બાળનાટકો/3 બાળારાજા

From Ekatra Wiki
Revision as of 10:09, 14 August 2021 by KhyatiJoshi (talk | contribs)
Jump to navigation Jump to search
બાળારાજા

દૃશ્ય પહેલું

સ્થળ : ઉદેપુરનો રાજમહેલ કાળ : મધરાત

(શયનખંડમાં રત્નજડિત પલંગ ઉપર નવ વરસનો રાજકુમાર અંજન સૂતો છે. પૂર્વ તરફની દીવાલમાં માત્ર એક જ બારી ઉઘાડી છે. બારી ઉપર મોતીનાં તોરણો ટાંગ્યાં છે. પશ્ચિમની દીવાલમાં બારણું છે. તેનાંય દ્વાર ખુલ્લાં છે. આખો ઓરડો મખમલના ગાલીચાથી પથરાયેલો છે. ઓરડાના ખૂણામાં હાથીદાંતની ઘોડીઓ ઉપર મારેલા મોરને મસાલો ભરી મૂકવામાં આવ્યા છે. રાજકુમાર અંજન સ્વપ્નું સેવે છે.) અંજન : સૂરજપ્રભુ ધરતીને હાથનો ટેકો દઈ ઊભા થયા ત્યારથી અહીં આવી બેઠો છે. હવે તો ત્રણ વાંસડાવા સૂરપ્રભુ ઊંચા ચડી ગયા તોય કોઈ ન આવ્યું. બધા ભાઈબંધ મારાથી રિસાયા છે. સૌએ અબોલા લીધા લાગે છે. પહેલાં તો ભળભાંખડું થાય ન થાય ત્યાં તો બધા આવી પહોંચતા, અને રમતગમતની ત્રમઝૂટ બોલાતી અને હવે? સાતસાત દિવસનાં વહાણા વાયાં પણ કોઈ ડોકાતુંય નથી! (નિસાસો મૂકે છે.) એક ઉપાય સૂઝ્્યો! ચાલ, આજ તો ડેલીએ-ડેલીએ જઈને સૌને સાદ પાડું. ઉંબરે-ઉંબરે જઈને ઊભો રહીશ, અને અબોલાનું કારણ પૂછીશ. (સહેજ પડખું ફરે છે.)

*પાઠ ‘સોનાપરી અને...’ 1950 (વોરા એન્ડ કં.) પ્રમાણે


આ આવ્યું અજિતનું ઘર, બળ કરીને બૂમ પાડું તે સૂતો હોય તોય બેઠો થઈ જાય! (બૂમ પાડે છે.) અજિત! ઓ અજિતભાઈ! જરા બહાર આવને? (પૂર્વ તરફની બારીમાંથી કૂદી આઠ વરસનો અજિત અંદર આવે છે. અંજનના પલંગની પાંગત પાસે જઈને ઊભો રહે છે. એણે સુરવાળ અને અંગરખું પહેર્યાં છે.) અજિત : અંજન! કેમ બહુ બૂમ પાડે છે? મારા બાપુ ઊંઘી ગયા છે. તે જાગી જશે તો મને ને તને બેઉને બાવડે ઝાલીને બહાર કાઢશે! અંજન : પણ હું શું કરું, અજિત? તારી રાહ જોઈજોઈને થાક્યો તે તારે ઘેર આવ્યો! આજ સાતસાત દિવસથી ગામને પાદર નદીને કાંઠે આવીને તમારી રાહ જોતો બેસું છું; સૂરજ માથે આવે ત્યાં સુધી એકલોએકલો નદીના ખળખળ વહેતાં પાણી ઉ52 આંખોને તરવા દઉં છું; પણ તમારામાંથી એક ચરકલડુંય ફરકતું નથી! પહેલાં તો કેવા આપણે ગેડીદડો રમતા? ક્યારેક-ક્યારેક તારા બાપની ઘોડી લઈ કેવા કુદાવતા? અજિત : હા; તે હવે હું શાનો આવું? તું તો અમને મૂકીને ચાલ્યો ગયો અને રાજા થયો! અમને સૂવાને એકે ઓરડો નથી ત્યારે તું રત્નજડિત પલંગમાં પોઢે છે. અરે જા, તારા જેવા નગુણાની તો ભાઈબંધી હોય? હું આ ચાલ્યો! (ચાલવા લાગે છે.) અંજન : અરે પણ સાંભળ તો ખરો..... (અજિત પશ્ચિમના બારણામાંથી બહાર નીકળી જાય છે. અંજન સહેજ પડખું ફરે છે.) મેં તો ઘણી આનાકાની કરી તોય તે દિવસે સૌ સાથે ગેદીદડો રમતો હતો ત્યાંથી તેઓ મને ઉપાડી રાજમહેલમાં લઈ ગયા. તેનું આ સૌને ખોટું લાગ્યું લાગે છે! પણ હું શું કરું ? તેઓ કહે છે કે હું રાજકુમાર છું! કાકા કિરપાણસિંહના ભયે મને રબારીને ત્યાં મૂકી ગયેલા; કાકાનું ખૂન કરી પાછો તેડી ગયા. મેં તો જવાની ઘણીય ના પાડી, પણ તેઓ માન્યા નહિ. અને હવે આ સૌને મનાવવા મુશ્કેલ છે. (નિસાસો મૂકે છે.) અજિત તો એવો નીકળ્યો. ચાલ આ પેમલાને પૂછી જોઉં. એ સામેનું ઘર એ જ પેમલાનું ઘર. (બૂમ પાડે છે) પેમલા! અરે પેમલાભાઈ! જરા આમ તો આવ! (પૂર્વની બારીમાંથી કૂદી બાર વરસનો પેમલો અંદર આવે છે. એણે માથા ઉપર ફેંટિયું વીંટ્યું છે. અને કેડ ઉપર ઢીલું ધોતિયું પહેર્યું છે. અંજનના ઓશીકા પાસે જઈને પેમલો ઊભો રહે છે.) પેમલો : તે રાજા થયો એટલે આમ ગોકીરો કરવાનો, એમ? બાપુએ કહ્યું કે હળ જોડવા જવાનું છે. જરા ચાલ્યો ત્યાં તો ‘પેમલાભાઈ! પેમલાભાઈ! જરા આમ આવો ને?’ લે આ આવ્યો. બોલ, શું કામ છે? અંજન : એમ આંખો ન ફાડ, ભાઈ! હું તો તને રમવા બોલાવવા આવ્યો છું. આજ સાતસાત દિવસથી આપણે મળ્યા નથી. પહેલાં તો તું મને તારે ખેતરે લઈ જતો. આપણે બન્ને કિચુડકિચુડ કોસ ચલાવતા અને ઢેલડીને ઘેરીને મોરલાઓ કૂંડાળે પડતા તે જોતા. અને હવે? હવે તો સાત જનમેય જાણે મળ્યા ન હોઈએ તેમ... પેમલો : (વચમાં) તે હવે હું શાનો આવું? તું તો રાજા થયો. રાજા સાથે મને રમતો ભાળે તો-તો મારા બાપુ મને જ ખેડી નાખે ને! અને તને તો બેસવા માટે હાથી ઉપર સોનાની પાલખી; અને મારા બાપુની એક ઘોડી હતી તેય મરી ગઈ! નવી ખરીદવા પાસે પૈસા નથી. પણ જવા દે એ વાત. બીજાના બંગલા ભાળીને તે કાંઈ પોતાનાં ઝૂંપડાં બાળી નખાય? તારી સાથે વાતમાં મારી ખેડ રહી જશે! હું તો આ ઊપડ્યો. (જવા લાગે છે.) અંજન : (હાથ લંબાવી) અરે ભાઈ! ઘડી તો ઊભો રહે? એક ઘડીમાં શું ખાટુંમોળું.... (પશ્ચિમના બારસાખમાંથી પેમલો બહાર નીકળી જાય છે. અંજન કરવટ બદલે છે.) ચાલ, ભીમજીને ત્યાં જાઉં. એ મારો ખરો દોસ્ત છે બીજા બધા મને અળગો કરી ચાલ્યા જશે, પણ ભીમજીનો તો જરૂર મારી સાથે આવશે. ભીમજીભાઈ ઘરે છે કે? જો હોય તો કહોને કે અંજન આવ્યો છે તે વાંસલો મૂકી ઘડી બારીએ ડોકાય? (પૂર્વની બારીમાંથી ભીમજી કૂદી પડે છે. અને અંદર આવી અંજનના પલંગની પાછળ ઊભો રહે છે. એની ઉંમર દસ વર્ષની છે. માથાને ધારીના આકારમાં બોડાવ્યું છે ને વચમાં ચોટલી ફગફગે છે.) ભીમજી : કેમ અંજનભાઈ! આવે કટાણે મારું તે શું કામ પડ્યું? મારા બાપા સામે બેસી રંધો ખેંચાવતો હતો ત્યાં તારી બૂમ સાંભળી. શું કામ છે? જલદી બોલી નાખ, પાછું મારે કામ છે. અંજન : એમ ઉતાવળો થા મા, ભાઈ! હું તો તને રમવા તેડી જવા આવ્યો છું. પહેલાં તો તું મને કેવો તારે ત્યાં લઈ જતો અને વાંસલાથી મોઈ ઘડી આપતો? શિયાળામાં ભમરડા પણ ઉતારી આપતો. બધું ભૂલી ગયો, ભાઈ? હું ગામના મુખીનો અંજન જો તો મારા મોઢા સામું, કાંઈ અણસાર આવે છે? ભીમજી : ગામના મુખીનો અંજન મટીને હવે તો તું ઉદેપુરનો રાણો અંજનસિંહ થયો! હવે તમારે ને અમારે શું? રાજા સાથે દોસ્તી ન હોય. જા, ભાઈ! જા; મને મારું કામ કરવા દે. (ચાલવા લાગે છે.) અંજન : (બંને હાથ પહોળા કરે છે.) અરે ભાઈ! વાત તો સાંભળ! ભીમજી : હવે વાત ને બાત! (પશ્ચિમના દ્વારમાંથી બહાર ચાલી જાય છે. અંજન પડખાભર થઈ નિસાસો નાખે છે.) હવે શું કરવું? કોઈ જ આવતું નથી. જાણે સૌ મારાથી દાઝતા ન હોય! એમ દૂર ભાગે છે. ધના ઢેઢનાં છોકરાંને જેમ અમે ‘ખસ, ખસ!’ કરી દૂર કાઢતાં તેમ હવે સૌ મને અળગો કરે છે! આવું રાજ મને..... (શયનખંડ નીચે ડેલી ઉપર નોબત ગગડે છે. શરણાઈઓના સૂર ગાજી રહે છે. અંજન ચમકીને બેઠોે થઈ જાય છે. બેબાકળાની જેમ આંખો ચોળતો આમતેમ જોવા લાગે છે.)

કારભારી રાજાને ખભે બેસાડીને નાચવા માંડ્યો.

આ શું? આ તો રાજમહેલનો શયનખંડ! આ રત્નજડિત પલંગ! આ ખોટા મોરલા અને આ મખમલનો ગાલીચો! હીરામોતીનાં તોરણતોરા અને મીનાકારી ફૂલદાન! હું અહીં ક્યાંથી? ક્યાં ગઈ પેલી માલણ નદી અને ગાંભુ ગામ? ક્યાં ગયો અજિત? અને ક્યાં ગયા પેમલો અને ભીમજી? (થોડી વારે) સ્વપ્નું, સ્વપ્ન એ તો! (પશ્ચિમના બારણામાંથી કારભારી પ્રવેશ કરે છે. એ આધેડ છે અને મૂછના વાળ ધોળા થઈ ગયા છે.) કારભારી : મહારાજાને ઘણી ખમ્મા! નામદાર! હવે ઉતાવળ કરી નિત્યકર્મમાંથી પરવારી લો! સવારના પહોરમાં દરબાર ભરાવાનો છે, અને આપણા ગુરુદેવ આપને રાજ્યતિલક કરવાના છે. ઊઠો, પધારો! અંજન : મારે નથી આવવું. કારભારી : કેમ, વળી શું થયું? અંજન : ઉદેપુરનું રાજ્ય નથી જોઈતું મારે! મને મોકલી દ્યો પાછો મારે ગામ! ગાંભા વિના મને ગમતું નથી. કારભારી : (પાસે જઈ) અરે, એમ તે કાંઈ થાય, નામદાર! ચાલો, હું આપને ઉપાડી લઉં. આપને ચાલવાની તસ્દી મટી. (અંજનને ઉપાડી ખભે બેસાડી નાચવા લાગે છે.) જાગો જાગોને બાળારાજા! ખવરાવું ઘી, ખાંડ, ખાજાં! હો જાગો, જાગોને બાળારાજા! સોનલા સિંહાસને રૂપાની ઘૂઘરી! કસબી કિનખાબ માંહી ઝાઝી જરી ભરી! હાં રે ખૂબ વગડાવશું વાજાં! જાગો જાગોને બાળારાજા!

(ગાતો નાચતો બાળા રાજાને તેડી જાય છે.)

દૃશ્ય બીજું

સ્થળ : રાજમહેલ કાળ : સવાર


(રાજદરબાર ભરાયો છે. વચ્ચે ખાલી સિંહાસન છે અને અડખે-પડખે બે ચમ્મરધારીઓ ઊભા છે. પછી ખુરશીઓની હાર શરૂ થાય છે. એક બાજુ કારભારી, સેનાપતિ, રાજગુરુ, નગરશેઠ અને બીજા મહાજનો બેઠા છે. બીજી બાજુ વૈતાલિકોની મંડળી બેઠી છે. પાછળ હજૂરિયાઓ ઊભા છે. વૈતાલિકોના ગાન સાથે બહારથી આવતા નોબત શરણાઈના સૂરો ભળી જાય છે. બે છડીદારો પ્રવેશ કરે છે.) છડીદારો : મહારાજાધિરાજ અંજનસિંહની જય થાઓ! ઉદેપુરપતિ ગૌબ્રાહ્મણપ્રતિપાલ મહારાણા અંજનસિંહની જય થાઓ! (સર્વ સભાગણ જયજયકાર કરી ઊઠે છે. અંજન રાજાના વેશમાં પ્રવેશ કરે છે. એણે કિનખાબના કડિયા ઉપર તલવાર કસી છે. ઝવેરાતભર્યા સાફામાં કલગી ખોસી છે. સર્વ સભાગણ ઊભા થઈ જાય છે. સૌ લળીલળીને સલામ ભરે છે. અંજન સિંહાસને જઈને બેસે છે એટલે સૌ પોતપોતાને સ્થાને બેસી જાય છે. રાજગુરુ ઊભા થઈ અંજનને માથેથી સાફો ઉતારી લઈ મુગટ મૂકે છે પછી રાજતિલક કરે છે.) રાજગુરુ : મહારાજધિરાજ રાણા અંજનસિંહનો જય! સર્વ : (જેની પાસે તલવારો છે તે મ્યાનમાંથી કાઢી ઊંચે ધરી રાખે છે.) મહારાજાધિરાજ રાણા અંજનસિંહનો જય! (થોડીવાર શાંતિ પથરાય છે.) કારભારી : (ઊભા થઈ અંજન પાસે જઈ) મહારાણા! હવે આપના હાથમાં ચિતોડનું રાજ્ય આવ્યું. આપ અમારા અન્નદાતા. અંજન : રાજ્ય આવ્યું એટલે? કારભારી : એટલે હવે આપ જે ધારો તે કરી શકો. આપ હુકમ કરો એટલી વાર! અમે સૌ આપનો પડ્યો બોલ ઝીલી લેવા આતુર ઊભા છીએ. અંજન : ઊભા ક્યાં છો? કેટલાક તો નિરાંતે બેઠા છે! કારભારી : એ તો એમ જ કહેવાય, મારા ધણી! મારા કહેવાનો અર્થ એ કે આપ અમારા અન્નદાતા, અને અમે સૌ આપના ચિઠ્ઠીના ચાકર અંજન : એમ? હું જેમ કહું તેમ કરશો? સેનાપતિ : એમાં તે પૂછવાનું હોય, નામદાર! અંજન : તો જુઓ, સેનાપતિ! હું જ્યારે ગાદીએ બેસવા દરબારગઢમાં પ્રવેશ કરતો હતો ત્યારે કેટલાક ગામડિયા જેવા ગણાતા છોકરાઓ અંદર આવવા મથી રહ્યા હતા. પહેરેગીરો એમને બંદૂકના કુંદા દેખાડી ડરાવતા હતા. જાવ તો બહાર, એ સૌને અહીં તેડી લાવો જોઈએ? સેનાપતિ : જેવો હુકમ, ખુદાવિંદ ! (સેનાપતિ કેનિસ બજાવી જાય છે.) અંજન : (વૈતાલિકો તરફ જોઈ) તમે સૌ આઘા ખસી જાવ જોઈએ! એ સૌને બેસવાની જગ્યા કરી આપો. (વૈતાલિકો ઊભા થઈ દૂર જાય છે. સેનાપતિ પ્રવેશ કરે છે. તેમની પછવાડે પાંચછ છોકરાઓનું ટોળું છે. અંજનને ભાળતાં જ સૌ દોડે છે. કોઈ એને ગળે વળગે છે; કોઈ એનો હાથ પકડે છે. કોઈ એના પગ ઝાલે છે.) અજિત : અરે અંજન! આમ તે હોય, ગાંડા? ગાદીએ બેઠો પણ એક કંકોતરી સરખીયે નહિ? પેમલો : અને અમને પેલા સિપાઈડા દબડાવતા હતા ત્યારે ભાઈ સાહેબ આડી નજર કરી અંદર પેસી ગયા! ભીમજી : હોય, ભાઈ! હોય. અમલ આંધળો છે. મોટા થયા પછી કાંઈ મહોબત રહે છે? કાનો : પણ એલા અમને ઓળખે છે કે ભૂલી ગયો? હું મુખીદાદાની ડેલીએ રોજ દાતણ નાખવા આવતો, ને તું મને રોટલી આપતો; યાદ છે?


હવે જા રે જા! એ તો અમારો અંજણો! ઝાઝું જીવ મારા ભાઈ!


સેનાપતિ : (રૂઆબથી) છેટા રહો સૌ; સાવ જંગલી જેવા છો! તમે કોની સાથે વાત કરો છો તેની ખબર છે? એ તો છે મહારાજાધિરાજ અંજનસિંહ! કાનો : હવે જા રે જા! એ તો અમારો અંજણો! અમારી સાથે ડુંગળીના દડા ચોરવા આવતો એ મુખીદાદાનો દીકરો! (અંજનને ગાલે બચી ભરે છે.) ઝાઝું જીવ, મારા ભાઈ! સેનાપતિ : અરે, હટો સૌ! (સૌ અચકાતા દૂર ઊભા રહે છે.) અંજન : (પ્રભાવથી) સેનાપતિજી! તમે જરા બેસી જાવ તો? સેનાપતિ : પણ નામદાર ! આ સહુ... અંજન : જુઓ, તમે કહેતા હતા ને, કે હું કહીશ તે સઘળું તમે માનશો? સેનાપતિ : હા, અન્નદાતા ! (કસવાણું મોઢું કરી બેસી જાય છે.) અંજન : કારભારીભાઈ! કારભારી : ઘણી ખમ્મા મારા બાપુને! (ઊભા થઈ અદબ કરે છે.) અંજન : જુઓ, હું હવે મારા બોલ પાડવા માંડું છું, તમે સૌ એ ઝીલતા જજો, હો? જુઓ, એકે નીચે ન પડે તૈયાર! કારભારી : અમે સૌ તૈયાર છીએ આપની સેવામાં, નામદાર! અંજન : રાજગુરુ! આપ સિધાવો. આપની પાઘડી આ શંકરને સોંપતા જાવ. આજથી હું શંકરને રાજગુરુ બનાવું છું. રાજગુરુ : (નસાઈ ગયેલી કેરીના જેવું મોઢું કરી) જેવી અન્નદાતાની મરજી! (પાઘડી મૂકી ચાલતા થાય છે. શંકર પાઘડી પહેરી ખુરશીમાં મરક મરક થતો બેસે છે.) અંજન : અને કાળા! જા જોઈએ, નગરશેઠનો ખેસ ઉતારી લે તો? તું આજથી ઉદેપુરનો નગરશેઠ. નગરશેઠ : (હાંફળાફાંફળા) હું જ આ ચાલ્યો, મારા ખાવિંદ! લ્યો કાળાભાઈ! આ મારો ખેસ, અને મારો ધુબાકા! (કાળો પહોળો થઈને નગરશેઠની ખુરશીમાં બેસે છે. નગરશેઠ પડતા-આખડતા ઊપડી જાય છે.) અને, સેનાપતિજી! સેનાપતિ : (જાણે તૈયાર જ હોય તેમ) જી મહારાજ! ઊપડું ને? અંજન : એમાં પૂછવાનું હોય ? (સેનાપતિ ચાલવા લાગે છે.) અંજન : પણ આ ખાંડું મૂકતા જાવ ખાંડું. જા, અજિત ઉઠાવી લે. સેનાપતિ : (તલવા2 ઉતારી અજિતને આપતાં) હજી તો તલવારની મૂઠ જેવડો તો થયો નથી! લે, બંધા તલવારની કેડે! (રોફમાં ને રોમાં સેનાપતિ ચાલ્યા જાય છે.) અંજન : અને કારભારીજી ! કારભારી : અન્નદાતા ! અંજન : આપનું પદ હું ભીમજીને આપું છું. કારભારી : નામદાર! રહેવા દ્યો એ વાત. હું ઘરડું માણસ કહેવાઉં. મારો ઘણો ખપ પડશે, મારા બાળાબાપુ! વાણિયા વિના તો રાવણનાંય રાજ નહોતાં રહ્યાં! અંજન : (ક્રોધમાં ઊભો થઈ જઈ) મારી રાવણ સાથે સરખામણી? કારભારી : (ભાગતાં) માર્યા, મારા બાપ! (કારભારી સાથે આખું ગામલોક ભાગી જાય છે.) અંજન : ભીમજીભાઈ ! બેસો કારભારીના આસને, હવે તો આપણું રાજ્ય! આ બેવકૂફ બુઢ્ઢાઓને હવે કાનનાક કાપી ચૂનો ચોપડી, ઊંધે ગધેડે બેસાડી, અરાવલીની ટેકરીઓમાં તબડાવી મૂકવા છે. (અજિતના બાપુ ગરાશિયા ગુમાનસિંહ પ્રવેશ કરે છે. આવીને અજિતનો પાધરોકને કાન પકડે છે.) ગુમાનસિંહ : અહીં આવીને આ મોટાં કટાયેલા પતરાં લટકાવીને બેસી ગયો છે, તે તારો કયો દાદો ઘોડી પાવા જશે? ચાલ ઊઠ જલદી, નહિ તો દઈશને એક ડેબાનો! (અજિત શિયાવિયા થઈ જાય છે. અંજન સામે જોતો જોતો બાપુની આગળ થઈ જાય છે. ગુમાનસિંહ પણ તેની પાછળ નીકળી જાય છે.) અંજન : (પગ પછાડી) ગુમાનસિંહ એના મનમાં સમજે છે શું? મારા સેનાપતિનું અપમાન! કાલે સવારે એનું ઘાણીએ ઘાલીને તેલ કાઢો, સમજ્યાને ભીમજીભાઈ કારભારી? ભીમજી : હા, મારા અન્નદાતા! (લાખો સુતાર પ્રવેશ કરે છે. લાખો : હવે અન્નદાતાની પૂંછડી નહિ ભાળી હોય તે! આઠ-આઠ વાગી ગયા ને દુકાનમાંથી હજી છોડિયાં નથી ઉપાડ્યાં તે તું તારા મનમાં... (એ ભીમજી તરફ ધસે છે એટલે ભીમજી પલાયન કરે છે. લાખો પાછળપાછળ જાય છે.) અંજન : એ બે બાયલાઓ તો ગયા. પણ કાના, કાળા, શંકર, પેમલા! તમે બધા મક્કમ રહેજો.... શંકર : જાન જાય તોયે તમને ન છોડું, મારા નામદાર! એ શું બોલ્યા! (ચકલીભટ પ્રવેશ કરે છે. એના હાથમાં લોટ માગવાની તાંબડી છે.) ચકલીભટ : એલા શંકરિયા! લે ઉપાડ આ તાંબડી, અને આદરી દે તારું ‘દયા પ્રભુની!’ (શંકર અને ચકલીભટ ચાલ્યા જાય છે.) પેમલો : આમાં કાંઈ સાર લાગતો નથી. પટેલ સીમમાંથી જો સીધા અહીં આવશે તો બળદને ઘોંકાવવાની આરથી મને જ વીંધી નાખશે! અને એ વખતે કાંઈ આ અંજનો આપણો થઈને ઊભો રહેશે? (ચાલવા માંડે છે) કાનો-કાળો : ભાઈ! તું તો બહુ ઉતાવળો? ચાલ સૌ સાથે જ જઈએ. (ત્રણેય જાય છે. અંજન એકલો પડે છે.) અંજન : હવે શું થાય? કરવા ગયા કંઈક અને થઈ બેઠું કાંઈક! જૂના અમલદારોને કાઢીને નવા મૂક્યા, તો નવા એની મેળે નીકળી ગયા! (મૂંઝાતો અમાતેમ ફરવા લાગે છે. સિંહાસનને ઊથલાવી નીચેથી કારભારી બહાર નીકળે છે.) કારભારીજી! આપ અંદર ક્યાંથી પેઠા? કારભારી : (ખંધાઈથી હસતાં) અરે મારા અન્નદાતા! આપને હું કાંઈ છોડું? કહેતો નો’તો કે જેનાં કામ જે કરે? અને આપને ખૂબ ભૂખ લાગી છે, નહિ? ચાલો આવો; બેસી જાવ મારી ખાંધ ઉપર. (ઊંચકીને ખભે બેસાડે છે.) પણ હવે આવા ગાંડા ન થશો, હો ! (ગાવા નાચવા લાગે છે.) આવો, આવોને બાળારાજા! ખવરાવું ખાંડ, ઘી, ખાજાં! હો આવો, આવોને બાળારાજા! સોનલા સિંહાસને રૂપાની ઘૂઘરી! કસબી કિનખાબ માંહી ઝાઝી જરી ભરી! હાં રે ખૂબ વગડાવશું વા! આવો, આવોને બાળારાજા! (ઊભો રહીને સાખી ગાય છે.)

ઘોડા ચણ્યા ખાય પણ માણસથી ન ચવાય—- (ગદ્ય બોલી જઈ) જેનાં કામ જે કરે રે, મારા બાપલા! ન પચે એ ન ખાઈએ, તો જ રહીએ સાજાતાજા! હો આવો, આવોને બાળારાજા! ખવરાવું ઘી, ખાંડ, ખાજાં! હો આવો, આવોને બાળારાજા!

(નાચતો ગાતો જાય છે.)

ચાડિયો

નૃત્યગીત

(ચાડિયાની જેમ કાટખૂણે હાથ રાખીને એક બાળક ઊભું રહે છે. અંગ સાવ સ્થિર રાખે છે, પણ ગાતાંગાતાં પ્રત્યેક લીટીના ભાવ મુખથી અને આંખથી વ્યક્ત કરે છે. ગીત બેત્રણવાર ગાય છે અને ક્ષણે ક્ષણે ગતિ કરે છે. અને ચાલતી પકડે છે.) ઊડો કાબર, ઊડો ચકલાં, ઊડો મેના પોપટ મોર; હું આ ખેતરનો રખવાળો, સઘળાં પેઠાં ક્યાંથી ચોર ? થોર તણી આ વાડ ઉગાડી, છીંડે બાવળ કાંટ ભરી; તોય તમે ક્યાંથી અહીં આવ્યાં? સંતાકૂકડી કેવી કરી?

સાખી

ઊડો કહું છું એટલું, હું શાણો રખવાળ ખેડૂત આવી જો ચડે, ગોફણ ઘાવ ઉછાળ મોતી-મૂઠશાં ડૂંડાં ઝૂલે, લીલો નીલમડો શો મોલ; દાણો ઓછો એક ન થાશે, માલિકને મેં દીધો કોલ. ખેડૂત આવે, ઊડી જાઓ, એ જોતાં હું સાદ કરીશ; ખોટા ખોટા ડોળા ફાડી, છુપાઈને દાણા ધરીશ. ઊડો કાબર, ઊડો ચકલાં, ઊડો મેના પોપટ મોર; હું આ ખેતરનો રખવાળો,

સઘળાં પેઠાં ક્યાંથી ચોર?