મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા/ભાલણ પદ (૧૩)

From Ekatra Wiki
Revision as of 11:42, 6 August 2021 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|પદ (૧૩)|રમણ સોની}} <poem> ઝાંઝરનો ઝમકારો વાગે ઝાંઝરનો ઝમકારો વા...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


પદ (૧૩)

રમણ સોની

ઝાંઝરનો ઝમકારો વાગે
ઝાંઝરનો ઝમકારો વાગે, નેપુરનો ઠમકાર રે,
આવ્યો છે અવધતણો, ધણી અધમ-ઉધાર રે.

ઈંદીવર અંગે સુંદર, ભાનુ કુળ ભૂપ રે,
કોટિ કામ વારી નાખું, જોતાં તેનું રૂપ રે.

મુખ જાણે કોટિ શશી ફરકે બાળા કેશ રે;
કાને કડાં અને ઝુમખાં, હતો બાળે વેશ રે.
ભ્રુકુટીમાં બ્રહ્માંડ ભાગે, નેણ બે વિશાળ રે;
કંઠે ઝલકે ઘુલરુ, ગુંચવાણી મોતી માલ રે.

બોલી બોલે કાવલી ને વાણી છે રસાળ રે;
અધર રંગ પરવાળી, જરા ફુલેલા ગાલ રે.
બાજુબંધ ને બેરખા, ને કનકકડાં પણ રે;
કટિ નટે કંદોરામાં ખોસ્યાં ધનુષ ને બાણ રે.

પાએ પહેરી ઝાંઝરી ને દડબડ દડબડ દોડે રે;
ભાલણ-પ્રભુ રઘુનાથ, માહારો ભવ થકી છોડે રે.