મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા/૮૨.તુલજારામ
આ કવિએ કેટલાંક રસપ્રદ આખ્યાનો ને પદો રચ્યાં છે, એમાં ‘અભિમન્યુ આખ્યાન/કોઠાયુદ્ધ’ નોંધપાત્ર છે.
૧ પદ
(અભિમન્યુ આખ્યાન/કોઠાયુદ્ધ-માંથી)
મને મારીને રથ ખેડ્ય
મને મારીને રથ ખેડ્ય રે, બાળા રાજા રે!
મને જુદ્ધે સાથે તેડ રે, બાળા રાજા રે!
આપણ સરખા સરખી જોડ રે, બાળા રાજા રે
મને જુદ્ધ જોયાના કોડ રે, બાળા
લાવો હું ધરું હથિયાર રે, બાળા રાજા રે,
કરું કૌરવનો સંહાર રે, બાળા
છાંડી જુદ્ધ વળો ઘેર આજ રે, બાળા રાજા રે,
મારા બાપનું અપાવું રાજ રે, બાળા
નારી કેશ સમૂળા કાડે રે, બાળા રાજા રે,
રથ ઉપર દેહ પછાડે રે, બાળા
મારું જોબનિયું ભરપૂર રે, બાળા રાજા રે,
મને મેલીને ચાલ્યા દૂર રે, બાળા
મેં તો શો કર્યો અધર્મ રે? બાળા રાજા રે,
મારે કિયા જનમનાં કર્મ રે? બાળા
મેં તો વેલો વાધતી તોડી રે, બાળા રાજા રે,
મેં તો ધાવતી ધેન વછોડી રે, બાળા
મેં તો વહેતી નીકે દીધો પાગ રે, બાળા રાજા રે,
લીલા વનમાં મેલી આગ રે, બાળા