કાંચનજંઘા/મુમૂર્ષુ નાયિકા

From Ekatra Wiki
Revision as of 05:07, 26 July 2021 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|મુમૂર્ષુ નાયિકા|ભોળાભાઈ પટેલ}} {{Poem2Open}} કલકત્તા અત્યારે ધુમ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


મુમૂર્ષુ નાયિકા

ભોળાભાઈ પટેલ

કલકત્તા અત્યારે ધુમ્મસનું નગર બની રહ્યું છે. સવારના દશેક વાગ્યા છે. સૂર્ય ઘણો ઉપર આવ્યો છે, પરંતુ તે એટલો નિષ્પ્રભ છે કે તેની સામે બરાબર આંખ માંડી શકાય છે. કદાચ એને પૂનમનો ચંદ્ર કહી શકાય, પરંતુ ચાંદની નથી. એક જાતનું આછું ઉદાસ અજવાળું છે. છતાં કલકત્તાનગર અત્યારે જાણે ઑફિસે, નિશાળે, બજારે, કામધંધે જવા નીકળી પડ્યું છે. રસ્તાઓ છલકાઈ ઊઠ્યા છે. વાહનોના વિવિધ અવાજોથી. આ ધુમ્મસમાં એ અવાજો પણ બોદા સિક્કાના અવાજ જેવા જુદા લાગે છે.

કલકત્તા એક મહાનગર નથી, કલકત્તા એક ‘સંસ્કૃતિ’ છે. એને ‘કલકત્તા સંસ્કૃતિ’ કહી શકાય. આ સરઘસનું નગર છે, આ આંદોલનનું નગર છે, આ વિસ્ફોટનું નગર છે, આ ઘેરાવનું નગર છે, આ નાટકોનું નગર છે, આ કવિતા-સાહિત્યનું નગર છે, આ વિદ્યાનું નગર છે. કલકત્તા અત્યંત સુંદર છે. કલકત્તા અત્યંત કુરૂપ છે. કલકત્તાના અનેક ચહેરા છે. મુંબઈને ભદ્રંભદ્રે ‘મોહમયી’ કહી છે, પણ કલકત્તા પણ મોહમયી છે. એ મોહ પમાડે છે, પણ પછી નિર્ભાન્તિ પણ કરે છે.

એક બંગાળી કવિએ કલકત્તાને ‘મુમૂર્ષુ નાયિકા’ અર્થાત્ મરવા પડેલી એક ગણિકા કહી છે, જેની આસપાસ તેના અનેક પ્રેમીઓ વીંટળાયેલા છે. બીજા એક કવિએ એક અર્ધા છૂંદાયેલા વિરાટ વંદા સાથે તેની સરખામણી કરી છે. આ મહાનગરના રસ્તાઓ પર ચાલો એટલે આ ઉપમાઓની સાર્થકતા સમજાઈ જાય. અહીં વારંવાર ટ્રાફિક જામ થઈ જાય છે. કલાકો સુધી જાણે હલાયચલાય નહીં. અહીં વીજળી વારંવાર ગુલ થઈ જાય છે. કલાકો સુધી અંધારપટ છવાઈ જાય છે, અને છતાં કલકત્તા ખીલતું રહે છે.

કલકત્તા એટલે એક કરોડ લોકોની વસ્તીનું નગર. કહે છે કે રોજ અમદાવાદ જેટલી વસ્તી તો ગાડીઓમાં આવજા કરે છે. કલકત્તા પહોળું થતું જાય છે, કલકત્તા ઊંચું થતું જાય છે, કલકત્તા છલકાતું જાય છે.

જ્યાં બેસીને આ લખું છું, તે સ્થળ ૪, એલ્વિન રોડ છે. આ મકાન સ્વ. સૌમેન્દ્રનાથ ઠાકુર અને સ્વ. શ્રીમતી ઠાકોરનું છે. શ્રીમતી મૂળ અમદાવાદના હઠીસીંગ પરિવારનાં પ્રસિદ્ધ નૃત્યકાર હતાં. આ ઘરમાં અત્યારે કોઈ રહેતું નથી. એક સમય હતો જ્યારે આ ઘર કલકત્તાના બૌદ્ધિકોથી ઊભરાતું હતું. કેવી કેવી વિભૂતિઓ અહીં આવી ગઈ છે! આજે ખાલી છે, છતાં એના પુરાણા વૈભવના અવશેષો વિશાળ ગ્રંથાલય રૂપે કે અન્ય અસબાબ રૂપે જોઈ શકાય.

આ મકાનના વિશાળ પ્રાંગણમાં હવે એક મોટી ઇમારત ઊગશે. ઊગવા માંડી છે. એનાં મૂળિયાં નંખાય છે. એક વખત જ્યાં ઊંચાં ઊંચાં વૃક્ષોનાં મૂળિયાં હતાં, ત્યાં લોહ અને સિમેન્ટનાં મૂળિયાં ઊગશે અને એના પર અચલ ઇમારત ઊભી રહેશે. પછી અહીંથી બરાબર સામે દેખાતું રમણીય ‘ચર્ચ’ નહીં દેખાય. કદાચ એના ટાવરના મધુર ટકોરા નહીં સંભળાય અને સદાય ગતિવંત પેલો માર્ગ પણ નહીં દેખાય.

ગઈ કાલે કલકત્તા પર ભય તોળાતો હતો. કશુંક બનવાની સંભાવના હતી, પણ આજે છાપામાં છે કે ખાસ કંઈ બન્યું નથી. માત્ર કેટલેક સ્થળે ટ્રાફિક થંભી ગયો હતો. કંઈ બન્યું નહીં એટલે લોકો જાણે નિરાશ થયા.

કાલે ત્રણ વાનાં હતાં, જે ‘કલકત્તા સંસ્કૃતિ’ને બરાબર રજૂ કરતાં હતાં. કલકત્તામાં કાલે ટેસ્ટમૅચ હતી. આ શહેર જેટલું રમતરસિયું બીજું શહેર નહીં હોય. ઈડન ગાર્ડન પર લાખેક ક્રિકેટરસિયા ઊતરી પડ્યા હતા. ઓછામાં પૂરો રવિવાર હતો.

તે સાથે કાલથી કલકત્તામાં ‘ફિલ્મોત્સવ’ શરૂ થતો હતો. કોઈની જોડે વાત કરો તો કાં તો ક્રિકેટની હોય અથવા ફિલ્મોત્સવની ટિકિટોની હોય. અખબારોમાં પણ તેની મોટી મોટી જાહેરાતો. તે તો ખરું જ. નગરનાં મહત્ત્વનાં સ્થળોએ પણ તેની જાહેરાતો હતી. (આજથી હવે પાછો નાટ્યોત્સવ શરૂ થાય છે. રોજ એક નાટક. આમ તો નાટકો રોજ ચાલતાં હોય છે, પણ આ તો નાટ્યરસિયાઓને મિજબાનીરૂપ!)

પણ સૌથી મોટી વાત જે ગઈ કાલે હતી તે તો સામ્યવાદી પક્ષની વિરાટ રેલી. આખું નગર લાલ ધજાઓથી વિભૂષિત હતું. ધજાઓમાં દાતરડું અને હથોડો. ઠેર ઠેર લાલ રંગના દરવાજા. બબ્બે ફૂટ જેટલા મોટા અક્ષરોમાં દીવાલો પર ઠેર ઠેર લખેલું હતું ‘બિગ્રેડે ચલુન.’ પહેલાં તો ખબર ન પડી, પછી સમજાયું કે બ્રિગેડ નામનું મોટું મેદાન છે, જ્યાં અંગ્રેજોના વખતથી લશ્કરની કવાયતો થતી આવી છે.

આખું શહેર જાણે બ્રિગેડ તરફ જતું હતું. શહેર જ કેમ, પશ્ચિમ બંગાળ કહો ને. હમણાં ને હમણાં આ વિસ્તારમાં ઇંદિરાજી બે વાર આવી ગયાં. તેમની અસર ભૂંસી નાખવા માટે આ રેલી જાણે પૂરતી થઈ રહેશે.

પરંતુ આ સાથે કલકત્તા નગરમાં સાંસ્કૃતિક અનુષ્ઠાનો થતાં રહે છે. ગઈ કાલે ટાગોર રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટનો પદવીદાન સમારંભ હતો. તેમાં રવીન્દ્ર-સાહિત્યના અભ્યાસી છાત્રોને ઉપાધિ આપવામાં આવી. તેની એક નોંધવા યોગ્ય વાત એ હતી કે, આ વખતે આપણા નગીનદાસ પારેખને ‘રવીન્દ્ર-તત્ત્વાચાર્ય’ની ઉપાધિથી વિભૂષિત કરવામાં આવ્યા.

હું એ જ કહેતો હતો કે આ કલકત્તાનગર છે. જ્યાં અનેક કારખાનાંઓ અને વાહનોના ધુમાડાથી સાંજે શહેર ધુમાડાનું બની જાય છે, તે શહેરમાં રવીન્દ્ર-સંગીતની સુરાવલીઓ પણ વહેતી રહે છે. એવું લાગે છે કે રવીન્દ્રનાથ તેમનાં ગીતોથી જ જાણે જીવંત રહેશે. રવીન્દ્રસંગીત વિના બંગાળનું કોઈ પણ અનુષ્ઠાન અધૂરું રહી જાય.

એક વાતનો નિર્દેશ કર્યા વિના કલકત્તાની ઓળખાણ અધૂરી રહી જાય. તે છે કલકત્તાનાં ભીંતસૂત્રો. આખા શહેરની દીવાલો પર જાતજાતનાં સૂત્રો જોવા મળે. દીવાલો જ નહીં, જાહેર ઇમારતોની સીડીઓ, બાલ્કનીઓ, બધે સૂત્રો હોય. ચીતરેલાં, કાગળ પર લખીને ચોડેલાં. તે એટલે સુધી કે રવીન્દ્રનાથના ભવન જોડાસાંકોમાં બેસતી રવીન્દ્ર ભારતી જેવી સંસ્થા પણ અપવાદ નહીં. કલકત્તામાં કદાચ સૌથી ધીકતો વ્યવસાય આ સૂત્રોના પેઇન્ટરોનો ચાલતો હશે.

કલકત્તા એક ધબકતું શહેર છે. એનું એક ચિત્ર તેની ટ્રામ બસ કે મીની બસ મારફતે દોરી શકાય. આમે ગ્રામ બંગાળમાં બસના છાપરા પર બેસીને મુસાફરી કરવાનો રિવાજ છે. પણ અહીં ભલે છાપરા પર નહીં પણ બસની ચારેકોર માણસો દેખાય. આગલેપાછલે બારણે જાણે માણસોનો મધપૂડો બાઝ્યો હોય. છતાં સ્ટૉપ આવે એટલે જેટલા ઊતરે તેના કરતાં વધારે ચઢતા જાય.

પરંતુ આ લગાતાર ધુમાડા ઓકતા, ઘોંઘાટ કરતા, ભીડભર્યા નગરને એકદમ શાંત, સ્તબ્ધ જોયું. ખ્રિસ્તી નવા વર્ષનો પહેલો દિવસ હતો. અહીં એને મોટો દિવસ (બડો દિન) કહે છે. આખા દિવસની ચહલપહલ પછી રાત ઊતરી આવી હતી. અડધી રાત સુધી તો અહીં દિવસ જ હોય છે પણ પછી ધીમે ધીમે શાંતિ પથરાય છે. કલાકેક માટે.

હું સૂતો હતો તે મકાનના બરાબર સામે ચર્ચ ઉપર રોશની રમ્ય લાગતી હતી. ચર્ચના ટાવરમાં ટકોરા પડ્યા. એક-બે-ત્રણ. વાતાવરણમાં તેનો સ્વર ગુંજી ઊઠ્યો. પરમ શાંતિ. હું ઊઠીને બાલ્કનીમાં આવ્યો. બીજુનું ઊંચું ઝાડ સ્તબ્ધ હતું. એલ્ગિન રોડ એકાકી હતો. આખા દિવસની દોડધામથી થાકીને નગર જાણે ઊંઘી ગયું હતું. અને આ નવા વર્ષના પહેલા દિવસની મોડી રાત્રિએ આકાશના તારાઓ નિદ્રિત નગર પર શુભેચ્છાની અમીનજર કરતા હતા. જાન્યુઆરી ‘૮૨
કલકત્તા