બહુરંગી/તલવારની ધારે

From Ekatra Foundation
Revision as of 01:58, 27 May 2026 by Meghdhanu (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
તલવારની ધારે

ગિરા ભટ્ટ

મારા હાસ્યલેખોથી બધુ પ્રભાવિત થાય એવું તો ન જ હોય ને! વળી, એમાંથી કેટલાક બંધબેસતી પાઘડી પહેરી લે ને મને એમની દુશ્મન ગણવા લાગે. એ પણ કેમ ચલાવી લેવાય? બસ, આવા કારણસર ચાલુ થઈ જાય વાક્યુદ્ધ પ્રત્યક્ષ કે પરોક્ષ. મતલબ કે ફોન દ્વારા કે લોહી પીનારા મોબાઇલ મારફતે. જેને જે વિચારવું હોય તે વિચારે કે સમજે; પરંતુ.. આપણે તો લખતાં રહેવું. ભરી બજારમાંથી હાથી હાલ્યો જાય રાણા, શ્વાન ભસે છે એમાં, હાથીને શું થાય રાણા? મીરાંબાઈનું ગીત ગાતી-ગાતી જ્યાં કાગળ અને કલમ પકડું છું ત્યાં મોબાઇલ રણક્યો. એક બહેન મારી સાથે જીભાજોડી કરવા લાગ્યાં : ‘તમે... તમે... આ હાસ્યલેખ ચોક્કસ મારા ઘરવાળાને ધ્યાનમાં રાખીને લખ્યો છે.’ મેં કહ્યું, ‘બહેન, હું તમને ઓળખતી નથી, તમારા ઘરવાળા કોણ છે એમને હું જાણતી નથી, છતાં શા માટે મારી સાથે આટલી બધી મગજમારી કરો છો?’ ને આ ‘મગજમારી’વાળું વાક્ય સાંભળી પેલાં બહેનનો પારો સાતમા આસમાને પહોંચ્યો. મારા ઘરે આવી મને મારવાની ધમકી આપી. હું તો સાંભળતાં જ હેબતાઈ ગઈ. બસ, પછી તો આવનાર વ્યક્તિ સાથે સામનો કયાં કયાં સાધનોથી અને કેવી રીતે કરી શકાય તેવા ખ્યાલોમાં ખોવાઈ ગઈ. ઘરમાં લાકડી, ધોકો જેવાં હથિયાર તો ખરાં પણ વાપરતાં ન આવડે તો? કારણ કે લાકડીની જરૂર મારે ક્યારેય પડી નથી. મારા ઘરવાળાને સીધા કરવા માટે માત્ર વેલણ પૂરતું છે ને ધોકો વૉશિંગ મશીને છીનવી લીધો છે. એટલે એ બંને હથિયાર હોવા છતાં હું લાચારી અનુભવી રહી છું. શું કરવું અને શું ન કરવું એ ન સમજાતાં પોલીસને ફોન કરવાનું વિચાર્યું; પરંતુ, પોલીસોનાં પોત તો પહેલેથી જ પ્રકટેલાં છે. એ આવી પહોંચે તો બળતામાં ઘી હોમે, ને ઘરમેળે પતે એવો કેસ ભડકો થઈ પહોંચે ભાગોળે, એટલે એ વિચાર પડતો મૂક્યો. ઘરમાં ચાલતા સંવાદોથી કે મારા મોટા અવાજથી કે કોણ જાણે; પરંતુ પાડોશીઓ આ વાત જાણી ગયા. (જાણે જ ને. ગળથૂથી ગળતાં સાથે-સાથે લાઉડસ્પીકર ગળી ગઈ છું, પછી.) ને અમારા એક પરિચિત દરબારભાઈના કાને આ વાત પહોંચી ગઈ. એ દરબારભાઈ તો રાતા-પીળા થતા... ‘મારા દિયોર... કોણ છે એ....’ કહેતા તલવાર લઈ આવી પહોંચ્યા. આમ તો મારા ભાઈ જેવા, એટલે મારી વ્હારે દોડી આવ્યા; પરંતુ એના હાથમાં રહેલી ખુલ્લી તલવાર જોઈ મારા હોશ ઊડી ગયા. હું ભાનમાં આવી ત્યારે.. ઘરના સભ્યોએ અને પાડોશીઓએ જણાવ્યું કે.... ‘બાપુ તો ઘરે જતા રહ્યા પણ આ તલવાર અહીં મૂકતા ગયા છે, ને કહેતા ગયા છે કે કોઈ હેરાન કરે ને તો... એક ઘા ને બે કટકા કરી જ દેવાના પછી જે થવાનું હોય તે થાય.’ હું તો આ સાંભળતી જ રહી ગઈ ને બબડી પણ ગઈ કે દરબારનું તો થાણામાં થાય, પણ... મારું શું થાય? મારું ઠેકાણે લાવવા ઘરે પધારેલામાંથી કોઈ એકે મને પાણી પિવડાવ્યું, ને હું બેઠી થઈ. પરંતુ.. કોણ જાણે મારી નજર એકાએક પેલી ખુલ્લી મૂકેલી તલવાર પર પડી. હું ચીસ પાડી ઊઠી.. ‘અરે! તલવારને મ્યાનમાં મૂકી દો.’ તલવારની ધાર જોઈ મને શૂરવીર શિવાજી થવાની મહેચ્છા જાગી છે. તે જ તલવાર જોઈ મને રાણાપ્રતાપ સાંભરે છે. અરે! રાણી લક્ષ્મીબાઈ હતી કે શું ગયા જન્મમાં? કંઈ જ નહીં હોઉં તો ફુલનદેવી તો ચોક્કસ હોઈશ. ‘મ્યાન કરો. મ્યાન કરો. કોઈ તલવારને મ્યાન કરો. જલદી કરો. મારી અંદરનું શૂરાતન જાગશે તો ભલભલાને ભાંગી નાંખશે.’ ને સમજુ પાડોશીઓએ તલવારને મ્યાનમાં મૂકી દીધી. ત્યાર પછી મારા મનને ટાઢક વળી. હાશ! જખ મારે છે જગ, મારી ડરપોકવૃત્તિ બહાર ડોકાવી ન જોઈએ. તે ન્યાયે હું પુનઃ આક્રોશ સાથે લાગી બોલવા : ‘મારા હાથમાં તલવાર હોય...’ ને આગળ કાંઈ બોલવા જાઉં ત્યાં તો મારી દીકરીએ મારું મોં દબાવી દીધું. મને હાશ થઈ. સ્વગત બબડી રહી. સો વરસની થજે દીકરી, નહીંતર આગળ હું જ બોલી નાખત કે.. મારા હાથમાં તલવાર હોય તોપણ તે કાંસકા બરાબર છે...’ વળી પાછું સ્વ-પોત પ્રકાશતાં હું બચી ગઈ. મારું મોં દાબી રાખી દીકરી ઊભી હતી. એટલે મેં હાથનો ઇશારો કરી કંઈક લખવા માટે પેન માગી. મારા દીકરાએ મારી દયા ખાઈ મને લેટરપેડ અને પેન આપ્યાં એ એની મમ્મીને સંપૂર્ણપણે ઓળખતો હતો કે મમ્મીના હાથમાં કાગળ અને પેન આવી ગયાં એટલે પત્યું. આજુબાજુની પરવા છોડી દેશે ને એવા મગજ વગરના લેખનકાર્યમાં મગજમારી કર્યા કરશે! દીકરીએ મારા મોં પાસેથી એનો હાથ હટાવ્યો. ભેગા થયેલાઓએ હાથ ઊંચો કરી ફિલ્મી અદાથી કહ્યું કે, ‘એકાંત..’ આ સાંભળી બધાં સગે-વગે થઈ ગયાં. મેં હવે લખવા માંડ્યું. હું શું લખી રહી હતી એની મને ખુદને જ ખબર નહોતી. છતાં.... બસ, લખતી જ રહી.. મગજના વિચારોની ઝડપે પેન દોડી રહી હતી. લખાઈ રહ્યા પછી હાશકારો અનુભવ્યો. એની ઝેરોક્સ કરાવવા ને તે નકલ ‘ગાંધીનગર સમાચાર’માં આપી આવવા મારા ઘરવાળાને કહ્યું. હંમેશની આદત પ્રમાણે એ ઝેરોક્સ કઢાવવા ગયા; પરંતુ ઝેરોક્સની દુકાને પણ લાઇન હતી એટલે ખુદ ઝેરોક્સવાળો જ બોલ્યો, ‘સાહેબ, તમતમારે બજારનાં કામ પતાવીને વળતા લેતા જજો.’ સાહેબને બજારનું, દવાખાનાનું એમ કામ લંબાયું તે આવતાં વાર થઈ. ઝેરોક્સવાળો નવરો બેઠો હતો તે એક નકલ લઈ વાંચવા લાગ્યો. સાહેબને નકલ પકડાવી એ તરત જ ત્યાંથી રવાના થઈ ગયો. કામકાજ પતાવી સાહેબ ઘેર પહોંચ્યા ત્યાં તો... મારા ઘરે કોઈ અજાણી સ્ત્રી અને એની સાથે પેલો ઝેરોક્સવાળો હાજર હતો. એમણે આશ્ચર્યથી પૂછ્યું : ‘અરે ભાઈ, તું અહીં કેમ? કંઈ ગરબડ થઈ છે? હું કંઈ ભૂલી ગયો કે હું ભૂલથી બીજું કંઈક ઉપાડી લાવ્યો, કે શું? આમ સાંભળતાં જ એ ગળગળો થઈ ગયો. ‘સાહેબ, મને અને મારી ઘરવાળીને માફ કરી દ્યો... આ મારી ઘરવાળીમાં અક્કલ નથી. એ મને ખોટો ફસાવી દેશે. અમે હેરાન થઈ જાશું, મને અને એને છોડી દો..’ ‘હું કંઈ જ સમજ્યો નહીં કે ન સમજી મારી ઘરવાળી.’ (મારી ઘરવાળીમાં અક્કલ નથી એવું મારા એ બોલી તો જુએ.. છે હિંમત? ) એમણે કહ્યું, છોકરાં પણ બાઘાં બની ઊભાં હતાં, ને વિચારતાં હતાં કે... ‘શા માટે આ લોકો મારાં મા-બાપના પગ પકડે છે.. ને વિનંતી કરે છે?....’ ત્યાં તો પેલા આવેલ ભાઈ ગળગળા થઈ બોલ્યા : ‘સાહેબ, આ તમારી પાસે છે એ ઝેરોક્સ કે અસલ વાંચો.. સઘળું સમજાઈ જશે, બાપ.’ પછી મારા ઘરવાળાએ મોટેથી વાંચવા માંડ્યું : ‘ભાઈ શ્રી દાઉદ, ‘તું અત્યારે ક્યાં છે?.. પાકિસ્તાન, અફઘાનિસ્તાન કે દુબઈમાં? જ્યાં હોય ત્યાંથી તાત્કાલિક પ્લેન પકડી મુંબઈ. ને ત્યાંથી સીધો અમદાવાદ આવી જા. અમદાવાદથી ગાંધીનગરના રસ્તા હવે અફ્લાતૂન બની ગયા છે. એટલે તને આવવામાં મુશ્કેલી નહીં નડે. અહીં હું મુશ્કેલીમાં મુકાઈ ગઈ છું. ને તું ત્યાં દોમદોમ સાહ્યબીમાં કેટલાય રક્ષકોની ફોજ વચ્ચે સલામત છો. ‘જો... આ શ્રાવણ મહિનો અડધો થવા આવ્યો. થોડા જ દિવસમાં રક્ષાબંધન આવશે. એ નિમિત્તે મારે બીજું કશું ન જોઈએ; પરંતુ તું સમજી ગયો હોઈશ... તેજીને ટકોર કાફી છે. તારી હાજરી અહીં અનિવાર્ય છે. મને ખાતરી છે કે આ વાંચતાં જ તું મારી વ્હારે દોડ્યો આવીશ. હથિયાર હાથવગાં રાખજે, ઉતાવળમાં ભૂલી ન જતો. અત્યાધુનિક હથિયાર લઈને જ આવજે. એક મહિલાની લૂલી આજકાલ બહુ લાંબી થઈ ગઈ છે. ‘મને ખબર છે કે તું ભલભલાને ભૂ પિવડાવે એવો છે. તારી બહેનને કોઈ આંગળી તો અડકાડે, મને ખાતરી છે કે તું એ સહન નહીં કરી શકે, બસ... એ નામધારી મહિલાના દાંત ખાટા કરી પાછો વળી જજે. રાજન સાથેના કટ્ટર વેરની પરવા હમણાં છોડી દેજે. અમેરિકા, ઇંગ્લૅન્ડ જેવા દેશો સામે આતંકનાં આયોજનો પડતાં મૂકી દે. એ કામ બીજી ગેંગના ભરોસે છોડી અહીં આવી જા. તારું નામ સાંભળતાં જ એ ફફડી જશે. તારા આગમન માત્રથી... કલ્પના કરવાનું છોડી પત્ર પૂરો કરું છું.’ - લિ. ભગિનીની વ્હારે ભ્રાતાશ્રી આવજો દોડી કૃષ્ણા જોતી વાટડી, કરથી કલમ જોડી. તંદ્રાવસ્થામાંથી જાગ્રત થતી હોઉં એમ હું બોલી, ‘ના હોય... મેં આવું લખ્યું જ નથી. હું... હું... ને આવું લખું? ના બાપ ના, ભોગ લાગ્યા હોય તે દાઉદને ભાઈ બનાવું....!’ આટલું બોલતાં હું તો પરસેવે રેબઝેબ થઈ ગઈ. મારા ઘરવાળાએ ઘડીક મારી પર ગુસ્સો કાઢ્યો તો.. ઘડીક જાત પર. જિંદગીમાં પહેલી જ વખત આક્રોશ સાથે કહી નાખ્યું કે... ‘મૂરખ જેવી, આવું તે કાંઈ લખાતું હશે?’ ‘તો, આવું તે કંઈ ઝેરોક્સ-કરાવવા જવાતું હશે?’ ‘તેં આપ્યું’તું...’ “હું તો આપું, તમે... તમે.. ભણેલા નથી? .. જોઈ વિચારીને, વાંચીને ઝેરોક્સ કરાવાય કે ઝેરોક્સ કરવા અપાય. ભણેલા ન હોય એમ...’ ‘હું......હું ભણેલો તો છું પણ તારા જેવું નહીં....’ ‘કેમ, મારા જેવું નહીં એટલે?.. હું શું ખોટું ભણી છું?’ ‘હા....’ ‘તો લાવો એ કાગળ, મેં તંદ્રાવસ્થામાં નહોતો લખ્યો. જાગ્રત અવસ્થામાં સંપૂર્ણ જાગ્રત અવસ્થામાં લખ્યો હતો. લાવો.. કુરિયર કરી આવું એટલે પત્યું.’ ‘હેં?’ ‘હા.’ અમારી આવી રકઝક સાંભળી લોકો ભેગા થઈ ગયા. ‘જાવ હવે પાછા.. ને ‘ગાંધીનગર સમાચાર’માં છાપવા આપેલો મારો લેખ પાછો લઈ આવો.’ ‘હવે.. હવે... હું નહીં જાઉં, તું જ જા.’ ‘મને ક્યાં વાહન ચલાવતાં આવડે છે?’ ‘તો શું આવડે છે?’ ‘કલમ ચલાવતાં..’ ‘નથી ચલાવવી બાપ, કલમ નથી ચલાવવી, રહેવા દે મારી મા..!’ અમારી આવી ઊંચી કટકટ સાંભળી આવેલ ઝેરોક્સવાળા ભાઈ બોલ્યા, ‘સાહેબ, અમે.. અમે.. લોકો દાઉદથી ફફડતા નથી.’ ‘હેં?’ મારી આંખો પહોળી થઈ ગઈ. મારા ઘરવાળા તો બેસી જ પડ્યા. આ તે કેવો માણસ? એક બાજુ પગ પકડે છે ને બીજી બાજુ કહે છે કે દાઉદથી ડરતા નથી. ત્યાં તો પેલાં બહેન બોલ્યાં, ‘સાહેબ, દાઉદ કરતાંય વધુ ડર અમને કલમનો છે…’ આ સાંભળી મારાં છોકરાં પણ ટાપશી પુરાવતાં બોલી ઊઠ્યાં : ‘હા.. હા... પપ્પા, મમ્મીના હાથમાં તલવાર આપો, પણ ... કલમ ક્યારેય નહીં.’

ગિરા પિનાકીન ભટ્ટ
‘ગાંધીનગર સમાચાર’ સાપ્તાહિકમાંથી