મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા /પ્રેમપચીસી પદ ૧૦

From Ekatra Wiki
Revision as of 09:27, 14 August 2021 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|પદ ૧૦|વિશ્વનાથ}} <poem> (દુહો) ઉદ્ધવને કેહે કૃષ્ણજી: ‘સાંભલો મા...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


પદ ૧૦

વિશ્વનાથ

(દુહો)
ઉદ્ધવને કેહે કૃષ્ણજી: ‘સાંભલો મારા ભ્રાત!
વેગે વ્રીજ્ય જાઓ તમ્યો, વાટ જુએ છે માત.          ૧

જઈને નિશ્ચે કરી, કેહેજ્યો એક વચન;
રાત્ય દિવસ અલગું નથી, તમથી માહારું મન.          ૨

(ગીત)
મુને સાંગલતું અહીં છે નહીં, વાહાલું વ્રીજ્યકેરું મહી,
ઉદ્ધવ માહારી માવડી, તેણે વાત ન જાણી આવડી...મુને..          ૩

મુને ઉધામા આલશ ઘણું, મન્યે અંતરગત શું નમણું!
થોડે નીરે જ્યમ માછલી, ત્યમ મુજ વિના માડી એકલી...મુને...          ૪
માને સુનું સરખું લાગશે, બીજાં બાલક સુખડી માગશે,
મા માખણપિંડ ઉતારશે; માને નંદજી શું કહી વારશે?...મુને...          ૫

જ્યારે જમણ જ્યશોદા મેલશે, ત્યારે આંખે આંસુ રેલશે.
માંકડાં મહીડું ચાટશે, માહારી માનું હઈઅડું ફાટશે...મુને...          ૬

અલંકાર અંગના ગ્રહી, તે રોશે અત્ય દુખ્યણી થઈ,
જ્યારે કોએક વાશે વાંશલી, માની વિરહે વેધાશે પાંશલી...મુને...         ૭

એક દિવસમાં અધઘડી, મેં વીસારી નથી સુખડી,
મુખ્યે નીસરિઊં તે માગતો; માહારી માડીને વાહાલો લાગતો...મુને...          ૮

નંદજીના ગુણ શા ભણું? મુખ એક જિભાહા તો શું ગણું?
જ્યાનીના સમ સત્ય કહું: હું મન પાખી મથુરાં રહું...મુને...          ૯