન્સની કલાની દુનિયામાંથી પ્રકૃતિની દુનિયામાં આવી ગયાં. ફ્લૉરેન્સને ફરતી પહાડીઓ અને આર્નો નદીની પ્રાકૃતિક સુષમા કંઈ ઓછી નથી. પરંતુ ફ્લૉરેન્સથી પીસા તરફ જતી ગાડીમાં બેઠા પછી બન્ને બાજુની, જરા દૂરની પર્વતમાળા જોયા કરીએ એવું થાય. પર્વતમાળા લીલીછમ છે. જરા ઉપર, આકાશમાં આછાં વાદળ તરે છે. હજી તો ફ્લૉરેન્સથી થોડે દૂર ગયાં છીએ ત્યાં એક મોટો વાડો આવ્યો.
વાડામાં હજારોની સંખ્યામાં ભંગાર મોટરગાડીઓનો ઢગલો ખડકાયો હતો. યુરોપનાં શહેરોનાં પાદરોમાં આવું દૃશ્ય જોવા મળે. ત્યજાયેલી આ ગાડીઓ પાંજરાપોળમાં જાણે ખોડાં ઢોર ભેગાં થયાં હોય એવી દયનીય લાગતી હતી. ક્યાંક તો માત્ર એ ગાડીઓનાં હાડપિંજરો.
ઊંચીનીચી ભૂમિવાળું ગ્રામીણ ઇટલી. હરિયાળી વચ્ચે ગામ શોભતું હોય. પીચની વાડીઓ છે, ખેતરમાં કોબીજ છે, ચરોતરની ભૂમિ જેવો ફળદ્રુપ ખેતીવિસ્તાર લાગે. એક નાનકડી નદી વહી જતી હતી. ફોટો જોતો હોઉં તેમ રેલવેની બારીમાંથી એક નાનકડું ગામ. પીઆગ્ગીઓ નામ. આપણાં ગામડાંની જેમ હારબંધ ઘર. વચ્ચે ઊંચી ટાંકી અને છેડે એક ચૅપલ. ગામના રસ્તા પાકા. ગોંદરે એક મોટી ફૅક્ટરી પણ આવી. એક સ્ટેશને ગાડી ઊભી રહી. પહેલી વાર આ સ્ટેશન પર ફેરિયો જોયો.
ખેડુપુત્રની મારી આંખો જવની લાંબી ઉંબીઓથી લહેરાતાં ખેતર જોઈ રાજી થઈ ગઈ. ઓછામાં પૂરું ખેતરમાં ચાડિયા પણ ઊભા હતા. ખેતર વચ્ચેનું ઘર ગમી ગયું મને તો. મેં આવા એક ઘરની કલ્પના કરી છે. મને પૂછવામાં આવે કે, તમારે કેવા સ્થળે, કેવું ઘર બાંધવું છે? તો ક્યારેક વિચાર આવે : પહાડના ઢોળાવ પર, જ્યાં એક ઝરણું વહી જતું હોય; કે જંગલની એક કિનાર પર, જ્યાં પણ ઝરણું તો હોય; પણ વિશેષ તો ખરાબાની એક તલાવડી હોય, થોડું ખુલ્લું ગોચર હોય, એને અડીને વૃક્ષોની હારવાળો ગાડારસ્તો હોય; ખેતર વચ્ચે કૂવો હોય જેમાંથી ડમકીનું પાણી વહેતું હોય ખેતરના ઢાળિયે, ત્યાં ખળાની બાજુમાં બે માળનું ઘર, વૃક્ષઘટામાં. બીજે માળે મનગમતાં પુસ્તકો હોય. આ મારું ‘લક્ઝુરિયસ’ ઘર. અધ્યાપક થયેલા ખેડુપુત્રની નજર પહોંચી પહોંચીને આથી વધારે કેટલે પહોંચે? જવનાં ખેતર વચ્ચેનું ઘર પસંદ પડી ગયું; – પણ એ તો ક્યારનુંય પસાર થઈ ગયું હતું. હું કલ્પનામાં ઘર રચી રહ્યો હતો.
પીસા સ્ટેશન આવી ગયું. અમારા જેવાં થોડાં પ્રવાસીઓ હતાં. એ પણ પીસાનો ઢળતો ટાવર જોવા આવ્યાં હતાં. સ્ટેશને ઊતરી અમે પૂછ્યું કે, અહીંથી ટાવર સુધી ચાલીને જઈએ તો કેટલી વાર લાગે? અમારો આશય પૈસા બચાવવા ઉપરાંત શહેરને પણ પદગત કરી પામવાનો હતો. થોડું દૂર હતું. ચાલતાં જતાં કદાચ થાકી પણ જવાય. સ્ટેશનેથી જ બસની વ્યવસ્થા છે. પહેલાં કાઉન્ટર પરથી ટિકિટ લઈ લેવાની. રિટર્ન ટિકિટ પણ મળે. અમે માત્ર ત્યાં જવાની ટિકિટ લીધી, વળતાં ચાલવાનો વિકલ્પ ખુલ્લો.
બસ તો શહેર વચ્ચેથી જાય. બસમાં સ્થાનિક ઉતારુ ઉપરાંત દેશદેશના પ્રવાસીઓ પણ હોય. આ પણ એક ઉપલબ્ધિ છે. દેશદેશના ચહેરા. બધા અજાણ્યા, છતાં એક રીતે બધા ‘ઓળખીતા’. બધાંનું ગંતવ્ય અત્યારે એક જ : પીસાનો ઢળતો મિનારો. પીસાના આ ઢળતા મિનારાનું નામ ગોખ્યું હતું દુનિયાની સાત અજાયબીઓનાં નામોમાં. પછી વિજ્ઞાનની ચોપડીઓમાં એ ઢળતા ટાવરની આકૃતિઓ પણ જોયેલી – ગૅલીલીઓના વૈજ્ઞાનિક પ્રયોગ સંદર્ભે. ટાવરની ટોચથી જુદા જુદા વજનવાળા પદાર્થો – એક પથ્થર અને એક કાગળનો ટુકડો – એક સાથે નાખવામાં આવે તો? બન્ને સાથે નીચે પડે. પણ આવો પ્રયોગ ગેલીલીઓએ એ ટાવર પરથી કરેલો. એ કિંવદન્તી જ ગણાય છે. તો પણ. પીસાનો ટાવર અને ગૅલીલીઓ બન્ને સાથે જ યાદ આવે. જ્યારે મધ્યકાળમાં પોપની આણ પ્રવર્તતી ત્યારે કેટલાંક વૈજ્ઞાનિક સત્યો ઉચ્ચારવા માટે એને કેદમાં નાખવામાં આવેલો. અને તે સત્યો કેવાં પણ? આ પૃથ્વી બ્રહ્માંડના કેન્દ્રમાં નથી, તે સૂર્યની આસપાસ ફરે છે. ધર્મગુરુઓને મતે આ તો નર્યું પાખંડ કહેવાય. ધર્મશાસ્ત્રોથી જુદો મત ઉચ્ચારાય જ કેવી રીતે? એ સોળમી સદી હતી. પાખંડીઓને જીવતા સળગાવી દેવામાં આવતા! ગૅલીલીઓ તો બચી ગયો એટલાથી. એ પણ થોડો વ્યવહારુ હતો. પોતાની વૈજ્ઞાનિક શોધ ચૉક્કસ હોવા છતાં એક ધારણા તરીકે મૂકે. એક ધર્મગુરુમિત્રે એવી સલાહ આપેલી.
બર્તોલ્ત બ્રેખ્ત નામના જર્મન નાટકકારે ‘ગૅલીલીઓનું જીવન’ નામે નાટક લખ્યું છે. બ્રેખ્તનાં અભ્યાસી અનિલાબહેને એ નાટકની વાત કરી. જીવનનાં છેલ્લાં વર્ષોમાં ગૅલીલીઓ જે પુસ્તક લખતો હતો તે જેમ જેમ લખાતું, તેમ તેમ પોપ દ્વારા બાળી નાખવામાં આવતું, પણ ગૅલીલીઓ બે નકલ કરતો. એમાંથી એ એક દેશ બહાર પહોંચાડી દેતો! સત્તા સામે ધાર્મિક કે રાજકીય સત્યશોધકોએ – સર્જકોએ કેમ કરી માર્ગ કાઢવો? સદીઓથી એ પ્રશ્ન જ રહ્યો છે. ‘આયાતોલા ખોમેની’ના પૂર્વે ઘણા અવતારો હતા, અને હજી હશે.
પીસા અતિ પ્રાચીન નગર છે. ઈસવીસન પૂર્વે એ રોમન કૉલોની હતી. નકશામાં જોઈએ તો જણાય કે, એ લગભગ દરિયાકિનારે છે. અહીં પણ ફ્લૉરેન્સવાળી પેલી રમણીય આર્નો નદી છે. નદી હોય એટલે નગરને કેટલાક ગુણો તો એમ ને એમ મળી જાય. પીસા મધ્યકાળમાં વેપારવણજથી ધીકતું નગર હતું. પૂર્વકાંઠે આવેલા વેનિસનું પ્રતિસ્પર્ધી. બહુ જૂની પીસા યુનિવર્સિટી છે, ગૅલીલીઓ એમાં ભણેલો. એ ભણેલો વૈદક અને થયો વિજ્ઞાની – ગણિતશાસ્ત્રી.
અમારી બસ નગરના માર્ગો પરથી જે રીતે ગુજરી, કે નગરદર્શન પણ થયું. સાંજનો તડકો નગરનાં મકાનોને ઓપ ચઢાવતો હતો. આપણને ખ્યાલ પણ ના આવે કે બીજા વિશ્વયુદ્ધમાં આ નગરનો ઘણો ભાગ બૉમ્બમારાથી તારાજ થયેલો!
બસમાંથી દૂરથી ઢળતો મિનારો દેખાયો, પણ એ પહેલાં ગોળ ગુંબજવાળી બૅપ્ટિસ્ટ્રી અને વિશાળ કેથિડ્રલ. અમે બસમાંથી ઊતર્યાં. એક બાજુએ હારબંધ દુકાનો. દુકાનોમાં ખાસ તો પ્રવાસીઓને પસંદ પડે તેવી વસ્તુઓ. અમારી પાસે કૉમન ફંડના વીસ હજાર લીરા વધ્યા હતા. હવે રાત્રે તો સ્વિટ્ઝર્લૅન્ડ જવા ગાડી પકડવાની હતી, તો આ લીરા ખર્ચી નાખવાનો વિચાર કરી લીરા વહેંચી દીધા.
હજી તો મિનારા પાસે પહોંચીએ તે પહેલાં દીપ્તિ, રૂપા, નિરુપમાએ તો દુકાનો પર જાણે કે હુમલો કર્યો. સુંદર ગમી જાય એવાં જાતજાતનાં પર્સ, ધાતુની ચિતરામણવાળી નાજુક ડબ્બીઓ, કંઠે અને કાનમાં શોભે એવા કંઠહાર અને કર્ણફૂલો, ચિત્રકૃતિઓ. એક જુઓ અને બીજું ભૂલો. સ્ત્રીઓ અને શોપિંગનો સંબંધ જાણીતો છે, પણ આ લોકો જે રીતે લીરા ખર્ચી નાખવા ઇચ્છુક હતાં, તેથી હું નારાજ થયો. મેં રુક્ષ સ્વરે કહ્યું : ‘આ તમારું ડેસ્પરેટ શોપિંગ છે! લીરા વધ્યા છે એટલે ફેંકી દેવા?’ એ લોકો મારા પર નારાજ થયાં, પણ થોડો અંકુશ આવ્યો.
હવે સૌએ ધ્યાનથી મિનારા ભણી જોયું : ઊંચી ગોળ ગુમ્બજવાળી બેપ્ટીસ્ટ્રી અને કેથિડ્રલનું એક અંગ છે. આ બાજુ કેથિડ્રલનું વિશાળ પ્રાંગણ અને એમાં પથરાયેલી હરિયાળી અને મિનારની આજુબાજુ દૂર સુધી પણ હરિયાળીની શોભા જ શોભા. શોભા રંગબેરંગી વસ્ત્રોમાં સજ્જ માનવ-ચહેરાઓની. ઘાસ ઉપર કેટલાં બધાં યુગલો પ્રેમ કરી રહ્યાં હતાં! દીર્ઘ ચુમ્બનોની મુદ્રાઓ ઉપરાંત એકબીજાને આલિંગનમાં બાંધી ઘાસ પર ગબડવાનું કૌતુક માણનાર યુગલો પણ હતાં. કોઈનું પણ લોહી ગરમ થઈ જાય, પણ, અહીં આ બધું સહજ – સ્વાભાવિક રૂપે લેવાતું લાગ્યું. જોકે પીસાના એ પ્રેમીઓ તો વધારે પડતા સાહસી લાગતા હતા. અહીં ચર્ચના પ્રવેશદ્વાર પાસે એક યુવક એક યુવતીને વારંવાર ચુંબન કરતો હતો. બાજુમાં એનો મિત્ર એ દૃશ્ય જોતો ઊભો હતો. પછી એને શું થયું તે, એ, બે ચુમ્બનબદ્ધ મોઢાં છૂટાં પાડવા એના હાથમાં રહેલા લાકડાના કાટખૂણાને પેલાં ચુમ્બનાતુર બે મોં વચ્ચે ભરાવવા લાગ્યો. જોનારનું ટોળું થઈ ગયું. પછી તો છૂટા પડેલા લાલ મોઢાવાળી યુવતી હસવા લાગી, અને સૌ જોનાર પણ હસવા લાગ્યાં. અમે પણ એમાં જોડાયાં.
ઢળતા મિનારની બરાબર સામે ચર્ચની સોપાનમાળા પર અમે આસન જમાવ્યું. ઉપર ચઢતા અને ચઢી ગયેલા પ્રવાસીઓ ઉપરથી રૂમાલ ફરકાવતા નીચે ઊભેલા સાથીઓને સાદ દેતા હતા. મિનાર, જે માત્ર પથ્થરનો અચલ મિનાર છે તે જીવંત ગતિશીલ લાગતો હતો. જોકે આ મિનારને અચલ તો નહિ કહી શકાય. બારમી સદીમાં બંધાવો શરૂ થયેલો આ મિનારો રોમાનેસ્ક સ્થાપત્યશૈલીમાં છે. પૂરો થતાં બીજાં બસો વર્ષ ગયેલાં. જેવો પૂરો થયો કે પછી થોડા સમયમાં એક તરફ જમીન જરા બેસી જતાં એ એક બાજુ જરા ઝૂક્યો છે, સીધાણથી લગભગ ચાર મીટર જેટલો, અને હજી થોડો થોડો ઝૂકતો જાય છે. આ ઝૂકેલી એની મુદ્રા એ એની શોભા, અને એનું એક વિશેષ આકર્ષણ. પણ, ઝૂકતો ઝૂકતો એ ક્યાં સુધી ઝૂકશે? કોઈ રીતે એનું ઝૂકવાનું અટકાવી શકાય કે નહિ? વિજ્ઞાને આજે શું અશક્ય રાખ્યું છે? તોય ઝૂકતો ઝૂકતો એ એક દિવસ ધરાશાયી થઈ જશે? થશે તો ખરો એવી આગાહી છે. દુનિયાની એક અજાયબી ઓછી થશે.
પહેલાં, જ્યારે કુતુબમિનાર પર છેક ઉપર જવા દેતા, હાંફતાં હાંફતાં પગથિયાં ગણતા છેક ઉપરના માળે ચઢીને દિલ્હીની દૂર સુધીની નગરચિત્રણા જોઈ હતી, પણ વધારે સભાનતા તો કુતુબમિનારની ઉપરની ટોચે ચઢ્યા એની રહી છે. તો હવે પીસાના આ ટાવર ઉપર ચઢીને એવો સંતોષ લેવો કે પીસાના ઢળતા ટાવર – દુનિયાની સાત અજાયબીઓમાંના એકની – ટોચે જઈ આવ્યા? આવું થતું હોય છે જોકે પૅરિસના એફિલ ટાવર પર ચઢીને પૅરિસ જોવાની હોંશ છે! પરંતુ જવા દો, આ ઢળતા ટાવર પર નથી ચઢતાં. પણ બેપ્ટિસ્ટ્રી, કેથિડ્રલ અને મિનાર ત્રણેનો એક સંકુલ (જે ફ્લૉરેન્સમાં જોયો હતો.) આમંત્રણ આપતો હતો. જે સોપાનમાલા પર અમે બેઠાં હતાં ત્યાં આજુબાજુ ઘણાં કબૂતરો ઊડાઊડ કરતાં હતાં. રિલૅક્સ મૂડમાં પ્રવાસીઓ બીઅર કે કૉફી પીતાં હતાં કે હામ્બુર્ગર ખાતાં હતાં. અમે ઇટાલિયન આઇસક્રીમનો આસ્વાદ લીધો. પછી બહારથી જ દેવળને જોઈ લીધું. થયું: ઢળતા મિનારને તો સ્પર્શ કરવો જ જોઈએ ને? રંગબેરંગી પ્રવાસીઓ હજી ઉપર જવા શ્રેણીબદ્ધ ઊભાં હતાં. અમે પ્રવેશદ્વારથી અંદર જઈ જોયું, પગથિયાં ભરેલાં હતાં. બહાર આવી, મિનારની ભોંયસપાટી – પ્લિન્થ ઊંડી ગયેલી છે ત્યાં નીચેથી ઉપર જોયું, મિનાર નમેલો છે. વિચાર આવ્યો કે, હજી નમતો જશે તો? વચ્ચે થોડો સમય પ્રવાસીઓ માટે એ બંધ રાખવામાં આવેલો, પણ, પ્રવાસીઓની સંખ્યા ઘટી જવાની બીકથી એને ખુલ્લો રાખવામાં આવ્યો છે.
પ્રેમી યુગલોની વચ્ચે થઈ હરિયાળી પર ચાલતા છેડે આવેલા ફુવારા પર જઈ પાણી પીધું. દુકાનો બંધ થઈ જાય એ પહેલાં સહપ્રવાસીઓ લીરા વાપરી નાખવા આતુર હતાં. એટલે શોપિંગ માટે પણ વેળા થવાથી દુકાનદારો વેચવાની, ભાવતાલ કરવાની માથાકૂટથી બચતા લાગ્યા.
ઇટાલિયાની પ્રલંબિત રમ્ય સાંજ. હવે અમારે સ્ટેશન ભણી જવું જોઈએ. રિટર્ન ટિકિટ લીધેલી નહિ. હતું કે ચાલી નાખીશું. પણ, બસમાં આવતાં લાગ્યું હતું કે, અંતર થોડું વધારે છે. વળી પાછું, બસમાં ટિકિટ લઈને બેસવાનું હતું. કાઉન્ટર નહોતું. ઑટોમૅટિક યંત્ર હતું. તેમાં સિક્કા નાખવાના, બટન દબાવતાં ટિકિટ નીકળે. હું ગયો પણ આ બાબતમાં હું અનાડી. મને ફાવ્યું નહિ. એમાં, એક બસ તો જતી રહી. એક દરિદ્ર લાગતો નિગ્રો અમારી મદદે આવ્યો. ફટાફટ ટિકિટો કાઢી આપી.
બસસ્ટૉપ પર ઊભાં ઊભાં આ ઢળતો મિનાર, આ દેવળ, આ બેપ્ટિસ્ટ્રી, આ હરિયાળું પ્રાંગણ અને એમાં પ્રેમ કરતાં યુગલો અને ભમતાં પ્રવાસીઓની છબી અંતરમાં આંકતાં હતાં. બસ આવી કે એમાં બેસી ગયાં. થોડી વારમાં સ્ટેશને, અને પછી ફ્લૉરેન્સ જતી ગાડીમાં. અમે સૌ પ્રસન્ન હતાં. ફ્લૉરેન્સમાં આઇસક્રીમ ખાઈએ એટલા લીરા માંડ બચ્યા છે!
ઇટલી-ઇટાલિયાની હવે – આજે તો વિદાય લેવાની છે. ગાડીની બારી પાસે બેસી બહાર જોતાં જોતાં ટાગોરની ‘ઇટાલિયા’ કવિતાની લીટીઓ યાદ કરવા મથું છું : એ તો સરમુખત્યાર મુસોલીનીનું ઇટાલિયા હતું અને કવિ ટાગોર મુસોલીનીના આમંત્રણથી આવેલા એટલે થોડા ટીકાપાત્ર પણ બનેલા. એમણે ઇટલીથી જતાં જતાં મિલાનમાં એ કવિતા રચી હતી :
કહિલામ, ઓગો રાની કત કવિ એલ ચરણે તોમાર ઉપહાર દિલે આનિ
‘કહ્યું – હે રાણી, કેટલાય કવિઓ તારે ચરણે આવી તને ઉપહાર ચઢાવી ગયા છે એ સાંભળીને હું આવ્યો છું, ઉષાને દ્વારે પંખીની જેમ ગીત ગાઈને ચાલ્યો જઈશ. હે રાણી, સાગર પારની કુંજોમાંથી વાંસળી લઈને આવ્યો છું, તારા મોં પરનો પડદો જરા દૂર કર, તો એક વાર તારી કાળી આંખની ચમક જોઈ લઉં…’ રાણી ઇટાલિયાએ કહ્યું કે : ‘હે કવિ તું આજે તો જા, હમણાં પાનખર છે. વસંતઋતુમાં આવજે, ત્યારે હું બોલાવીશ..’ કહ્યું : ‘હે રાણી, મારી યાત્રા તો સફળ થઈ છે…’
અમે તો ઇટાલિયાની ભરવસંતે આવ્યાં છીએ, બહુ ઓછું દર્શન થયું છે, છતાં અમારે તો એટલું જ કહેવાનું છે :
ઓગો રાની, સફલ હયે છે જાત્રા આમાર…