મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા /ખંડ ૫
રમણ સોની
ખંડ ૫: ઢાલ ૨
[રાવણનો જન્મ ને એનું વૃત્તાંત]
મેઘવાહન વિદ્યાધર વંસઈં, બહુ રાજા હુયા કેઈજી
તસુ ક્રમિ રતનાશ્રવ અંગજ, રાવણ રાજા કરેઈ જી ૧૧
પ્રબલ પ્રચંડ ત્રિખંડ તણો ધણી, ત્રૈકોક્ય કંટક તેહજી
તેજ પ્રતાપ તપઈં રવિ સરિખઉ, અરિબલ ગંઝણ એહજી ૧૨
વાલપણે બાપે પહિરાયો, દેવ સંબંધી હારજી
તસુ રતને બાલક નવમુહઢા, પ્રતિબિમ્બા અતિ સાર જી ૧૩
દસમુહડા દેખી બાલખના, રતનાશ્રવ થયો પ્રેમજી
દીધઉ નામ દસૂઠણ દિવસે, એ દસવદન તે એમજી ૧૪
દિન અષ્ટાપદ ગિરિ ઉપરિ, બહતા થમ્યો વિમાનજી
ભરત કરાયા ચૈત્ય મનોહર, ઉલ્લંઘ્યા અપમાનજી ૧૫
ચિત ચમક્યો તિહાં દેખિ દશાનન, તપ કરતો રિષિ બાલિ જી
ઈણ રિપિ સહીય વિમાન થમ્યો મુજ, કીધઉ કોપ ચણ્ડાલજી ૧૬
અષ્ટાપદ ઉપાડ્યો ઉંચઉ, ભુજાદંડ કરિ જેણજી
ચૈત્ય રક્ષા મણી વલિ કરિ ચાપ્યો, બાલિ રિપીસરતેણજી ૧૭
મુક્યો મોટો રાવ સબદ તિણિ, રાવણ ચોજો નામ જી
તે રાવણ રાજા લંકાગઢ, રાજા કરઈં અભિરામજી ૧૮
ચન્દ્રનખા નામઈ તસુ ભગિની, ચન્દ્રમુખી રુપવન્ત જી
ખરદૂષણને તે પરણાવી, જીવસમી ગિણે કન્તજી ૧૯
પાતાલ લંકાનો રાજ દીધો, રાવણ નિજમનિ રંગજી
ચન્દ્રનખા અગજાત વે વેઢા, સંબ સંબુક્ક સુચંગજી ૨૦
સંબુક્ક વિદ્યા સાધણ ચાલ્યો, વારીતો સૂરવોર જી
દંડકારણ્ય ગયો એકેલો, કુંચરવા નદી તીર જી ૨૧
ગુપિલમહાવંસજાલિ માહે જઈ, વિદ્યા સાધઈ એહ જી
પગ ઉચા મુખનોચૌરાખો, ધૂમ્રપાન કરેઈ તેહજી ૨૨
બારહ વરસ ગયા સાધન્તા, વલિ ઉપરિ ચ્યાર માસજી
તીન દિવસ થાકઈ પૂરઈ થયઈ, લહિયઈ લીલ વિલાસજી ૨૩
પંચમા ખંણ્ડ તણી ઢાલ બીજી, રાંવણ ઉતપતિ જાણજી
સમયસુંદર કહઈ હુછુ છદમસ્થ, કેવલિ વચન પ્રમાણજી ૨૪
ખંડ ૫: ઢાલ ૨
દુહા ૯
[રાવણની બહેન ચંદ્રનખા (રામાયણમાં જે શૂર્પનખા) રામ પર મોહિત થાય છે]
ચંદ્રનખા ભમતી થકી દીઠા દસરથ પુત્ર
રુપ અનોપમ દેખિ કરિ, વિસ્મય પડી તુરત્ત ૧
પુત્રસોગ વીસરિ ગયો, જાગ્યો મદન વિકાર
ઈણ સેતી સુખ ભોગવું, નહીંતર ધિગ અવતાર ૨
કન્યારૂપ કરી નવો, પહુંચી રામ સમીપિ
હાવભાવ વિભ્રમ કરઈ, કામકથા ઉદીપિ ૩
એ એ કામ વિટંવના, કામ ન છૂટઈ કોઈ
પુરુષ થકી એ અઠગુણો, અસ્ત્રીનઈં એ હોઈ ૪
રામઉં પૂછ્્યો કવણ તુ, સુંદરિ સાચો બોલિ
કિણ કારણ વનમઈં ભમઈં, એકલી નિપટ નિટોલ ૫
વણિક સુતા હું તે કહઈ, વંસસ્થલ મુજ ગામ
મા બાપ માહરાં મરિ ગયાં, હું આવી ઈણ ઠામ ૬
કામી, લિંગી, વાણિયો, કપટિ અનઈ કુનારી
સાચ ન બોલઇ પાંચ એ, છટ્ઠઉ વલી જુયારી ૭
હિવ મુજ સરણો તમ તણો,હાથ સુ ઝાલઉ હાથ
પ્રારથિયા પહિઢઇનહીં, ઉત્તમ કરઇ સનાથ ૮
મૌન કરી બઈસી રહ્યા, રામ ઉત્તમ આચાર
પડઉત્તર દીધો નહીં,પણિ કુણ થયો પ્રકાર ૯