કાંચનજંઘા/આરોહણ
ભોળાભાઈ પટેલ
થોડાક દિવસો પહેલાં એક પહાડની યાત્રાએ જવાનું થયું. રજાઓના દિવસો હતા એટલે પહાડની તળેટીએ પહોંચ્યા ત્યારે યાત્રિકોથી વિસ્તાર ભર્યો ભર્યો લાગતો હતો. નાનાં ભૂલકાંથી માંડી મહાપરાણે ડગ ઉપાડી શકતાં વૃદ્ધજનો અહીં હતાં. બધાંને પહાડ ચઢવાનો હતો. પહાડ પરના મંદિરની ધજા ઊંચી ડોક કરતાં આંખમાં ફરકી જતી હતી અને મૂક આમંત્રણ આપતી હતી. તે સાથે પોતે કેટલી ઊંચાઈએ છે તેનો સંકેત પણ કરી જતી હતી. થયું, હજી અહીં તળેટીમાં છીએ, ત્યાં એક ઉપર ચઢવાનું છે. આ બાજુ આકાશમાં સૂરજદેવ પણ ચઢવા લાગ્યા હતા.
પહેલે પગથિયે પગ મૂક્યો, તે પહેલાં તો નજર કરતાં દૂર-સુદૂર ઊંચે શિખર જતાં વાંકાચૂકા માર્ગ પર, વૃક્ષોની અંતરિયાળ રંગબેરંગી વસ્ત્રોમાં અન્ય યાત્રિકો જતા દેખાતા હતા. અરે, કોઈ તો કેટલે દૂર પહોંચ્યા છે. હવે પહોંચવામાં છે. એકએક પગથિયે આપણે પણ ઊંચા ચડતા જઈએ છીએ, શ્વાસની ગતિ વધે છે, પ્રસ્વેદનાં બુંદ ચહેરા પર ઝળકે છે, ચરણની ગતિ શ્લથ બને છે – પણ આપણે હવે ઠીક ઠીક ઊંચાઈએ પહોંચીએ છીએ અને આ બાજુ નીચે નજર કરતાં દૂર- સુદૂરનો પ્રદેશ રમણીય બની નેત્રોને ખેંચી રહે છે. થોડાંક પગથિયાં ચઢીએ, હાંફીએ ખરા, પણ પાછા નીચે જોઈએ એટલે ‘અહો!’નો ઉદ્ગાર નીકળી જાય – કેવું સુંદર! પણ પાછા ઉપર જોઈએ એટલે પેલું મંદિરવાળું શિખર ઘણું ઘણું ઊંચું લાગે – હજી તો કેટલું ચઢવાનું છે! એક ‘આહ!’નો ઉદ્ગાર નીકળી જાય.
પણ એક એક પગથિયે અંતર કપાતું જાય – દૂરથી રળિયામણો લાગતો ડુંગર હવે વધારે રળિયામણો લાગે, રસ્તે આવતા વૃક્ષની છાયા વધારે ઠંડક આપે, આ જરા જરા આવી જતી સપાટ ભૂમિ પર ચાલવાની મઝા અનુભવાય. વળી પાછાં પગથિયાં. આસપાસનો પ્રદેશ વધારે ખૂલતો જાય છે અને જાણે ઉપરનું આકાશ નજીક આવતું લાગે છે. ચઢીને આવેલો વાંકોચૂકો રસ્તો અલપઝલપ દેખાય છે, પણ હવે એક એક પગથિયે વિરામ લેવાની ઇચ્છા થાય છે. બેસી પડવાની ઇચ્છા થાય છે. કોઈ ઉતાવળે પગલે બાજુમાંથી જલદીથી પસાર થઈ જાય છે – દૂર દૂર વિસ્તરેલી પ્રકૃતિની શોભા પણ નજરમાં વસતી નથી. તડકો આકરો લાગે છે. કંઠમાં થોડોક શોષ પણ અનુભવાય છે. કોઈનો આધાર શોધવા આંખ મથે છે, પણ આ ચઢાણમાં સૌ યાત્રિક છે, સૌને ઉપર પહોંચવાની મથામણ છે.
અને આ છેલ્લી વારનું આકરું અને સીધું ચઢાણ છે. બસ હવે પહોંચવામાં છીએ. એક એક પગથિયું ચઢીએ છીએ, અને આપણી નજરનો વિસ્તાર દિગન્તવ્યાપી થતો જાય છે – અને આ મંદિરનું પ્રાંગણ, આ મંદિર, આ દેવતા.
દેવતાને નમસ્કાર – અને આ મંદિરની ધજા – આટલી નિકટ. તેનો ફરફરાટ સંભળાય છે, આખું આકાશ તેની આસપાસ – આપણી આસપાસ છે અને નીચે છે ઉદાર રમણીય પૃથ્વી. બધું રમણીય લાગે છે. બહુ જ નિકટ લાગે છે – આકાશ, પૃથ્વી, આ સૌ યાત્રિક – આપણે આપણી નિકટ લાગીએ છીએ – અહીં – આ શિખર પર. ૧૯૭પ